આટલી ગંભીર બાબતનો ઉકેલ લાવ્યા વિના મેટ્રો સર્વિસ શરૂ કરવાની મંજૂરી આપવાથી જોખમ વધશે
મેટ્રોલાઇન 2Bના ગર્ડર નીચે મસ્જિદ
ચેમ્બુરની પોસ્ટલ કૉલોનીમાં મેટ્રોલાઇન 2Bના ગર્ડર નીચે મસ્જિદની હાજરીને કારણે રાઇટ ટુ ઇન્ફર્મેશન (RTI) કાર્યકર અનિલ ગલગલીએ સ્વતંત્ર તપાસની માગણી કરી છે. પ્રોજેક્ટની કમર્શિયલ કામગીરી શરૂ થાય એ પહેલાં મસ્જિદનું માળખું કેમ દૂર કરવામાં ન આવ્યું એવો સવાલ તેમણે કર્યો છે.
ચેમ્બુરમાં ડાયમન્ડ ગાર્ડન અને માનખુર્દમાં મંડાલે વચ્ચેના ફેઝ-1ના એલિવેટેડ મેટ્રો 2B કૉરિડોરને એની કમર્શિયલ કામગીરી માટે મેટ્રો રેલ સેફ્ટી કમિશનર તરફથી મંજૂરી મળી ગઈ છે અને ચાલુ રાજ્ય વિધાનસભા સત્ર પછી એ શરૂ થવાની અપેક્ષા છે.
ADVERTISEMENT
જોકે ચેમ્બુરમાં મેટ્રો ગર્ડરની નીચે મસ્જિદને લઈને ત્યાંના રહેવાસીઓ અને કાર્યકરોમાં જાહેર સલામતી અને વહીવટી જવાબદારી વિશે ચિંતા ઊભી થઈ છે. અનિલ ગલગલીએ આરોપ લગાવતાં કહ્યું છે કે ‘મેટ્રો 2Bના ડિટેલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ (DPR)માં વર્ષોથી અનેક સુધારા કરવામાં આવ્યા છે. જ્યારે DPR વારંવાર બદલાયો છે ત્યારે જવાબદારી મહત્ત્વપૂર્ણ બની જાય છે. એવી પરિસ્થિતિ કેવી રીતે ઊભી થઈ જ્યાં મસ્જિદ સીધી મેટ્રો થાંભલાની નીચે રહે? આ સંપૂર્ણ અને સ્વતંત્ર તપાસની જરૂર છે. પ્રોજેક્ટ શરૂ થાય એ પહેલાં એ માળખા પર કેમ ધ્યાન આપવામાં ન આવ્યું.’
અનિલ ગલગલીએ વધુમાં કહ્યું હતું કે ‘આટલી ગંભીર બાબતનો ઉકેલ લાવ્યા વિના મેટ્રો સર્વિસ શરૂ કરવાની મંજૂરી આપવાથી જોખમ વધશે. ધાર્મિક ઇમારતો સંવેદનશીલ સ્થળો છે અને ઘણી વાર સૉફ્ટ ટાર્ગેટ હોય છે. વહીવટી સુવિધા કરતાં જાહેર સલામતીને પ્રાથમિકતા આપવી જોઈએ.’
