Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ઇન્ડિયન આર્મીની નવી બટૅલ્યન્સ એટલે છોટા પૅકેટ, બડા ધમાકા

ઇન્ડિયન આર્મીની નવી બટૅલ્યન્સ એટલે છોટા પૅકેટ, બડા ધમાકા

Published : 01 February, 2026 03:12 PM | IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

મહાકાય અને કદાવર સેનાને બદલે નવું ભારત હવે નાની, ઝડપી અને ટેક્નૉલૉજીથી સજ્જ ટુકડીઓ પર વધુ ધ્યાન આપે છે. કઈ-કઈ છે એ બટૅલ્યન અને કેવી રીતે એ કામ કરે છે એ જાણવા જેવું છે

ભૈરવ બટૅલ્યન

ભૈરવ બટૅલ્યન


સેના વિશે આમ પણ બહુ ઓછી માહિતી જાહેર થતી હોય છે અને એને કારણે જ એક સામાન્ય માન્યતા એવી રહી છે કે પરંપરાગત રીતે જ સેના અને એના સૈનિકો કામ કરતા હોય છે. પણ ના, નવા ભારતને આ વાત લાગુ નથી પડતી. નવા ભારતે અને નવા ભારતની નવી માનસિકતાએ ઊભાં થઈ શકે એવાં નવાં સંકટો સામે હામ ભીડવા માટે સેનામાં પણ બદલાવ કર્યો અને એ બદલાવ વચ્ચે નવી બટૅલ્યન બનાવવાનું કામ પણ કર્યું. આ જે નવી બટૅલ્યન છે એને સ્પેસિફિક ઉદ્દેશ સાથે બનાવવામાં આવી છે તો આ જે નવી બટૅલ્યન છે એની ટ્રેઇનિંગ પણ અલગ હોય છે. ભારતીય સેના અત્યારે પરિવર્તનના મોટા અને મહત્ત્વના તબક્કામાંથી પસાર થઈ રહી છે અને આ જ તબક્કો દેશને વધુ સ્ટ્રૉન્ગ અને સિક્યૉર બનાવવાનો છે. લશ્કરના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ થોડા સમય પહેલાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, ‘સેનાની તાકાત અને ઝડપ વધારવા માટે ઇન્ટિગ્રેટેડ બૅટલ ગ્રુપ્સ એટલે કે IBG અને એવિયેશન બ્રિગેડ જેવા મહત્ત્વના નિર્ણયો લઈને દેશની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. સેનાનાં આ બૅટલ ગ્રુપ્સનો ઉપયોગ ખાસ સમયે અને ખાસ જગ્યા પર કરવામાં આવશે.’

સેનામાં તૈયાર કરવામાં આવેલી આ બટૅલ્યન વિશે વિગતે જાણવા જેવું છે.



ભૈરવ બટૅલ્યન


ભૈરવ બટૅલ્યન શરૂ કર્યાને હજી માંડ ૧૪થી ૧૫ મહિના થયા છે. રશિયા-યુક્રેન અને ઇઝરાયલ-હમાસ જેવાં આધુનિક યુદ્ધોમાંથી શીખ મેળવીને ખાસ તૈયાર કરવામાં આવેલી આ બટૅલ્યન સીધી જ સેના-સુપ્રીમોની અન્ડરમાં કામ કરે છે. અત્યાર સુધીમાં ૧૩ બટૅલ્યન કાર્યરત થઈ છે અને નજીકના ભવિષ્યમાં વધુ ૧૨ બટૅલ્યન ઉમેરવામાં આવવાની છે.

સામાન્ય ઇન્ફન્ટ્રી એટલે કે પાયદળ અને સ્પેશ્યલ ફોર્સિસ (SF) વચ્ચે જે અંતર હતું એ ભરવા માટે ભૈરવ બટૅલ્યનની રચના કરવામાં આવી છે. આ બટૅલ્યન રેજિમેન્ટની મદદ વિના સ્વતંત્ર રીતે નાનાં જૂથોમાં કામ કરી શકે છે. આ બટૅલ્યનમાં માત્ર આર્મીના સૈનિકો જ નહીં પણ આર્ટિલરી, ઍર ડિફેન્સ અને સિગ્નલ એક્સપર્ટ્સ પણ સમાવિષ્ટ છે.


ભૈરવ બટૅલ્યનનું મુખ્ય કામ જોઈએ તો સરહદ પાર જઈને દુશ્મનને સરહદ સુધી લાવવામાં સરળતા કરી આપનારા રસ્તાઓ રોકવાનું, દુશ્મનોની

સપ્લાય-લાઇન તોડવાનું અને દુશ્મનના રડારને નષ્ટ કરવાનું છે. ભૈરવ બટૅલ્યનને અત્યાધુનિક ડ્રોન આપવામાં આવ્યાં છે તો સાથોસાથ ભૈરવ પાસે આત્મઘાતી ડ્રોન પણ છે જે દુશ્મનના લોકેશન પર જઈને વિસ્ફોટ કરી શકે છે.

ભૈરવ બટૅલ્યનના સૈનિકોને ઘાતક સૈનિકો કરતાં પણ ઉપરના સ્તરની તાલીમ આપવામાં આવે છે જેમાં મલ્ટિ-ડોમેન ટ્રેઇનિંગ અને સર્વાઇવલ ટ્રેઇનિંગનો સમાવેશ થાય છે.

મલ્ટિ-ડોમેન ટ્રેઇનિંગની વાત કરીએ તો બટૅલ્યનને જમીન પર લડવા ઉપરાંત, પૅરૅશૂટ દ્વારા હવામાંથી ઊતરવાની અને પાણીની અંદર પણ ઑપરેશન પાર પાડવાની તાલીમ આપવામાં આવે છે. એક ઉપવાસ કરવામાં પણ જેમની બોલતી બંધ થઈ જાય છે તેમણે સર્વાઇવલ ટ્રેઇનિંગ વિશે તો ખાસ જાણવું જોઈએ.

દુશ્મનના વિસ્તારમાં ખોરાક કે પાણી વિના લાંબો સમય કેવી રીતે ટકવું એ આ ટ્રેઇનિંગનો ખાસ હિસ્સો છે તો સાથોસાથ જો દુશ્મનના હાથમાં આવી જાય તો કેવી રીતે એ ટૉર્ચર સહન કરવું એ પણ શીખવવામાં આવે છે. ભૈરવ બટૅલ્યનના સોલ્જર પાણી પીધા વિના અને અનાજનો એક દાણો મોઢામાં નાખ્યા વિના ૧૫ દિવસ કાઢી શકે છે અને તમારી જાણ ખાતર, એ પછી પણ કલાકના ૮૦ અને ૯૦ કિલોમીટરની ઝડપે દોડી શકે છે. કહેવાની જરૂર ખરી કે ભૈરવ બટૅલ્યનને તમામ પ્રકારનાં હથિયારો વાપરવાની સાથોસાથ ડ્રોન ઑપરેટ કરવામાં પણ એક્સપર્ટ બનાવવામાં આવે છે તો દુશ્મનો દ્વારા થતા સાઇબર અટૅકને રોકવાની પણ તેમને માસ્ટરી આપવામાં આવી છે?

જો તમને આ બધું વાંચતી વખતે સેનાની સ્પેશ્યલ ફોર્સ યાદ આવતી હોય તો એની અને ભૈરવ બટૅલ્યન વચ્ચેનો તફાવત સમજી લો.

સ્પેશ્યલ ફોર્સ સ્ટ્રૅટેજી સાથે આગળ વધનારી ફોર્સ છે, જ્યારે ભૈરવ કૉમ્બૅટ એટલે કે લડાયક ફોર્સ છે. સ્પેશ્યલ ફોર્સ ગ્રાઉન્ડવર્ક કરીને આગળ વધે, જ્યારે ભૈરવ બટૅલ્યનને ઑર્ડર આવે એટલે યા હોમ કરીને એ ફતેહ માટે નીકળી પડે.

ભૈરવ પછી હવે વાત કરીએ રુદ્ર બ્રિગેડની.

રુદ્ર બ્રિગેડ

સેનામાં અત્યારે કુલ ૭ રુદ્ર બ્રિગેડ બનાવવામાં આવી રહી છે, રુદ્ર બ્રિગ્રેડ બનાવવાનો નિર્ણય હજી હમણાં ગયા વર્ષે જ લેવામાં આવ્યો. આ બ્રિગ્રેડમાં આર્ટિલરી અને ઇન્ફન્ટ્રી એટલે કે પાયદળ અને તોપખાનાને સાથે જોડવામાં આવ્યા છે, જેથી વૉર-સિચુએશન સમયે વધારે સારી રીતે તાલમેલ લાવી શકાય અને દુશ્મનને જડબાતોડ જવાબ આપી શકાય.

પરંપરાગત રીતે પાયદળ અને તોપખાનાની બ્રિગેડ અલગ રહેતી હોય છે પણ અહીં બન્નેને એક કરી નવી જ બ્રિગેડ ઊભી કરાતાં રુદ્ર બ્રિગેડ પોતે જ એક નાની સેના બનીને કામ આપે છે. રુદ્રમાં પોતાનાં જ ટૅન્ક, તોપ અને સૈનિકો છે. યુદ્ધ વખતે રુદ્ર બ્રિગ્રેડે બીજી રેજિમેન્ટની મદદની રાહ જોવી પડતી નથી.

રુદ્ર બ્રિગેડની ટ્રેઇનિંગ વિશે ખાસ સમજવાની જરૂર છે. અહીં સૈનિકોને ક્રૉસ-ટ્રેઇનિંગ આપવામાં આવે છે એટલે કે પાયદળના જવાનને તોપખાનાનાં સાધનો સમજવાની અને વાપરવાની તો તોપખાનાના જવાનને ગ્રાઉન્ડ લડાઈની પાયાની તાલીમ આપવામાં આવે છે તો સાથોસાથ દુશ્મન પર અચાનક હુમલો કરવાની પ્રૅક્ટિસ કરાવવામાં આવે છે અને જ્યારે એ ટ્રેઇનિંગ આપવામાં આવે છે ત્યારે માઇક્રો-સેકન્ડનો પણ સુધ્ધાં હિસાબ રાખવામાં આવે છે.

હવે વાત આવે છે શક્તિબાણ અને દિવ્યાસ્ત્રની.

શક્તિબાણ અને દિવ્યાસ્ત્ર

આ બે એવી રેજિમેન્ટ છે જેનું કામ બૅચલર્સ અને માસ્ટર્સ જેવું છે. શક્તિબાણને તમે બૅચલર્સ ડિગ્રી માની શકો તો દિવ્યાસ્ત્રને તમે માસ્ટર્સ ડિગ્રી સાથે સરખાવી શકો.

ગયા વર્ષે અમલમાં મૂકવામાં આવેલી શક્તિબાણ રેજિમેન્ટમાં અલ્ટ્રા-મૉડર્ન ડ્રોન, સ્વાર્મ ડ્રોન અને લૉઇટરિંગ મ્યુનિશન એટલે કે આત્મઘાતી ડ્રોનનો ઉપયોગ થાય છે. અત્યારે આ રેજિમેન્ટની મારક ક્ષમતા ૧૦૦થી ૪૦૦ કિલોમીટરની છે એટલે કે આ રેજિમેન્ટના ચપળ સૈનિકો મુંબઈ બેઠાં બરોડામાં ડ્રોનથી હુમલો કરી શકે. મજાની વાત એ છે કે આ રેન્જને ભવિષ્યમાં ૧૦૦૦ કિલોમીટર સુધી લઈ જવાનું લક્ષ્ય સેના રાખે છે.

દિવ્યાસ્ત્રની વાત કરીએ તો એ રેજિમેન્ટ ડ્રોન દ્વારા એવા દુર્ગમ વિસ્તારોમાં હુમલો કરવાને સક્ષમ છે જ્યાં માણસ શારીરિક રીતે દાખલ નથી થઈ શકતો. કાશ્મીરની અનેક ખીણમાં એવાં જંગલો છે જ્યાં માણસ પગપાળા જઈ નથી શકતો. એવી જગ્યાએ દિવ્યાસ્ત્ર રેજિમેન્ટ દ્વારા હુમલો કરવામાં આવશે.

શક્તિબાણ અને દિવ્યાસ્ત્ર ભારતીય તોપખાનાને ડિજિટલ અને ડ્રોન-આધારિત યુગમાં લઈ જવા માટે તૈયાર કરવામાં આવેલી બટૅલ્યન છે. અત્યાર સુધીમાં શક્તિબાણની ૧પ રેજિમેન્ટ તૈયાર થઈ છે, જ્યારે દિવ્યાસ્ત્રની ૧૨ રેજિમેન્ટ બની છે.

આ બન્ને રેજિમેન્ટમાં સેનાના એવા સૈનિકોનો સમાવેશ કરવામાં આવ્યો છે જે ટેક્નૉસૅવી છે. આ સૈનિકોને ડ્રોન-પાઇલટ તરીકે તૈયાર કરવામાં આવ્યા છે તો સાથોસાથ તેમને હાઈ-ટેક સૉફ્ટવેર અને રડાર-સિસ્ટમ ચલાવવાની અને ડિજિટલ મૅપિંગ દ્વારા લક્ષ્ય શોધવાની તાલીમ પણ આપવામાં આવે છે.

હવે વાત કરીએ અશ્ની પ્લૅટૂનની.

અશ્ની પ્લૅટૂન

વાત આગળ વધારતાં પહેલાં અશ્ની શબ્દનો અર્થ સમજી લો. આ સંસ્કૃત શબ્દ છે, જેનો અર્થ થાય છે વજ્ર. સેનાની દરેક ઇન્ફન્ટ્રી બટૅલ્યનમાં એક અશ્ની પ્લૅટૂન બનાવવામાં આવી છે. આ જે અશ્ની પ્લૅટૂન છે એની પાસે ડ્રોન હશે અને એ ડ્રોન ચલાવવામાં એ એક્સપર્ટ હશે. ગયા વર્ષે અશ્ની પ્લૅટૂન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો અને ઑર્ડર કરવામાં આવ્યો કે પાયદળની દરેક બટૅલ્યનમાં એક અશ્ની પ્લૅટૂન ફરજિયાતપણે રહેશે. આવું શું કામ એવો સવાલ જો તમારા મનમાં આવે તો કહેવાનું કે અશ્ની પ્લૅટૂન આખી બટૅલ્યનનું સુરક્ષાકવચ છે.

યુદ્ધના મેદાનમાં જ્યારે સૈનિકો આગળ વધતા હોય ત્યારે અશ્ની પ્લૅટૂન ડ્રોન દ્વારા આગળનો રસ્તો સાફ છે કે નહીં એ તપાસે છે. આ પ્લૅટૂન માત્ર માહિતી નથી આપતી પણ જો એની સામે દુશ્મન આવી જાય તો પ્લૅટૂન પાસે રહેલા નાના આત્મઘાતી ડ્રોન દ્વારા તરત જ વિસ્ફોટ કરી એનો ખાતમો પણ બોલાવશે. અશ્ની પ્લૅટૂનને તમે બટૅલ્યનની ત્રીજી આંખ પણ કહી શકો.

અશ્ની પ્લૅટૂનના સૈનિકોને ઇલેક્ટ્રૉનિક યુદ્ધની તાલીમ અપાય છે તો સાથોસાથ ડ્રોનને દુશ્મનના વારથી બચાવીને કેવી રીતે આગળ લઈ જવું એની પણ તાલીમ આપવામાં આવી છે. આ ઉપરાંત અશ્ની પ્લૅટૂનને ત્રીજી આંખ બનીને ડાર્ક વેબ કે અન્ય સિગ્નલો દ્વારા દેશવિરોધી માહિતી કેવી રીતે મેળવવી એની પણ સ્પેશ્યલ ટ્રેઇનિંગ આપવામાં આવે છે.

આ સિવાય પણ સેનાએ બીજી અનેક એવી બટૅલ્યન ઊભી કરવાનું કામ શરૂ કર્યું છે જે આજના ડિજિટલ યુગમાં દુશ્મન દેશો સામે સક્ષમ હોય અને ભારતીયોનું રક્ષણ કરી શકે. નવું ભારત બીજી બધી વાતોમાં જ આધુનિક નથી થયું, સેનાના રૂઢિગત માળખાની બાબતમાં પણ મૉડર્ન થયું છે અને એટલે જ કહેવાનું મન થઈ આવે, મેરા ભારત (સચ મેં) મહાન...

આ બટૅલ્યન વિશે પણ જાણવા જેવું છે

આકાશ બટૅલ્યન

સરહદ પર દુશ્મન દેશોના ડ્રોન અને મિસાઇલ હુમલાઓને રોકવા માટે આ આકાશ બટૅલ્યન બનાવવામાં આવી છે જે ઍર-ડિફેન્સનું કામ કરે છે. આ બટૅલ્યન મિસાઇલ સિસ્ટમ અને નવાં લેસર-આધારિત હથિયારોથી સજ્જ છે.

સાઇબર બટૅલ્યન

આજના ડિજિટલ યુગમાં દુશ્મનો કમ્પ્યુટર નેટવર્ક પર હુમલો કરે છે ત્યારે ડિફેન્સ સાઇબર એજન્સી એટલે કે DCA હેઠળ સાઇબર બટૅલ્યન તૈયાર કરવામાં આવી છે જે ભારતીય સૈન્યના ડેટાને સુરક્ષિત રાખવાનું અને યુદ્ધ સમયે દુશ્મનના કમ્યુનિકેશન નેટવર્કને રોકવાનું કામ કરે છે.

સ્પેશ્યલ આૅપરેશન્સ ડિવિઝન

આમ તો આ કોઈ એક બટૅલ્યન નથી પણ સેના, વાયુસેના અને નૌસેનાના શ્રેષ્ઠ કમાન્ડો (પૅરા SF, માર્કોસ અને ગરુડ)ની બનેલી એક સંયુક્ત ટીમ છે જે ખાસ તો વિદેશમાં કે સરહદ પાર સર્જિકલ સ્ટ્રાઇક જેવા જોખમી મિશન પર કામ કરે છે.

સ્પેસ કમાન્ડ

અવકાશમાં દુશ્મનના સૅટેલાઇટ પર નજર રાખવા અને જરૂર પડે તો એને નિષ્ક્રિય કરવા માટે આ બટૅલ્યન તૈયાર કરવામાં આવી છે. આ બટૅલ્યન ભારતના સૈન્ય સૅટેલાઇટ્સનું રક્ષણ પણ કરે છે.

માઉન્ટન બટૅલ્યન

પહાડોમાં લડવા માટે ખાસ આ બટૅલ્યન તૈયાર કરવામાં આવી છે. આ બટૅલ્યનમાં એવા સૈનિકો છે જે ૧૫,૦૦૦ ફીટથી વધુ ઊંચાઈ પર ઑક્સિજનની કમી વચ્ચે પણ આધુનિક શસ્ત્રો સાથે લડી શકે છે.

લૉજિસ્ટિક્સ બટૅલ્યન

યુદ્ધના મેદાનમાં દારૂગોળો અને ખાવા-પીવાની ચીજો ઝડપથી પહોંચી શકે એ માટે નવી ઇન્ટિગ્રેટેડ લૉજિસ્ટિક્સ ટુકડીઓ બનાવવામાં આવી છે. પહેલાં આ કામ અલગ-અલગ હતું, હવે એને એક જ કમાન્ડ હેઠળ લાવી દેવાયું છે અને દરેક બટૅલ્યન સાથે આ બટૅલ્યનને જોડવામાં આવી છે.

આર્મી એવિયેશન બ્રિગેડ

પહેલાં હેલિકૉપ્ટર ફક્ત વાયુસેના પાસે રહેતાં, પણ હવે ભારતીય સેનાએ પોતાની અલગ એવિયેશન બ્રિગેડ બનાવી છે. આ ટુકડી પાસે LCH પ્રચંડ અને અપાચે જેવાં લડાયક હેલિકૉપ્ટર હોય છે જે પાયદળ સૈનિકોને સીધી હવામાંથી સુરક્ષા પૂરી પાડે છે.

મુખ્ય મુદ્દો એ છે કે ભારત હવે જૂની અને મોટી બટૅલ્યનને બદલે નાની, ઝડપી અને ટેક્નૉલૉજીથી સજ્જ ટુકડીઓ પર વધુ ધ્યાન આપે છે અને ખરેખર એની આવશ્યકતા પણ હતી જ.

નવી ચાર મેઇન બટૅલ્યનો વચ્ચેનો તફાવત આ રીતે સમજી શકાશે

નામ

મુખ્ય શક્તિ

કામનું સ્તર

ભૈરવ

કમાન્ડો સ્ટાઇલ લડાઈ

સરહદ પાર ઘૂસણખોરી અને વિનાશ

રુદ્ર

તોપખાના અને પાયદળનું મિશ્રણ

સીધી અને મોટી લડાઈ

શક્તિબાણ

ડ્રોન અને લાંબા અંતરની તોપો

૪૦૦-૭૦૦ કિલોમીટર દૂર હુમલો

અશ્ની

નાની ટુકડીનાં ડ્રોન

પોતાની બટૅલ્યનની સુરક્ષા અને રેકી

Whatsapp-channel Whatsapp-channel

01 February, 2026 03:12 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK