Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > નેપાલની દુર્ઘટના જોઈને કેદારનાથની આઇ-વિટનેસ શું કહે છે? ત્યારનો એ મંજર યાદ કરતી વખતે કંપારી છૂટી જાય છે

નેપાલની દુર્ઘટના જોઈને કેદારનાથની આઇ-વિટનેસ શું કહે છે? ત્યારનો એ મંજર યાદ કરતી વખતે કંપારી છૂટી જાય છે

Published : 06 September, 2026 02:45 PM | IST | Kedarnath
Ruchita Shah | ruchita@mid-day.com

હજીયે જો હિમાલયમાં પ્રકૃતિ સાથેની છેડખાનીઓ નહીં અટકે તો વધુ તબાહી લાવી શકે, ત્યારે ૨૦૧૩માં કેદારનાથની આપદામાં મોત સામે ઝઝૂમેલા અને પોતાના સ્વજન ગુમાવનારાઓના ઘા આજે પણ રુઝાયા નથી. એ ક્ષણો વિશે મિડ-ડેએ કરેલી વાતો તમને આજે પણ હચમચાવી નાખશે

કેદારનાથ પૂર દુર્ઘટના 2013

કેદારનાથ પૂર દુર્ઘટના 2013


નેપાલની દુર્ઘટનામાં હજારો લોકોનાં જીવન બરબાદ થઈ ગયાં છે જેણે ૨૦૧૩માં ઘટેલી કેદારનાથની ઘટનાઓને ફરી એક વાર તાજી કરી નાખી છે. ૨૦૧૩ની ઉત્તરાખંડ અને કેદારનાથની ભીષણ આપત્તિમાં સરકારી અને સત્તાવાર આંકડા મુજબ આશરે ૫૭૦૦થી વધુ લોકોનાં મોત થયાં હતાં અથવા ગુમ જાહેર કરાયા હતા. અનઑફિશ્યલ આંકડાઓને સાચા માનીએ તો આ મૃત્યુઆંક ૧૦,૦૦૦થી વધુ હોવાનું કહેવાય છે. આ હોનારતમાં રુદ્રપ્રયાગ, ચમોલી, ઉત્તરકાશી અને પીથોરાગઢ જિલ્લાનાં ૪૨૦૦થી વધુ ગામડાંઓને માઠી અસર પહોંચી હતી જેમાં ડઝનબંધ ગામો સંપૂર્ણપણે નાશ પામ્યાં હતાં અથવા ભૂસ્ખલનને કારણે જમીનદોસ્ત થઈ ગયાં હતાં. લાખો પરિવારો બરબાદ થઈ ગયા. કોઈએ પોતાના વહાલસોયા ગુમાવ્યા તો હજારો લોકોએ ઘરબાર, ખેતરો અને આજીવિકાનાં સાધનો ગુમાવતાં રસ્તા પર આવવાનો વારો આવ્યો હતો. કેદારનાથ ધામની આસપાસનો વિસ્તાર અને રામબારા જેવાં પ્રવાસન-મથકો સંપૂર્ણપણે વેરવિખેર થઈ ગયાં હતાં. ૧૧૦૦થી વધુ પુલ તણાઈ ગયા, હજારો કિલોમીટરના માર્ગો ધોવાઈ ગયા, ૧૩૦૦થી વધુ હોટેલો અને ધર્મશાળાઓ નષ્ટ થઈ તથા સવા લાખથી વધુ લોકો અઠવાડિયા સુધી સંપર્કવિહોણા થઈને ફસાયા હતા. ભારત સરકાર અને સંયુક્ત રાષ્ટ્રના મૂલ્યાંકન અનુસાર આ વિનાશને કારણે રાજ્યને ૧૨,૦૦૦ કરોડ રૂપિયાથી પણ વધુનું આર્થિક નુકસાન વેઠવું પડ્યું હતું અને ઉત્તરાખંડનો સામાજિક તથા આર્થિક ઢાંચો વર્ષો પાછળ ધકેલાઈ ગયો હતો. અત્યારે જ્યારે તમે નેપાલની તારાજી જોઈ રહ્યા છો અને નિષ્ણાતો હિમાલયમાં ચાલી રહેલાં વિકાસકાર્યોને કારણે પ્રકૃતિને થઈ રહેલા નુકસાન અને ગ્લોબલ વૉર્મિંગને પરિણામે પીગળી રહેલી હિમશિલાઓને કારણે ધરતીકંપ અને જળબંબાકારની પ્રબળ સંભાવનાઓ હોવાનું કહેવાઈ રહ્યું છે ત્યારે કેદારનાથની તારાજીમાં સ્વજનોને ગુમાવનારા અને એ મોતના મંજરના આઇ-વિટનેસ પાસેથી એ ગંભીર સ્થિતિનો તાગ મેળવીએ જે ભવિષ્યમાં શું થઈ શકે એની સમજણ આપવા માટે પૂરતું રહેશે.

પહેરેલાં કપડાં પ્રવાહમાં તણાયાં ત્યારે શરીરને ઢાંકવા મૃતદેહનાં કપડાં પહેરવાં પડ્યાં, આંખ સામે છાપરાથી લોકોનાં ગળાં કપાતાં જોયાં છે



પેઢીઓથી કેદારનાથનાં ગામડાંઓમાં રહેતો ૨૮ વર્ષનો રાહુલ બહુગુણા કેદારનાથની દુર્ઘટના વખતે ત્યાં જ હાજર હતો. પરિવારના ૬ જેટલા સભ્યોને એ મહાવિનાશકારી ઘટનામાં ગુમાવનારો રાહુલ એ આપવીતી કહેતી વખતે આજે પણ ધ્રૂજી ઊઠે છે. આજે અને અત્યારે પણ કેદારનાથમાં પોતાની એક નાનકડી હોટેલ ધરાવતો અને પૂજા આદિકાર્યોમાં જોડાયેલો રાહુલ કહે છે, ‘એ કુદરતી હોનારત સામે નેપાલની ઘટના ખરેખર કહું તો નાની લાગે છે, કારણ કે આજે પણ એ દૃશ્યો ધબકારા ચુકાવી દેનારાં છે. કેદારનાથમાં ૨૦૧૩માં ૧૬ જૂને સાંજે પણ નાનકડો ઉપદ્રવ જોયો હતો, પરંતુ અમને બધાને એમ જ હતું કે બસ, આટલામાં પતી ગયું. જોકે એવું થયું નહીં. ૧૭ જૂને સવારે ૬ વાગ્યાની આસપાસ મારા પિતા આવ્યા અને અમને બધાને કહ્યું કે આપદા આવે એવું લાગે છે, જલદીથી સુરક્ષિત સ્થાન પર પહોંચો કારણ કે એક અઠવાડિયાથી ખૂબ વરસાદ હતો. આગલા દિવસે વરસાદ ઘટ્યો હતો, પણ ફરી સવારે શરૂ થયો એટલે પહાડમાં રહેતા લોકોને અંદાજ આવી જતો હોય છે. ઇન ફૅક્ટ, તમને નવાઈ લાગશે અને અંધશ્રદ્ધા પણ લાગી શકે કે ૧૩ જૂને કેદારનાથના રક્ષક દેવ ભૈરવનાથજીની જ્યારે અમે પૂજા કરી ત્યારે તેમણે સંકેત આપ્યો હતો અને ૧૦ દિવસ માટે તેમણે પર્વતને ખાલી કરી દો એવો ભાસ આપ્યો હતો. જોકે એ સમયના લોકોએ આ વાત ગંભીરતાથી ન લીધી. ૧૩ જૂનથી જ આમ પુષ્કળ વરસાદ શરૂ થઈ ગયો હતો. ૧૬ જૂને આવેલા પારાવાર વરસાદને પગલે કેદારનાથ પર્વત પર રહેલા બે મહત્ત્વના પૂલ તૂટી ગયા હતા. ત્યારે જ ધામની કમર તૂટી ગઈ હતી. પિતાજીના કહેવાથી હું અને મારી સાથે કેટલાક લોકો અમારા ઘરની નજીક એક બિલ્ડિંગ જેવું હતું એમાં ઊંચા સ્થાને ચડી ગયા, પણ કાકા ન માન્યા અને તેમને સમજાવવા પિતાજી રહ્યા એમાં મારા પપ્પા, કાકા, ફોઈ, ફુઆ જેવા પરિવારના કુલ ૬ સભ્યોને જતા રહ્યા. તેમનું તો અમને શરીર પણ ન મળ્યું.’
આટલું કહેતાં રાહુલનો અવાજ ભીનો થાય છે અને આગળ વાતનો દોર શરૂ થાય છે, ‘મારા કાનમાં આજે પણ એ ગુંજ છે જે પહાડ પર તળાવનો ભાગ તૂટ્યો હોય અને ઉપરથી જળબંબાકાર શરૂ થયો હોય. બર્ફીલા પહાડોમાં મચેલી એ આંધીની ક્ષણો અને પછી લગભગ ૮ મિનિટ ચાલેલા એ મોતના તાંડવનાં દૃશ્યો ભયંકર હતાં. પાણી, પાણી, પાણી. પુષ્કળ હવા અને ચારેય બાજુ ઊડતાં છાપરાં, મકાનો બધું જ વહી રહ્યું હતું. મકાનના છાપરામાં લોકોની ગરદન કપાતાં અને માથાને ધડથી અલગ થતાં દૃશ્યો મેં જોયાં છે. હું જ્યાં હતો ત્યાંથી મંદિર દેખાતું હતું. કેટલાય લોકો જીવ બચાવવા મંદિરમાં દોડી ગયા હતા. જોકે ત્યાં પણ કોઈ બચી શક્યું નહીં. મંદિરની આડશમાં પાણીના ધોધથી મંદિરને બચાવવા આવેલી એ ભીમશિલાને વહેતી મેં જોઈ છે. મંદિરની અંદરથી જોકે પાછળથી રેસ્ક્યુ દરમ્યાન લગભગ ચાલીસથી ૪૫ લાશ મળી હતી. આમાં મેં સૌથી સુરક્ષિત સ્થાને રહેલા લોકોને મરતા જોયા છે અને BSNLના ટાવરમાં ઝૂલતા લોકોનો જીવ બચી ગયો હોય એ પણ જોયું છે. મંદિરમાં આજુબાજુમાં લોકોનાં શબ પડ્યાં હોય અને નંદીનાં શિંગડાં પકડીને પાણીના એ પ્રવાહમાં જાતને બચાવવા મથતી વ્યક્તિને બચી ગયેલી પણ જોઈ છે. હું લગભગ ૧૫ વર્ષનો હતો ત્યારે આ આપદા આવી હતી. પાણીના પ્રવાહમાં મેં પણ જાતને બચાવી હતી. જોકે એ પ્રવાહમાં હું બચી ગયો, પણ મારા શરીર પરનાં બધાં જ કપડાં તણાઈ ગયાં હતાં. મારા અંગને ઢાંકવા એક વસ્ત્ર નહીં. દુકાનો પત્તાંના મહેલની જેમ ઊડી ગઈ હતી. કેદારધામની બૅન્કના પૈસા પાણીમાં તણાઈ રહ્યા હોય એ દેખાતું હતું. પૂર શમ્યું અને ધીમે-ધીમે પાણી ઊતર્યાં એ પછીના મંજરની વાત ન પૂછો. સ્થિતિ એવી હતી કે મારે એક મૃતદેહના શરીરનાં વસ્ત્રોને કાઢીને પોતાનું શરીર ઢાંકવું પડ્યું હતું. એ પછી પાંચ દિવસ એ જ માહોલમાં અમે બચી ગયેલા લોકો ઉપર ધામમાં રહ્યા. રાહતકાર્ય અમારા સુધી પહોંચે એમાં પાંચ દિવસ દરમ્યાન અમારી પાસે પીવા માટે એક બુંદ પાણી નહોતું. માટીના કાદવથી લથપથ પાણી પણ મેં પીધું છે. ચારેય બાજુ લાશો હતી. ક્યાંક શરીરનાં અડધાં અંગો ગાયબ હતાં. લોકોનાં શરીર સળિયામાં ઘૂસી ગયાં હોય, ઊંધાં લટકતાં હોય. બહુ જ દર્દનાક દૃશ્યો હતાં એ. પશુઓનાં શબ પડ્યાં હતાં. એવી સ્થિતિ હતી કે રાતે હું જે બેડ પર સૂતો હોઉં ત્યાં એની નીચે અને આજુબાજુ શબ પડ્યાં હોય. શરીરમાં તાકાત નહોતી કે કંઈ જ કરી શકીએ. મને યાદ છે કે પાંચ દિવસે હેલિકૉપ્ટરથી પહેલી વાર અમારા સુધી ભોજન પહોંચ્યું જેમાં પારલે-જીનું એક પૅકેટ, સોયાબીનનું શાક અને પૂરીઓ હતી. અમે બધું પડતું મૂકીને જીવનમાં ક્યારેય ભોજન જોયું જ ન હોય એમ ખાવા પર તૂટી પડ્યા હતા. ગામોનાં ગામો ખતમ થઈ ગયાં. અમારું તો બધું જ લૂંટાઈ ગયું હતું. એ સમયે મારાં મમ્મી પહાડની નીચે ગુપ્તકાશીમાં હતાં. કોણ બચ્યું છે, કોણ ગયું છે કંઈ જ ખબર નહોતી. જે નહોતા દેખાતા તે કદાચ ક્યાંક સલામત હોય તો સારું એવી આશા રાખી રહ્યા હતા. વીજળીની ઝડપથી આવેલા એ પાણીના ધોધમાં બધું જ વહી ગયું હતું. ચારે બાજુ તારાજી અને તારાજી દેખાઈ રહી હતી. આખરે રેસ્ક્યુ ટીમની મદદથી હેલિકૉપ્ટરમાં નીચે ઊતર્યા ત્યારે હજારો લોકો નીચે રાહ જોઈ રહ્યા હતા. ગણ્યાગાંઠ્યા લોકો ઉપર બચ્યા હતા. તાળીઓના ગડગડાટ અને હાર સાથે અમારું સ્વાગત થયું, પણ જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે શૂન્યાવકાશ હતો. હવે શું કરીશું અને કેમ જીવીશું એનો અંદાજ નહોતો. આપદા પીડિતો માટે સરકારે જાહેર કરેલી યોજનાઓ અને સામગ્રીઓનો બહુ ગૌણ હિસ્સો અમારા સુધી પહોંચતો હતો. શરૂઆતમાં આસપાસના લોકો દ્વારા મળતા અનાજ વગેરેથી ત્રણેક મહિનાનો સમય જેમ-તેમ પસાર કર્યો અને પછી ફરી નવેસરથી એકડાથી શરૂઆત કરી.’
આજે ફરીથી નવી સફર શરૂ થઈ છે. કોવિડ સમયના પ્રવાસીઓ વિનાના ધામને પણ રાહુલે જોયો છે. આ હોનારત પછીયે આજે પણ કેદારનાથ ધામમાં ચાલી રહેલા ડેવલપમેન્ટના કામથી રાહુલ ખૂબ જ ચિંતિત છે. તે કહે છે, ‘અમે બાબાના ધામમાં સરકાર દ્વારા ચલાવી રહેલાં વિકાસનાં કાર્યો અને જમીનોની વહેંચણીનો વિરોધ કરી રહ્યા છીએ. સરકારે બદલાય છે પણ કોઈ જ આ જમીનની નાજુકતાથી વાકેફ થયા વિના બસ વિસ્તાર પર જ નિર્ભર છે. કોઈને પડી જ નથી કે બાબાનું ધામ જોખમમાં છે. અહીં કંઈ પણ થશે તો પહેલો માર તો અમને જ લાગવાનો છે; પણ અત્યારે લોભ, લાલચ અને દેખાદેખીમાં પહાડના લોકો પણ ક્યાંક ભાન ભૂલી ગયા છે.’


મુંબઈના આ પરિવારે કેદારનાથની હોનારતમાં જે ભોગવ્યું હતું એ કઠણ હૃદયની વ્યક્તિને પણ ધ્રુજાવી દેનારું છે

ઘાટકોપરમાં રહેતો નીરજ સોની તેનાં મમ્મી ઉષાબહેન અને પિતા સુનીલભાઈ સાથે ચારધામની યાત્રાએ ૨૦૧૩માં ગયો હતો. આ પરિવારે જે રીતે પ્લાનિંગ કર્યું હતું અને જે તારીખે તેમણે નીકળવાનું હતું એ મુજબ જ યાત્રા આરંભાઈ હોત તો આ આફતના ૩ દિવસ પહેલાં જ તેમની કેદારનાથની યાત્રા પૂરી થઈ ગઈ હોત અને તો કદાચ નીરજ સોનીના પિતા આજે જીવંત હોત. યસ, પરિવારના ૩ સદસ્યો કેદારનાથમાં હજી માંડ અડધે પહોંચ્યા હતા ત્યાં કુદરતી આફતે તોફાનની શરૂઆત કરી દીધી હતી. ૭ દિવસના જીવન અને મૃત્યુ વચ્ચેના એ જંગમાં તેમણે પિતાને ગુમાવવા પડ્યા એટલું જ નહીં, કઠણ હૃદયને પિતાજીના પાર્થિવ દેહને અગ્નિદાહ આપવાની સ્થિતિ પણ નહોતી કે તેમણે જળને સમર્પિત કરી દેવા પડ્યા અને એમાં પણ સંકટની સ્થિતિ સર્જાઈ. ભલભલાનું કાળજું કંપાવનારી એ આખી વાત નીરજભાઈની જુબાની આગળ ટૂંકમાં વાંચો.
અમે મુંબઈમાં જે એજન્ટ પાસે બુકિંગ કરાવ્યું હતું તેણે આગળ અમારા ઍડ્વાન્સ પૈસા લઈને પણ બુકિંગ કર્યું નહીં જેની ખબર હરિદ્વાર પહોંચ્યા પછી થઈ. આ જ કારણ હતું કે નવેસરથી બુકિંગમાં અમારે બે દિવસ હરિદ્વારમાં રોકાઈને બીજા ૧૬ જણના ગ્રુપ સાથે જોડાવું પડ્યું. જે સમયે અમારી યાત્રા શરૂ થઈ ત્યારે પહેલેથી જ હવામાન ખરાબ હતું અને ચારેય બાજુ ચિક્કાર ભીડ અને ટ્રાફિકને કારણે યાત્રા મૂળ સમય કરતાં પણ થોડીક મોડી જ ચાલી રહી હતી. ગંગોત્રી સવારે પહોંચવાને બદલે રાતે પહોંચ્યા અને પછી ગંગોત્રીથી કેદારનાથ પહોંચ્યા. ૧૬ તારીખે સાંજે પાંચ વાગ્યે અમે અમારી યાત્રા શરૂ કરી હતી. અમારા ગ્રુપમાં ઘણા લોકો ઘોડા પર આગળ પહોંચી ગયા હતા. મમ્મી-પપ્પાએ પણ ખચ્ચર પર યાત્રા શરૂ કરી હતી, પરંતુ ખચ્ચર જે રીતે રસ્તાની સાઇડમાં ચાલતું હતું એ જરાક ડરાવણું હોવાથી ગૌરી કુંડ સુધી એટલે કે એ સમયે ૧૪ કિલોમીટરમાંથી લગભગ નવેક કિલોમીટર જેટલું અંતર ખચ્ચર પર કાપીને પછી તેમણે ચાલવાનું નક્કી કર્યું. એ સમયે જ ખૂબ વરસાદ હતો. ધીમે-ધીમે પાણીનો પ્રવાહ વધી રહ્યો હતો. એક પૉઇન્ટ પર ચાલતાં-ચાલતાં વચ્ચે ચા પીવા માટે ઊભા રહ્યા ત્યારે ચાની ટપરીવાળાએ પણ કહ્યું કે ઉપર બહુ જ મોટું તોફાન આવ્યું છે એટલે આગળ ન જાઓ. અમે જ્યાં હતા ત્યાં પણ પાણી બહુ જ ફોર્સથી આવી રહ્યું છે એ દેખાઈ રહ્યું હતું એટલે મારા પપ્પાએ જ કહ્યું કે આપણે હવે ઉપર જવાનું રહેવા દઈએ અને નીચેની તરફ જઈએ. નીચે ઊતરતાં-ઊતરતાં અમે જોયું કે આગળનો રસ્તો તૂટી ગયો છે. જે ગૌરીકુંડમાં અમે ઘોડા છોડ્યા હતા એ આખો વિસ્તાર સપાટ થઈ ગયો હતો. ત્યાં જે કંઈ દુકાનો હતી એ બધું જ સાફ થઈ ગયું હતું. હવે અમને સ્થિતિનો અંદાજ આવતો ગયો હતો કે સ્થિતિ ગંભીર છે. જોકે આગળ જવા માટે પણ રસ્તો નહોતો. જે રસ્તેથી અમે ચડીને આવ્યા હતા એ જગ્યાએ ખાઈ હતી. એ સમયે અમારા સિવાય એ જગ્યાએ લગભગ બસો-ત્રણસો યાત્રાળુઓ હશે. બધા જ હવે ક્યાંથી જવું, કેમ જીવ બચાવવો એ વિચારીને નવા-નવા રસ્તા શોધી રહ્યા હતા. વચ્ચે થોડીક પહાડની આડશમાં છાયો મળે તો એમાં આશરો લઈ રહ્યા હતા. રાતનો સમય હતો. અંધારામાં કંઈ દેખાય નહીં, કંઈ સમજાય નહીં. એકથી બીજો પહાડ ધીમે-ધીમે ચડતા. પગ લપસતો, રસ્તો નહીં પણ લિટરલી જેને પહાડ કહેવાય એવા પથ્થરો પર ડાળી પકડી-પકડીને પથ્થરોની આડશમાં ચડતા. લગભગ ૩ રાત તો કલ્પના ન કરી શકાય એવી સ્થિતિમાં જાગતા રહ્યા અને જીવ બચાવવા માટે જે મળ્યું એમાં સહારો શોધતા ગયા. પાણી નહીં, ખાવાનું નહીં અને ક્યાં જવું અને શું કરવું એની ગતાગમ નહીં. મને યાદ છે કે અમે એક પહાડથી બીજા પહાડ પર જઈ રહ્યા હતા એમાં વચ્ચે પાણીનું વહેણ હતું. રાતના એકાદ વાગ્યાનો સમય હતો. ઠંડું પાણી, કોઈ ટેકો નહીં અને કાળમીંઢ અંધકાર. એમાં સતત પહાડ પડવાના અવાજ સંભળાય. હું અને મમ્મી તો એ ક્રૉસ કરી ગયાં. પપ્પા ક્રૉસ કરી રહ્યા હતા ત્યાં તેમનો પગ લપસ્યો અને તેઓ એક ઝાડ પાસે સહેજ પડ્યા. તેઓ ઝાડની ડાળી પકડીને રહ્યા. રાતના બે વાગ્યા હતા. હું બૂમો મારું કે મારા પપ્પાને કોઈ બચાવો. આંખમાં આંસુ પણ મદદ કરી શકે એવી સ્થિતિમાં કોઈ નહીં. પપ્પાને માથામાં ખૂબ જોરદાર માર લાગ્યો હતો. ધીમે-ધીમે હિંમત કરીને હું પપ્પા પાસે મારી જગ્યાએથી એકાદ કલાકમાં પહોંચ્યો. ઝાડના ટેકે પપ્પાને ખભા પર લઈને મમ્મી પાસે આવ્યો. એ સમયે હાર્ટ-પેશન્ટ પપ્પાને છાતીમાં દુખાવો ઊપડ્યો. બ્લડ-પ્રેશર શૂટ-અપ થઈ ગયું અને માર, થાક અને ઊંઘનો અભાવ, ભૂખ-તરસ, જેવું બધું જ ભેગું. તેઓ એક ડગલું ચાલી શકે એમ નહીં. છેલ્લે હું બે કલાકનું ટ્રેક કરીને ઉપર ગયો અને પપ્પા માટે ચા, પાણી અને બિસ્કિટ લઈ આવ્યો. તેમને ખવડાવીને થોડીક તાકાત લાવીને હજી એક પ્રમાણમાં સેફ કહેવાય એવી જગ્યાએ પહોંચ્યા. પપ્પાની હાલત બગડી રહી હતી. તેમને ડાયેરિયા થઈ ગયો, વૉમિટિંગ થઈ. તેમણે મને ઘરે લઈ જાઓ એવી રટ લગાવી હતી. રાતે તેઓ મને ખૂબ પગ દુખે છે એવું કહેતાં સૂઈ ગયા. ત્યાં બીજા પણ એક ભાઈને પગમાં ઈજા થઈ હતી તેઓ પણ સૂતા હતા. અમે બધા બેઠાં-બેઠાં સૂતા હતા. સવારે જાગ્યા ત્યારે ખબર પડી કે પપ્પા નથી રહ્યા. એ આખો દિવસ હું અને મમ્મી ખૂબ રડ્યાં. મારી પાસે ફોન હતો જેને મેં માત્ર ઇમર્જન્સી માટે રાખ્યો હતો. પછી એ ફોનથી જ મેં ઘરે ઇન્ફૉર્મ કર્યું. બીજા દિવસે હવે શું કરવું એ સમજાતું નહોતું. ઘરે કાકાને ફોન કર્યો ત્યારે તેમણે કહ્યું કે આપણે ત્યાં અંતિમવિધિમાં અગ્નિસંસ્કાર અને જો એ શક્ય ન હોય તો જળને અર્પણ કરવાનું કહેવાયું છે. અમારી તો ચારેય બાજુ જળ હતું. બહુ જ રડતાં-રડતાં અમે પપ્પાના પાર્થિવ દેહને ખીણમાં વહી રહેલી નદીમાં અર્પણ કરવા ગયા, પણ વચ્ચે જ એક પથ્થરમાં તેમનો દેહ અટકી ગયો. હું ઉપરથી તેમના ઊંધા પડેલા શરીરને જોઈ શકતો હતો, પણ કંઈ જ કરી શકું એમ નહોતો. એ દિવસ અને રાત પણ અમે ત્યાં જ વિતાવી. બીજા દિવસે સવારે હેલિકૉપ્ટર દેખાવાનાં શરૂ થયાં જ્યાં અમે હેલ્પ-હેલ્પ કહીને બૂમો મારી રહ્યા હતા. જોકે એ સમયે હેલિકૉપ્ટરથી રેસ્ક્યુની પહેલી જરૂર ઉપરના ભાગમાં હતી. બીજા દિવસે થોડાક જવાનો અમારે ત્યાં આવ્યા. ફૂડ મળ્યું. એ સમયે એ જ જગ્યાએ હેલિપૅડ તરીકે હેલિકૉપ્ટર ઉતારી શકાય એવી સમથળ જમીન બનાવવાનું તેમણે શરૂ કર્યું જેમાં મારા જેવા ઘણા લોકોએ પણ મદદ કરી. મને હથોડો આપ્યો હતો. જોકે એ જગ્યાએ પહેલું હેલિકૉપ્ટર લૅન્ડ થાય એ પહેલાં જ ક્રૅશ થઈ ગયું, પણ લકીલી એનો પાઇલટ બચી ગયો હતો. એ દિવસ એમ જ ગયો. પછી એ જગ્યાએ નાનાં બે-ત્રણ લોકોને રેસ્ક્યુ કરી શકાય એવાં હેલિકૉપ્ટર આવ્યાં અને રેસ્ક્યુ ઑપરેશન શરૂ થયું. જોકે એમાં મારાં મમ્મી ગયાં, પણ મારા જેવા યંગ અને થોડાક હેલ્ધી લોકોએ પહાડ પરથી રસ્સીની મદદથી થોડેક સુધી ઊતરીને ત્યાંથી હેલિકૉપ્ટરમાં જવાનું હતું. એમાં પણ એવું થયું કે મમ્મી ગુપ્તકાશી અને મને દેહરાદૂન લઈ જવાયો. ફરી મેં આખી વાત કરી ત્યારે મને ગુપ્તકાશી લઈ જવાયો અને મમ્મીને શોધીને મળ્યો ત્યારે થોડોક જીવમાં જીવ આવ્યો. પછી ત્યાં જ રાત રોકાઈને બીજા દિવસે હરિદ્વાર પહોંચ્યા જ્યાં પરિવારજનો અમારી રાહ જોઈ રહ્યા હતા. જોકે આ આઠ-નવ દિવસની સર્વાઇવલ વૉરમાં કોઈ કલ્પના ન કરી શકે એવું અમે જોયું છે. સેંકડો ડેડ-બૉડી જોઈ. બે કલાક પહેલાં તમારી સાથે જીવતા હોય અને પછી તેમનું શરીર ઢળી પડ્યું હોય એવા જોયા. છેલ્લે જે સ્થળે અમે ૪ દિવસ અને રાત પસાર કર્યાં ત્યાં પણ ધીમે-ધીમે ઘણા લોકો જીવ ગુમાવતા જોયા. ઢળી પડેલા, મોઢામાંથી ફીણ નીકળતું હોય અને જીવનની છેલ્લી ઘડીઓ ગણી રહેલા લોકો જોયા. ઘણા લોકોને પહાડ પર ચડવા માટે ડેડ-બૉડી પર પગ મૂકીને જતા જોયા, કારણ કે તેમની પાસે પર્યાય નહોતો. મદદની ગુહાર લગાવતા પણ બચાવી શકાય એવી તાકાતના અભાવમાં આગળ વધવાની મજબૂરીઓ જોઈ. પૈસા હોવા છતાં કંઈ ન કરી શકાય એ લાચારી જોઈ. અમે જે ૧૬ જણનું ગ્રુપ હતું એમાંથી ૬ જણ બચી શક્યા. બાકીના ૧૦ લોકો ખલાસ થઈ ગયા. કેટલાયને લસરતા જીવતા ખીણમાં પડતા જોયા. આ દુર્ઘટનાએ જીવનનો મતલબ બદલી નાખ્યો મારા માટે. હું એ સમયે ૨૬ વર્ષનો હતો અને ગ્રુપનો યંગેસ્ટ મેમ્બર હતો, પણ હું આજેય એ ઘટનાઓ યાદ કરું ત્યારે રડી પડું છું.
આ આખો ઘટનાક્રમ કહેતી વખતે અઢળક વાર નીરજ વચ્ચે બોલતાં-બોલતાં અટકી ગયો. તેનો અવાજ ગળગળો થઈ ગયો હોય કે તેના અવાજમાં ધ્રુજારી આવી ગઈ હોય એવું બન્યું. 


નાછૂટકે લાશોને ખાઈમાં ફેંકીને બેસવાની જગ્યા કરવી પડે એવી સ્થિતિ હતી

સોનીપતમાં રહેતાં રીટા બેદી અને તેમનો પરિવાર અને ફ્રેન્ડ્સ મળીને ૭ જણનું ગ્રુપ ૨૦૧૩ની એ ગોઝારી ઘટનાનું આઇ-વિટનેસ છે. ૫૩ વર્ષનાં આ બહેન પોતાના હસબન્ડ અને ૧૦ વર્ષના બાળક સાથે કેદારનાથ પહોંચ્યાં હતાં ૧૬ જૂને. સાંજે પહોંચી ગયાં હતાં અને દર્શન વગેરે કરીને બીજા દિવસે નીકળવાનું હતું. સાતેય જણ આબાદ રીતે બચી ગયા, પણ એ સમયે લાગેલા ઘાના ઉઝરડા આજે પણ નથી ગયા. દુર્ઘટના પછી ૩ મહિના સુધી પથારીવશ રહેલાં અને આજે પણ શરીર પર એ વખતની ઈજાનાં નિશાન દેખાતાં રીટા બેદી કહે છે, ‘છેલ્લી ઘડીએ બીજા ૪ જણના મિત્રોના ગ્રુપ સાથે અમે જવાનું નક્કી કર્યું. એક કલાકમાં જ પૅકિંગ કરીને અમે કેદારનાથ જવા નીકળ્યા હતા. ૧૬ જૂને સરસ રીતે કેદારબાબાનાં દર્શન થઈ ગયાં. અમે હોટેલ પર રોકાયા હતા. વરસાદ સતત ચાલુ જ હતો, પણ પહાડો પર આ નૉર્મલ ગણાય. જોકે ૧૬ તારીખનો વરસાદ થોડોક જુદો હતો. ત્યારે જ થોડુંક નુકસાન થઈ ગયું હતું. ૧૭મીએ વહેલી સવારે ૪ વાગે અમે ઊતરવાનું શરૂ કર્યું. વરસાદ ચિક્કાર હતો, પણ મેં જ બધાને કહ્યું કે આપણે થોડા નમકના બનેલા છીએ કે પાણીમાં ઓગળી જઈશું. અમે ધીમે-ધીમે ઊતરતા હતા. લગભગ રામવાડા પાસે પહોંચ્યા હોઈશું અને પાણીનો પ્રવાહ વધતો ગયો. ઉપરથી ધોધમાર પાણી આવી રહ્યું હતું. નીચે ખીણમાં પાણી. પહાડ પડવાનો અવાજ. વાતાવરણ ખરાબ થતું દેખાયું એટલે થોડા રોકાયા. ત્યાં નીચે હજી થોડાક ચાવાળા હતા. તેમણે કહી દીધું કે ઉપર ખૂબ ભયંકર તબાહી થઈ છે. અમે ચાવાળાને ત્યાં જ હતા અને આંખ સામે પાણીનો બહુ જ મોટો પ્રવાહ આવ્યો અને આંખ સામે આખું રામવાડા જાણે કે વહી ગયું. અમને ત્યાંની જ એક વ્યક્તિએ સલાહ આપી હતી કે જો તમારે આમાંથી બચવું હોય તો સાતે જણ એકસાથે સાંકળ બનાવીને રહેજો અને એકબીજાથી છૂટા ન પડતા. અમે થોડું-થોડું કરીને આગળ ચાલતા હતા. અમે આંખ સામે લોકોને ખીણમાં પડતા જોયા, કોઈને કીચડમાં ફસાઈને અંદર ખૂંપી જતા જોયા. અમારો સામાન ત્યાં જ મૂકીને હવે કોઈ સુરક્ષિત દેખાય એવા પહાડ પર થોડોક શેડ મળે એ રીતે એક સ્થાન ગોતીને ચડતા ગયા. ત્યાંના સ્થાનિકોએ પોતાની હોટેલ બંધ કરી દીધી. કોઈને સમજાતું નહોતું કે શું કરવું. પહાડોના કિનારા પર રાતોની રાતો ગુજારી છે. મારાં કપડાં એટલાં ખરાબ થઈ ગયાં હતાં કે મારે કોઈ બીજાની સાડી પહેરવી પડી હતી. શરીરમાં બધે જ ઉઝરડા-ઉઝરડા હતા. રસ્તામાં કેટલાય મૃતદેહો જોયા છે. અડધું શરીર પહાડની ચટ્ટાન નીચે દટાયેલું હોય અને અડધું શરીર બહાર હોય. લોકો ચિચિયારી પાડીને બચાવવાની ગુહાર લગાવતા હોય તો પણ આપણે તેમને બચાવી શકીએ એ સ્થિતિમાં ન હોઈએ. હા, શરૂઆતમાં અમારી પાસે જે થોડુંક ખાવાનું હતું એ તેમને આપ્યું હતું. રાતે વરસાદ અને દિવસે ખૂબ તડકો. છાપરા પર બિછાવેલા પ્લાસ્ટિકને ઓઢીને અમે આખી રાત બેસી રહેતા. લગભગ સાતથી ૮ રાત એ જ રીતે પસાર કરી છે. હેલિકૉપ્ટરમાંથી જે ફેંકતા એ લેવા માટે ઝપાઝપી થતી. ઘણી જગ્યાએ તો અમે હોઈએ એની થોડીક જ મિનિટમાં ત્યાંથી હટ્યા પછી એ જગ્યા અમારી આંખ સામે નીચે ધસી પડી હોય. કેટલીયે જગ્યાએ પહાડ પર ચડવા માટે અમારે મૃતદેહોને ખાઈમાં ફેંકી-ફેંકીને રસ્તો બનાવવો પડ્યો હતો. મને યાદ છે કે અમે ભૂખથી અને શારીરિક ઈજાથી કણસતા હતા ત્યાં જ એક લંગડો માણસ આવ્યો અને અમને ચણા આપીને ગયો. એ ચણા પલાડીને એને અમે કાચા ને કાચા ખાઈને એકાદ દિવસ કાઢ્યો હતો. આસામના એક મહારાજ હતા તેમણે પોતાની પાસે રહેલા દૂધની ચા બનાવીને બધાને એક-એક ઘૂંટ આપી હતી. અમે જે ટેકરી પર હતા ત્યાં લગભગ ત્રીસેક જણ હતા. એમાંથી પણ ઘણા અમારી સામે ગુજરી ગયા. બેસવા માટે જગ્યા બનાવવા અમારે લાશોને ખાઈમાં નાખવી પડતી હતી. એક બનાવમાં મારો પગ પથ્થરમાં ફસાઈ ગયો ત્યારે મારો દીકરો યાદ આવતો અને મેં બધાને કહ્યું કે મને છોડીને તમે જતા રહો, મારા દીકરાને બચાવી લો. જોકે પછી હસબન્ડે ટ્રાય કરીને મારો પગ કાઢ્યો હતો. શરીરની ચામડી નીકળી ગઈ હતી. એ વિનાશકારી સમયને ક્યારેય નહીં ભુલાય. બસ, એકબીજાના સહારે બચી ગયા. મને હેલિકૉપ્ટરથી નીચે ગુપ્તકાશી ઉતારવામાં આવી, જ્યારે મારા હસબન્ડ અને દીકરો રસ્સીના સહારે આર્મીઓની સહાયથી નીચે આવ્યા હતા. જે રસ્તે અમે ચડ્યા એ બધું જ અમે જ્યારે નીચે આવ્યા ત્યારે બદલાઈ ગયું હતું. આખું સોનપ્રયાગ ધ્વસ્ત થઈ ગયું હતું. હું ગુપ્તકાશીમાં તેમની રાહ જોઈ રહી હતી. નીચે પહોંચ્યા પછી લાગ્યું કે આપણે બચી ગયા. નીચે કપડાં, દવા અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. એ પછી આજ સુધી પાછા કેદારનાથ જવાની હિંમત નથી કરી શક્યા. આજે ફરી ત્યાં બધું જ ભૂલીને સ્થિતિ પહેલાં જેવી થઈ ગઈ છે. લોકો આ આપદા જોયા પછી પણ કંઈ શીખ્યા નહીં એનો ખરેખર અફસોસ છે.’

Whatsapp-channel Whatsapp-channel

06 September, 2026 02:45 PM IST | Kedarnath | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK