મોંઘવારી. બચ્ચા હતા ત્યારથી આ શબ્દ સાંભળતા આવ્યા છીએ. એનાં કારણો અને ઉપાયોની ચર્ચા સાંભળી છે. જોકે એક યા બીજા કારણસર ઉપાય બાદ પણ મોંઘવારી ચાલુ રહે છે. કોઈ પણ અને કેવી પણ સરકાર હોય, મોંઘવારી એક યા બીજા બહાને કે નિમિત્તે આવી જાય છે.
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
આપણે છેલ્લા કેટલાક સમયથી ડૉલર સામે રૂપિયાના ઘટતા જતા મૂલ્યની ચર્ચા અને ચિંતા કરતા રહ્યા છીએ ત્યારે રૂપિયાનું મૂલ્ય દેશની અંદર પણ કેવું ઘટી ગયું છે એ બાબત પણ જાણવા-સમજવા જેવી ખરી. આજની તારીખે મોંઘવારી એવા સ્તરે પહોંચી ગઈ છે કે આપણા રૂપિયાનું મૂલ્ય દેશમાં પણ ઘટી ગયું છે. આપણી પાસેના ૧૦૦ રૂપિયાનું મૂલ્ય આજે માત્ર ૩૮ રૂપિયા છે. ૨૦૧૦માં જે ૧૦૦ રૂપિયા હતા એ હાલ ૨૦૨૬માં ૩૮ રૂપિયા છે, કારણ કે મોંઘવારી જે હિસાબે વધતી ગઈ છે એને કારણે ૧૦૦ રૂપિયાની ખરીદશક્તિ અત્યારે ૩૮ રૂપિયા જેટલી રહી છે. આ હકીકત રિઝર્વ બૅન્કના કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના ડેટા કહે છે, જે ઇન્ફ્લેશન (ફુગાવો-મોંઘવારી)નો સંકેત આપે છે. કેટલીયે આવશ્યક ચીજવસ્તુઓના વધતા ગયેલા ભાવોના પુરાવાની જરૂર ખરી? સૌ જાણે છે અને એનો સામનો પણ કરી રહ્યા છે જેની યાદી ખાસ્સી લાંબી છે.
પ્રજા પર બે કાતિલ ભાર-જવાબદારી
ADVERTISEMENT
આજના સમયના સામાન્યજન માટે સૌથી ઊંચા ખર્ચનાં ક્ષેત્રો કે વિષયો એટલે શિક્ષણ અને સ્વાસ્થ્ય. આ બે વિના ચાલી શકે નહીં. જોકે આ બન્નેનું ભયંકર હદે વ્યાપારીકરણ થઈ ગયું છે. રોટી, કપડા અને મકાન ઉપરાંત આ બે બાબત પણ જીવનાવશ્યકમાં આવે. આ પાયાની સમસ્યા પર સરકારનું જેટલું જોર હોવું જોઈએ એટલું છે નહીં અથવા દેખાતું નથી. માત્ર વર્તમાન સરકાર જ નહીં, અત્યાર સુધીની કોઈ પણ સરકારે આ બાબતને ગંભીરતાથી લીધી જ નથી એમ કહેવામાં અતિશયોક્તિ નહીં ગણાય. વર્તમાન વાસ્તવિકતા પર આવીએ તો હજી પણ સરકાર બહુબધે ટૂંકી પડતી હોવાનું લાગે. ક્યાંક સરકારી આર્થિક-સામાજિક નીતિઓમાં અધૂરપો, અડચણો લાગે તો ક્યાંક વ્યાપારીકરણનું કાતિલ દૂષણ. સેવાનાં ગણાય એવાં આ ક્ષેત્રો આજે ભરપૂર મેવાનાં થઈ ગયાં છે.
પેટ્રોલ, ડીઝલ, એનર્જી-ગૅસ વગેરેની સમસ્યા વર્ષોથી હતી અને રહી છે. તાજેતરમાં થયેલા અમેરિકા-ઈરાન યુદ્ધ બાદ જ એના પ્રત્યે ગંભીર થવાનું હતું? એવો સવાલ પણ થઈ શકે. હાલ માત્ર મોદી સરકારને સંપૂર્ણપણે દોષી ગણતાં પહેલાં કે એના માથે માછલાં ધોતાં પહેલાં અહીં એક વિચાર અવશ્ય કરવો જોઈએ કે જો અત્યારે બીજી કોઈ પણ સરકાર હોત તો દેશની શું દશા હોત? કદાચ અત્યારે છે એના કરતાં વધુ બદતર હોત. અત્યારે તો સુધારાની આશા પણ છે. બાકી મમતાજીના પશ્ચિમ બંગાળ જેવાં ઉદાહરણો સામે જ છે.
મોંઘવારી તો બધે જ છે, પણ...
દેશના આર્થિક વિકાસની વાતો ખૂબ થાય છે, ચોક્કસ બાબતોમાં વિકાસ દેખાય પણ છે; પરંતુ ગરીબી, બેકારી, આર્થિક અસમાનતા અને કેવળ વધતી રહેતી મોંઘવારીનું શું? માત્ર આંકડાઓમાં નહીં, મોંઘવારીને જીવનની વાસ્તવિકતામાં જોવી-સમજવી પડે. સરકાર પાસે લાંબા-લાંબા સમયનાં વિઝન અને મિશન ઘણાં છે, પણ વર્તમાન સમયનું શું? સતત વધતી જતી વિવિધ પાયાની સમસ્યાઓનું શું? મોંઘવારી હાલ અમેરિકામાં પણ વધી રહી છે, પરંતુ આપણી અને એની મોંઘવારીમાં ચોક્કસ ફરક છે. ગરીબ અને અવિકસિત દેશોને સૌથી વધુ અસર મોંઘવારી અને અસમાનતાની હોય છે. સત્તા પર બિરાજમાન લોકો મોંઘવારીની સમસ્યાનો પણ વોટબૅન્ક તરીકે ઉપયોગ કરતા હોય છે, જેમાં કોઈ દેશ કે પક્ષ બાકાત રહી શકે નહીં.
જોકે વર્તમાન ભારત સરકાર આ તમામ સમસ્યાઓનો ઉપાય કરવા તેમ જ દેશને અને પ્રજાને સક્ષમ બનાવવા દરેક પ્રકારના પ્રયાસ કરતી રહી છે, જ્યારે આજે પણ આપણા દેશમાં રાજકીય સમસ્યાઓ-વિવાદો અને સત્તાની લડાઈ દેશને પાછળ રાખવામાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યાં છે. એમાં સામાન્યજન જ સૌથી વધુ પિસાતો રહે છે. આમ તો ઘણું બદલાયું અને સારું પણ થયું છે. જોકે હજી સાચા વિકાસથી બહુ દૂર છીએ. આપણે સહમત હોઈએ કે ન હોઈએ, ગાંધીજીના વિચારોમાં આજે પણ આ સમસ્યાના ઉપાયો મળી શકે છે.
આર્થિક આયોજનનું સાદું ગણિત તો કરીએ
મોંઘવારીનું પાયાનું એક કારણ લોકોની બદલાયેલી લાઇફસ્ટાઇલ પણ છે. લોકોના બિનજરૂરી ખર્ચ વધતા રહ્યા છે. ફૅશન, દેખાદેખી, જલસા કરવાના નામે લોકો લોન લઈને પણ ગજાબહારની મજા કરવા જાય છે. આમાં ઘણાખરા અંશે આવી માનસિકતા ધરાવતી પ્રજા જ જવાબદાર ગણાય. લોકો આર્થિક આયોજનનું સીધું-સાદું ગણિત સમજતા નથી કે સમજવા તૈયાર નથી. પરિણામે મોંઘવારીનો વધુ ભોગ બને છે. ચોક્કસ ખર્ચ કરતાં પહેલાં ચોક્કસ બચત થવી જરૂરી હોય છે. એને બદલે લોકો ખર્ચ કર્યા બાદ બચતનો વિચાર કરે છે જેમાં ઘણી વાર બચત જેવું કંઈ હાથમાં ભાગ્યે જ રહે છે. દેશમાં ફાઇનૅન્શિયલ લિટરસીનો અભાવ પણ મોંઘવારી માટે પરોક્ષ કારણ બને છે. છેલ્લે એક વાત ધ્યાનમાં લેવા-નોંધવા જેવી ખરી કે જેમની પાસે ભરપૂર ધન છે તેમને મોંઘવારી લાગતી નથી. તેઓ કહે છે કે ક્યાં છે મોંઘવારી? જેઓ નિર્ધન યા મધ્યમ વર્ગમાં છે તેઓ કહે છે કે બાપ રે, કેવી ભારે છે મોંઘવારી.
કોઈ ચીજ સસ્તી થાય છે ખરી?
શું ક્યારેય આપણે કોઈ જીવનજરૂરી ચીજવસ્તુઓ સસ્તી થઈ હોવાના સમાચાર વાંચ્યા કે સાંભળ્યા છે? નહીં જ. હા, ક્યારેક એવી હેડલાઇન હોય કે ફલાણું કે ઢીકણું સસ્તું થયું, પરંતુ વાસ્તવમાં એ ખરેખર સસ્તું થયું હોતું નથી. અગાઉ જેટલું વધુ મોંઘું થયું હતું એમાં ઘટાડો થયો હોય એને સોંઘવારી કે સસ્તું થયું ન કહેવાય. એને માત્ર મોંઘવારી થોડી ઘટી કહેવાય. મોંઘવારીને નાથવાનું બહુ કઠિન છે. મોંઘવારી ગ્લોબલ કારણોસર પણ આવે છે અને વધે છે. એની સામે લડવા અને ટકવા સરકારે તથા પ્રજાએ સક્ષમ બનવાનું મિશન બનાવવું રહ્યું.
