° °

આજનું ઇ-પેપર
Monday, 29 November, 2021


જોગાનુજોગ

15 March, 2021 01:45 PM IST | Mumbai | Samit purvesh Shroff

જોગાનુજોગ

જોગાનુજોગ

જોગાનુજોગ

લતા મંગેશકરના કંઠે મઢી ગણેશસ્તુતિથી વાતાવરણ મંગલમય થઈ ગયું. ઘરમંદિરમાં આસ્થાભેર પૂજા-અર્ચના કરતી પત્નીને દૂરથી નિહાળીને અક્ષતના હોઠ વંકાયા, આંખોમાં અણગમાનો દોરો ઊપસવા માંડ્યો : ભકતાણી!
‘અક્ષત, તમને ક્યારેય બેઘડી શાંતિથી મંદિરમાં બોલવાનું મન નથી થતું?’
પત્નીનો પ્રશ્ન પડઘાતાં પોતાનો જવાબ પણ અક્ષતને સાંભરી ગયો : મારી પાસે એટલી ફુરસદ નથી, એમ દિવસ-રાત ભગવાનને ભજવા પડે એવી મજબૂરી પણ નથી. મને મારા પરિશ્રમ અને બુદ્ધિબળમાં શ્રદ્ધા છે, આઇ ઍમ અ સેલ્ફમેડ પર્સન.’
સાંભળીને વૈદેહી આંખના ખૂણે મલકતી અથવા તો પોતાને એવો ભાસ થતો એટલે બોલી જવાતું, ‘બેશક, ‘મહેતા એમ્પાયર’નો બિઝનેસ મને તારા પિતા કહું કે મારા શ્વશૂરજી પાસેથી વારસામાં મળ્યો છે; પણ તેમણેય મારી લાયકાત જોઈ-પારખીને જ તેમની એકની એક દીકરીનો હાથ અને કરોડોના કારોબારનો ચાર્જ મને સોંપ્યો હતો.’
‘તમારી યોગ્યતામાં કહેવાપણું ક્યાં છે, અક્ષત! પપ્પાના દેહાંત પછી તમે વ્યાપારને તૂટવા નથી દીધો, એ શું હું નથી જાણતી?’
‘તારા જાણવાથી શું થવાનું, વૈદેહી? સમાજ તો મને દામોદર મહેતાના ઘરજમાઈ તરીકે જ જુએ છે, બિઝનેસની સીઈઓ તું, એટલે વ્યાપાર-માં મારી ગણના ચિઠ્ઠીના ચાકર જેવી જને!’
ખરેખર તો લોકોના નામે પોતાની ભીતરનો ખટકો જાહેર થઈ જતો. વૈદેહી એને પણ પસવારી જાણતી, ‘લોકોએ જે માનવું હોય એ, તમારી સૂઝ, તમારું ચાતુર્ય તમારાં પોતાનાં છે અને કંપનીની સીઈઓ ભલે હું હોઉં, મારા બૉસ તો તમે જને!’
આનો ખુમાર જરૂર છવાતો.
‘તમતમારે ભલેને વ્યાપારમાં વ્યસ્ત રહો...’ વૈદેહી મૂળ મુદ્દે આવી જતી, ‘તમારા હિસ્સાની પ્રાર્થના હું કરી જ લેતી હોઉં છું... આપણું સુખ, આપણો સંસાર નજરાય નહીં એટલું જ માગું છું ઈશ્વર પાસેથી.’
બિચારી.
અત્યારે ઘરમંદિરમાં ફરી નજર દોડાવતાં અક્ષતના સ્મિતમાં કુટિલતા ભળી : તું ગમે એ માગ, થાય એટલી પૂજા કરી લે વૈદેહી, તો પણ તારું હવે પછીનું ભાગ્ય પલટાવાનું નથી!
ભાગ્ય.
અક્ષતને થયું કે નસીબ જેવું કંઈક તો હોતું હશે... નહીંતર ક્યાં પોતે મામૂલી ખોરડાનો, મા-બાપ ગુમાવી સંજોગોની થપાટ ખાઈને ઊછરેલો જુવાન ને ક્યાં શેઠ દામોદરની જાહોજલાલી! કિસ્મતના દોરીસંચાર વિના અમારો મેળ કેમ બેસે?
...પણ કેવળ નસીબ નહીં... અક્ષતનું ગુમાન ઊછળ્યું ઃ મારી આકરી મહેનત પણ ખરીને! અક્ષતે વાગોળ્યું :
આજથી બારેક વર્ષ અગાઉ, માંડ ૨૩ની ઉંમરે ફાઇનૅન્સનું ભણી બે-ત્રણ ઠેકાણે અનુભવ લઈ દામોદર શેઠની ‘મહેતા એમ્પાયર’માં જોડાયો ત્યારે એક જ ઝનૂન સવાર હતું - મારે શ્રીમંત બનવું છે! અભાવમાં ઘણું જીવી લીધું, હવે મને તમામ વૈભવ જોઈએ!
બુદ્ધિમંત તો તે હતો જ. નરીમાન પૉઇન્ટમાં ‘મહેતા એમ્પાયર’નું પોતાનું ચાર માળનું ઑફિસ-બિલ્ડિંગ હતું. સંસારમાં એકલપેટા આદમીને બીજું ઠામઠેકાણું હતું નહીં એટલે મોડે સુધી ઑફિસમાં રોકાઈને તે કંપનીના ગ્રોથ માટે બીજું શું થઈ શકે એના મુદ્દા ટપકાવતો. મુંબઈ-ગુજરાતમાં શેઠજીની ત્રણ-ચાર ફૅક્ટરીઓ હતી એને વધુ પ્રૉફિટ-મેકિંગ કેમ બનાવાય એ વિશેના સુઝાવો શેઠજીને શૅર કરવાનું ચૂકતો નહીં.
એ દૃષ્ટિએ અક્ષત કૉર્પોરેટ-કલ્ચરથી ઘડાયેલો હતો. તક મળ્યે બીજાનો ફૉલ્ટ હાઇલાઇટ કરી પોતાનું પ્રમોશન પાકું કરવામાં તેને નાનમ ન લાગતી. બહુ ઝડપથી દામોદરભાઈનો વિશ્વાસ જીતીને તે સડસડાટ આગેકૂચ કરતો રહ્યો. પાંચ વર્ષમાં તો ૩૦૦૦ કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવતી કંપનીનો ફાઇનૅન્સ-હેડ બની ગયો!
‘અક્ષતની વિશેષતા એ છે બેટા કે વિસ્તરતી ક્ષિતિજ સાથે તે પણ વિકસતો ગયો...’
અક્ષતની હાજરીમાં દામોદરભાઈ વૈદેહીને કહેતા. અક્ષતને એટલું માલૂમ હતું કે વાલકેશ્વરમાં રાજભવનથી થોડાક જ અંતરે તેમની વિશાળ વિલા છે અને પત્નીના દેહાંત બાદ શેઠજીના કુટુંબમાં એકમાત્ર દીકરી જ છે, શેઠજીના હૈયાનો ટુકડો. ઑફિસમાં વૈદેહી વિશે ઘણી વાર ચર્ચાતું : ‘શી ઇઝ સો બ્યુટિફુલ. વેરી મચ ડાઉન ટુ અર્થ. ક્યારેક આવે છે અહીં.’
‘શ્રીમંતોનું નિરાભિમાન પણ તેમના શો-ઑફનું જ એક પરિમાણ હોય છે!’ કોઈ વળી વ્યંગ કરી વાસ્તવિકતા દર્શાવતું, ‘છેવટે શેઠજીની વારસ વૈદેહી. ભણીગણીને આપણા માથે બૉસ તરીક તે જ ગોઠવાવાની છે ત્યારે જોઈ લેજો મૅડમનો પાવર!’
અક્ષત આમાંથી વૈદેહીની મહત્તા તારવતો અને ખૂબ જ અદબભેર રહેતો. શેઠજીના ઘરે જવાનું બનતું નહીં, પણ પોતાનાથી પાંચેક વર્ષ નાની વૈદેહી નરીમાન પૉઇન્ટના ઑફિસ-બિલ્ડિંગમાં દેખાય એટલે મીઠડું સ્મિત આપીને એસ્કોર્ટ કરવાનું ચૂકે નહીં, ‘તમારા પિતાશ્રીની નિશ્રામાં હું ઘડાયો છું’ કહીને અહોભાવ પણ જતાવી દે.
અલબત્ત, અક્ષત બહુ જલદી પામી ગયેલો કે વૈદેહી કેવળ શબ્દોથી ભરમાય કે ભોળવાય એવી નથી. કદાચ નાની વયે મા ગુમાવવાને કારણે પણ તે વહેલી પરિપક્વ બની ગઈ હોય. તેના રૂપ જેવી જ ધારદાર તેની બુદ્ધિ છે, આત્મવિશ્વાસ છે. વેપારીની દીકરીમાં સાહસના ગુણ પણ હોવાના જ...’
જોકે એથી પ્રભાવિત થવાને બદલે અક્ષતના ચિત્તમાં જુદો જ પડઘો ઊઠતો : એમાં વૈદેહીએ શું ધાડ મારી. મારો બાપ કરોડપતિ હોત તો હું વૈદેહીની સરખામણીએ ક્યાંય વધુ સ્માર્ટ હોત!
આવું જોકે બીજા કોઈને શું કામ દેખાવા દેવું? મારે તો મારા ગ્રોથ સાથે મતલબ...
અને ફાઇનૅન્સ-હેડ બનવા સાથે ગ્રોથ પણ બેસુમાર મળ્યો. કંપની તરફથી લક્ઝુરિયસ ફ્લૅટ, કાર ઍન્ડ વૉટ નૉટ! અને છતાં અક્ષતને માલૂમ હતું કે આ મારું છેવટ નથી. મારે તો હજી વધુ ને વધુ તરક્કી સાધવાની છે... પરિણામે હજીય તે એટલો જ વ્યસ્ત રહેતો. દામોદરભાઈ તેને વખાણતા અને વૈદેહી એ સાંભળીને મલકાતી, ‘તમે પપ્પાને જીતી લીધા છે!’
પછી તો દામોદરભાઈએ કૉર્પોરેટ લૉનું ભણેલી દીકરીને વ્યાપારમાં ટ્રેઇન કરવાની જવાબદારી પણ અક્ષતને સોંપી. વૈદેહીમાં ધગશ હતી, મૂલ્યોમાં માનનારી, ધારે તો મારાથી ક્યાંય આગળ નીકળી શકે એમ છે! બૉસ તરીકે બાપ કરતાં તે ટફ નીકળવાની... 
અક્ષત, અલબત્ત, કશું બેનંબરી કે ઘાલમેલનું કામ નહોતો કરતો કે ડરવું પડે, બટ સ્ટીલ... આજે બિઝનેસમાં મારી પોઝિશન નંબર-ટૂની છે, વૈદેહી આવતાં હું ત્રીજા નંબરે ધકેલાઈ જાઉંને!
જોકે એવું કંઈ બને એ પહેલાં અણધાર્યો વળાંક સર્જાયો. દામોદરભાઈને હૃદયરોગનો તીવ્ર હુમલો આવ્યો. ક્રિટિકલ કન્ડિશનમાં તેમને એકમાત્ર ચિંતા દીકરીની હતી. 
‘મારો બિઝનેસ તો વૈદેહી સંભાળી શકશે, પણ તેને સંભાળવાની જવાબદારી તને સોંપતો જાઉં છું... વૈદેહીની મરજી મેં પૂછી લીધી છે, તારી હૃદયપાટી કોરી છે અક્ષત, એ જાણીને આ પ્રસ્તાવ મૂકું છું, વૈદેહીને સ્વીકારી લે.’
અક્ષત સ્તબ્ધ હતો. લગ્ન વિશે કદી વિચાર્યું નહોતું, પણ આવું માગું હોય તો વિચારવાની જરૂર શું! વૈદેહી સૌંદર્યવતી હોય તો પોતે ક્યાં કમ સોહામણો છે? તે મારાથી વધુ શ્રીમંત ખરી, પણ તેના પિતા સામેથી કહેણ મૂકતા હોય, વૈદેહીની ખુદની હા હોય તો પછી અમીરાઈની નાનમ મારે અનુભવવાની જરૂર નથી! કરો કંકુના.
ઘડિયા લગન લેવાયાં. ફ્લૅટ છોડીને તે વાલકેશ્વરની વિલામાં મૂવ થયેલો. શેઠજી ત્યાર બાદ છએક મહિના જેટલું જીવ્યા, પણ ત્યાં સુધીમાં બિઝનેસનો દોર અક્ષતના હાથમાં આવી ચૂકેલો. પિતાની શુશ્રૂષામાં વ્યસ્ત રહેનારી વૈદેહીએ તેમના દેહાંત બાદ ગૃહિણી તરીકે સંસાર સંભાળવાનું પ્રિફર કર્યું ઃ પપ્પાના વિલને કારણે કંપનીની સીઈઓ ભલે હું રહું, વ્યાપારનાં સૂત્રો તમારે હસ્તક! તમે છો પછી મારે એમાં ચંચુપાત પણ કરવાની ન હોય...
પોતે પણ ફુલ પાવરમાં હતો. કોઈને પણ ઈર્ષા થાય એવી પોઝિશન, એવી પત્ની...
‘આવું દહેજ સૌને મળજો!’
ઑફિસમાં, બિઝનેસ-સર્કલમાં કે હાઈ સોસાયટી પાર્ટીઝમાં ક્યારેક-ક્યાંક આવી ટિપ્પણી કાને પડતી ને સમસમી જવાતું : મેં કશું માગ્યું નથી, છીનવ્યું નથી, તોય મારી લાયકાત કરતાં શેઠની મહેરબાનીનું જ મૂલ્ય?
બોર્ડ-મીટિંગ પૂરતી વૈદેહી ઑફિસ આવે ત્યારે અક્ષતને તો એવું જ લાગતું કે સ્ટાફ મારા કરતાં વૈદેહીને વધુ નમે છે! વ્યાપારમાં ભાગ્યે જ ઇન્વૉલ્વ થતી વૈદેહી મીટિંગમાં કશુંક એવું બોલી જતી કે બીજા ડિરેક્ટર્સ ભેગો અક્ષત પણ ફ્લૅટ થઈ જતો.
‘બિઝનેસ તમારા લોહીમાં છે, મૅડમ. તમે ઑફિસ આવતાં થાઓ તો ગ્રોથ ક્યાં પહોંચે!’ એકાદ જણ બોલી જતું એમાં અક્ષતને નીચાજોણું લાગતું.
‘મારાથી વધુ હોશિયાર મારા પતિ છે...’ વૈદેહી હંમેશાં અક્ષતને જ પ્રમોટ કરતી. અક્ષતને એ પણ પડ્યા પર પાટુ જેવું લાગતું.
શા માટે? આનો જવાબ નહોતો. ગમે તેમ તોય વ્યાપાર પોતાને ઘરજમાઈ બનવાથી તાસકમાં મળ્યો હોવાનો ખટકો તેને ખુદને અંદરખાને ક્યાંક હોવો જોઈએ. વૈદેહી પોતાનાથી ચડિયાતી હોવાનું સત્ય પણ તેના પુરુષસહજ અહમને છંછેડી મૂકતું હોય!
આનું પરિણામ એ આવ્યું કે જાણ્યે-અજાણ્યે અક્ષતમાં વૈદેહી પરત્વે અભાવ-અણગમો પ્રસરવા માંડ્યો.
‘અરે યાર, શરાબ-સુંદરીનો શોખ ન હોય તો અમીરી શા કામની!’
બે વર્ષ અગાઉની વાત. અક્ષતને ફૉરેન ટૂર્સની નવાઈ નહોતી, પણ બિઝનેસ ઑપોર્ચ્યુનિટીઝ તરાસવા અમેરિકામાં દોઢ-બે મહિના રહેવું પડે એવું આ પહેલી વાર બનતું હતું. એમાં સામી કંપની તરફથી લાયઝનિંગ કરતો રૉજર હમઉમ્ર તો ખરો જ, રસિક પણ નીવડ્યો. અક્ષતને કસીનોમાં ખેંચી ગયો, કેબરે-શોમાં તાણી ગયો.
અક્ષત શરાબ પીતો જ નહીં એવું નહોતું. પાર્ટીઝમાં, બિઝનેસ-એટીકેટ તરીકે ડ્રિન્ક લેતો, પણ બે પેગના માપથી વધુ ક્યારેય નહીં. યૌવનના ઉપભોગની ઇચ્છા તો કુંવારી અવસ્થામાં કદી નહોતી થઈ. વૈદેહી સાથે શારીરિક તૃપ્તિ તે અનુભવી શકતો, પણ રૉજરની ફિલોસૉફી અને તેની સોબત ધીરે-ધીરે અસર પ્રેરવા લાગી.
માણસમાત્રમાં આસુરી ગુણ પ્રચ્છન્નપણે રહેલો જ હોય છે. અક્ષતમાં એ હવે માથું ઊંચકવા માંડ્યો. રૂપિયા કમાવા મારું પૅશન છે, તો એને ઉડાડવા એ મારો હક છે!
બસ, પછી તો રોજ કસીનો, રોજ દારૂની મહેફિલ અને થોડા ખચકાટ પછી, રોજ નવી સુંદરી પણ! પ્રોફેશનલ વર્કર સાથે એક રાત ગાળી ત્યારે થયું કે સેક્સના મામલે પોતે તો સાવ પછાત છે!
...પણ અમેરિકા છોડ્યું ત્યારે તે પછાત રહ્યો નહોતો.
‘માય માય, અમેરિકા જઈને તમે તો એક્સપર્ટ થઈ આવ્યા!’
મુંબઈની પહેલી રાતે પત્નીના શિરપાવે અક્ષત સચેત બની ગયો - ના, વૈદેહીને મારો બદલાવ ગંધાવો ન જોઈએ! શી ઇઝ સ્ટીલ સીઈઓ. ખેર, તો પછી સમાગમની મારી એક્સપર્ટાઇઝનો લહાવો તને તો માણવા નહીં જ મળે, જા!
‘આમાં એક્સપર્ટાઇઝ નહોતી, તને બે મહિને જોયાનું જોશ હતું...’ અક્ષતે વાળી લીધું.
પણ વણઠાલવ્યું રહેતું જોશ હવે તેને જ પજવતું. સાંજ પડે કે શરાબના ઘૂંટની તલપ જાગતી. સાથે જુગારનો ચસકો ઠારવા તેણે ક્લબ જવાનું શરૂ કર્યું. તકલીફ એક જ હતી - હારે તો સાંભળવું પડતું - ગમે એટલા હારોને, તમારે શું! આખરે તો આ તમારા સસરાનો પૈસો!
સસરા, સસરા. હાઈ સોસાયટી મને આજે પણ દામોદરના જમાઈ તરીકે જુએ છે. જસ્ટ બિકોઝ, હું તેમની દીકરી વૈદેહીનો પતિ છું?
- પણ એ દીકરી જ ન રહે તો? આ સવાલે અત્યારે પણ ટટ્ટાર થઈ ગયો અક્ષત. દોઢેક વર્ષ અગાઉ સળવળતો થયેલો વિચાર હવે નિર્ણયનું સ્વરૂપ લઈ ચૂક્યો છે, બલકે એનું અમલીકરણ ઢૂંકડું છે. અક્ષતે વળી મંદિર તરફ નજર ટેકવી: હવે તારી આવરદા તારો ઈશ્વર પણ વધારી શકવાનો નથી, વૈદેહી. યુ હેવ ટુ ક્વિટ. ઍન્ડ યુ વિલ ક્વિટ... ધ વે આઇ વૉન્ટ, ધ વે આઇ હેવ પ્લાન્ડ!

વધુ આવતી કાલે

15 March, 2021 01:45 PM IST | Mumbai | Samit purvesh Shroff

અન્ય લેખો

ઓહ, સૉરી... બસ, એમ કહી અમિતાભ બહાર નીકળી જાય

ઓહ, સૉરી... બસ, એમ કહી અમિતાભ બહાર નીકળી જાય

15 March, 2021 01:59 IST | Mumbai | Sanjay Goradia

બે સેક્સ-સાઇકલ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ?

બે સેક્સ-સાઇકલ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ?

15 March, 2021 01:41 IST | Mumbai | Dr. Mukul Choksi

કોરોનાના કેસ વધ્યા છે ત્યારે ફરીથી કાઢો શરૂ કરી શકીએ?

કોરોનાના કેસ વધ્યા છે ત્યારે ફરીથી કાઢો શરૂ કરી શકીએ?

15 March, 2021 01:38 IST | Mumbai | Dr. Sanjay Chhajed

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK