જીવનમાં આવતા ફેરફારો આપણને ઘણું શીખવે છે. બાયપાસ સર્જરીના અનુભવથી સમજાય છે કે આરોગ્ય કેટલું મોટું સુખ છે. હૉસ્પિટલ, જેલ અને સ્મશાનની મુલાકાત જીવન, સ્વતંત્રતા અને કૃતજ્ઞતાનું મૂલ્ય સમજાવે છે.
મહેશ શાહ
જીવનનું બીજું નામ જ કદાચ ‘ફેરફાર’ છે. સૃષ્ટિમાં એવું કંઈ નથી જે સતત એકસરખું રહે. સવાર પછી સાંજ આવે છે, વસંત પછી ઉનાળો આવે છે, ઉનાળા પછી ચોમાસું અને ચોમાસા પછી શિયાળો આવે છે. ઋતુઓનો આ ફેરફાર માત્ર કુદરતનો નિયમ નથી પરંતુ ઈશ્વર દ્વારા મનુષ્યને આપવામાં આવેલું એક સુંદર માર્ગદર્શન પણ છે. મહત્ત્વનું એ નથી કે જીવનમાં ફેરફાર આવે છે કે નહીં. ફેરફાર તો આવવાનો જ છે. મહત્ત્વનું એ છે કે આપણે એ ફેરફારને કઈ દૃષ્ટિથી જોઈએ છીએ. જો આપણે દરેક પરિવર્તનને માત્ર મુશ્કેલી તરીકે જોઈશું તો જીવન ભારરૂપ લાગશે; પરંતુ જો આપણે એને જીવનના વિકાસ માટેનું ઈશ્વરીય માર્ગદર્શન માનીએ તો દરેક પ્રસંગ આપણને કંઈક શીખવીને જશે.
મારા જીવનમાં પણ અનેક એવા પ્રસંગો આવ્યા છે જેમણે મને કંઈક ને કંઈક શીખવ્યું છે. ૨૦૦૪માં મારી બાયપાસ સર્જરી થઈ. આજે પાછળ વળીને જોઉં છું ત્યારે સમજાય છે કે એ પ્રસંગે પણ મને જીવન વિશે ઘણું વિચારવા પ્રેર્યો હતો. મનુષ્ય માનસિક રીતે પોતાને હંમેશાં યુવાન માની શકે છે, પરંતુ શરીર પોતાની ઉંમર પ્રમાણે આગળ વધે છે. શરીર પર સમયની અસર થતી રહે છે એટલે મનુષ્યએ પોતાના શરીર, આરોગ્ય અને જીવનશૈલી પ્રત્યે સતત જાગૃત રહેવું જોઈએ.
માણસ જ્યારે સ્વસ્થ હોય છે ત્યારે તે ઘણીબધી બાબતોને સહજતાથી લે છે. શરીર સાથ આપે છે, રોજિંદું જીવન સરળતાથી ચાલે છે, મિત્રો મળે છે, કામ થાય છે અને આપણને લાગે છે કે બધું આપણા નિયંત્રણમાં છે; પરંતુ જ્યારે અચાનક માંદગી આવે છે અને હૉસ્પિટલની પથારી પર થોડા દિવસો પસાર કરવા પડે છે ત્યારે માણસને પોતાના જીવન વિશે ફરી વિચારવાનો સમય મળે છે. એ સમયે સમજાય છે કે આરોગ્ય કેટલું મોટું સુખ છે અને સાથે એ પણ સમજાય છે કે શરીર આપણું છે, પરંતુ શરીર પર આપણો સંપૂર્ણ અધિકાર નથી. મારા ગુરુજી ઘણી વાર એક ખૂબ જ સરસ અને જીવનને સ્પર્શી જાય એવી વાત કહેતા કે જો તમારે જાણવું હોય કે તમે કેટલા સુખી છો તો હૉસ્પિટલ, જેલ અને સ્મશાનની મુલાકાત લો. આ વાત પહેલી નજરે ખૂબ સામાન્ય લાગે, પરંતુ એની અંદર જીવનનું ઘણું મોટું સત્ય છુપાયેલું છે.
આપણે જ્યારે હૉસ્પિટલમાં બીમારી સામે ઝઝૂમતા માણસોને જોઈએ છીએ; કોઈ આરોગ્ય માટે પ્રાર્થના કરી રહ્યું હોય છે, કોઈ પોતાના સ્વજનની ચિંતા કરી રહ્યું હોય છે અને કોઈ ફરીથી સ્વસ્થ થવાની આશા રાખી રહ્યું હોય છે; ત્યારે આપણને સમજાય છે કે આપણે જે આરોગ્યને રોજિંદી અને સામાન્ય બાબત માનીએ છીએ એ ખરેખર કેટલું મોટું સુખ છે. જેલની મુલાકાત આપણને સ્વતંત્રતાનું મૂલ્ય સમજાવે છે અને સ્મશાનમાં જઈએ ત્યારે જીવનની અંતિમ સત્યતા સામે ઊભા થઈએ છીએ. આ ત્રણેય સ્થળો જાણે આપણને જીવનનો એક અદૃશ્ય અરીસો બતાવે છે. ત્યાં જઈને, ત્યાંની પરિસ્થિતિને જોઈને અને ત્યાં રહેલા લોકોની સ્થિતિને અનુભવીને કદાચ આપણને સમજાય છે કે આપણે જે જીવન જીવી રહ્યા છીએ એ પણ ઈશ્વરની કેટલી મોટી કૃપા છે. આ સમજણ આવે ત્યારે ફરિયાદ ઓછી થાય છે અને કૃતજ્ઞતા વધે છે.
-મહેશ શાહ
