ઘોડબંદર રોડ પર ગાયમુખ ચોપાટીની સામે એક ટેકરી પર આવેલું શિવજીનું આ પૌરાણિક મંદિર જેટલું સાદગીભર્યું છે એટલું જ સુકૂન આપનારું છે. બુદ્ધદેવજી મહારાજ જેવા સંતના પગલે બનેલા શિવમંદિરમાં શ્રાવણ મહિનાના સોમવારે ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળે છે
જ્યાં સાધના કરવાથી અંતરમનમાં જાગૃતિ આવે એ જાગનાથ મહાદેવ
શ્રાવણ મહિનામાં શિવમંદિરોમાં ભક્તોની ભીડ એટલી હોય છે કે શિવલિંગની ઝલક તો જોવા મળે છે પણ ભોળાનાથના સાંનિધ્યનો અહેસાસ નથી થઈ શકતો. જો શિવજીનાં ચરણોમાં મૌન થઈને થોડીક ક્ષણો આધ્યાત્મિક અનુભૂતિ સાથેની વિતાવવી હોય તો થાણેનું જાગનાથ મંદિર બેસ્ટ છે.
થાણેના ઘોડબંદર રોડ પર જ્યાં ચોતરફ ટ્રકો અને ભારે વાહનોનો હેવી ટ્રાફિક સતત ધમધમતો રહે છે ત્યાં ગાયમુખ ચોપાટી પાસે એક ટેકરી છે. બસ, થોડાંક પગથિયાં ચડીને ટેકરી પર પહોંચો એટલે જાણે અલગ જ વિશ્વમાં પહોંચી ગયા હોવાનો અહેસાસ થાય. આ ટેકરી પર આવેલું છે લગભગ એક સદીથીયે વધુ જૂનું મહાદેવનું મંદિર. લગભગ સો-સવાસો વર્ષ પહેલાં આ જ સ્થાને મળી આવેલું સ્વયંભૂ શિવલિંગ ભક્તોના મનની ચેતનાને જગાવી શકે છે એટલે એનું નામ પડ્યું જગનનાથ. લોકવાયકામાં એને જાગનાથ મહાદેવ અને ગાયમુખ ચોપાટી પાસે આવેલું હોવાથી સ્થાનિકોમાં ગાયમુખ મંદિર તરીકે ઓળખાય છે.
ADVERTISEMENT
મંદિરનો ઇતિહાસ
કહેવાય છે કે ૧૦૦-૧૨૫ વર્ષ પહેલાં એક ટેકરી પર શિવલિંગના આકારનો એક પથ્થર પડ્યો હતો. એની પાસેથી જ એક ઝરણું પસાર થતું હતું. ઝરણાની કેટલીક ધારાઓ આ શિવલિંગ આકારના પથ્થર પર પણ પડતી રહેતી હતી. ટેકરી પર ગાયો ચરાવવા આવતા ગોવાળો એને ચમત્કાર માનતા. કેટલાક શ્રદ્ધાળુઓએ એ શિવલિંગની ફરતે એક નાનકડી દેરી જેવું બનાવી દીધું. જોકે આ વિસ્તારમાં જંગલી જાનવરો ખૂબ આવતાં એટલે બીજા શ્રદ્ધાળુઓની કોઈ અવરજવર નહોતી. છેક ૧૯૫૬ની સાલમાં એક સંત આ ટેકરી પર આવીને ધ્યાન કરવા લાગ્યા. દિવસોના દિવસો સુધી તેઓ આ શિવલિંગ પાસે બેસીને સાધનામાં રહેતા. જંગલમાંથી જે મળે એ ફળ અને કંદ ખાતા અને આખો દિવસ અહીં તપ કરતા. ટેકરી પર આવતા આદિવાસીઓ અને ગોવાળોને આ મહારાજમાં રસ પડ્યો. તેમને અચરજ થતું કે આસપાસમાંથી અનેક જંગલી પશુઓ આવી જાય તોય આ સંતની સ્થિરતામાં કોઈ ફરક ન પડતો. અડગ મુદ્રામાં તપસ્યા કરતા આ
કોઈ સિદ્ધપુરુષ છે એવું લાગતાં ગોવાળો તેમના માટે ઘરેથી દૂધ-દહીં કે રોટલા લાવીને સંતને ધરાવતા.
આ સંત એટલે બુદ્ધદેવજી મહારાજ. ૧૯૦૭માં પંજાબમાં એક ખેડૂત પરિવારને ત્યાં જન્મેલા બુદ્ધદેવજીએ બહુ નાની ઉંમરે સંસાર ત્યાગી દીધો હતો. તેઓ પગપાળા પ્રવાસ કરતા અને જંગલોમાં જ્યાં શાંત સાધના માટેની જગ્યા મળે ત્યાં રહી પડતા. તેઓ મહારાષ્ટ્રમાં સૌથી પહેલાં વજ્રેશ્વરીમાં રહ્યા. ત્યાં થોડા દિવસો તપસ્યા કર્યા પછી આ ટેકરી પાસે આવ્યા હતા. બુદ્ધદેવજી જેવા કોઈ સિદ્ધપુરુષ શિવલિંગની સાધના કરે છે એ જાણીને થાણેના ગોવાળો અને ગુજરાતી વેપારીઓ પણ ત્યાં આવવા લાગ્યા. અહીં તેઓ સત્સંગ જમાવતા અને એમ તેમના અનુયાયીઓનો કાફલો વિસ્તરતો ગયો.
ગોવાળો અને ગુજરાતી વેપારીઓની મદદથી અહીં તેમણે લાકડા અને ઈંટોમાંથી મંદિર બંધાવ્યું. જોકે એ પણ ભારે વરસાદમાં તૂટી ગયું. મંદિર જીર્ણશીર્ણ થઈ જતાં ભક્તોની મદદથી મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો. આ માટે રાજસ્થાન અને હરિયાણાથી ખાસ પથ્થર મગાવવામાં આવ્યા અને ફરી મંદિર ઊભું કરવામાં આવ્યું.
બુદ્ધદેવજી મહારાજે તપસ્યા કરવાની સાથે-સાથે આ વિસ્તારમાં સમાજસેવાનાં અનેક કાર્યો પણ હાથ ધર્યાં હતાં. તેમની પ્રેરણાથી રતલામમાં એક શિવમંદિર અને બે ધર્મશાળાઓ બન્યાં હતાં. હાલમાં જ્યાં મંદિર છે એ ટેકરીની પાછળના ભાગમાં ઉપર જતાં એક આશ્રમ આવે છે ત્યાં સાધના કરવા માટે રહી શકાય એવી જગ્યા બનાવી, કાસારવડવલી વિસ્તારમાં એક સ્કૂલ બનાવડાવી અને ઓવલામાં એક હૉસ્પિટલ પણ બનાવી. ગાયમુખમાં હાલમાં જે મંદિર છે એ શ્રી નર્મદેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે. આ ટ્રસ્ટના ટ્રસ્ટી નરેશ પાટીલ કહે છે, ‘મારા પિતાજી મોતીરામ પાટીલ ગોવાળ હતા. તેમણે અને અન્ય મહારાષ્ટ્રિયન-ગુજરાતી ભક્તોએ મળીને આ મંદિરની સ્થાપના કરવામાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો. હાલમાં જે મંદિર તમે જુઓ છો એનો છેલ્લે ૨૦૦૦ની સાલમાં જીર્ણોદ્ધાર થયો હતો. એ પહેલાંનાં મંદિરો ઈંટોનાં અને કાચાં હતાં. આ મંદિર એવી રીતે બનાવવામાં આવ્યું છે કે ૧૦૦૦ વર્ષ સુધી એ ટકશે. બુદ્ધદેવજી મહારાજ ૨૦૦૮માં નિર્વાણ પામ્યા. તેઓ એટલા જ્ઞાની અને જાગૃત સંત હતા કે તેમણે તેમના જીવનનો અંતિમ દિવસ કયો હશે એ ૬ મહિના પહેલાં કહી દીધું હતું. તેમણે કહેલું કે નાગપંચમીના દિવસે હું આ દેહ છોડીશ અને એવું જ થયું. તેમની ઇચ્છા મુજબ તેમના પાર્થિવ દેહને વડોદરાની મહીસાગર નદીમાં વહાવવામાં આવ્યો હતો. આજેય એ સંતપુરુષનું સત મંદિરના પ્રાંગણમાં વર્તાય છે.’
ક્યાં અને કેવું છે મંદિર?
જાગનાથ મહાદેવ ઘોડબંદર રોડ પર ગાયમુખના નાગલા પોર્ટની સામે છે. ગાયમુખ બસ-સ્ટૅન્ડથી બે જ મિનિટ ચાલીને આ ટેકરી પાસે પહોંચી જઈ શકાય એવું છે. એમાં બે રીતે પ્રવેશ થઈ શકે છે. ટેકરી પર ચડવા માટે ૭૦-૮૦ પગથિયાં છે જે ચડવામાં ખૂબ જ આસાન છે અને આસપાસની હરિયાળી મન મોહી લે એવી છે. જો પગથિયાં ચડવામાં મુશ્કેલી પડતી હોય અથવા વાહન લઈને ગયા હો તો મંદિરની જમણી બાજુથી ઢોળાવવાળો રસ્તો પણ છે અને પાર્કિંગ માટે પણ વિશાળ જગ્યા છે. પગથિયાં ચડીને જાઓ તો સામે જ ગોલ્ડન રંગનું મંદિર છે. થોડાં વર્ષો પહેલાં સુધી આ મંદિર સફેદવર્ણું હતું જેને હાલમાં ગોલ્ડન ટચ આપવામાં આવ્યો છે. મસ્ત ખુલ્લા પ્રાંગણની વચ્ચોવચ શિખરબંધ મંદિર છે. પશ્ચિમ તરફ મુખ્ય સભામંડપની અંદર એક ગર્ભગૃહમાં સ્વયંભૂ શિવલિંગ બિરાજમાન છે. મંદિરની રચના એવી છે કે સભામંડપમાં કોઈ પણ ખૂણે ઊભા હો તો પણ શિવલિંગનાં દર્શન થઈ શકે. ગર્ભગૃહમાં એક તરફ ગણેશજી તો બીજી તરફ હનુમાનજીની સંગેમરમરની મૂર્તિઓ છે. પ્રવેશદ્વાર પાસે બે દ્વારપાલ છે. શિવલિંગની પાછળ મા પાર્વતીજીની મૂર્તિ છે. આ મૂર્તિની પાસે શંકરજીનો મુખવટો પણ છે. મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પાસે આ મુખવટો રાખીને ખાસ પૂજા કરવામાં આવે છે. પૂજારી સિવાય ગર્ભગૃહમાં પ્રવેશવાની કોઈને પરવાનગી નથી. જોકે તમારે દૂધ કે જળ ચડાવવું હોય તો તમે તાંબાના કળશમાં પાણી ભરીને પૂજારીજીને આપો તો તમારા વતી તેઓ અભિષેક કરીને પિંડી પર ચડેલાં પુષ્પોનો પ્રસાદ આપે છે. શિવલિંગ પર અભિષેક કરવામાં આવતું પાણી ગાયના મુખ જેવા આકારમાંથી બહાર નીકળે છે.
મુખ્ય મંદિરની ડાબી બાજુએ એક નાની દેરી છે જેમાં નીલકંઠ અને પાર્વતીજીની મૂર્તિઓ તેમ જ બીજું નાનું શિવલિંગ છે. જમણી બાજુએ આવેલી દેરીમાં કમળ પર બિરાજમાન ગણેશજી છે. ગણેશ મંદિરના એક ખૂણામાં એક અખંડ જ્યોત સતત જલતી રહે છે. આ જ્યોત માટેનો લગભગ દોઢ ફુટ મોટો દીવો એક જ પથ્થરમાંથી બનાવવામાં આવ્યો છે. પૂજારીજીનું કહેવું છે કે મંદિરમાં અખંડ જ્યોત હોવાથી આખા મંદિરમાં એક અદ્ભુત દૈવી શક્તિની હાજરી મહેસૂસ થાય છે.
કુદરતી સૌંદર્ય
ટેકરીની ચોમેર લીલાં અને ઊંચાં વૃક્ષોનું જંગલ હોવાથી શ્રદ્ધાના આ સ્થળે અદભુત શાંતિનો અહેસાસ થાય છે. ઘોડબંદર રોડ અને નાગલા પોર્ટના ટ્રાફિકની વચ્ચે બે જ મિનિટની વૉક કરીને આટલી શાંત અને હરિયાળી જગ્યા મળી જાય એ જ મોટી વાત છે. મંદિરની સામે આવેલી પાળી પર બેસો તો સામે વસઈની ખાડીનો અદ્ભુત નજારો માણી શકાય છે. કુદરતી પવનની લહેરોની થપાટ, સામે ઘૂઘવતો દરિયો અને બાજુમાં મહાદેવનું સાંનિધ્ય આ ત્રણેયનો સંગમ એટલો મજાનો છે કે મૌન રહીને કુદરતને માણતા જ રહેવાનું મન થાય. અમે જ્યારે મંદિરની મુલાકાત લીધી ત્યારે શ્રાવણ મહિનાને કારણે ભક્તોની સારીએવી અવરજવર હતી. એમ છતાં જાણે લોકોએ સ્વયંભૂ જ મૌન પાળી લીધું હોય એમ ભીડ છતાં વાતાવરણમાં અનોખી શાંતિ પ્રસરેલી હતી. કેટલાક વડીલો મંદિરના થાંભલાને ટેકવીને શિવજીની સ્તુતિ કરતા હતા તો કેટલાક જુવાનિયાઓ પ્રાંગણમાં પદમાસન વાળીને જ્ઞાનમુદ્રા સાથે ધ્યાનમાં મગ્ન થઈ ગયા હતા. કદાચ આ મંદિરના પ્રાંગણનો જ પ્રભાવ હતો જે વ્યક્તિને અંતર્મુખ થઈને આંતરિક જાગૃતિ માટે મોકળાશ આપતો હતો.
