Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > આવી સ્વાર્થીલી, દગાબાજ અને હત્યારી વ્યક્તિને સર્વોચ્ચ સજા સત્વર થવી જોઈએ

આવી સ્વાર્થીલી, દગાબાજ અને હત્યારી વ્યક્તિને સર્વોચ્ચ સજા સત્વર થવી જોઈએ

Published : 03 July, 2026 03:05 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ખરેખર જ્યારે-જ્યારે ન્યુઝચૅનલો પર એ દૃશ્યો દર્શાવાય છે ત્યારે તે દગાબાજ છોકરી પર ભયંકર આક્રોશ આવે છે. 

કેતન અગ્રવાલ, સિયા ગોયલ, ચેતન ચૌધરી

PoV

કેતન અગ્રવાલ, સિયા ગોયલ, ચેતન ચૌધરી


પુણેના યુવાન ઉદ્યોગપતિ કેતન અગ્રવાલની તેની ફિયૉન્સે સિયા ગોયલ દ્વારા કરાયેલી હત્યાના સમાચાર સાંભળતાં અને જોતાં દરેક વખતે હૃદયમાં ભયંકર ચચરાટ અનુભવાયો છે. વર્ષોના પરિચિત બે પરિવારો, આર્થિક–સામાજિક સ્ટેટસમાં પણ બહુ અંતર નહીં. કેતન અગ્રવાલ માતા-પિતાનું એકમાત્ર સંતાન અને સિયા ગોયલ પરિવારની દીકરી. પહેલી નજરે જોતાં આવાં એકમેકને વર્ષોથી જાણતાં કુટુંબો વચ્ચે આવા સગાઈ-લગ્નના સંબંધો બંધાય ત્યારે છોકરા-છોકરી વિશે સામાન્યપણે થતી હોય એવી ઊંડી તપાસ નથી થતી. આ વાતનો ઉલ્લેખ કેતનના દાદાએ અફસોસ સાથે કર્યો ત્યારે આ ગફલત તેમના કુટુંબને કેટલી મોંઘી પડી એનો રંજ તેમના અવાજ અને બૉડી-લૅન્ગ્વેજ બન્નેમાં છલકાઈ રહ્યો હતો. સગાઈના પાંચ મહિના દરમ્યાન લેવાયેલા સિયા અને કેતનના ફોટોગ્રાફ્સ કે વિડિયોમાં તેમના રોમૅન્ટિક મૂડ અને ખુશખુશાલ ચહેરાઓ જોઈને કોઈને સપનામાં પણ ખ્યાલ ન આવે કે આ છોકરી પોતાના ભાવિ પતિ સાથે નાટક કરી રહી છે! ખરેખર જ્યારે-જ્યારે ન્યુઝચૅનલો પર એ દૃશ્યો દર્શાવાય છે ત્યારે તે દગાબાજ છોકરી પર ભયંકર આક્રોશ આવે છે. 

સિયાએ કેતન સાથે લગ્ન નહોતાં કરવાં તો શા માટે સગાઈ થવા દીધી? સગાઈ પછી પણ લગ્ન માટે ના પાડી શકાઈ હોત, પરંતુ એવું કરવાની હિંમત નહોતી કેમ કે પોતાના પરિવારની બદનામી થાય (અને મનમાં તો એ પણ ડર કદાચ હશે કે મા-બાપ પોતાના બૉયફ્રેન્ડ સાથે તેનાં લગ્ન ન કરાવે તો). જોકે પોતાને સાચા દિલથી ચાહતા, પોતાના પર પૂરો ભરોસો કરતા અને પોતાની પાછળ ઉદારદિલે ખર્ચ કરતા એક હોનહાર યુવાન સાથે છેતરપિંડી કરવામાં તેણે કોઈ ખચકાટ ન અનુભવ્યો? પોતાની ભાવિ પુત્રવધૂને પ્રેમ અને શાનથી પોતાના પરિવારની સભ્ય બનાવવા લગ્નની ભવ્ય તૈયારીઓ કરી રહેલા એક પરિવાર પર આટલો મોટો ઘા કરતાં તેને કોઈ જ વિચાર ન આવ્યો?  પાંચ મહિનાથી તે કેતન સાથે  પ્રેમનું નાટક કરી રહી હતી અને તેના પરિવાર સાથે પણ છેતરામણી કરી રહી હતી. હકીકતમાં તે પોતાના બૉયફ્રેન્ડ સાથે મળીને એક ખતરનાક અને ઝેરીલી ઘટનાને આકાર આપવાની યોજના ઘડી રહી હતી. 



એક વિચાર એવો આવે કે શું સિયાનાં માતા-પિતાએ તેની સગાઈ કેતન સાથે કરતી વખતે તેની ઇચ્છા જાણવાનો પ્રયાસ નહીં કર્યો હોય? સિયાએ એ વિશે પોતાની અનિચ્છા વ્યક્ત કરી હશે? એમ છતાં તેના ઘરવાળાઓએ તેને આ સંબંધ બાંધવા ફરજ પાડી હશે? જોકે સિયાના સમૃદ્ધ અને આધુનિક લાગતા પરિવારને જોતાં આવી શક્યતા જણાતી નથી. એનો અર્થ એ થયો કે સિયાની મંજૂરી પછી જ આ સગાઈ થઈ હોય. પોતાને જે વ્યક્તિ સાથે લગ્ન નથી કરવાં તેની સાથે ઉપરથી પ્રેમનું નાટક કરીને પ્રી-વેડિંગ ફોટોશૂટ માટેનું લોકેશન પસંદ કરવા જવું અને દગાથી તેને મોતની ખાઈમાં ધકેલી દેવો! આવી કાતિલ યોજના ઘડવાની અને એનો અમલ કરવાની હિંમત તેનામાં હતી. વળી આ ઘટના બની ત્યારે તો તેને એક અકસ્માત સમજીને સૌએ સ્વીકારી લીધી અને આ જુઠ્ઠી છોકરીએ પણ આઘાત અને શોકનું નાટક સોશ્યલ મીડિયા પર ખેલી લીધું. એ તો બે-ચાર દિવસ બાદ કેતનની કઝિન બહેને સિયા સાથે વાત કરી ત્યારે તેને સિયાના જવાબોમાં રહેલી વિસંગતિઓને લીધે શક ગયો કે એ ઘટના દેખાય છે એવી નથી. તેણે જ્યારે પરિવારમાં એનો ઉલ્લેખ કર્યો ત્યારે બધાને પાછલી શંકાસ્પદ ઘટનાઓ યાદ આવી : થોડા દિવસ અગાઉ પણ સિયા અને કેતન એ લોકેશન પર ગયેલાં અને સિયાએ અચાનક તેને ધક્કો મારી દીધેલો. એ વખતે કેતનના હાથમાં એક ઝાડની ડાળી આવી ગઈ એટલે તે બચી ગયેલો. તો સિયાએ તરત વાર્તા ઘડી કાઢી કે તારી પાસે સાપ આવી રહ્યો હતો એટલે તને બચાવવા મેં ધક્કો મારેલો! એ પહેલાં ફોટોશૂટ માટે કેતન, સિયા અને તેનો ભાઈ વગેરે બાલી જવાનાં હતાં ત્યારે પુણેથી ફ્લાઇટ પકડવા તેઓ મુંબઈ પહોંચ્યાં તો છેલ્લી ઘડીએ ધ્યાનમાં આવ્યું કે કેતનનો પાસપોર્ટ ગાયબ હતો! એ બધી ઘટનાઓ ઘરનાઓને યાદ આવી અને તેમના શકના અંકોડા પાકા થતા ગયા. ત્યાર બાદ આ ઘટનાની પોલીસ-ફરિયાદ થઈ અને પછીની તપાસમાં સિયા અને તેના બૉયફ્રેન્ડે મળીને કેતનની હત્યાનું પાકું આયોજન કરેલું અને એનો અમલ કર્યાની હકીકત બહાર આવી. પોલીસતપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે કેતનનો પાસપોર્ટ સિયાએ જ ગાડીમાંથી લઈને પોતાની પાસે રાખી લીધેલો અને પછી ફાડીને ફૂડ-કોર્ટના વૉશરૂમમાં ફ્લશ કરી દીધો હતો! એ લોકો જે ગાડીમાં મુંબઈ ઍરપોર્ટ ગયેલાં એના ડ્રાઇવરે માહિતી આપી કે ફૂડ-કોર્ટમાં બધાં ગયાં પછી સિયા પાછી આવીને ગાડીમાંથી કંઈક કાઢીને લઈ ગઈ હતી. 


સિયાને ચેતન ચૌધરી સાથે અફેર હતું અને તેની સાથે લગ્ન કરવાં હતાં તો પછી તેણે કેતન સાથે સગાઈ શા માટે કરી? એવો સવાલ સ્વાભાવિક છે. એની પાછળ પણ આ શાતિર છોકરીની ગણતરી હોય એમ ચોક્કસ માની શકાય. એક અહેવાલ પ્રમાણે તેણે કેતન સાથેનાં લગ્ન ૩ વરસ પાછાં ઠેલવાની માગણી કરી હતી અને આ પાંચ મહિનામાં તેણે કેતન પાસેથી લગ્નની તૈયારીઓના બહાને મોટી રકમ ખંખેરી લીધી હતી જે ચેતનને પોતાનો બિઝનેસ વિકસાવવા માટે તેણે આપી હતી. આ વાત જો સાચી હોય તો આ છોકરીની અધમ કક્ષાની સ્વાર્થીલી વૃત્તિ અને પોતાના સ્વાર્થ ખાતર ગમે એવું ઘાતક કામ કરતાં ન અચકાવાની પ્રકૃતિ અંગે કોઈ શંકા રહેતી નથી. 

આવી રાક્ષસી સ્વાર્થવૃત્તિ ધરાવતી કપટી અને દગાબાજ હત્યારી વ્યક્તિને આકરામાં આકરી, અંતિમ કક્ષાની સજા સત્વર થવી જોઈએ એમ દેશવાસીઓ ઇચ્છે છે; પરંતુ આપણી ઉદાર ન્યાયપદ્ધતિમાં એવી કડક સજા ત્વરિત આપવી શક્ય હોત તો આવી અમાનુષી હરકતો ફરી-ફરીને બન્યા ન કરત. લાખોની ફી ચૂકવીને રોકવામાં આવેલા વકીલો આ દંભી, દગાખોર હત્યારાઓને નિર્દોષ છોડાવી જઈ શકશે અને આપણી કમનસીબી એ છે કે આ માટેની દલીલો તેમને આપણા કાયદાઓમાં રહેલી છટકબારીઓમાંથી જ મળશે. 


- તરુ મેઘાણી કજારિયા

Whatsapp-channel Whatsapp-channel

03 July, 2026 03:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK