Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > અમેરિકા: ભારતીય એન્જિનિયરે પત્નીની હત્યા કરી, મૃતદેહનો ફોટો ગર્લફ્રૅન્ડને મોકલ્યો પછી…

અમેરિકા: ભારતીય એન્જિનિયરે પત્નીની હત્યા કરી, મૃતદેહનો ફોટો ગર્લફ્રૅન્ડને મોકલ્યો પછી…

Published : 09 July, 2026 04:46 PM | Modified : 09 July, 2026 05:05 PM | IST | Washington
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

અમેરિકામાં રહેતા ભારતીય સોફ્ટવેર એન્જિનિયર અવિનાશ નાર્ને પર પત્ની રાજિતા સબ્બિનીની હત્યાનો આરોપ લાગ્યો છે. પોલીસ તપાસમાં ડિજિટલ પુરાવા, ચેટ્સ અને અન્ય માહિતીના આધારે તેને ફર્સ્ટ ડિગ્રી મર્ડરના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.

આરોપી ભારતીય સૉફ્ટવેર ઍન્જિનિયર અવિનાશ નાર્ને (તસવીર: X)

આરોપી ભારતીય સૉફ્ટવેર ઍન્જિનિયર અવિનાશ નાર્ને (તસવીર: X)


અમેરિકામાં રહેતા ભારતીય સૉફ્ટવેર ઍન્જિનિયર અવિનાશ નાર્ને પર પોતાની પત્ની રાજિતા સબ્બિનીની હત્યા કરવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપ છે કે અવિનાશે પત્નીની ગળું દબાવીને હત્યા કરી હતી અને ત્યારબાદ મૃતદેહનો ફોટો ભારતમાં રહેતી તેની ગર્લફ્રૅન્ડને મોકલ્યો હતો. આ મામલે લગભગ 9 મહિના સુધી તપાસ ચાલ્યા બાદ પોલીસે અવિનાશની ધરપકડ કરી છે. હાલમાં તે પોલીસ કસ્ટડીમાં છે અને તેને જામીન મેળવવા માટે લગભગ 50 લાખ ડૉલર (અંદાજે 47 કરોડ રૂપિયા)ની રકમ ભરવી પડશે. જો કોર્ટમાં તે દોષિત સાબિત થશે તો તેને આજીવન કેદની સજા થઈ શકે છે. પોલીસ મુજબ, 30 વર્ષીય અવિનાશ નાર્ને તેલંગાણાનો રહેવાસી છે અને અમેરિકામાં સૉફ્ટવેર ઍન્જિનિયર તરીકે કામ કરે છે. તેના લગ્ન 5 જૂન 2025ના રોજ 27 વર્ષીય રાજિતા સબ્બિની સાથે થયા હતા. જોકે, અવિનાશે પોતાની સામે લાગેલા હત્યાના તમામ આરોપોને નકારી કાઢ્યા છે.

સ્માર્ટલૉક ડેટાથી શંકા વધી



27 ઑક્ટોબર 2025ના રોજ અવિનાશે પોલીસને જાણ કરી હતી કે તેની પત્ની રાજિતા બાથરૂમમાં બંધ છે અને દરવાજો ખોલી રહી નથી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને દરવાજો તોડતા અંદરથી રાજિતાનો મૃતદેહ મળી આવ્યો હતો. અવિનાશે પોલીસને જણાવ્યું હતું કે તે લગભગ 40 મિનિટ માટે ઘરની બહાર ગયો હતો અને પરત ફર્યા બાદ આ ઘટના સામે આવી હતી. તપાસ દરમિયાન પોલીસે એપાર્ટમેન્ટની સ્માર્ટલૉક સિસ્ટમ અને સિક્યોરિટી ડેટાની તપાસ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે અવિનાશની ગેરહાજરી દરમિયાન ફ્લૅટમાં કોઈ અન્ય વ્યક્તિની એન્ટ્રી થઈ ન હતી. આ માહિતીના આધારે પોલીસે બહારના વ્યક્તિ દ્વારા હત્યા કરવામાં આવી હોવાની શક્યતા પર સવાલ ઉઠાવ્યા હતા. ત્યારબાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો કે રાજિતાનું મોત ગળું દબાવવાથી શ્વાસ રૂંધાવાના કારણે થયું હતું. રિપોર્ટ સામે આવ્યા બાદ પોલીસે આ કેસને અકસ્માત નહીં પરંતુ હત્યાના ઍન્ગલથી તપાસવાનું શરૂ કર્યું હતું.


પોલીસ તપાસમાં સામે આવ્યો સંબંધનો ઍન્ગલ

તપાસ આગળ વધતા પોલીસને માહિતી મળી કે અવિનાશના ભારતમાં રહેતી એક મહિલા સાથે લાંબા સમયથી સંબંધો હતા. આ દરમિયાન તેણે રાજિતા સાથે પરિવારની પસંદગીથી લગ્ન કર્યા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે, અવિનાશની ગર્લફ્રૅન્ડ પણ તેમના લગ્ન સમારોહમાં હાજર રહી હતી. લગ્ન બાદ પણ અવિનાશ અને તેની ગર્લફ્રૅન્ડ વચ્ચે સંપર્ક ચાલુ રહ્યો હોવાનો પોલીસનો દાવો છે. તપાસમાં સામે આવ્યું કે ઘટનાના દિવસે અવિનાશે તેની સાથે ઓછામાં ઓછી ચાર વખત વાતચીત કરી હતી. પોલીસ પૂછપરછ દરમિયાન અવિનાશે કબૂલ્યું કે પત્નીના મૃત્યુના બીજા દિવસે તેણે રાજિતાના મૃતદેહનો ફોટો પણ તે મહિલાને મોકલ્યો હતો.


કડવી સ્મૂધીથી શંકા વધી, ડિજિટલ પુરાવાના આધારે તપાસ આગળ વધી

તપાસ દરમિયાન પોલીસને રાજિતા અને અવિનાશ વચ્ચેની કેટલીક ચૅટ્સ મળી હતી, જેમાં રાજિતાએ પતિ દ્વારા બનાવવામાં આવતા પીણાંના સ્વાદ અંગે ફરિયાદ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ, રાજિતાએ એક મૅસેજમાં લખ્યું હતું કે તે દિવસે અવિનાશે બનાવેલી સ્મૂધીનો સ્વાદ તેને દવા અથવા કફ સિરપ જેવો લાગી રહ્યો હતો. ઘટનાસ્થળે પહોંચ્યા બાદ અવિનાશે પોલીસને જણાવ્યું હતું કે રાજિતાની તબિયત પહેલાથી ખરાબ હતી અને શક્ય છે કે કફ ડ્રિંક પીધા બાદ તે બાથરૂમમાં પડી ગઈ હોય. રાજિતાના મોત બાદ પોલીસે લાંબા સમય સુધી ડિજિટલ રૅકોર્ડ, કૉલ ડિટેલ્સ અને અન્ય પુરાવાઓની તપાસ કરી હતી. આ તપાસના આધારે જુલાઈ 2026માં અવિનાશની ફરી પૂછપરછ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેની ફર્સ્ટ ડિગ્રી મર્ડરના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.

Whatsapp-channel Whatsapp-channel

09 July, 2026 05:05 PM IST | Washington | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK