Kalyan Hospital Assault: કલ્યાણની એક ખાનગી હોસ્પિટલમાં સારવારનું બિલ ચૂકવવાનો ઇનકાર કર્યા બાદ દર્દીએ હથિયારધારી શખ્સોને બોલાવી ડોક્ટર અને હોસ્પિટલ સ્ટાફ પર હુમલો કરાવ્યો હોવાનો એક સીસીટીવી વીડિયો વાયરલ થયો છે
વીડિયોમાંથી લીધેલા સ્ક્રિનશોટ
થાણે (Thane)ના કલ્યાણ (Kalyan) વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક ખાનગી હોસ્પિટલમાં સારવારનું બિલ ચૂકવવાનો ઇનકાર કરીને એક દર્દીએ તેના સાથીદારોને બોલાવી ડોક્ટર અને હોસ્પિટલના અન્ય સ્ટાફ મેમ્બર્સ પર હિંસક હુમલો કર્યો હતો. આ હુમલાનો એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ વીડિયોમાં હોસ્પિટલ સ્ટાફ પર હુમલો થતો દેખાયો
ADVERTISEMENT
વાયરલ થયેલા આ વીડિયો (Viral Video)માં પુરુષોનું એક ટોળું હોસ્પિટલના કર્મચારીઓને લાતો, મુક્કા અને લોખંડના સળિયા વડે માર મારતું જોઈ શકાય છે. હોસ્પિટલ (Kalyan Hospital Assault) પરિસરમાં લાગેલા કેમેરામાં કેદ થયેલી આ ઘટનામાં હિંસક દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જેમાં હોસ્પિટલનો સ્ટાફ સળિયા અને લાકડીઓ લઈને આવેલા ગુંડાઓથી પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.
આ ઘટના કલ્યાણ પૂર્વમાં આવેલી `જાનકી ગ્લોબલ હોસ્પિટલ` (Janki Global Multispeciality Hospital)માં બની હોવાનું જાણવા મળ્યું છે, જ્યાં સોનુ નામના એક દર્દીને તાવની ફરિયાદ બાદ સારવાર માટે લાવવામાં આવ્યો હતો. હોસ્પિટલ સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, ડોક્ટરોએ તેને ઈન્જેક્શન અને આઈવી ડ્રિપ સહિતની સામાન્ય તબીબી સારવાર આપી હતી.
View this post on Instagram
હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું કે કુલ બિલ આશરે ૨,૦૦૦ રૂપિયા થયું હતું, જે બાદમાં માનવતાના ધોરણે ઘટાડીને આશરે ૧,૫૦૦ રૂપિયા કરી દેવામાં આવ્યું હતું. જો કે, આ રાહત આપવા છતાં દર્દીએ પૈસા ચૂકવવાનો ઇનકાર કર્યો હતો અને બહાના બનાવવા લાગ્યો હતો.
એક મીડિયા રિપોર્ટ અનુસાર, દર્દીએ શરૂઆતમાં હોસ્પિટલ સ્ટાફને કહ્યું કે તે જીપે (GPay) દ્વારા ઓનલાઈન પેમેન્ટ કરશે. બાદમાં તેણે જણાવ્યું કે તેનો મિત્ર નીચે પૈસા લઈને ઉભો છે. સ્ટાફને થોડી શંકા ગઈ પરંતુ બિલના પૈસા મળી જશે તેવી આશાએ હોસ્પિટલના કર્મચારીઓ તેની સાથે બિલ્ડિંગની બહાર નીચે ગયા હતા.
હુમલામાં ડોક્ટર સહિત અનેક કર્મચારીઓ ઈજાગ્રસ્ત
હોસ્પિટલના કર્મચારીઓ જ્યારે નીચે પહોંચ્યા ત્યારે ત્યાં પહેલેથી જ હાજર કેટલાક શખ્સોએ અચાનક લોખંડના સળિયા અને લાકડીઓ વડે ડોક્ટર અને સ્ટાફ મેમ્બર્સ પર હુમલો કરી દીધો હતો. આ હિંસક હુમલામાં ડોક્ટર અશોક સહિત હોસ્પિટલના અનેક કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે.
આ ઘટના અંગે વાત કરતા ડો. અશોકે જણાવ્યું કે, દર્દીને સામાન્ય સારવાર આપવામાં આવી હતી અને હોસ્પિટલ મેનેજમેન્ટે તેની પરિસ્થિતિ જોઈને બિલમાં ઘટાડો પણ કર્યો હતો. પરંતુ, પૈસા ચૂકવવાના બદલે દર્દીએ તેના સાથીદારો સાથે મળીને આ હુમલાનું કાવતરું ઘડ્યું હતું.
આ સમગ્ર ઘટના હોસ્પિટલના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના વિઝ્યુઅલ્સ હવે પોલીસ (Mumbai Police) તપાસમાં મહત્વની ભૂમિકા ભજવશે તેવી અપેક્ષા છે.
હોસ્પિટલની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે આરોપીઓને પકડવા માટે શોધખોળ શરૂ કરી છે.
આ મામલે આગળની કાયદેસરની તપાસ ચાલી રહી છે.
