Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > હવે ભારતીય બજારને ભારતીયોની જ મૂડીથી મજબૂત બનાવીએ

હવે ભારતીય બજારને ભારતીયોની જ મૂડીથી મજબૂત બનાવીએ

Published : 20 November, 2026 03:28 PM | Modified : 20 November, 2026 03:58 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કોઈ પણ વિકસતા દેશ માટે બહારથી આવતું રોકાણ ફાયદાકારક હોય છે, કારણ કે એનાથી નવી ટેક્નૉલૉજી અને રોજગારી આવે છે. આપણે પણ એનો ફાયદો ઉઠાવ્યો છે, પરંતુ એક કડવું સત્ય એ પણ છે કે વિદેશી રોકાણકારો અહીં માત્ર નફો કમાવા આવે છે.

પ્રતીકાત્મક તસવીર

PoV

પ્રતીકાત્મક તસવીર


થોડા સમય પહેલાં જ્યારે વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાંથી પોતાના પૈસા પાછા ખેંચવાનું શરૂ કર્યું, ત્યારે બધાને લાગ્યું હતું કે આપણું બજાર તૂટી પડશે અને થોડા અંશે એવું થયું પણ ખરું અમુક દિવસો સુધી એની અસર ભારતીય બજારો પર રહી, માર્કેટ સતત નીચે ઊતરતું રહ્યું અને અનેક રોકાણકારોના પૈસા ધોવાઈ પણ ગયા; પરંતુ એની અસર લાંબા ગાળે ટકી ન શકી, કારણ કે આ કપરા સમયમાં ભારતના સામાન્ય મધ્યમવર્ગીય પરિવારોની નાની-નાની બચત અને રોકાણ દેશની ઢાલ બનીને ઊભાં રહ્યાં. આ ઘટના પરથી એટલું તો ચોક્કસ શીખવા મળ્યું કે જો ભારતનો સામાન્ય નાગરિક ધારે તો પોતાના દેશની અર્થવ્યવસ્થાને કોઈ પણ તોફાન સામે અડીખમ ઊભી રાખી શકે છે.

વિદેશી પૈસાનો ભરોસો ક્યાં સુધી?



વૈશ્વિક દૃષ્ટિકોણથી જોઈએ તો આજે આપણો દેશ ઝડપથી આગળ વધી રહ્યો છે. દુનિયાભરના દેશો ભારત તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા તનાવ અને બદલાતા સંજોગો વચ્ચે એક સવાલ આપણે દરેકે પોતાની જાતને પૂછવો જોઈએ : શું આપણા દેશની પ્રગતિ માટે આપણે હંમેશાં વિદેશી પૈસા પર જ નિર્ભર રહીશું? કે પછી હવે સમય આવી ગયો છે કે આપણે સૌ ભારતીયો મળીને આપણા દેશને આર્થિક રીતે મજબૂત બનાવીએ?


વિદેશી રોકાણકારો ફક્ત નફાનાં સગાં છે

કોઈ પણ વિકસતા દેશ માટે બહારથી આવતું રોકાણ ફાયદાકારક હોય છે, કારણ કે એનાથી નવી ટેક્નૉલૉજી અને રોજગારી આવે છે. આપણે પણ એનો ફાયદો ઉઠાવ્યો છે, પરંતુ એક કડવું સત્ય એ પણ છે કે વિદેશી રોકાણકારો અહીં માત્ર નફો કમાવા આવે છે. તેમને આપણા દેશ પ્રત્યે કોઈ લાગણી હોતી નથી. જેવો તેમને દુનિયામાં ક્યાંક બીજે વધુ નફો દેખાય કે તરત જ તેઓ પોતાના પૈસા પાછા ખેંચી લે છે. આવા સમયે જો આપણે માત્ર તેમના જ ભરોસે બેઠા રહીએ તો આપણા દેશની આર્થિક ગાડી અટકી શકે છે.


પૈસા તિજોરીમાં નહીં, વિકાસમાં લાગવા જોઈએ

આપણા દેશની સૌથી મોટી તાકાત આપણી વસ્તી, આપણા યુવાનો અને આપણી બચત કરવાની આદત છે. ભારતીય પરિવારોમાં બચત કરવાની પરંપરા વર્ષો જૂની છે, પરંતુ અહીં બચત અને રોકાણ વચ્ચેનો ફરક સમજવો ખૂબ જરૂરી છે. આપણે ઘરમાં રોકડ રાખીએ, સોનું ખરીદીએ કે બૅન્કમાં પૈસા પડી રહેવા દઈએ તો એ પૈસા માત્ર આપણા પૂરતા જ સીમિત રહે છે; એ પૈસા દેશના કામમાં આવતા નથી. જ્યારે એ જ પૈસા મ્યુચ્યુઅલ ફંડ, શૅરબજાર, સરકારી યોજનાઓ કે દેશના ઉદ્યોગોમાં રોકાય છે ત્યારે એ પૈસા જાગૃત થાય છે. તમારા રોકેલા પૈસાથી કોઈ નવી ફૅક્ટરી શરૂ થઈ શકે છે, નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થઈ શકે છે, અનેક લોકોને રોજગાર મળી શકે છે અને દેશ આગળ વધી શકે છે.

તમારું નાનું રોકાણ, દેશની મોટી તાકાત

ઘણા લોકો એવું વિચારે છે કે રોકાણ કરવા માટે તો બહુ મોટા પૈસા જોઈએ, પરંતુ એવું બિલકુલ નથી. જેમ ટીપે-ટીપે સરોવર ભરાય છે એમ દેશના કરોડો સામાન્ય નાગરિકો દર મહિને પોતાની ક્ષમતા મુજબ થોડી-થોડી રકમ પણ જો ભારતીય બજારમાં રોકવાનું શરૂ કરે તો દેશ પાસે પૈસાનો એટલો મોટો ભંડાર ઊભો થઈ શકે છે કે આપણે કોઈ વિદેશી રોકાણકારોની જરૂર જ ન પડે. અલબત્ત, રોકાણ સમજી-વિચારીને કરવું જોઈએ. પહેલાં પોતાના પરિવારની જરૂરિયાતો અને મુશ્કેલ સમય માટે અલગ પૈસા સુરક્ષિત રાખો અને ત્યાર બાદ જે બચત વધે એને લાંબા ગાળા માટે દેશના વિકાસમાં રોકો. આનાથી બે ફાયદા થશે: એક તો તમારા પોતાના પૈસા સમય સાથે વધશે અને તમારું ભવિષ્ય સુરક્ષિત થશે અને બીજું તમારા પૈસાથી દેશના નાના-મોટા ઉદ્યોગો, નવાં સ્ટાર્ટઅપ્સને નવું બળ મળશે.

દેશભક્તિ તમારા રોકાણમાં પણ દાખવો

દેશને આગળ વધારવાની જવાબદારી માત્ર સરકારની જ નથી, આપણી પણ છે. સરકાર સારા કાયદા બનાવે અને સુવિધાઓ આપે એ જરૂરી છે, પરંતુ એમાં પ્રાણ પૂરવાનું કામ તો નાગરિકોએ જ કરવાનું હોય છે. આપણે સ્વદેશી વસ્તુઓ અપનાવીએ, ખોટા ખર્ચા ઘટાડીએ અને દર મહિને નિયમિત રીતે આપણા દેશના બજારમાં રોકાણ કરવાની ટેવ પાડીએ તો ભારતને વિશ્વની સૌથી મોટી આર્થિક મહાસત્તા બનતા કોઈ રોકી નહીં શકે. યાદ રાખજો, વિદેશી પૈસા આપણા વિકાસને માત્ર થોડો ધક્કો મારી શકે છે, પરંતુ ભારતને ખરા અર્થમાં આત્મનિર્ભરતા અને મજબૂતી તો ભારતીયોની પોતાની મૂડી જ આપી શકે છે.

હું કોઈ મોટો અર્થશાસ્ત્રી નથી, મારામાં જેટલી સમજ છે એ અનુસાર મેં આ વાત રજૂ કરી છે. એથી કોણે, ક્યાં અને કેટલું રોકાણ કરવું એ વિશેની સચોટ સલાહ માટે આપણા ‘મિડ-ડે’માં લખતા નિષ્ણાત અર્થશાસ્ત્રીઓના અભિપ્રાય અને લેખોનો લાભ જરૂર લેજો.

સબકા સાથ - સબકા વિકાસ - સબકા વિશ્વાસ.

અંતિમ વિચાર 

આજે ભારતમાં મ્યુચ્યુઅલ ફંડના સિસ્ટમૅટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) દ્વારા દર મહિને ૩૦ હજાર કરોડ રૂપિયાથી વધુનું સ્થાનિક રોકાણ થઈ રહ્યું છે, જે સામાન્ય નાગરિકોની વધતી જતી આર્થિક જાગૃતિનો જીવંત પુરાવો છે; પરંતુ હજુ આપણે ઘણું આગળ વધી શકીએ એમ છીએ. કલ્પના કરો કે દેશની કુલ જનસંખ્યાના માત્ર ૨૦ ટકા લોકો એટલે કે ૨૮ કરોડ નાગરિકો જો દર મહિને વધારે નહીં પણ ફક્ત ૧૦૦૦ રૂપિયાનું નવું રોકાણ શરૂ કરે તો દર મહિને રૂપિયા ૨૮ હજાર કરોડ અને વર્ષેદહાડે રૂપિયા ૩૩૬ હજાર કરોડની વધારાની સ્થાનિક મૂડી ઊભી થઈ શકે છે. વિચાર કરો કે આટલી જંગી મૂડી જ્યારે દેશના ઉદ્યોગો, માળખાકીય સુવિધાઓ અને નવાં સ્ટાર્ટઅપ્સમાં લાગશે ત્યારે ભારતની ઉત્પાદનક્ષમતા અને રોજગારીમાં કેટલો મોટો ઉછાળો આવશે? આ રોકાણ દેશના વિકાસને નવી ઊંચાઈ આપી શકે છે, જેનો લાભ અંતે સમગ્ર દેશને મળશે. દેશને આર્થિક મહાસત્તા બનાવવા માટે વિદેશી મૂડીની રાહ જોવાની જરૂર નથી, આપણા સૌની નાની-નાની બચત જ ભારતના આર્થિક આત્મવિશ્વાસનો સૌથી મજબૂત પાયો બની શકે તેમ છે. 

રાજેશ ચાવડા સામાજિક-રાજકીય વિષયોના વિશ્લેષક અને કન્ટેન્ટ રાઇટર છે.

- રાજેશ ચાવડા

Whatsapp-channel Whatsapp-channel

20 November, 2026 03:58 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK