બદલાતા આધુનિક સમયમાં આ કાયદાનાં અનેક નકારાત્મક પાસાં પણ સામે આવી રહ્યાં છે
પરેશ સાપરિયા શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ મુલુંડના પ્રમુખ છે
લગ્ન એ બે વ્યક્તિ અને બે પરિવારો વચ્ચેનો માત્ર એક કરાર નથી, એક પવિત્ર અને અતૂટ સંબંધ માનવામાં આવે છે. જોકે વાસ્તવિકતા એ છે કે જ્યારે આ સંબંધ તૂટે છે અને છૂટાછેડાની સ્થિતિ સર્જાય છે ત્યારે માત્ર ભાવનાત્મક સંબંધો જ નથી તૂટતા, આર્થિક અને સામાજિક પરિણામો પણ સામે આવે છે. આવા સમયે છૂટાછેડા પછી જીવનસાથીને અપાતું ભરણપોષણ આજે સમાજમાં ચર્ચાનો એક અત્યંત સંવેદનશીલ વિષય બન્યો છે. એક મોટો વર્ગ એને પીડિત પક્ષ માટે આર્થિક રક્ષણ માને છે, જ્યારે બીજો વર્ગ બદલાતા સમયમાં એને સામાજિક દૂષણ કે કાયદાકીય હથિયાર ગણાવે છે.
બદલાતા આધુનિક સમયમાં આ કાયદાનાં અનેક નકારાત્મક પાસાં પણ સામે આવી રહ્યાં છે. એવા ઘણા કિસ્સા પ્રકાશમાં આવ્યા છે જ્યાં પત્ની ઉચ્ચ શિક્ષિત અને સ્વતંત્ર રીતે કમાવાની ક્ષમતા ધરાવતી હોવા છતાં માત્ર પતિને આર્થિક અને માનસિક રીતે દબાવવા માટે મોટા ભરણપોષણની માગણી કરે છે. કાયદાનો આ પ્રકારનો ઉપયોગ સંબંધોની ગરિમાને ખરડે છે. ઘણી વાર કોર્ટ દ્વારા નક્કી કરાયેલી ભરણપોષણની રકમ પુરુષની વાસ્તવિક આવક કે આર્થિક સ્થિતિ કરતાં વધુ હોય છે. પરિણામે પુરુષ અને તેનો પરિવાર આર્થિક સંકડામણમાં મુકાય છે, જે ક્યારેક તેમને દેવામાં ડૂબી જવા અથવા આત્મહત્યા કરવા જેવા ગંભીર અને અંતિમ પગલા તરફ દોરી જાય છે.
ADVERTISEMENT
વધુમાં આજીવન મળતું ભરણપોષણ એક એવી માનસિકતાને પણ પ્રોત્સાહન આપે છે જેમાં વ્યક્તિ પોતાની આત્મનિર્ભરતા ગુમાવીને બીજા પર આશ્રિત રહેવાનું પસંદ કરે છે. શિક્ષણ અને રોજગારના વધતા અવસરો વચ્ચે પણ ભરણપોષણના કાયદાનો આ રીતે દુરુપયોગ વ્યક્તિને પોતાની સ્વતંત્ર ઓળખ અને મહેનતથી દૂર લઈ જાય છે. જે કાયદો સશક્તીકરણ માટે હતો એ ક્યારેક આળસ અને નિર્ભરતાનું કારણ બની જાય છે.
જોકે સિક્કાની બીજી બાજુ પણ જોવી જરૂરી છે. છૂટાછેડા પછી ભરણપોષણનો અધિકાર એ મૂળભૂત રીતે કોઈ ‘સામાજિક દૂષણ’ નથી પરંતુ એક સામાજિક સુરક્ષા-કવચ છે. ભારતીય સમાજમાં હજી પણ એવા ઘણા કિસ્સા છે જ્યાં પત્ની લગ્નજીવન દરમ્યાન પોતાની કારકિર્દીનો ત્યાગ કરીને ઘર-પરિવાર સંભાળતી હોય છે. જ્યારે છૂટાછેડા થાય ત્યારે આવી મહિલાઓ માટે શૂન્યમાંથી ફરીથી શરૂઆત કરવી અત્યંત કઠિન હોય છે. તેમના માટે આ ભરણપોષણ અનિવાર્ય છે.
વાસ્તવિક સમસ્યા કાયદાની ભાવનામાં નથી, એના દુરુપયોગમાં છે. આ જોગવાઈનો હેતુ કોઈને સજા આપવાનો કે સામેવાળાને કંગાળ કરવાનો નથી, નબળા પક્ષને આશ્રય અને ગરિમાપૂર્ણ જીવન આપવાનો છે. જ્યાં સુધી અદાલતો બન્ને પક્ષોની આર્થિક સ્થિતિ, શિક્ષણ અને ક્ષમતાનું સંતુલન જાળવીને પક્ષપાત વિના નિર્ણયો લેશે ત્યાં સુધી જ આ કાયદો સમાજમાં આર્થિક રક્ષણનું ઉત્તમ માધ્યમ બની રહેશે. કાયદાનું સાચું પાલન ત્યારે જ ગણાશે જ્યારે એ જરૂરિયાતમંદને રક્ષણ આપે અને ખોટી રીતે એનો લાભ લેનારાઓને અટકાવે.
