Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > આપણો પોતાનો અવાજ આપણે સાંભળીએ ત્યારે

આપણો પોતાનો અવાજ આપણે સાંભળીએ ત્યારે

Published : 18 February, 2026 11:33 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આપણા જ વિચારોને શબ્દબધ્ધ કરેલા સાંભળીને એ વિશે ફરી વિચારવાનું પણ મન થાય. આપણે પરિવર્તનશીલ વિશ્વમાં રહીએ છીએ.

પ્રતીકાત્મક તસવીર

PoV

પ્રતીકાત્મક તસવીર


એક મિત્રે ફોન કરી કહ્યું, ‘તમારે તમારો અવાજ સાંભળવો છે?’ મેં હળવાશથી જવાબ આપ્યો, ‘મારો અવાજ તો હું રોજ સાંભળું છું. કંઈક નવું સંભળાવો તો લેખે લાગે.’ મિત્રે જવાબ આપ્યો, ‘ના, એવું નથી. આપણો અવાજ આપણે સાંભળતા નથી હોતા. બીજાઓ એ સાંભળતા હોય છે અને બીજાઓનો અવાજ આપણે સાંભળતા હોઈએ છીએ.’ મેં કહ્યું, ‘આભાર, શરૂ કરો. ‘એ મિત્રે રેકૉર્ડિંગ સંભળાવવાનું શરૂ કર્યું. મારો જ અવાજ સાંભળવાનો આનંદ મળ્યો. મિત્રે પૂછ્યું, ‘કેવું લાગ્યું?’ એ નાના બે શબ્દના પ્રશ્નનો જવાબ વિસ્તૃત હતો. મેં એ મિત્રનો આવો અનુભવ કરાવવા માટે આભાર માન્યો. આપણા પોતાના જ અવાજને, શબ્દોને, વિચારોને ફરી સાંભળવા એ એક જુદો જ રોમાંચક અનુભવ છે. આ અનુભવનો આનંદ તો થયો સાથે-સાથે વિચારોમાં પણ સરી જવાયું.

ક્યારેય આપણને એવી અને એટલી નિરાંત કે ફુરસદ મળી છે કે વીતેલા શબ્દોને વાગોળીએ? કોઈને ઉતાવળમાં કે આવેશમાં કંઈ કહેવાઈ ગયું હોય, ચર્ચા-વિવાદમાં ગરમાગરમીમાં કોઈના માનને - અભિમાનને ઠેસ પહોંચાડી હોય, બિનજરૂરી દલીલો કરી સમય બગાડ્યો હોય અને એ બધાંને કારણે કેટલાક મિત્રો-સ્નેહીઓને નારાજ પણ કર્યા હોય. ક્યાંક સંબંધોમાં તડ પડી હોય એ જો મનની ટેપ પર ફરી સાંભળીએ તો ત્રીજી વ્યક્તિ તરીકે આપણે આપણી જાતને, આપણા વર્તનને, આપણા શબ્દોને મૂલવી શકીએ. અને જો આપણું હૃદય ‘હા, પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યુ છે’ એવું માનતા હોઈએ તો મોડે-મોડે તે વ્યક્તિ કે જેનું મન આપણે દુભાવ્યું હોય કે જેને દુ:ખ પહોંચાડ્યું હોય તેને મળીને અફસોસ વ્યકત કરીને, જરૂર પડ્યે માફી માગીને, ફરીથી આપણા સંબંધોનાં ફૂલ ખીલવી શકીએ.



આપણા જ વિચારોને શબ્દબધ્ધ કરેલા સાંભળીને એ વિશે ફરી વિચારવાનું પણ મન થાય. આપણે પરિવર્તનશીલ વિશ્વમાં રહીએ છીએ. ગઈ કાલનો વિચાર આજે જૂનો કે નકામો પણ થઈ ગયો હોય. તો એને નવા જ્ઞાન-વિજ્ઞાનના વિસ્તારના સંદર્ભમાં નવી રીતે વિચારી શકીએ.


આપણે ઘણી બાબતોમાં આપણા અભિપ્રાયો, પૂર્વગ્રહો, મત-મતાંતરો ધરાવતા હોઈએ છીએ પણ ભિન્ન મતનો આદર કરવાનું ભૂલી જતા હોઈએ છીએ. ગાંધીજી પણ કહેતા કે મારો છેલ્લો વિચાર કે મંતવ્ય છે એ જ માનવાં. આગળનાં મંતવ્યોમાં પરિવર્તન આવ્યું હોય એટલે મારા છેલ્લા આખરી મંતવ્યને જ મારું પ્રમાણિત મંતવ્ય સમજવું. 

ઘણી વાર આપણે આપણા અવાજને દબાવીને જીવતા હોઈએ છીએ. ઘણી વાર શું મોટા ભાગે આમ થતું હોય છે. સાંસારિક સંજોગો કે વ્યાપારિક-વ્યવહારિક વાતાવરણમાં પણ ઘણી વાર આપણે આપણા અવાજને દબાવીને રહેવું પડે છે. ક્યારેક મોટાઓ-વડીલો પાસે તેમના માનને ખાતર, ક્યારેક આપણા સંસ્કારો આપણને અમુક વાતો રજૂ કરતાં રોકતા રહે છે. એટલે કશું બોલતાં પહેલાં આપણે ઘણો વિચાર કરવો પડે છે. સંસ્કૃતમાં એક સુભાષિત છે, એનો અર્થ એવો છે કે પાણી પીતાં પહેલાં એને ગાળવું જોઈએ, પગલું મૂકતાં પહેલાં જોવું જોઈએ અને બોલતાં પહેલાં વિચારવું જોઈએ.


કેટલાક લોકો પોતાના અવાજના ‘વૉલ્યુમ’ બાબત જાગૃત નથી હોતા. મોટા અવાજે બોલવાથી તમારો અભિપ્રાય સાચો ઠરતો નથી. શક્ય છે કે મોટેથી બોલનાર વ્યક્તિને પોતાના એ લાઉડ અવાજનો કે એની કર્કશતાનો ખ્યાલ પણ ન હોય. તેમને જો તેમના વક્તવ્ય કે વાતચીતનું રેકૉર્ડિંગ સંભળાવીએ તો જરૂર તેમને ખ્યાલ આવે કે તેમનો અવાજ અન્યને કેટલો અણગમતો હશે. લોકો મૃદુ, ધીમું, મધુર બોલનારને ચાહે છે. અંગ્રેજીમાં કહીએ તો ‘સૉફ્ટસ્પોકન’ માણસોનું વક્તવ્ય સાંભળવું સૌને ગમતું હોય છે. ‘તમે બહુ સરસ બોલો છો’ એવું સાંભળીને પણ વક્તા રાજી થતો હોય છે. પૂ. મોરારી બાપુ કે પૂ. રમેશભાઈ ઓઝા જેવા કથાકારોની કથા સાંભળવા હજારો માણસો વારંવાર જાય છે એ તેમના જ્ઞાનના અને વાણીના પ્રભાવથી જ.

પરંતુ સૌથી અગત્યનો અવાજ તો એ છે જે બહાર કોઈને સંભળાતો નથી પરંતુ માણસને પોતાને જ સંભળાય છે. એ છે તેના અંતરાત્માનો અવાજ. ગાંધીજી કહેતા કે તેઓ તેમના આત્માના અવાજને અનુસરે છે. ભૂલ થઈ હોય અને આત્મા કહે તો ‘એ મારી પહાડ જેટલી મોટી ભૂલ હતી’ એમ કબૂલી પણ શકતા.

આપણા દરેક પગલા વખતે દરેક પ્રવૃત્તિમાં, દરેક કાર્યમાં આપણો અંતરાત્મા આપણી ચોકી કરતો હોય છે. એ બોલે પણ છે પણ આપણે એનો અવાજ સાંભળવાની દરકાર મોટા ભાગે કરતા નથી. અથવા એ અવાજ આપણી ઇચ્છાને સાનુકૂળ ન લાગતાં આંખ આડા કાન કરીને, સાંભળ્યો-ન સાંભળ્યો કરી નાખીએ છીએ. આત્માનો અવાજ સાંભળનારને કદી પસ્તાવું પડતું નથી.

જીવનમાં દરેક પળે જાગૃત રહેવું પડે છે. દરેક ક્ષણ આપણા સ્વીકાર-અસ્વીકારની કસોટીની ક્ષણ હોય છે. એ અગ્નિપરીક્ષામાં પસાર થવાનું કપરું કાર્ય આપણે જ કરવાનું હોય છે. એ જ આપણી સફળતાનો માપદંડ છે. એ જ આપણી સફળતા-નિષ્ફળતાની પારાશીશી છે.

Whatsapp-channel Whatsapp-channel

18 February, 2026 11:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK