IIT બૉમ્બેના વિદ્યાર્થી સાહિલ વાકોડેના મૃત્યુ બાદ પરીક્ષાનું દબાણ, કાઉન્સેલિંગ અને વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે સવાલો ઊઠ્યા છે. સાહિલના પરિવારના આરોપો અને પ્રોફેસર ડૂલ્લાના સમર્થકોના દાવા વચ્ચે મામલાની તપાસ ચાલી રહી છે.
સાહિલ વાકોડે
યુવા પેઢી માટે અગાઉ જેન નેક્સ્ટ શબ્દપ્રયોગ થતો હતો જે સમય સાથે બદલાઈને છેલ્લાં થોડાં વર્ષોથી જેન-ઝી બની ગયો છે અને આ શબ્દ ૨૦૨૬ના વર્ષમાં સૌથી વધુ ચલણી બની ગયો છે - થૅન્ક્સ ટુ જંતર મંતર આંદોલન ૨૦૨૬. નૅશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET)ની પરીક્ષાઓના પેપર-લીકના ઉપરાછાપરી મામલાઓ અને કેટલાક વિદ્યાર્થીઓએ કરેલી આત્મહત્યાના સંદર્ભે વિદ્યાર્થી સંગઠનોએ શિક્ષણપદ્ધતિમાં, ખાસ કરીને પરીક્ષાપદ્ધતિમાં સુધારા કરવાની સાથે શિક્ષણપ્રધાનના રાજીનામાની માગણી કરેલી અને વિદ્યાર્થી આંદોલનને રાજકીય પક્ષોનો ટેકો મળ્યા પછી એ મામલો વધુ ઉગ્ર બનેલો. છેવટે પવનની રૂખ પારખીને સરકારે તેમની માગણી સ્વીકારીને કેન્દ્રીય શિક્ષણપ્રધાનનું રાજીનામું માગી લીધું. જેન-ઝીનો જુસ્સો બુલંદ થયો અને ત્યાર બાદ અનેક વિદ્યાર્થી દેખાવો કે વિરોધ-પ્રદર્શનના કિસ્સા દેશમાં વધવા લાગ્યા છે. તાજેતરમાં દેશની વિખ્યાત સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (IIT)ની મુંબઈ શાખામાં એક વિદ્યાર્થીની આત્મહત્યા સંદર્ભે બે પક્ષોનું સામસામું આંદોલન ચાલ્યું છે.
અહેવાલ પ્રમાણે ૧૮ સપ્ટેમ્બરે IIT-પવઈમાં ચાલી રહેલી મિડ-સેમેસ્ટર પરીક્ષા દરમ્યાન CCTV કૅમેરામાં એનર્જી સાયન્સ ઍન્ડ એન્જિનિયરિંગ વિભાગના વડા પ્રોફેસર સત્યનારાયણ ડૂલ્લાએ એ જ વિભાગના એક વિદ્યાર્થીને વર્ગમાં નીચે વળીને મોબાઇલ પર કશુંક જોતાં જોયો. તે મોબાઇલમાં ChatGPT ખોલીને પોતાનું પેપર અપલોડ કરી રહ્યો હતો. પ્રોફેસર તેને ક્લાસની બહાર લઈ ગયા. ત્યાર બાદ તે વિદ્યાર્થી કૉલેજની હૉસ્ટેલની પોતાની રૂમ પર ગયો અને પછી બહાર નીકળ્યો જ નહીં. તેણે રૂમમાં પંખા પર લટકીને આત્મહત્યા કરી લીધી.
સાહિલ વાકોડે નામના તે વિદ્યાર્થીની આત્મહત્યાના સમાચાર વિદ્યાર્થી સમૂહમાં ફેલાતાં વિરોધનો જુવાળ ઊઠ્યો. તેમણે એનર્જી સાયન્સ ઍન્ડ એન્જિનિયરિંગ વિભાગના વડા પ્રો. ડૂલ્લાને દૂર કરવાની માગણી કરી. એ સાથે જ IITમાં થતી વિદ્યાર્થીઓની આત્મહત્યાનાં કારણોની તપાસ, IITની પરીક્ષાવ્યવસ્થા તેમ જ વિદ્યાર્થીઓ માટેનાં કાઉન્સેલિંગ સેન્ટર્સની જોગવાઈઓ સંદર્ભે સુધારા લાવવાની માગણી સાથે દેખાવો શરૂ કરી દીધા.
આ ઘટના વિશે જાણ્યું ત્યારે આશ્ચર્ય થયેલું કે કોઈ વિદ્યાર્થી પરીક્ષાખંડમાં ચોરી કરતાં પકડાય અને ઇન્વિજિલેટર કે સંબંધિત અધિકારી તેની સામે પગલાં લે તો એમાં આત્મહત્યા કરી લેવાની?! વળી અન્ય ૬૦થી વધુ વિદ્યાર્થીઓ સામે પણ આવાં પગલાં લેવાયાં જ છે. જોકે શરૂઆતમાં IITએ સાહિલ દ્વારા ક્લાસરૂમમાં મોબાઇલ ફોનના ઉપયોગ વિશે આપેલું નિવેદન પાછળથી પાછું ખેંચી લીધું છે.
બીજી બાજુ સાહિલનાં માતા-પિતાએ ફરિયાદ કરી કે પ્રોફેસર દ્વારા સાહિલ સાથે જાતિગત ટિપ્પણીઓ કરાતી હતી અને તેનું માનસિક ઉત્પીડન કરવામાં આવી રહ્યું હતું. આ બધાને કારણે તે વ્યથિત હતો. તેમણે પ્રોફેસર ડૂલ્લાની ધરપકડ કરવાની માગણી કરી છે. દરમ્યાન પ્રોફેસર ડૂલ્લાને સંસ્થા દ્વારા રજા પર ઉતારી દેવાયા છે અને તેમની પૂછપરછ પણ થવાની છે. જોકે પ્રોફેસર ડૂલ્લાના સમર્થનમાં પણ વિદ્યાર્થીઓનો એક મોટો સમૂહ અને પ્રાધ્યાપક બિરાદરીના સભ્યો આગળ આવ્યા છે. તેમનું કહેવું છે કે પ્રોફેસર ડૂલ્લા એક ઉત્તમ પ્રાધ્યાપક છે, તેમણે વિદ્યાર્થીઓના કલ્યાણ માટે અનેક પગલાં લીધાં છે. હા, શિસ્તની બાબતમાં તેઓ કડક છે, પરંતુ એ તો વિદ્યાર્થીના ભલા માટે જ. પ્રોફેસર દુલ્લાને શ્રેષ્ઠ શિક્ષકનો અવૉર્ડ બે વાર મળ્યો છે.
આ બધી સામસામા છેડાની દલીલો સાંભળીને આપણે પણ મૂંઝવણ અનુભવીએ કે ખરેખર સાચું શું હશે? દરમ્યાન આ સમગ્ર મામલામાં પુરાવા પર પ્રકાશ પાડવાની ક્ષમતા જેની પાસે છે તે સાહિલનો મોબાઇલ ફોન હજી સુધી અનલૉક થઈ શક્યો નથી એટલે કે ખોલી શકાયો નથી. એ ખૂલે તો સાહિલે ખરેખર ChatGPT પરથી પરીક્ષાના પેપર સંબંધી મદદ માગી કે લીધી હતી કે નહીં એની જાણકારી મળી શકે. સાથે જ તેનાં માતા-પિતાએ કરેલી ફરિયાદ સંદર્ભે પણ કોઈ ક્લુ હોય તો મળી શકે. જોકે આ લખાય છે ત્યાં સુધી એ શક્ય બન્યું નથી. ફોનને અનલૉક કરવા ટેક્નિકલ બાબતોના નિષ્ણાતની મદદ લેવાઈ રહી છે.
IIT કે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં આત્મહત્યાના બનાવો કોઈ પણ સંવેદનશીલ નાગરિકને હચમચાવી દે એટલી સંખ્યામાં બનતા રહે છે. IIT-બૉમ્બેમાં આ વર્ષની આ ત્રીજી કમનસીબ ઘટના છે. શાળાંત પરીક્ષાઓમાં અવ્વલ દરજ્જાનો દેખાવ કરીને અને કૉમન એન્ટ્રન્સ ટેસ્ટમાં પણ અખિલ ભારત સ્તરે સ્પર્ધામાં ઉચ્ચ નંબર મેળવીને IIT જેવી સન્માનનીય શિક્ષણસંસ્થામાં પ્રવેશ મેળવનારા હોનહાર વિદ્યાર્થીઓ એવા કયા દબાણ કે ભયને કારણે જિંદગી જીવવાની હિંમત હારી જતા હશે? કેટલાય વિદ્યાર્થીઓએ તો તેમના શિક્ષણ માટે પોતાનાં મા-બાપને જીવનનું સર્વસ્વ હોડમાં મૂકી દેતાં જોયાં હોય છે તો અનેકોના મનમાં મા-બાપનાં સપનાં અને અપેક્ષાઓમાં ખરા ઊતરવાના નિશ્ચયો કોતરાઈ ગયા હોય છે. IITના જ એક ભૂતપૂર્વ વિદ્યાર્થી ધીરજ સિંહ ઉચ્ચ શિક્ષણસંસ્થાઓમાં આત્મહત્યા નિવારણના પ્રયત્નો કરી રહ્યા છે. તેઓ કહે છે કે IITના સ્ટેચરની દેશની અન્ય શિક્ષણસંસ્થાઓ કરતાં IITમાં થતી આત્મહત્યાનો દર ઘણો ઊંચો છે. તેમણે IIT, નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (NIT) અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ જેવી અગ્રણી શિક્ષણસંસ્થાઓમાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સંદર્ભે પ્રતિસાદ આપવા સરકારને અરજ કરી છે.
શિક્ષણના દબાણથી કે કોઈ અન્ય કારણોસર વિદ્યાર્થીઓ માનસિક વ્યગ્રતા અનુભવી રહ્યા હોય એ શક્ય છે. આ જ કારણસર IITએ છેલ્લાં પાંચેક વર્ષથી પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે કાઉન્સેલિંગની વ્યવસ્થા વિકસાવી છે. આમ છતાં પરિસ્થિતિ આ છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે કાઉન્સેલર પ્રોફેસરોમાંથી જ હોય છે. તેમની સમક્ષ વિદ્યાર્થીઓ ખૂલીને નિર્ભીકપણે મનની વાત વ્યક્ત ન કરી શકે એ શક્ય છે. જેમ કે કોઈ પ્રોફેસરના વાણી કે વર્તનથી ત્રસ્ત વિદ્યાર્થી પોતાની માનસિક સ્થિતિ પાછળનું સાચું કારણ કાઉન્સેલરને કહેતાં ડર અનુભવે એ સ્વાભાવિક છે. વળી વિદ્યાર્થીઓના કહેવા મુજબ આ કાઉન્સેલર્સમાં તેમને સિન્સિયરિટી કરતાં ઉતાવળે કામ પતાવવાની વૃત્તિ વધુ દેખાય છે. સ્વતંત્ર કાઉન્સેલર્સ માટેની વિદ્યાર્થીઓની દલીલમાં દમ છે. ૨૦ વર્ષના સાહિલનું અપમૃત્યુ એક આઘાતજનક ઘટના છે, પરંતુ એ ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓને નિવારવામાં નિમિત્ત બને તો એ એક સળગતી સમસ્યાના ઉકેલની દિશાની ચિનગારી બની રહેશે.
-તરુ મેઘાણી કજારિયા
