Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > પ્રેમ પહેલો હોય કે બીજો, એનો આરંભ મૈત્રીથી થાય છે

પ્રેમ પહેલો હોય કે બીજો, એનો આરંભ મૈત્રીથી થાય છે

Published : 12 February, 2026 12:12 PM | IST | Mumbai
Jayesh Chitalia

નામ વિનાના સંબંધ જેવી મૈત્રી હોઈ શકે? એનાં અનેક રૂપ હોય પરંતુ નામ એક પણ નહીં. જસ્ટ મૈત્રી, ફ્રેન્ડશિપ. આ મૈત્રીનો કોઈ ચોક્કસ દિવસ ન હોઈ શકે. ખરા પ્રેમીઓ વૅલેન્ટાઇન્સ ડે અને રિલેશનશિપ કરતાં ફ્રેન્ડશિપમાં વધુ માને છે

પ્રતીકાત્મક તસવીર

PoV

પ્રતીકાત્મક તસવીર


એક દિવસ પછી આવી રહ્યો છે વૅલેન્ટાઇન્સ ડે. યસ, પ્રેમનો અર્થ ખબર હોય કે ન હોય, સમજાય કે ન સમજાય તેમ છતાં પ્રેમના નામે એને ઊજવતા લોકોનો દિવસ એટલે વૅલેન્ટાઇન્સ ડે. ફૅશન, ટ્રેન્ડ કે એક્સપ્રેશન ઑફ લવના નામે આ દિવસ હવે ભારતીય સમાજની, ખાસ કરીને યંગસ્ટર્સમાં એક પ્રથા બની ગઈ છે. બાય ધ વે, આપણે પ્રેમ શબ્દની મશ્કરી કરવી નથી અને એમાં કટાક્ષ પણ કરવો નથી. આપણે તો પ્રેમના પાયામાં જવું છે. આ પાયો એટલે મૈત્રી. પ્રથમ નજરનો પ્રેમ પણ આમ તો મૈત્રીથી જ શરૂ થાય છે, વિકસે છે અને પછી... દરેક પ્રેમીઓનું જુદું-જુદું પરિણામ. તેથી આપણે વાત કરીએ માત્ર મૈત્રીની.    

મૈત્રીનાં રૂપ અનેક હોઈ શકે છે. ‘મૈત્રી-રૂપ-અનેક’ આ ત્રણ શબ્દના અર્થ સાથે મિત્રની વ્યાખ્યા સમજવી પડે. મૈત્રીના રૂપમાં અનેક આવી જાય. સ્ત્રીમિત્ર, પુરુષમિત્ર, સિનિયર મિત્ર, જુનિયર મિત્ર, બાળમિત્ર. મૈત્રી બાળપણથી લઈ વૃદ્ધાવસ્થા સુધી બદલાતી રહે છે. અમુક પહેલેથી છેલ્લે સુધી રહે છે. સ્કૂલ, કૉલેજ, નોકરી-ઑફિસમાં, મકાનમાં, મુસાફરીમાં મિત્રો મળે છે યા મિત્રો બને છે. કવિ સુરેશ દલાલ હંમેશાં કહેતા, મિત્રો બે પ્રકારના હોય, થાળીમિત્રો અને તાળીમિત્રો. હવે દુરના અને નજીકના મિત્રો આકાર પામ્યા છે, ફેસબુક-વર્ચ્યુઅલ મિત્રો કહેવાય. શૅરબજારની ભાષામાં કહીએ - શૉર્ટ ટર્મ, મીડિયમ ટર્મ અને લૉન્ગ ટર્મ મિત્રો. પુરુષોની સ્ત્રીમિત્રો બાબતે સમાજમાં અનેક સવાલો આજે પણ રહે છે યા ઊભા કરાય છે, કારણ કે સમાજને એ સ્વીકાર્ય નથી. આ મિત્રતામાં સમાજને, આસપાસના લોકોને બીજું જ કંઈક રંધાતું કે ઘડાતું હોવાના વિચારો સૌથી પહેલાં અને સૌથી વધુ આવે છે. ખરેખર આવું કાયમ હોતું નથી, જોકે બહુમતી લોકોમાં મોટા ભાગે આ કુવિચાર જ રાજ કરે છે.



સ્ત્રી-પુરુષની મિત્રતા ઉત્તમ હોઈ શકે


આજના યુવા વર્ગને તો જોઈએ જ અને હોય જ, પરંતુ મોટા ભાગના પુરુષોને પણ સ્ત્રીમિત્ર જોઈએ છે. પરંતુ સમાજ અને પરિવારનો ભય સતત માથે રહે છે, જેથી તેઓ આ કાર્ય ગુપ્ત રાખે છે જેને કારણે સમાજમાં શંકા જન્મ લઈને વિકસ્યા કરે છે. સ્ત્રીઓને પણ પુરુષમિત્રો જોઈતા હોય છે, પરંતુ તેમને સમાજ-પરિવારના ભય ઉપરાંત પુરુષ પર વિશ્વાસ રાખવો કઠિન બની જતો હોય છે. અન્યથા એ બન્ને યોગ્ય પરસ્પર સમજૂતી-મર્યાદા સાથે એકબીજાનાં ઉત્તમ મિત્ર બની શકે છે. 

તિ-પત્ની તો મિત્ર ન હોઈ શકે એવી પરંપરાગત માન્યતા સદીઓથી પ્રવર્તી રહી છે. પતિ-પત્નીના સંબંધો વિશે અનેક ગેરમાન્યતા-ગેરસમજ પણ ચાલતી અને ચર્ચાતી રહે છે. આ બન્નેના વિષય પર ખાસ કરીને પત્નીના વિષયમાં જોક્સ પણ બનતા-ચર્ચાતા રહે છે. જોકે વાસ્તવમાં પતિ-પત્ની પણ ઉત્તમ મિત્ર હોઈ શકે, બની શકે. પતિ-પત્ની કે પુરુષ અને સ્ત્રી સારા મિત્ર બની શકે, જેના માટે તેમનામાં યોગ્ય પરિપક્વતા, સંયમ, સમજણ અને વિવેક હોવાં અનિવાર્ય બને છે. તેમ છતાં સમાજને પુરુષ-સ્ત્રીની મિત્રતા માન્ય કે સ્વીકાર્ય નહીં હોવાથી આવી મિત્રતા હોય તો પણ એનો જાહેર સ્વીકાર થઈ શકતો નથી, પરિણામે સતત એક યા બીજા પ્રસંગે કે કારણે શંકા ઊભી થયા કરે છે. આ મિત્રતા નિર્દોષ હોઈ શકે છે, પણ તેમને બન્નેને જ વિશ્વાસ નથી હોતો કે લોકો તેમને સ્વીકારશે, તેમને સમાજનો ભય સતત સતાવ્યા કરે છે. એથી આ ઉત્તમ મૈત્રી આજે પણ અપવાદરૂપ જ રહી શકે છે યા ટકી શકે છે.


પતિ, પત્ની ઔર મિત્ર

એક છોકરી અને છોકરો ક્યારેય મિત્ર ન હોઈ શકે. કહે છે કે સ્ત્રી કોઈ પુરુષને ત્યારે જ મિત્ર બનાવે છે જ્યારે તે તેના પ્રેમમાં મગ્ન થઈ જાય છે અથવા તેના પોતાના જીવનમાં કંઈક દુઃખ, સંઘર્ષ, સમસ્યા ચાલતાં હોય. તેને હૂંફ કે સાથની જરૂર હોય. ઘણી વાર બે સ્ત્રીની કે બે પુરુષની મૈત્રી કરતાં સ્ત્રી-પુરુષ મૈત્રી વધુ સારી બની શકે છે. પતિ, પત્ની ઔર વોહને સ્થાને પતિ, પત્ની ઔર મિત્ર આવી શકે છે. બન્નેને પોતાના ઑપોઝિટ મિત્ર હોઈ શકે, પણ એમાં પરસ્પર વિશ્વાસ જરૂરી હોય છે. જોકે મોટા ભાગના પતિ તરીકે પુરુષ એમાં નિષ્ફળ રહે છે. સમાજ જ્યારે આ મૈત્રીને ખુલ્લા ભાવે સ્વીકારશે ત્યારે સમાજ ખરા અર્થમાં તંદુરસ્ત બનશે. હાલ તો આ સંભાવના આપણા સમાજમાં દૂર-દૂર સુધી દેખાતી નથી.

મિત્રોમાં ડિવૉર્સ ન હોય

મૌન મૈત્રી, સહજ મૈત્રી, વિશ્વાસની મૈત્રી, અપેક્ષા વિનાની મૈત્રી, સમય પર ટેકો બનતી મૈત્રી, નામ કે સંબંધ વિનાની મૈત્રી માટે સમાજમાં જગ્યા નથી જેમાં સ્ત્રી અને પુરુષ બન્નેની પણ ક્યાંક નિષ્ફળતા છે. પરંતુ શું મૈત્રીનું કોઈ સત્તાવાર સ્ટેટસ હોય છે? શું કોઈ લેબલ હોય છે? જેમ લગ્નમાં હોય છે તેમ શું મિત્રોના ડિવૉર્સ હોય છે? હા, બ્રેકઅપ અને મેક-પૅચઅપ હોય. જે મૈત્રી બાંધતી નથી એને નામ વિનાનો સંબંધ કહી શકાય જેમાં કહેવું પડે કે પ્યાર (દોસ્તી) કો પ્યાર (દોસ્તી) હી રહને દો, કોઈ નામ ન દો.

સાચી મૈત્રીનાં રૂપ કેવાં હોય?

મૈત્રીનાં રૂપ અનેક હોઈ શકે વિચારધારાની સમાનતા હોય પરંતુ મતભેદો ભલે હોય, પણ મૈત્રીમાં એ લાંબું ટકે નહીં. એમાં બાધા કે અવરોધ ન બને. ફ્રેન્ડશિપ જજમેન્ટલ ન હોય. મૈત્રી બોલકી હોય અને મૌન પણ હોય. એ સહજ હોય, એને ભૌગૌલિક અંતર નડે નહીં. એ એકબીજાને બાંધે નહીં, મુક્તિનો અહેસાસ કરાવે. મિત્રતામાં સૉરી કે થૅન્ક યુ ન હોય, ભાર કે આભારની પણ જરૂર ન પડે. શંકા કે સવાલ ન હોય. એમાં અપેક્ષાનું વળગણ કે બંધન ન હોય, એમાં એક યા બીજાને માઠું લાગશે તો? એવો વિચાર કે સવાલ તો જવા દો, કલ્પના પણ ન હોય. આવા મિત્ર બની શકાય અને આવી મૈત્રી પામી શકાય તો આપણે સાચા સંપત્તિવાન.

Whatsapp-channel Whatsapp-channel

12 February, 2026 12:12 PM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK