સત્ય બોલવું એ ગુણ છે, પણ એ સત્યને કઈ રીતે રજૂ કરવું એ ઇમોશનલ અને સોશ્યલ ઇન્ટેલિજન્સનો વિષય છે...
પ્રતીકાત્મક તસવીર
પેરન્ટ્સ ઇચ્છે છે કે તેમનું બાળક નીડર બને અને પોતાની પસંદ-નાપસંદ બિન્દાસ વ્યક્ત કરે. બાળકોમાં જોવા મળતો આ આત્મવિશ્વાસ આવકાર્ય છે, પરંતુ આ કૉન્ફિડન્સ ક્યારે રૂડનેસમાં બદલાઈ જાય છે એની ઘણી વાર ખબર પડતી નથી. સત્ય બોલવું એ ગુણ છે, પણ એ સત્યને કઈ રીતે રજૂ કરવું એ ઇમોશનલ અને સોશ્યલ ઇન્ટેલિજન્સનો વિષય છે...
૧૦થી ૧૨ વર્ષની ઉંમરના પ્રી-ટીનેજર્સમાં જોવા મળતું સ્ટ્રેટફૉર્વર્ડ વલણ ઘણી વાર વાલીઓ માટે ગર્વનો વિષય હોય છે, કારણ કે એ બાળકની નીડરતા દર્શાવે છે, પરંતુ જ્યારે સીધું કહી દેવાની આ આદત બીજાને નીચા દેખાડવા કે માનસિક રીતે દુભાવવા માટે વપરાય ત્યારે એ આત્મવિશ્વાસ નહીં પણ સંવેદનહીનતા બની જાય છે. ધારો કે ૧૧ વર્ષનો આર્યન તેના મિત્રના ઘરે જાય છે અને ત્યાં જમી રહ્યા હોય ત્યારે મિત્રની મમ્મીને મોઢા પર જ કહી દે છે કે આ રસોઈ સાવ ખરાબ છે, મારાં મમ્મી આનાથી ઘણું સારું બનાવે છે. અહીં આર્યન પોતાની દૃષ્ટિએ સ્ટ્રેટફૉર્વર્ડ છે અને સત્ય બોલી રહ્યો છે, પરંતુ તેની વાત કરવાની રીતમાં વિવેકનો અભાવ છે. તે એ નથી સમજી રહ્યો કે તેની આ સ્પષ્ટતા સામેની વ્યક્તિની મહેનતનું અપમાન કરી રહી છે. આ તેની પર્સનાલિટીનું રૉ સ્વરૂપ છે. આ એજ-ગ્રુપનાં બાળકોનું લૉજિકલ બ્રેઇન અને સોશ્યલ ઇન્ટેલિજન્સ હજી વિકાસશીલ હોય છે ત્યારે આ તબક્કે જ યોગ્ય કમ્યુનિકેશન સ્કિલ્સ કેળવવી જરૂરી છે.
ADVERTISEMENT
ઇરાદાપૂર્વક થતું બુલિંગ અટકાવો
બાળકોમાં રહેલી આ બ્લન્ટ ઍરોગન્સને નમ્રતા અને ઇફેક્ટિવ કમ્યુનિકેશનમાં પરિવર્તિત કરવા માટે પેરન્ટ્સે કેટલીક બાબતો પર ધ્યાન રાખવું બહુ જરૂરી છે એમ જણાવતાં પીડિયાટ્રિશ્યન અને ફૅમિલી કાઉન્સેલર ધ્વનિ ગેસોટા કહે છે, ‘ન્યુ-એજ પેરન્ટિંગમાં ૧૦થી ૧૨ વર્ષનાં બાળકોમાં સ્ટ્રેટફૉર્વર્ડ હોવું એ આત્મવિશ્વાસનું પ્રતીક માનવામાં આવે છે પણ જ્યારે આ સ્ટ્રેટફૉર્વર્ડ બિહેવિયર અહંકાર કે સામી વ્યક્તિને ઠેસ પહોંચાડવા માટે વપરાય ત્યારે એ ચિંતાનો વિષય બને છે. વાલીઓએ પારખવું પડશે કે તેમનું બાળક સહજ રીતે સ્ટ્રેટફૉર્વર્ડ છે કે જાણી જોઈને પોતાનું વર્ચસ્વ જમાવવા માટે શબ્દોનો પ્રહાર કરે છે. જો બાળક દરેક પરિસ્થિતિમાં કોઈ પણ ભેદભાવ વગર જેવું છે એવું કહી દેતું હોય તો એ તેનો સ્વભાવ હોઈ શકે; પરંતુ જો તે માત્ર અમુક મિત્રોને જ ટાર્ગેટ કરતું હોય, વારંવાર અપમાનિત કરીને વર્ચસ્વ જમાવવાનો પ્રયત્ન કરતું હોય તો એ બુલિંગની નિશાની છે. નૅચરલ સ્ટ્રેટફૉર્વર્ડ બિહેવિયર દરેક પરિસ્થિતિમાં સરખું હોય છે, પણ એ કોઈને ટાર્ગેટ કરતું નથી. જ્યારે ‘બુલિંગ’માં બાળક જાણીજોઈને કોઈ ખાસ વ્યક્તિને વારંવાર અપમાનિત કરીને પોતાનું વર્ચસ્વ જમાવવાનો પ્રયત્ન કરે છે. આ વર્તન પાછળ પીઅર પ્રેશર, સોશ્યલ મીડિયા પર વપરાતી ભાષા કે પછી સ્ક્રીન-ટાઇમ પર નિયંત્રણનો અભાવ જવાબદાર હોઈ શકે છે.’
બાળકના આઇડલ બનો
પ્રૉબ્લેમ ખબર પડ્યા બાદ તરત જ એનું સૉલ્યુશન શોધીને અમલમાં મૂકવામાં જ ભલાઈ છે. પ્રી-ટીનેજ બહુ કોમળ હોય છે. આ સમયે જો બાળકોમાં ઉદ્ભવતી ખરાબ આદતો અને વર્તનને બદલવામાં ન આવે તો આગળ જતાં તેઓ સંબંધ સાચવી શકતા નથી અને તેમની સોશ્યલ લાઇફ પણ મેઇન્ટેન કરી શકતાં નથી. આ માટે પેરન્ટ્સે ધ્યાનમાં રાખવા જેવી બાબત વિશે જણાવતાં ધ્વનિ કહે છે, ‘બાળકો માટે તેમનાં માતા-પિતા દુનિયાનો પહેલો અરીસો હોય છે. બાળકો એ નથી કરતાં જે આપણે તેમને કહીએ છીએ, પણ એ કરે છે જે આપણને કરતાં જુએ છે. જો આપણે ઇચ્છીએ કે આપણું ૧૦-૧૨ વર્ષનું બાળક સ્ટ્રેટફૉર્વર્ડ હોવાની સાથે નમ્ર બને તો એની શરૂઆત ઘરના વાતાવરણથી જ કરવી પડશે. ઘણી વાર વાલીઓ એવું વિચારે છે કે જો તેઓ બાળકની સામે પોતાની ભૂલ સ્વીકારશે તો તેમનું માન ઘટશે. હકીકતમાં આનાથી ઊલટું થાય છે. જ્યારે તમે કોઈ વાત પર ખોટા હો અને સહજતાથી કહો છો કે બેટા, આજે મારાથી તારા પર ખોટો ગુસ્સો થઈ ગયો, આઇ ઍમ સૉરી ત્યારે તમે બાળકને અજાણતાં જ બે મોટા પાઠ ભણાવો છો. જો પેરન્ટ્સ પોતે સ્ટ્રેટફૉર્વર્ડ હોવાના બહાને ઘરમાં એકબીજા સાથે કે ઑફિસના કામમાં તોછડાઈથી વાત કરતા હશે તો બાળક એને જ ‘પાવર’ સમજવા લાગશે. પરંતુ જો તમે કોઈ ભૂલ બદલ માફી માગશો તો બાળક શીખશે કે સંબંધોમાં સત્ય બોલવું જેટલું જરૂરી છે એટલું જ જરૂરી સામેની વ્યક્તિની લાગણીનું સન્માન જાળવવાનું છે.’
લાગણીઓનું લેબલિંગ
બાળક જ્યારે એમ કહે કે તારી આ ગેમ સાવ બોરિંગ છે, મને નથી ગમતી ત્યારે તે કદાચ ખરેખર ગેમ વિશે નથી બોલી રહ્યો પણ કદાચ તે પોતે થાકેલો છે અથવા તેને રમતમાં હારવાનો ડર છે એમ જણાવતાં ધ્વનિ કહે છે, ‘જો બાળક પોતાની અંદર ચાલતી ફ્રસ્ટ્રેશન કે ઈર્ષ્યા જેવી લાગણીને ઓળખી લે તો તે સામેની વ્યક્તિ પર સીધો શબ્દ પ્રહાર કરવાને બદલે પોતાની સ્થિતિ સમજાવી શકશે. વાલીઓ ઘરમાં એક રંગીન મૂડ-ચાર્ટ રાખી શકે છે જેમાં ખુશી, ગુસ્સો, ફ્રસ્ટ્રેશન, ઉદાસી અને ડર જેવાં ચિત્રો હોય. જ્યારે બાળક કંઈક કડવું બોલવા જાય ત્યારે તેને અટકાવીને પૂછો, બેટા, અત્યારે તું કેવું ફીલ કરે છે? આ ચાર્ટમાં બતાવ. જો બાળક ફ્રસ્ટ્રેટેડ પર આંગળી મૂકે તો તેને સમજાવો કે તું અત્યારે પરેશાન છે એટલે તને બધું ખરાબ લાગે છે, પણ એનો અર્થ એ નથી કે તું સામેની વ્યક્તિનું અપમાન કરે. આ રીતે તે પોતાની ફીલિંગ્સને પારખવાનું શરૂ કરશે અને જ્યારે તે અશાંતિનું કારણ સમજી જાય ત્યારે આક્રોશ આપોઆપ ઓછો થઈ જાય છે. આ સમયે તેને શીખવો કે તું પાગલ છે એમ કહેવાને બદલે હું અત્યારે થોડો ચિડાયેલો છું, આપણે પછી વાત કરીએ; તારું ડ્રૉઇંગ ગંદું છે એમ કહેવાને બદલે અત્યારે મને આ જોવામાં રસ નથી એમ કહેવું થોડું વિવેકી લાગે.’
THINK રૂલનો અમલ
બાળકને વિવેકબુદ્ધિ શીખવવાનો સૌથી સરળ અને અસરકારક રસ્તો THINK રૂલ છે. આ માત્ર એક નિયમ નથી, પણ બાળક માટે એક મેન્ટલ ફિલ્ટર છે જે શબ્દોને હોઠ સુધી આવતાં પહેલાં ફિલ્ટર કરે છે. એનો અમલ કઈ રીતે કરવો એ વિશે જણાવતાં ધ્વનિ કહે છે, ‘વાલીઓએ ઘરના ફ્રિજ પર અથવા બાળકના સ્ટડી-ટેબલ સામે THINK રૂલનું એક મોટું અને આકર્ષક પોસ્ટર લગાવવું જોઈએ. જ્યારે પણ બાળક કોઈ કઠોર વાત કરે અથવા દલીલ કરે ત્યારે તેને આ પાંચ પ્રશ્નો પૂછો.
T (True) - શું આ સાચું છે? : ઘણી વાર બાળક અફવા કે અડધા સત્યના આધારે કોઈની ટીકા કરે છે. તેને શીખવો કે જો તારી પાસે પુરાવા ન હોય અથવા તું ચોક્કસ ન હોય તો એ વાત ન કહેવી.
H (Helpful) - શું આ મદદરૂપ છે? : જો તમારી વાત સામેની વ્યક્તિને સુધરવામાં કે આગળ વધવામાં મદદ ન કરતી હોય તો એ માત્ર ટીકા છે, સ્ટ્રેટફૉર્વર્ડ હોવું નહીં.
I (Inspiring) - શું આ પ્રેરણાદાયક છે? : આપણા શબ્દોમાં સામી વ્યક્તિનો ઉત્સાહ વધારવાની શક્તિ હોવી જોઈએ. જો તમારી વાત કોઈને નિરુત્સાહ કરતી હોય તો એ બોલતાં પહેલાં ૧૦૦ વાર વિચારવું જોઈએ.
N (Necessary) - શું આ જરૂરી છે? : ઘણી વાર સત્ય હોવા છતાં એ કહેવું દરેક સમયે જરૂરી નથી હોતું. દાખલા તરીકે કોઈ મહેમાનના ઘરે જઈને તેમના ઘરની ખામીઓ કાઢવી એ સત્ય હોઈ શકે, પણ શું એ સમયે એ કહેવું જરૂરી હતું? આ સમજ બાળકને સામાજિક મર્યાદા શીખવે છે.
K (Kind) - શું આ નમ્ર છે? : આ સૌથી મહત્ત્વનું ફિલ્ટર છે. સત્ય હંમેશાં કડવું જ હોવું જોઈએ એવું જરૂરી નથી. તમે તમારી વાત નમ્રતાથી પણ કહી શકો છો. ‘તું ખોટો છે’ના બદલે ‘મને લાગે છે કે અહીં ભૂલ છે’ આ નમ્રતાનો તફાવત છે.’
જાહેરમાં કેવી રીતે ટોકવું?
જો બાળક કોઈનું અપમાન કરે તો તેને બધાની વચ્ચે ખિજાવાને બદલે અમુક ટ્રિક્સ અપનાવી શકાય એ વિશે જણાવતાં ધ્વનિ કહે છે, ‘શાંતિથી તેનો હાથ પકડીને થોડે દૂર એક બાજુ લઈ જાઓ. તેને નમ્રતાથી પણ મક્કમતાથી કહો કે બેટા, તેં જે અત્યારે કહ્યું એનાથી સામેની વ્યક્તિને દુઃખ થયું છે, તારી વાત કરવાની આ રીત યોગ્ય નથી, અત્યારે જ તેમની પાસે જા અને તારી વાત ફરીથી નમ્રતા સાથે વ્યક્ત કર. આનાથી બાળકને પોતાની ભૂલ સુધારવાની તક મળે છે અને તેને જાહેરમાં ક્ષોભ અનુભવવો પડતો નથી. જ્યારે બાળક પોતાની ભૂલ સ્વીકારવા તૈયાર ન હોય અથવા સતત દલીલ કરે કે હું તો સાચું જ બોલું છું ત્યારે તેને ૧૦ મિનિટનો એમ્પથી-બ્રેક આપવો જોઈએ. આ સમય દરમિયાન બાળકને એકાંતમાં બેસીને કેટલાક પ્રશ્નો પર વિચાર કરવા કહો: જો કોઈએ તારા માટે આવા શબ્દો વાપર્યા હોત તો તને કેવું લાગ્યું હોત? સામેની વ્યક્તિના ચહેરા પર અત્યારે કેવા ભાવ છે? શું તે ખુશ છે કે ઉદાસ? તારી આ વાતથી શું કોઈ પ્રશ્નનો ઉકેલ આવ્યો કે માત્ર વિવાદ વધ્યો? સજા કરવાથી બાળક બળવાખોર બની શકે છે, પણ એમ્પથી-બ્રેક તેને આત્મચિંતન કરતાં શીખવે છે. આ પ્રક્રિયા દ્વારા તેને સમજાય છે કે સત્ય બોલવું પર્યાપ્ત નથી, સામી વ્યક્તિની લાગણીઓનું સન્માન જાળવવું એ પણ તેની સામાજિક જવાબદારી છે.’
આ ખાસ ટિપ્સ કમ્યુનિકેશન-સ્કિલ્સ સુધારશે
તેં આ ગંદું કર્યું છે કહેવાને બદલે મને આ રીત ઓછી ગમી એમ કહો. ‘તું’ને બદલે ‘હું’ વાપરો છો ત્યારે સામેની વ્યક્તિને ખોટું ઓછું લાગે છે.
કંઈ પણ બોલતાં પહેલાં માત્ર પાંચ સેકન્ડનો વિરામ લો. મનમાં વિચારો કે શું મારે આ અત્યારે જ કહેવું જરૂરી છે? આ નાનકડો બ્રેક તમને પસ્તાવો થાય એવા શબ્દો બોલતાં અટકાવશે.
જો તમારે કોઈ કડવી વાત કહેવી જ પડે એમ હોય તો એ ગુસ્સામાં કહેવાને બદલે શાંતિથી અને સ્મિત સાથે કહો. તમારી બૉડી-લૅન્ગ્વેજ સામેની વ્યક્તિને આદરનો અનુભવ કરાવશે.
સારા વક્તા બનતાં પહેલાં સારા શ્રોતા બનો. સામેની વ્યક્તિની વાત પૂરી સાંભળ્યા પછી જ તમારો અભિપ્રાય આપો. અધવચ્ચેથી ટોકવું એ ઉદ્ધતાઈની નિશાની ગણાય છે.
તમારી સ્ટ્રેટફૉર્વર્ડ વાતની આગળ-પાછળ ‘મને લાગે છે કે’ અથવા ‘મારા મતે’ જેવા શબ્દો ઉમેરો. આનાથી તમારી વાત અભિપ્રાય લાગશે, આદેશ નહીં.
