Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > તમારા બાળકની ટૅલન્ટ ગૉડ-ગિફ્ટેડ છે કે પછી તે કૉપી-પેસ્ટ માસ્ટર છે?

તમારા બાળકની ટૅલન્ટ ગૉડ-ગિફ્ટેડ છે કે પછી તે કૉપી-પેસ્ટ માસ્ટર છે?

Published : 09 July, 2026 02:41 PM | IST | Mumbai
Kajal Rampariya | feedbackgmd@mid-day.com

આજે નિષ્ણાત પાસેથી જાણીએ બાળકની ખરી પ્રતિભાને શોધીને એને નર્ચર કરવા માટે શું થઈ શકે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


જો તમારું બાળક ડાન્સનાં બે સ્ટેપ્સ સરસ કરી લે કે બે ડાયલૉગ બોલી નાખે અથવા તો એકાદ-બે સારાં ચિત્રો દોરી નાખે એટલે તે સીધું ઍક્ટર કે પેઇન્ટર બની જશે એવું મોટા ભાગના પેરન્ટ્સ વિચારી લે છે. જોકે બાળકમાં સાચી પ્રતિભા શાની છે એ ઓળખવી અને એ માટે પૂરતો સમય આપવો જરૂરી છે. બાળકને પ્રોત્સાહન આપવાના ચક્કરમાં પેરન્ટ્સના અતિ ઉત્સાહને કારણે બાળકોનું બાળપણ પણ કચડાઈ શકે છે. આજે નિષ્ણાત પાસેથી જાણીએ બાળકની ખરી પ્રતિભાને શોધીને એને નર્ચર કરવા માટે શું થઈ શકે.

અભિનેત્રી આલિયા ભટ્ટે એક કાર્યક્રમમાં તેની બે વર્ષની દીકરી રાહા વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘મને લાગે છે કે રાહા સ્ટેજ માટે જ બની છે. તેને ગીતો સાંભળવાં બહુ ગમે છે અને તે બહુ ફિલ્મી છે. તે ડાન્સનાં સ્ટેપ્સ પણ બહુ સરળતાથી યાદ રાખે છે. કોઈ મહેમાન આવે તો તેની હરકતો બધાનું ધ્યાન ખેંચે છે તેથી તેનામાં લીડરશીપ ક્વૉલિટી પણ છે.’



મા તરીકે આલિયાનો ગર્વ સ્વાભાવિક છે અને આપણને સૌને એ સાંભળવું ગમે પણ ખરું, પણ આ જ વાત આજના સમયના દરેક ઘરની છે. બાળક મોબાઇલમાં જોઈને રીલ્સનાં સ્ટેપ્સ કૉપી કરે અને એકાદ વિડિયો વાઇરલ થઈ જાય તો પેરન્ટ્સ સોફાને સ્ટેજ બનાવીને બાળકને મહેમાન સામે ઊભું કરી દે છે અને કહે છે કે ચલ બેટા, પેલો ડાન્સ કરીને બતાવ તો અને ધીરે-ધીરે તેઓ તેમના સંતાનને ભાવિ સેલિબ્રિટી તરીકે ટ્રીટ કરવા લાગે છે. જોકે નાની ઉંમરનો આ શોખ બાળકની કાયમી ઓળખ છે? શું નાનપણના શોખ તેના ભવિષ્યની સચોટ આગાહી છે? અનુભવી સાઇકોલૉજિસ્ટ અને પેરન્ટિંગ કોચ જાનવી ઠક્કર પાસેથી આ વિશેનાં વિવિધ પાસાં વિશે સમજીએ.


બાળપણનો શોખ રસની ટ્રાયલ-વિન્ડો

કોઈ બાળક જ્યારે પણ નાની ઉંમરે મ્યુઝિક, ડાન્સ કે ડ્રૉઇંગમાં રસ દેખાડે છે ત્યારે વાલીઓ તરત જ ભવિષ્યનાં સપનાં વણવા લાગે છે અને તેમની અપેક્ષાઓ બાળકો પર પ્રેશર બની જાય છે. નાની ઉંમરે મગજનો વિકાસ ઝડપી ગતિએ થતો હોય છે. બેથી ૬ વર્ષની ઉંમરમાં તેમનો રસ વારંવાર બદલાય એ બહુ જ સામાન્ય છે. બાળપણના આ શોખને તેમની કાયમી ઓળખ માની લેવી એ વાલીઓની ભૂલ છે. આજે જે બાળકને ડાન્સ કરવો ગમે છે તે મોટો થઈને કદાચ સાયન્ટિસ્ટ કે કમ્પ્યુટર પ્રોગ્રામર બનવા માગતો હોય. નાની ઉંમરે દેખાતો રસ એ માત્ર નાનો તબક્કો હોઈ શકે છે. તેથી વાલીઓએ બાળકના વર્તમાન આનંદને માણવો જોઈએ, તેના પર ભવિષ્યની કારકિર્દીનું વજન અત્યારથી ન નાખવું જોઈએ.


તેમના માટે બધું જ એક રમતની જેમ હોય છે. આ રમત તેમના અહંના વિકાસ માટે કામચલાઉ કૅન્વસ જેવી છે જ્યાં તે પોતાની જાતનાં અલગ-અલગ પાસાંને એક્સપ્લોર કરે છે. ક્લાયન્ટ-સેન્ટર્ડ થિયરી મુજબ બાળકનું આંતરિક મન પ્રવાહની જેમ વહેતું હોય છે. વાલીઓ જેને કરીઅર પાથ સમજી બેસે છે એ હકીકતમાં બાળક માટે માત્ર વર્તમાન ક્ષણનો આનંદ હોય છે. મમ્મી-પપ્પાએ સમજવું પડશે કે આ શોખ માત્ર સેલ્ફ-ડિસ્કવરીનો તબક્કો છે, ભવિષ્યનો કોઈ કાયમી નકશો નથી.

ક્રીએટિવ છે કે કૉપી-પેસ્ટ માસ્ટર?

સ્ક્રીનયુગમાં આપણું બાળક હજી સરખું ચાલતાં ન શીખ્યું હોય ત્યાં મોબાઇલ સ્ક્રીન પર વાઇરલ રીલ્સનાં સ્ટેપ્સ જોઈને કમર લચકાવવા માંડે છે, ટીવી સામે ઊભા રહીને કોઈ અઘરું ડાન્સ-સ્ટેપ સેકન્ડોમાં યાદ રાખીને બેઠ્ઠું કૉપી કરી લે ત્યારે મમ્મી-પપ્પા હરખાઈ જાય છે. આ ઇનનેટ ઇમિટેશન સ્કિલ એટલે કે નકલ કરવાની કુદરતી આવડત છે. આ એક નૅચરલ માઇલસ્ટોન છે જે આપણા મગજમાં રહેલા મિરર ન્યુરૉન્સ અને આસપાસના વાતાવરણ સાથે કનેક્ટ થવાની માણસની કુદરતી ઇચ્છાને કારણે થાય છે.

તમારું બાળક કૉપી કરે છે કે સાચે જ તેનામાં એ ટૅલન્ટ છે એને ઓળખવાનો રસ્તો પણ છે. જો કોઈ પણ લાલચ વગર કોઈ વસ્તુ પ્રત્યેનો રસ લાંબો સમય સુધી ટકી રહે અને કૉપી કરવાને બદલે તેના અંદાજમાં ક્રીએટિવ રીતે એને રજૂ કરે તો સમજી જવું કે તે કૉપી-પેસ્ટ માસ્ટર નહીં પણ ખરેખર ક્રીએટિવ માઇન્ડનો છે. બાળક ક્યારે પર્ફોર્મ કરે છે એ નોટિસ કરો. જો તે માત્ર સ્ક્રીન ચાલુ હોય ત્યારે જ કૂદકા મારે છે તો એ નકલ છે; પણ જો સ્ક્રીન બંધ હોય, કોઈ જોતું ન હોય અને એકાંતમાં પણ તે પોતાની ધૂનમાં ઍક્ટિવિટી ક્રીએટિવલી કરતું રહે તો સમજવું કે તેની અંદર સાચી ટૅલન્ટ છુપાયેલી છે.

લેબલિંગનું જોખમ

આપણે જ્યારે ઉત્સાહમાં આવીને બાળકને કહી દઈએ કે તું તો સ્ટેજ માટે જ બન્યો છે ત્યારે બાળકનું અચેતન મન એવું શીખી લે છે કે હું જ્યારે પર્ફોર્મ કરીશ ત્યારે જ મમ્મી-પપ્પા મને પ્રેમ કરશે અને સ્વીકારશે. આના કારણે બાળકનું અસલી વ્યક્તિત્વ દબાઈ જાય છે. તે પેરન્ટ્સને ખુશ કરવા માટે જે નથી એ દેખાડવાની કોશિશ કરે છે. આ લેબલિંગ બાળકને મોટો થતાં બહુ નડે છે, કારણ કે તેને નવાં ક્ષેત્રો એક્સપ્લોર કરતાં ડર લાગે છે. તેને લાગે છે કે જો હું બીજા ક્ષેત્રમાં ફેલ થઈશ તો મમ્મી-પપ્પાનો પ્રેમ ગુમાવી બેસીશ. મારી પાસે થેરપીમાં એક છોકરી આવી હતી. તેનાં મમ્મી-પપ્પા બન્ને ડૉક્ટર હતાં. આઠમા ધોરણથી જ તેને કન્ડિશનિંગ કરવામાં આવ્યું હતું કે સાયન્સ જ સૌથી સિક્યૉર કરીઅર છે અને તેને મેડિકલ એન્ટ્રન્સના ક્લાસમાં બેસાડી દેવાઈ. તેના મગજમાં એવું ઠસાવી દેવાયું કે આર્ટ્સ તો ઠોઠ અને લૂઝર્સ માટેનું ફીલ્ડ છે. પરિણામે તે એન્ટ્રન્સ એક્ઝામમાં પાસ ન થઈ શકી, સ્કોર બહુ નીચો આવ્યો અને તેણે ડ્રૉપ લેવો પડ્યો.

એ ગૅપ યર દરમ્યાન તે ભયંકર ડિપ્રેશન અને ઍન્ગ્ઝાયટીનો શિકાર બની. જ્યારે તે મારી પાસે થેરપી માટે આવી ત્યારે મને સમજાયું કે આ લક્ષણો કોઈ બીમારીનાં નથી પણ તે પોતાની સાચી ક્ષમતા સાથે અલાઇન નથી થઈ શકતી એનું આ આંતરિક આક્રંદ છે. મેં તેનું પ્રોફેશનલ કરીઅર ટેસ્ટિંગ કરાવ્યું. તમને જાણીને નવાઈ લાગશે કે જે સ્કિલ્સ તેની મેડિકલ એક્ઝામમાં ક્યારેય ટેસ્ટ નહોતી થઈ એ આર્ટ્સ અને લૅન્ગ્વેજ સ્કિલ્સમાં તેનો સ્કોર હાઇએસ્ટ આવ્યો. આજે તેણે આર્ટ્સ રાખ્યું છે અને તે મેન્ટલી તેમ જ ઇમોશનલી બહુ જ ખુશ અને સફળ છે.

પેરન્ટ્સનો રોલ શું?

વાલી તરીકે આપણી સાચી ભૂમિકા બાળકને બિનશરતી સ્વીકાર આપવાની છે. હા, આ કહેવું સહેલું છે અને કરવું અઘરું, કારણ કે કદાચ આપણા પોતાના વાલીઓએ આપણને આ રીતે નથી ઉછેર્યા. આપણે ઘણી વાર આપણી પોતાની નિષ્ફળતાના ડર અથવા હું કંઈક ઓછો પડું છું એવા ડરને બાળકના ખભા પર નાખી દેતા હોઈએ છીએ. આનાથી બચવા માટે બાળકના રિઝલ્ટનાં કે પર્ફોર્મન્સનાં વખાણ કરવાને બદલે તેની પ્રોસેસનાં વખાણ કરો. બાળક ડાન્સ કરીને આવે ત્યારે એમ ન કહો કે તું તો સ્ટાર બની જઈશ. આ તેના પર ઇન્વિઝિબલ બોજ બની જશે. એમ કહો કે આજે ડાન્સ કરતી વખતે તારા ચહેરા પર બહુ ખુશી દેખાતી હતી, તને મજા આવીને? જ્યારે ફોકસ પ્રોસેસ પર રહેશે ત્યારે એ પ્રવૃત્તિ બાળકના આંતરિક આનંદનો સ્રોત બનશે, કોઈ એક્સટર્નલ હોમવર્ક કે બોજ નહીં.

લાઇમલાઇટનો લોભ

નાનકડા બાળકને જ્યારે આપણે સોશ્યલ મીડિયા પર ફેમસ કરવા મૂકી દઈએ છીએ ત્યારે આપણે તેના મનની નૅચરલ સિસ્ટમને બગાડીએ છીએ. બાળકને અંદરથી મળતા સંતોષની જગ્યાએ સોશ્યલ મીડિયાની લાઇક્સ અને કમેન્ટ્સનું વ્યસન લાગી જાય છે. આ બહુ ખતરનાક છે, કારણ કે આનાથી બાળક પોતાની જાતને સમજવાની શક્તિ ગુમાવી બેસે છે. બાળક પોતાને એક જીવંત વ્યક્તિ મટાડીને સોશ્યલ મીડિયા પર એક પ્રોડક્ટ સમજવા લાગે છે. આનાથી તેનું બાળપણ છીનવાઈ જાય છે. તે મોટો થતાં પર્ફોર્મન્સ ઍન્ગ્ઝાયટીનો શિકાર બને છે, આત્મવિશ્વાસ રહેતો નથી અને ભવિષ્યમાં મિત્રો બનાવવામાં મુશ્કેલી અનુભવે છે.

શું કરવું અને શું ન કરવું એ યાદ રાખવું જરૂરી છે

બાળકોને એક્સપોઝર આપો : સૌથી પહેલાં તો બાળકને કોઈ ફૉર્મલ ટેસ્ટિંગમાં ન ધકેલો. બાળક જ્યારે ઘરમાં સાવ એકલું અને મુક્ત હોય ત્યારે તેનું ઑબ્ઝર્વેશન કરો, કારણ કે ત્યાં તેનું અચેતન મન બોલે છે. આ દરમ્યાન તમે ૩ પ્રશ્નોના જવાબ શોધો. જ્યારે બાળક સાવ નવરું હોય ત્યારે તે કઈ વસ્તુ તરફ આપોઆપ આકર્ષાય છે? તેની કાલ્પનિક રમતોમાં કે ડ્રૉઇંગમાં વારંવાર કઈ થીમ રિપીટ થાય છે? બાળક જ્યારે ઉદાસ કે સ્ટ્રેસમાં હોય ત્યારે પોતાની જાતને શાંત કરવા શું કરે છે? આ સિવાય વાલીઓએ ૮ ટાઇપની ઇન્ટેલિજન્સ વિશે માહિતી મેળવવી જોઈએ અને બાળકને એ તમામ બાબતોનું એક્સપોઝર આપવું જોઈએ.

ક્રીએટિવિટીને સપોર્ટ કરો : ઘરનું વાતાવરણ એવું રાખો જ્યાં બધું જ ઉપલબ્ધ હોય. કલર્સ, ક્રેયોન્સ, મ્યુઝિકલ રમકડાં, ખુલ્લી જગ્યાઓ. બાળકને મુક્તપણે બધું જ એક્સપ્લોર કરવા દો. કોઈ ચોક્કસ સ્ટ્રક્ચર કે નિયમો અત્યારથી ન આપો. બાળક જ્યારે પોતે સામેથી આવીને પૂછે કે મમ્મી, આને વધુ સરસ કેવી રીતે કરાય? ત્યારે જ તેને પ્રેમથી ગાઇડન્સ આપો. સ્ટ્રક્ચર એ બાળકની ક્રીએટિવિટીને ટેકો આપવા માટેનું સ્ટૅન્ડ હોવું જોઈએ, તેને કેદ કરનારું પાંજરું નહીં.

બદલાતા મૂડ પાછળનું સાયન્સ સમજો : બાળક આજે ડાન્સ કરે અને કાલે પેઇન્ટિંગ કરવા બેસી જાય તો ખિજાશો નહીં કે પૈસા બગાડ્યા. આ ઉંમરે મગજના વિકાસ માટે તે અલગ-અલગ સેન્સરી એક્સ્પીરિયન્સ એકઠા કરતું હોય છે. આ તમારો આર્થિક બોજ ન બને એ માટે શરૂઆતમાં ક્યારેય બાળકને ૩ મહિના કે વર્ષના લાંબા ક્લાસમાં ન મૂકો. એને બદલે વન-ટાઇમ વર્કશૉપ કે મન્થ્લી ક્લાસ કરાવો જેથી જો બાળક એ પ્રવૃત્તિ છોડી દે તો તમારા મનમાં કોઈ આર્થિક ગુસ્સો કે વસવસો ન રહે.

કંટાળો આવવા દો : બાળક થાકી ગયું છે કે નહીં એ તેનો મૂડ કહેશે. જો પ્રવૃત્તિઓ વધવાથી બાળકમાં ચીડિયાપણું, ઊંઘની સમસ્યા અથવા અંગૂઠો ચૂસવો કે પથારી ભીની કરવી જેવાં લક્ષણો દેખાય તો સમજો કે તમે લાઇન ક્રૉસ કરી લીધી છે. બાળકના ટાઇમટેબલમાં કંઈ જ ન કરવાનો સમય હોવો જ જોઈએ. આ કંટાળો જ સાચી ક્રીએટિવિટીનો ગર્ભ છે. અહીંથી નવા વિચારો જન્મે છે. કમનસીબે આજકાલનાં બાળકો અને પેરન્ટ્સ કંટાળાનો સ્વીકાર કરી શકતાં નથી.

આત્મવિશ્વાસનું મિરરિંગ : બાળકો પેરન્ટ્સનો જ અરીસો છે. જો તમે ઇચ્છો છો કે તમારા બાળકનો આત્મવિશ્વાસ જબરદસ્ત હોય તો પહેલાં તમારે તમારા પોતાના આત્મવિશ્વાસ પર કામ કરવું પડશે. તમે પોતે અન્ડર-કૉન્ફિડન્ટ ફીલ કરો અને બાળક સુપરમૅન બને એવી આશા રાખો એ શક્ય નથી. ડિજિટલ લાઇક્સથી દૂર રાખીને રિયલ લાઇફમાં તેનો આત્મવિશ્વાસ વધારવા માટે ઘરમાં રોજિંદાં કામો જેવાં કે બેકિંગ, ગાર્ડનિંગ કે રૂમ ગોઠવવામાં તેની મદદ લો.

રિફ્લેક્ટિવ લિસનિંગ : બાળકના આંતરિક ગર્વને ઓળખતાં શીખો. જ્યારે તે કંઈક નવું બનાવે ત્યારે બહારનાં વખાણ કરવાને બદલે તેના મનનો રાજીપો પકડો. તેને પ્રેમથી કહો કે તેં જે આ બનાવ્યું છે એનાથી તારા ચહેરા પર ખુશી દેખાય છે. આ રીતે કહીને બાળકને નાની ઉંમરથી જ પોતાની ખુશી કે મંજૂરી માટે બીજા સામે જોવાને બદલે પોતાના તરફ જોતાં શીખવો. પણ હા, પેરન્ટ્સ આ ત્યારે જ કરી શકશે જ્યારે તેઓ પોતે અંદરથી મજબૂત હશે, કારણ કે બાળકો વાલીઓના શબ્દો કરતાં તેમના વ્યક્તિત્વને એક સ્પન્જની જેમ બહુ ઝડપથી શોષી લેતાં હોય છે.

આ ગોલ્ડન ટિપ્સ અનુસરવા જેવી છે

બાળકની મહેનત, જિજ્ઞાસા અને તેને મળેલી મજા પર જ ફોકસ રાખો. છેલ્લે શું રિઝલ્ટ આવ્યું એના પર નહીં.

બાળકને દિવસમાં એવો સમય આપો જેમાં કોઈ ઑડિયન્સ ન હોય, કોઈ ઑબ્ઝર્વેશન ન હોય અને તે બિલકુલ મુક્ત રીતે પોતાની મસ્તીમાં જીવી શકે.

કોઈ પણ ઍક્ટિવિટી ક્યારે શરૂ કરવી, ક્યારે અટકાવવી કે ક્યારે પૂરી કરવી એનો નિર્ણય બાળક પર છોડી દો.

Whatsapp-channel Whatsapp-channel

09 July, 2026 02:41 PM IST | Mumbai | Kajal Rampariya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK