AI-AIના ભયમાં રહેવા કરતાં એના માટે વિવેકબુદ્ધિ સાથે સજ્જ થવામાં સારઃ જનહિતનાં લક્ષ્યો જરૂરી
પ્રતીકાત્મક તસવીર
AI વિશ્વ સામે એક ક્રાન્તિકારી પરિવર્તન છે અને પડકાર પણ છે, જે એક તરફ નવસર્જન કરશે તો બીજી તરફ વિસર્જન પણ કરશે. યુવા વર્ગ સહિતનો વિશાળ વર્ગ હાલ તો AIને કારણે તેમનું મહત્ત્વ-કામધંધો ગુમાવવાની ચિંતા કરી રહ્યો છે ત્યારે ભારત કૌશલ્યના વિકાસ માર્ગે નવી તકો માટે સજ્જ થઈ રહ્યું છે એવું જોરશોરથી કહેવાઈ રહ્યું છે. પરિણામ માટે સખત પરિશ્રમ અને પ્રતીક્ષા કરવાં રહ્યાં
હાલમાં જગતભરમાં ચર્ચા માટેના ટોચના પાંચ વિષયોની યાદીમાં એક વિષય છે AI (આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ). આ વિષય હવે જગત માટે ચિંતા અને ચિંતનનો પણ બનતો જાય છે. AIની ક્રાન્તિને રોકવી કે ધીમી પાડવી સંભવ નથી. જોકે એને માત્ર નેગેટિવ દૃષ્ટિએ જોવાની પણ જરૂર નથી, પરંતુ એને સમજીને સજજ થવું આવશ્યક છે. તાજેતરમાં જ આપણા દેશમાં AIને કેન્દ્રમાં રાખીને વિરાટ સમિટ યોજાઈ ગઈ જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હાજર રહી વિવિધ દેશોની ટોચની હસ્તીઓને તેમ જ વિવિધ એક્સપર્ટ્સ-પ્લેયર્સને મળીને તેમની વાતો સાંભળી હતી. આજના યુગની ક્રાન્તિ સમાન AIનાં બે પાસાં હોઈ શકે. એક, એ વિનાશકારી બની શકે અને બીજું, એ પરિવર્તનકારી બની શકે. અલબત્ત, હાલ તો એનાં બન્ને પાસાં કામ કરતા થઈ ગયાં છે જેનાં સંભવિત પરિણામની ચર્ચા ભલે હાલ થઈ રહી હોય પરંતુ એના નિષ્કર્ષ પર આવવું કઠિન છે. અત્યારે તો સમગ્ર વિશ્વ આ વિષયમાં ચિંતામાં છે અને નવા ઉપાયો શોધવામાં લાગી ગયું છે. AIને સરળ શબ્દોમાં સમજવું હોય તો માણસનું કામ મશીન કરે. સામાન્ય રીતે માનવી પોતાની બુદ્ધિથી જે કામ પાર પાડે છે એ કામ કમ્પ્યુટર કે મશીન બુદ્ધિપૂર્વક કરે છે જેને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ કહેવાય છે. જેમ કે અનુભવોમાંથી શીખવું, ભાષાને સમજવી, પૅટર્નને ઓળખવી અને નિર્ણયો લેવા યા લેવડાવવા, જેમાં ઘણા પ્રકાર હોય છે. AI બહુ સારાં કામ કરશે અને AI મારફત બહુ બૂરાં કામ પણ કરાવાતાં રહેશે. એટલે જ તો AIના સદુપયોગ માટે હાલમાં અનેક લોકો સોગંદ લઈ રહ્યા છે.
ADVERTISEMENT
AI બાબતે ખાસ કરીને અમેરિકા અને ચીન એના કેન્દ્રમાં રહ્યા છે. ભારતે તો હજી આ માર્ગે ઘણું શીખવાનું બાકી છે. AIને કારણે વેપાર-ઉદ્યોગમાં જૉબલૉસ થશે એવો ડર વ્યાપક બની રહ્યો છે. લગભગ દરેક સેક્ટરમાં AIને અજમાવવાનું શરૂ થયું છે જેમાં AI વિશે સમજ કરતાં ગેરસમજ વધુ ફેલાઈ રહી છે. એક સમયે ડૉટકૉમનો પ્રચાર-પ્રસાર જોરથી થયો હતો અને પછી ડૉટકૉમ ફુગ્ગો બન્યું હતું. અલબત્ત, AI નવા યુગનું વધુ સ્માર્ટ, ફાસ્ટ, અસરકારક સાધન છે.
ભારતમાં AIનો ઉપયોગ
એક અહેવાલ મુજબ ૩૦ ટકા ભારતીય કંપનીઓ AI મારફત એની વૅલ્યુ વધારી રહી છે. બૅન્કિંગ અને ફાઇનૅન્શિયલ સેક્ટર, ફાર્મા-હેલ્થકૅર, રીટેલ-FMCG અને ઉત્પાદન ક્ષેત્રમાં AIનો વધુ ઉપયોગ થાય છે. ભારતમાં AIની માર્કેટ ૨૦૨૩માં ૬ અબજ ડૉલર હતી, જે વધીને ૨૦૨૮માં ૨૦ અબજ ડૉલર સુધી પહોંચવાની ધારણા છે. AI ભારતની ગ્રૉસ વૅલ્યુમાં ૨૦૨૬ સુધીમાં પાંચ લાખ કરોડનો ઉમેરો કરી શકે છે. ભારતમાં AI ટૅલન્ટ મોટા પાયે ઉપલબ્ધ છે. અહીં AI માટે સરકાર તરફથી મોટું મિશન ચાલી રહ્યું છે જેમાં અનેકવિધ પરિબળો અને નિરીક્ષણો ઉમેરાતાં જાય છે. AIના આંકડાઓની માયાજાળ કે વાસ્તવિક જાળને હાલ સમજવી કઠિન છે.
AI-MANAV શું છે?
તાજેતરની સમિટ દરમ્યાનના ગાળામાં વડા પ્રધાને નરેન્દ્ર મોદીએ કરેલાં વિધાનોમાંથી ચોક્કસ વિધાનો પર નજર કરવી જોઈએ, જે વિચારપ્રેરક હોવા ઉપરાંત ભાવિ સંકેત-સંદેશ પણ છે. તેમણે કહ્યું કે લોકોને AI સામે ફિયર (ભય) છે, પરંતુ ખરેખર તો AIમાં ફ્યુચર (ભાવિ) છે. ભારત પાસે ટૅલન્ટ, ઊર્જા અને કાર્યક્ષમતા છે. નરેન્દ્ર મોદીએ એક સરસ શબ્દપ્રયોગ કર્યો છે, માનવ વિઝન. અર્થાત M - મૉરલ અને એથિકલ સિસ્ટમ, A - અકાઉન્ટેબલ ગવર્નન્સ, N - નૅશનલ સૉવરિનિટી, A - ઍક્સેસિબલ અને ઇન્ક્લુઝિવ,
V – વેરિફાઇડ અને લેજિટિમેટ. આમ AI પ્રત્યે ભારતનો અભિગમ માનવીય હશે. નરેન્દ્ર મોદીએ કરેલી વધુ એક જોરદાર વાત એ છે કે ભારત AIના ઉપયોગ દ્વારા દેશમાં ડિઝાઇન અને ડેવલપ કરી એને વિશ્વમાં ડિલિવર કરશે. ભારત સરકાર જો આ અભિગમના અમલને સફળ બનાવી શકી તો ભારતીય પ્રજા માટે AI આશીર્વાદ સાબિત થઈ શકે.
AI નવી તકોનું સર્જન કરશે
દેશના યુવાવર્ગે AIના ભયને બદલે નવી રીતે સજજ થવા પર ધ્યાન આપવું જોઈએ. ઇતિહાસે આપણને શીખવ્યું છે કે ઇનોવેશનથી નવી તકો ઊભી થાય છે. દેશ હાલ AI પ્રેરિત માહોલમાં યુવા વર્ગને સ્કિલ વિકસાવવામાં સહાય કરવા પર ધ્યાન આપી રહ્યો છે. સરકાર આને ભાવિ સમસ્યા ગણતી નથી. AI દરેકને ભૌગોલિક સીમાની બહાર તકો લાવી આપશે; જેના મારફત ડૉક્ટર્સ, લૉયર્સ અને ટીચર્સ વિશાળ વર્ગને તેમની સર્વિસ ઑફર કરી શકશે. ટેક્નૉલૉજીને કારણે કામ અદૃશ્ય થઈ જતાં કે બંધ થઈ જતાં નથી, માત્ર એનું સ્વરૂપ કે પૅટર્ન બદલાય છે, નવા પ્રકારની તકો સર્જાય છે. વિકસિત ભારત-૨૦૪૭ની યાત્રામાં ટેક્નૉલૉજી ટ્રાન્સફૉર્મેટિવ તક બનશે.
AI ભલે મશીન રહ્યું, એને માનવીય ચહેરો આપી શકાય છે
આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) પ્રત્યે સમગ્ર જગતે શરૂઆતથી એક એવી છાપ ઊભી કરી દીધી છે કે AI સામે ભરોસો બેસે એ કરતાં એનો ભય વધુ લાગે. આર્ટિફિશ્યલ એટલે કૃત્રિમ, માનવીય નહીં; જ્યારે કે AI પણ સર્જન તો માનવીય બ્રેઇનનું જ છે. AIને માનવીય પણ બનાવી શકાય છે. એનો કોણ, ક્યારે, કઈ રીતે ઉપયોગ કરે છે એ મહત્ત્વનું ગણાય. અહીં કામ મશીન કરે છે, મશીનનો સર્જક પણ તો માણસ જ છે. જેના હાથમાં સત્તા અને સાધન છે તેઓ નક્કી કરી શકે, આ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સને નૅચરલ ઇન્ટેલિજન્સ બનાવીને કામ થવું જોઈએ. જગતમાં અનેક બાબતો યા સાધનો એવાં છે જે વિનાશક લાગે, પરંતુ એનો સદુપયોગ પણ થઈ શકે છે. જો AIને માનવીય વિશાળ જનહિતનાં લક્ષ્યો સાથે ઉપયોગમાં લેવામાં આવે તો સદક્રાન્તિ સંભવ બની શકે. આ માટે વિવેકબુદ્ધિ જરૂરી બનશે. આગામી સમયમાં AI-ડ્રિવન પરિવર્તનનો પવન ફેલાતો જશે, એનું પરિણામ શું આવે છે એની પ્રતીક્ષા કરવી રહી.
- જયેશ ચિતલિયા
(લેખક આર્થિક ક્ષેત્રના અનુભવી પત્રકાર છે.)
