Mumbai Crime: નિર્મલ નગર પોલીસે ખાર ઈસ્ટ વિસ્તારમાં ઓટો-રિક્ષા ચોરીના કેસ સંબંધમાં ૨૦ વર્ષીય યુવાનની કરી ધરપકડ; આરોપી પાસેથી પોલીસે રુપિયા ૩.૩૪ લાખની કિંમતની ચાર ચોરાયેલી ઓટો-રિક્ષા જપ્ત કરી; યુવાન ચોરીના અન્ય ૧૪ કેસોમાં સામેલ હોવાનો ખુલાસો થયો
આરોપી સાથે નિર્મલ નગર પોલીસની ટીમ (તસવીર સૌજન્યઃ મિડ-ડે)
મુંબઈ (Mumbai) ની નિર્મલ નગર પોલીસ (Nirmal Nagar Police) એ પશ્ચિમી ઉપનગરોમાં ઓટો-રિક્ષા ચોરીની શ્રેણીબદ્ધ ઘટનાઓમાં કથિત રીતે સંકળાયેલા ૨૦ વર્ષીય યુવકની ધરપકડ કરી છે. તેની ધરપકડ બાદ પોલીસ ટીમે આશરે રુપિયા ૩.૩૪ લાખની કુલ કિંમતની ચાર ચોરાયેલી ઓટો-રિક્ષા જપ્ત (Mumbai Crime) કરી છે. અધિકારીઓએ ખુલાસો કર્યો હતો કે ઝડપાયેલો આરોપી એક સિરિયલ ગુનેગાર છે, જે અનેક પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ચોરીના ૧૪ કેસ સાથે જોડાયેલો છે.
પોલીસ ચોકી નજીક થયેલી ચોરીથી તપાસ શરૂ થઈ
ADVERTISEMENT
૯ ઓગસ્ટે ખાર (Khar) ઈસ્ટ સ્થિત ગોલીબાર રોડ (Golibar Road) પર અંબેવાડી પોલીસ ચોકી (Ambewadi Police Chowky) ની બિલકુલ સામેથી ઓટો-રિક્ષા (રજિસ્ટ્રેશન નંબર MH 02 DU 2868) ની ચોરી થયા બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી. વાહન માલિકની ફરિયાદના આધારે, નિર્મલ નગર પોલીસે ભારતીય ન્યાય સંહિતા (Bharatiya Nyaya Sanhita - BNS) ની કલમ ૩૦૩(૨) (ચોરી) હેઠળ ગુનો નોંધ્યો હતો.
સ્થાનિક સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસતી વખતે અને બાતમીદારો પાસેથી માહિતી (Mumbai Auto-Rickshaw Theft) મેળવતી વખતે, પોલીસ અધિકારીઓએ કાળા પેન્ટ અને કાળી બનિયાન પહેરેલા એક શંકાસ્પદ વ્યક્તિને બીજી ઓટો-રિક્ષા (MH 02 DU 0995) પાર્ક કરતા અને ત્યારબાદ ચોરાયેલી રિક્ષા લઈને ત્યાંથી ભાગી જતાં જોયો હતો.
સિરિયલ ગુનેગારને પકડવા પોલીસે જાળ બિછાવી
તપાસકર્તાઓએ શંકાસ્પદ વ્યક્તિની ઓળખ કાર્તિક શિવશંકર ઉપાધ્યાય (Kartik Shivshankar Upadhyay) તરીકે કરી હતી, જે સાંતાક્રુઝ (Santacruz) ઈસ્ટના વાકોલા (Vakola) વિસ્તારનો રહેવાસી ૨૦ વર્ષીય બેરોજગાર યુવક છે. ૧૦ ઓગસ્ટે, પોલીસ ટીમે બપોરે ૩:૦૦ થી રાત્રે ૧૧:૦૦ વાગ્યા વચ્ચે ચોક્કસ જગ્યાએ જાળ બિછાવીને ઉપાધ્યાયની સફળતાપૂર્વક ધરપકડ કરી હતી.
પોલીસ પૂછપરછ દરમિયાન ઉપાધ્યાયે ઓટો-રિક્ષા ચોરી કર્યાની કબૂલાત કરી હતી. પોલીસ રેકોર્ડની ચકાસણી કરતાં એ પણ સ્પષ્ટ થયું હતું કે આરોપી નિર્મલ નગર, વાકોલા અને ખેરવાડી પોલીસ સ્ટેશન (Kherwadi police station) માં નોંધાયેલા વાહન ચોરીના ભૂતકાળના ૧૪ કેસોમાં સામેલ હતો.
ચાર ચોરાયેલી ઓટો-રિક્ષા રિકવર કરાઈ
પૂછપરછ દરમિયાન આરોપી દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે, પોલીસે વિવિધ પોલીસ સ્ટેશનોના અધિકારક્ષેત્ર હેઠળ આવતી ચાર ચોરાયેલી ઓટો-રિક્ષા શોધી કાઢીને જપ્ત કરી હતી:
MH 02 DU 2868 (નિર્મલ નગર પોલીસ સ્ટેશન)
MH 02 FB 9636 (નિર્મલ નગર પોલીસ સ્ટેશન)
MH 02 DU 0995 (ખેરવાડી પોલીસ સ્ટેશન)
MH 02 EE 3450 (વાકોલા પોલીસ સ્ટેશન)
જપ્ત કરાયેલા વાહનોની કુલ કિંમત રુપિયા ૩.૩૪ લાખ થાય છે. આ કામગીરી મુંબઈ પોલીસ (Mumbai Police) ના વેસ્ટર્ન રીજનના વરિષ્ઠ અધિકારીઓના સુપરવિઝન હેઠળ હાથ ધરવામાં આવી હતી. આરોપી સાથે કોઈ અન્ય સહ-આરોપીઓ સામેલ હતા કે કેમ તે અંગે આગળની તપાસ ચાલી રહી છે.
