Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > હાય-હેલોની માનસિક ગુલામીમાંથી ક્યારે મુક્ત થઈશું?

હાય-હેલોની માનસિક ગુલામીમાંથી ક્યારે મુક્ત થઈશું?

Published : 13 August, 2026 05:06 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્વતંત્રતાના ૮૦મા વર્ષની ઉજવણી વચ્ચે પોતાની સંસ્કૃતિ, સંસ્કાર, સ્વાવલંબન અને જવાબદારીની ભાવનાને જાળવી રાખીને નવી પેઢીને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકાયો છે.

નયના દોશી

નયના દોશી


આ ૧૫ ઑગસ્ટે આપણે ૮૦મો સ્વતંત્રતા-દિવસ ઊજવવા જઈ રહ્યા છીએ, પરંતુ વિચારવા જેવી બાબત એ છે કે શું આપણે માનસિક રીતે ખરેખર મુક્ત થયા છીએ? માત્ર આજની નવી પેઢી જ નહીં, ઘરના વડીલો પણ સવારે સોશ્યલ મીડિયા પર હાય-હેલો લખવાનું પસંદ કરે છે. આપણી સંસ્કૃતિ મુજબ સવારની શરૂઆત ‘જય જિનેન્દ્ર’, ‘જય શ્રીકૃષ્ણ’ કે ‘જય સિયારામ’ જેવા શબ્દોથી થવી જોઈએ જે આપણી અસલી ઓળખ છે. ભારતીય સંસ્કૃતિની સુગંધ દુનિયા સમક્ષ ત્યારે જ પહોંચશે જ્યારે આપણે આવી નાની બાબતોને પ્રાથમિકતા આપીશું. આપણાં બાળકો માનસિક, શારીરિક અને વૈચારિક રીતે મજબૂત બને એ માટે માત્ર બાળકો પાસેથી અપેક્ષાઓ રાખવી પૂરતી નથી. તેઓ ઉપદેશથી નહીં, માતા-પિતા અને વડીલોના અનુકરણથી શીખે છે. તેમને માત્ર પુસ્તકીય શિક્ષણ કે ડિગ્રીઓ અપાવીને અટકી જવાનું નથી. શિક્ષણની સાથે-સાથે તેમનામાં ધાર્મિક સંસ્કારોનું સિંચન પણ કરવું પડશે. તેમને પાણી, અન્ન અને વાણીનો સંયમપૂર્વક ઉપયોગ કરતાં અને એનો બગાડ અટકાવતાં શીખવવું પડશે. વિશ્વના કોઈ પણ ક્ષેત્રમાં શિખર પર પહોંચેલી વ્યક્તિના જીવનમાં ડોકિયું કરશો તો એક વાત સામાન્ય જોવા મળશે – તેમની સર્વોચ્ચ કર્તવ્યનિષ્ઠા અને જવાબદારીની ભાવના. આ તમામ સફળ લોકો ગમે એટલા ઊંચા સ્થાને પહોંચ્યા હોય, પણ ક્યારેય પોતાની જમીન એટલે કે પોતાનાં મૂળિયાં અને સંસ્કૃતિને ભૂલતા નથી.
આજકાલ બાળકોને ઉચ્ચ શિક્ષણ કે કરીઅર માટે વિદેશ મોકલવાની આંધળી દોટ ચાલી રહી છે, પરંતુ વાસ્તવમાં વિદેશ મોકલવાની કોઈ જરૂર નથી. તેઓ અહીં રહીને પણ ખૂબ સારું ભણી શકે છે અને પ્રગતિ કરી શકે છે. હું મહિલા મંડળ સંસ્થાઓ અને લગ્નવિષયક સંસ્થા સાથે જોડાયેલી છું. ઘણી વાર બહેનો અને લગ્નલાયક કન્યા તરફથી એવો પ્રતિસાદ મળે છે કે વિદેશમાં તો બધું કામ જાતે કરવું પડે છે, જ્યારે અહીં ભારતમાં આપણી પાસે નોકર-ચાકરની સગવડ છે. આવી માનસિકતા બદલવાની ખાસ જરૂર છે. છોકરો હોય કે છોકરી, બાળકને નાનપણથી દરેક કામ કરવા પ્રોત્સાહિત કરો. સ્વાવલંબનના પાઠ ઘરમાંથી જ શરૂ થાય છે. આપણે સૌ સાથે મળીને, યુવાપેઢીને સાથે રાખીને કુટુંબ, સમાજ અને દેશને આગળ વધારવા કટિબદ્ધ થઈએ. આ વિચારધારાને સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડીએ જેથી આપણી ગૌરવશાળી સંસ્કૃતિ અને સંસ્કારો હંમેશાં અકબંધ રહે.


Whatsapp-channel Whatsapp-channel

13 August, 2026 05:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK