ગુજરાતી કૉમેડીને ગ્લોબલ પ્લૅટફૉર્મ અપાવનારા સ્ટૅન્ડ-અપ કૉમેડિયન મનન દેસાઈ આજે પોતાની કન્ટેન્ટ જનરેટ કરનારી કંપની ‘કૉમેડી ફૅક્ટરી’ થકી વિશ્વભરમાં ખ્યાતિ મેળવી ચૂક્યા છે. તેઓ અત્યાર સુધીમાં દુનિયાના ૨૦થી વધુ દેશોમાં સેંકડો શોઝ કરી ચૂક્યા છે.
પત્ની વિદ્યા અને દીકરી ધ્યાના તેમ જ ડૉગી મિલી સાથે મનન દેસાઈ.
ગુજરાતી કૉમેડીને ગ્લોબલ પ્લૅટફૉર્મ અપાવનારા સ્ટૅન્ડ-અપ કૉમેડિયન મનન દેસાઈ આજે પોતાની કન્ટેન્ટ જનરેટ કરનારી કંપની ‘કૉમેડી ફૅક્ટરી’ થકી વિશ્વભરમાં ખ્યાતિ મેળવી ચૂક્યા છે. તેઓ અત્યાર સુધીમાં દુનિયાના ૨૦થી વધુ દેશોમાં સેંકડો શોઝ કરી ચૂક્યા છે. એક રેડિયો-જૉકી તરીકેની નામના કમાયા પછી પત્નીની પ્રેરણાથી આ દિશામાં તેઓ આગળ વધ્યા. ગુજરાતી
ભાષામાં જ યુવાનોને મનગમતું મનોરંજન પૂરી પાડવાની તેમની ઇચ્છાને લઈને તેમણે કન્ટેન્ટ જનરેશનમાં ઘણા નવા પ્રયોગો કર્યા છે અને હજી એ ચાલુ જ રાખશે એવી તેમની પ્રતિબદ્ધતા છે
ગુજરાતી ભાષામાં હાસ્યરસને પહેલેથી જ ઊજવવામાં આવ્યો છે. શાહબુદ્દીન રાઠોડ, વસંત પરેશ, સાંઈરામ દવે, દિનકર મહેતા જેવા ધુરંધર કલાકારો વર્ષોથી ગુજરાતીઓને હસાવી રહ્યા છે; પણ ૨૦૧૧-’૧૨માં ધીમે-ધીમે યુવાનોને પસંદ પડે એવો એક કૉમેડીનો સૂર છેડાયો. એ સમયે હિન્દી ટેલિવિઝન પર ઘણા કૉમેડી શોઝ ચાલતા હતા જેમાં સ્ટૅન્ડ-અપ કૉમેડીનું આર્ટ-ફૉર્મ વિકસી રહ્યું હતું. ત્યારે વડોદરાના મનન દેસાઈને લાગ્યું કે આપણી ભાષામાં કેમ આ કામ નથી થતું? ગુજરાતીઓને કૉમેડી ભરપૂર ગમે જ છે પણ જે કૉમેડીના કલાકારો છે એ વર્ષોથી કૉમેડી કરી રહ્યા છે. એમાં આજના સમયની નવીનતા ઉમેરીએ તો? આજના ગુજરાતી યુવાનોને તેમને ગમે એવી કન્ટેન્ટ જોવા માટે કેમ બીજી ભાષા સુધી જ જવું પડે, તેમની જ ભાષામાં તેમને ગમે એવું કંઈ ન આપી શકાય? આ પ્રશ્નોનો જવાબ શોધવાની મનને કોશિશ કરી અને ૨૦૧૪માં પોતાનું જેમાં નામ હતું એવી રેડિયો-જૉકીની જૉબ છોડીને સ્ટૅન્ડ-અપ કૉમેડીમાં ઝંપલાવ્યું. મનન દેસાઈ આજે મૉડર્ન ગુજરાતી કૉમેડીમાં ઘણું મોટું નામ અને કામ બન્ને ધરાવે છે. તેમણે વર્ષો પહેલાં પત્ની વિદ્યા સાથે મળીને એક કંપની શરૂ કરી હતી, જેનું નામ છે ‘કૉમેડી ફૅક્ટરી’ જે આજે દુનિયાભરમાં ગુજરાતી કૉમેડીનો પ્રચાર-પ્રસાર કરી રહી છે. એ વિશે વાત કરતાં મનન દેસાઈ કહે છે, ‘આપણે ગુજરાતીઓને પૈસા કમાવા હોય ત્યારે આપણે જોઈએ છીએ કે માર્કેટમાં શું ચાલે છે અને એના પર જ રોકાણ કરીએ છોએ. ધંધો એ જ કરીએ છીએ જે નક્કી પ્રૉફિટ આપે અને જેની માર્કેટ ઑલરેડી સ્થાપેલી છે. મેં એ વખતે આ બિઝનેસ વિશે વિચાર્યું જ્યારે મેં એક ગૅપ જોયો.
ADVERTISEMENT
એન્ટરટેઇનમેન્ટ માટે ગુજરાતી યુથ બીજી ભાષાઓ તરફ આકર્ષાયેલું હતું. ગુજરાતીમાં યુથ માટે કોઈ એન્ટરટેઇનમેન્ટ હતું જ નહીં. એ મારે પ્રોવાઇડ કરવું હતું પણ જ્યારે માર્કેટ છે જ નહીં ત્યારે તમારે બે કામ કરવાનાં થઈ જાય, તમારું આર્ટફૉર્મ તો તમારે વિકસાવવાનું છે જ અને એની સાથે-સાથે ઑડિયન્સ ઊભું કરવાનું છે, જે સરળ નહોતું. ૨૦૧૧માં મેં પહેલી વાર એક સ્ટૅન્ડ-અપ ટ્રાય કર્યું હતું અને ૨૦૨૩માં હું એમ કહી શકું કે જે સફળતા મળવી જોઈતી હતી એ મળી. લોકો ગ્લોબલ પ્લૅટફૉર્મ પર ઓળખતા થઈ ગયા. એક દસકો અમે સ્ટ્રગલ કરી, ખૂબ મહેનત કરી અને કોશિશ કરી કે કંઈ સારું કામ સમાજને આપીએ. હજી પણ અમારાં સપનાં ખૂબ મોટાં છે એટલે મહેનત અને પ્રયાસો તો હજી પણ ચાલુ જ છે, છોડીશું નહીં.’
મનન દેસાઈ સ્ટૅન્ડ-અપ કૉમેડિયન, કન્ટેન્ટ ક્રીએટર, ક્યુરેટર અને પ્રોડ્યુસર છે. ‘ધ કૉમેડી ફૅક્ટરી’ના કો-ફાઉન્ડર છે. રેડિયો મિર્ચી અને માય એફએમમાં રેડિયો-જૉકી રહી ચૂક્યા છે. રિયલિટી કૉમેડી શો ‘કૉમેડી નાઇટ્સ બચાઓ’માં અમ્રિતા ખાનવિલકર સાથે તેમણે ભાગ લીધો હતો. ETV ગુજરાતી પર તેમણે ‘હીરજીની મરજી’, ઍમૅઝૉન પ્રાઇમ પર ‘ડેસ્ટિનેશન અનનોન’, યુટ્યુબ તથા જીઓ હૉટસ્ટાર પર ‘મનનની થેરપી’ નામના શોઝ કર્યા છે. આ સિવાય ‘વેન્ટિલેટર’, ‘ચોર બની થનગાટ કરે’, ‘ઑર્ડર ઑર્ડર આઉટ ઑફ ઑર્ડર’, ‘વિકીડાનો વરઘોડો’ જેવી ગુજરાતી ફિલ્મોમાં તેમણે કામ કર્યું છે. ૨૦૧૯માં આવેલી ‘મેડ ઇન ચાઇના’ નામની હિન્દી ફિલ્મમાં કૅમિયો કર્યો છે. ચિરાયુ મિસ્ત્રી સાથે મળીને તેમણે ગુજરાતી ફિલ્મ ‘બચુભાઈ’ લખી છે. ૨૦૨૨માં IPLની મૅચોમાં તેમણે ઑફિશ્યલ ગુજરાતી કમેન્ટેટર તરીકે પણ કામ કર્યું છે. મનન દેસાઈએ એક સમયે યુટ્યુબ પર ગુજરાતી ગેમિંગ ચૅનલ ચાલુ કરેલી જે યુટ્યુબ દ્વારા કાયમી રીતે ડિલીટ કરવામાં આવી હતી, પરંતુ એ પછી તેમણે અંગત ચૅનલ પર ગેમિંગ વિડિયોઝ અપલોડ કરવાનું ચાલુ જ રાખ્યું. મનન યુટ્યુબ પર ‘મનનની વાતો’ નામનો એક ચૅટ-શો પણ ચલાવે છે. ‘કૉમેડી ફૅક્ટરી’ના નેજા હેઠળ દુનિયાભરમાં અઢળક ટૂર્સ કરીને કૉમેડીના જુદા-જુદા પ્રોગ્રામ્સ તેમણે કર્યા-કરાવ્યા છે જેમાંથી હાલમાં ‘લવારી’ નામનો એક શો ખાસ્સો પૉપ્યુલર થયો છે. આ શો તેઓ છેલ્લાં બે વર્ષથી કરી રહ્યા છે.
તોફાની નાનપણ
ગુજરાતના વડોદરા શહેરમાં જ જન્મ્યા, મોટા થયા અને અત્યારે પણ ત્યાં જ રહેતા મનન દેસાઈ નાનપણમાં અતિ તોફાની બાળક હતા. તેમના મમ્મી હાઉસવાઇફ અને પપ્પા પર્કશનિસ્ટ હતા. તેમને તબલાં, ઢોલ, ડફ જેવાં લગભગ તમામ તાલવાદ્યો આવડતાં હતાં. તેમનો પોતાનો રેકૉર્ડિંગ સ્ટુડિયો હતો. મનનને પણ તેમણે મ્યુઝિક શીખવવાની કોશિશ કરી પણ તે પગ વાળીને ક્યાંય બેસે એવું બાળક જ નહોતો એટલે મ્યુઝિક શીખી ન શક્યો. તોફાનીના એક મોટા સ્પેક્ટ્રમમાં તમે કઈ જગ્યાએ હતા? એ પ્રશ્નનો જવાબ આપતાં મનન કહે છે, ‘તમે તમારી વિચારશક્તિમાં જે તોફાન વિચારી શકો એ બધાં જ હું કરી ચૂક્યો છું. હું માંડ ચોથા ધોરણમાં હોઈશ ત્યારે મમ્મીનો તુલસીને જળ ચડાવવાનો સમય હોય ત્યારે બાજુના ચીકુના ઝાડ પર ચડી મારી મમ્મીના માથે ચીકુ ફેંકતો. સ્કૂલમાં હું ભણવા નહોતો જતો, મિત્રો સાથે ધિંગામસ્તી કરવા જ જતો હતો. ટીચરોની મિમિક્રી કરતો એ વખતે. ભણવામાં માંડ ૪૦-૫૦ ટકા આવતા મને.’
આ સાથે જીવનના સૌથી અઘરા પડાવ વિશે વાત કરતાં મનન કહે છે, ‘હું ફક્ત ૧૭ વર્ષનો હતો અને મારા પપ્પા ગુજરી ગયા હતા. એ ખૂબ અઘરો સમય હતો મારા અને મમ્મી માટે. પપ્પાની ખૂબ ઇચ્છા હતી કે હું ડિસ્ટિંક્શન સાથે પાસ થાઉં. તે ગુજરી ગયા એના બે મહિનામાં એક્ઝામ હતી. એ બે મહિના પપ્પા માટે હું ખૂબ ભણ્યો અને ૭૨ ટકા લઈ આવ્યો. પછી કૉમર્સ લાઇન પકડી. પરંતુ જે ઘરમાં બાપનું છત્ર જતું રહે અને દીકરો ૧૭નો થઈ ગયો હોય ત્યાં તેણે જલદીથી કમાવાનું શરૂ કરવું પડે છે. હું એક સાઇબર કૅફેમાં કૅશિયર તરીકે જોડાયો જ્યાં દિવસના ૫૦ રૂપિયા મને મળતા હતા. એ પછી હું છ હજાર રૂપિયાવાળી એક કૉલ સેન્ટરની જૉબમાં જોડાઈ ગયો.’
રેડિયોની એન્ટ્રી
તો પછી રેડિયોની જૉબ કઈ રીતે મળી? આ પ્રશ્નનો જવાબ આપતાં મનન કહે છે, ‘આપણને નાનપણથી લોકોને મજા કરાવવાનું ગમે. લોકો ખુશ થાય એ વાત મને ખૂબ ખુશ કરતી હોય છે. એટલે લાગ્યું તો હતું કે કશું એન્ટરટેઇનમેન્ટ સાઇડ જવું જોઈએ, પણ એ ફક્ત એક ઝાંખો વિચાર માત્ર હતો. મારા એક મિત્રે મને કહ્યું કે તું સારી મિમિક્રી કરે છે, અવાજો કાઢતો હોય છે તો રેડિયો પર ટ્રાય કરવું છે તારે? એ સમયે રેડિયો મિર્ચીમાં ઑડિશન ચાલતાં હતાં. હું ગયો. ત્યાં બે જણ હતા ઇન્ટરવ્યુ લેવા માટે. એમાંથી એકે મને બીજા માણસની ઍક્ટિંગ કે મિમિક્રી કરવા કહ્યું. મેં કરી દીધી. કદાચ મારો એ આત્મવિશ્વાસ એ લોકોને ગમી ગયો અને તેમણે મને કામ આપી દીધું.’
પત્ની સુરતની સાઉથ ઇન્ડિયન
રેડિયો મિર્ચી વડોદરામાં સિલેક્ટ થયા પછી એની ટ્રેઇનિંગ માટે મનને અમદાવાદ જવાનું હતું. ત્યાં તેની મુલકાત સુરતની એક છોકરી સાથે થઈ જે ત્યાંના રેડિયો-સ્ટેશનમાં RJ તરીકે સિલેક્ટ થઈ હતી. તેનું નામ વિદ્યા હતું. શરૂઆતના ૬ મહિના બન્ને સારાં મિત્રો રહ્યાં અને સતત વાત કરતાં-કરતાં ક્યારે પ્રેમ થઈ ગયો ખબર જ ન પડી. વિદ્યા સાઉથ ઇન્ડિયન છે એટલે મમ્મી-પપ્પા નહીં માને એ વાતે ઘણી વખત અલગ થયાં અને ફરી જોડાયાં, પણ જ્યારે ઘરે વાત કરી તો શરૂઆતથી ગુજરાતીઓ વચ્ચે જ રહેલા હોવાને કારણે વિદ્યાના પપ્પા માની ગયા. બન્નેનાં ૨૦૦૫માં ફક્ત ૨૩-૨૪ વર્ષની ઉંમરે લગ્ન થયાં અને વિદ્યા પોતાની ટ્રાન્સફર લઈને વડોદરા આવી ગઈ. લગ્નના થોડા સમય પછી વિદ્યાને ખબર પડી કે મનને ગ્રૅજ્યુએશન પૂરું કર્યું જ નથી. એ વાત યાદ કરતાં મનન કહે છે, ‘મને ATKT (અલાઉડ ટુ કીપ ટર્મ) આવેલી. પછી એ ક્લિયર કરી જ નહોતી. લગ્ન થયાં ત્યારે વિદ્યાએ કહ્યું કે પપ્પાને ખબર પડે એ પહેલાં આ ક્લિયર કરો. પહેલી વાર પપ્પાની ઇચ્છાએ ભણ્યો અને ૭૨ ટકા લાવેલો. બીજી વાર વિદ્યાને કારણે. તેને લીધે જ હું એ ATKT ક્લિયર કરી શક્યો અને ગ્રૅજ્યુએશનની ડિગ્રી મેળવી શક્યો. ગુજરાતીમાં કહેવત છે કે સોટી વાગે ચમ-ચમ અને વિદ્યા આવે ધમ-ધમ, પણ મારે ઊંધું થયું. વિદ્યા આવી ધમ-ધમ તો સોટી વાગી ચમ-ચમ. વિદ્યા અને હું ભગવાનની કૃપાથી માતા-પિતા બન્યાં. હાલમાં મારી એક દીકરી છે ધ્યાના, જે ૧૦ વર્ષની છે અને એક ડૉગી છે, જેનું નામ છે મિલી.’
કૉમેડી કેમ?
મનન અને વિદ્યાએ એક દિવસ જીવનમાં શું-શું કરવું છે એનું એક લિસ્ટ બનાવેલું જેમાં સાતમા નંબરે સ્ટૅન્ડ-અપ કૉમેડીનું નામ હતું. વિદ્યાએ મનનને કહ્યું હતું કે તેની સેન્સ ઑફ હ્યુમરથી આકર્ષાઈને જ તે તેના પ્રેમમાં પડી હતી અને તેણે સ્ટૅન્ડ-અપ કરવું જ જોઈએ. એ સમયે મનન વડોદરાવાસીઓ માટે તેમનો જાણીતો અને માનીતો રેડિયો-જૉકી હતો. એટલે ૨૦૧૧ની ૨૬ ઑગસ્ટે મનને તેનું પહેલું સ્ટૅન્ડ-અપ કર્યું. એના વિશે વાત કરતાં મનન કહે છે, ‘લોકો ઓળખતા હતા એટલે આવ્યા. લગભગ ૬૦ લોકોનું ઑડિયન્સ હતું. એક કલાકનો શો હતો જેમાં પહેલી ૫૦ મિનિટ સુધી કોઈ હસ્યું નહીં. છેલ્લી ૧૦ મિનિટ લોકો થોડું હસ્યા. હું દુખી હતો પણ વિદ્યાએ કહ્યું કે પહેલા શોમાં જો તેં ૧૦ મિનિટ સુધી લોકોને હસાવ્યા તો સારું જ કહેવાય, તારે હિંમત ન હારવી જોઈએ. ખરેખર કહું તો તમારો લાઇફ-પાર્ટનર જો આટલો પૉઝિટિવ હોય અને સતત તમને એન્કરેજ કરે, દુઃખમાં સાથ આપે, સ્ટ્રગલમાં તમારી હિંમત બનીને સાથે રહે એવો હોય તો જીવનમાં બધાં જ ક્ષેત્રે સફળતા પાક્કી છે. વિદ્યા મારું આત્મબળ છે.’
આર્ટ અને પૈસો
મનને જે પહેલો શો પર્ફોર્મ કર્યો હતો એનું નામ ‘કૉમેડી ફૅક્ટરી’ હતું. એ જ નામ સાથે તેણે એક કંપની શરૂ કરી. તેના જેવી જ સમજ ધરાવતા લોકો આ કંપનીમાં જોડાતા ગયા. કૉમેડી શોઝની સાથે-સાથે તેમણે યુટ્યુબ ચૅનલ શરૂ કરી. એ ચૅનલ પર પણ જુદા-જુદા પ્રોગ્રામ્સ કરતા ગયા. આર્ટિસ્ટ ડેવલપ થતા ગયા. સાથે-સાથે આર્ટ-ફૉર્મ પણ ઘડાતું ગયું. દરેક વસ્તુ એક પ્રયોગ હતી. પ્રયોગ ચાલે, પ્રયોગ ફેલ પણ થાય; પણ શીખવા મળે અને એ રીતે આગળ વધાય. એ વિશે વાત કરતાં મનન કહે છે, ‘મારે ખાલી સ્ટૅન્ડ-અપ કૉમેડિયન બનવાનું નહોતું. મારે ગુજરાતમાં પોતાની ભાષામાં સ્ટૅન્ડ-અપ સાંભળતા લોકોનું ઑડિયન્સ ઊભું કરવાનું હતું જેથી મને અઢળક સ્ટૅન્ડ-અપ આર્ટિસ્ટ જોઈતા હતા. એક કલ્ચર આખું ડેવલપ કરવા માટે કલાકારો તો જોઈએ જ. બીજું એ કે એ સમયે મારી પાસે કોઈ વ્યક્તિ નહોતી જે તમને ગાઇડ કરી શકે. પહેલાં કોઈએ આ કામ કર્યું જ નહોતું કે કઈ રીતે આગળ વધવું, એ રસ્તો પણ અમારે જ શોધવાનો હતો. મેં ૨૦૧૧માં પહેલો શો કર્યો, પણ ૨૦૧૪માં મેં રેડિયો છોડ્યો જ્યારે હું કૉમેડી કરીને એટલું કમાઈ શકું એમ હતો કે ઘર ચાલી શકે. ૨૦૧૭માં અમે પહેલો ઇન્ટરનૅશનલ શો કર્યો. કોઈ પણ આર્ટ-ફૉર્મ પૈસા વગર ચાલે નહીં એ હું એક ગુજરાતી તરીકે પહેલેથી સમજું છું, પણ એક ગુજરાતી તરીકે હું એ પણ જાણું છું કે કોઈ પણ કલ્ચરને આગળ ધપાવવાનું કામ પણ આર્ટ જ કરે છે. જો આર્ટનો સતત વિકાસ નહીં થાય તો કલ્ચરનો પણ નહીં થઈ શકે. આજે એવું કહી શકાય કે મૉડર્ન કન્ટેન્ટના નામે ગુજરાતી ફિલ્મો હોય કે કૉમેડી કે નાટકો, એક સુવર્ણ કાળ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ.’
કૉમેડીનું મહત્ત્વ
કેમ મનને કૉમેડી પસંદ કરી એ પ્રશ્નના જવાબમાં એક કિસ્સો સંભળાવતાં મનન કહે છે, ‘૧૭ વર્ષની ઉંમરે જ્યારે પપ્પા ગુજરી ગયા એ પછી ઘર ઘણું બદલાઈ ગયું હતું પણ એક રૂટીન એવું ને એવું જ રહ્યું. એ છે ટીવી જોવાનું. એ સમયે હું અને મમ્મી ટીવી પર લાફ્ટર ચૅલેન્જ જોતાં હતાં જેમાં રાજુ શ્રીવાસ્તવ, સુનીલ પાલ જેવા દિગ્ગજો આવતા. એક દિવસ એ શો જોતાં-જોતાં મમ્મી અને હું ખૂબ હસ્યાં. પપ્પાનું દુઃખ તો એવું ને એવું જ હતું, પણ છતાંય અમે ઇચ્છીએ તો પણ હસી ન શકનારાં એ શોને કારણે ખૂબ હસ્યાં. હસતાં-હસતાં મમ્મીના મોઢામાંથી સરી પડ્યું, મનન, જો તારા પપ્પાએ આ શો જોયો હોત તો તેમનું આયુષ્ય વધી ગયું હોત. ૧૭ વર્ષની ઉંમરે આ શબ્દો મારા મગજના એક ખૂણે સ્ટોર થઈ ગયા હતા. આજે જ્યારે લોકોને હસાવી શકું છું ત્યારે લાગે છે કે કોઈ તો સારું કામ કર્યું છે મેં. અને આ સારું કામ જીવનભર કરવું છે મારે.’
ઝાકિર ખાન
મનન દેસાઈને સ્ટૅન્ડ-અપ કૉમેડી શીખવી હતી એટલે તે જુદા-જુદા આર્ટિસ્ટના સંપર્કમાં રહેવા લાગ્યા. વળી એક કૉમેડી શોનું કલ્ચર ક્રીએટ કરવા બહારના આર્ટિસ્ટને ગુજરાત બોલાવવા પણ લાગ્યા. અત્યારના અતિ પ્રખ્યાત કૉમેડિયન ઝાકિર ખાને તેમનો પહેલો શો ગુજરાતના અમદાવાદમાં કૉમેડી ફૅક્ટરી સાથે જ કરેલો જેમાં ગણીને ૧૫ જણ આવેલા અને એના થોડા સમય પછી ૫૦૦૦ની પબ્લિક વચ્ચે અમદાવાદમાં જ તેમનો શો થયો. ઝાકિરની આ ૧૫થી ૫૦૦૦ સુધીની વચ્ચે છે મનન અને ઝાકિરની મૈત્રી. એ વિશે વાત કરતાં મનન કહે છે, ‘હાલમાં અમેરિકાના મૅડિસન સ્ક્વેર ગાર્ડન ખાતે ઝાકિર ખાનનો જે શો થયો હતો એમાં તેમના ઇન્ટ્રોડક્શન અને ઑડિયન્સ સાથેના કનેક્શન માટે સૌથી પહેલાં સ્ટેજ પર હું ગયેલો. એટલે હું ઝાકિરને ચીડવું પણ ખરો કે મૅડિસન સ્ક્વેર ગાર્ડન સુધી પહોંચનારો પહેલો ઇન્ડિયન કૉમેડિયન આર્ટિસ્ટ હું છું, તું તો મારા પછી સ્ટેજ પર આવેલો. અમારા સંબંધ વિશે હું એટલું કહીશ કે હું ઝાકિર ખાનની ટીમનો એક સદસ્ય છું અને ઝાકિર કૉમેડી ફૅક્ટરીના એક સદસ્ય છે. અમે એવા મિત્રો છીએ જે એકબીજાને બધી જ રીતે સાથ આપીએ છીએ.’
જલદી ફાઇવ
પ્રથમ પ્રેમ : મ્યુઝિક. મ્યુઝિક હંમેશાંથી મારા માટે થેરપી રહ્યું છે.
શોખ : પપ્પાને કારણે મને મ્યુઝિકનો શોખ ખૂબ છે. અત્યારે એ શોખ સાંભળવા સુધી સીમિત છે પણ હું એક્સપરિમેન્ટ માટે થોડું મ્યુઝિક બનાવું પણ છું. જોકે મ્યુઝિક ફક્ત પ્રોડ્યુસ કરું છું, કમ્પોઝ કરતાં શીખી રહ્યો છું.
ડર : મને પાણીનો ખૂબ ડર લાગે છે. એક કૉમેડિયને ખરું કહ્યું છે કે પાણીથી ડર ફક્ત સ્વિમિંગ જેને આવડતું હોય તેને હોય, બાકી મારા જેવા તો સેફ જ છે, કારણ કે એ પાણીમાં ઊતરતા જ નથી. મને આવું સેફ રહેવું ગમે.
અફસોસ : હું ખાસ વાંચન નથી કરી શક્યો. ગુજરાતી માટે મને પ્રેમ ઘણો, પણ ગુજરાતી સાહિત્ય વાંચી નથી શક્યો.
બકેટ લિસ્ટ : ગુજરાતી નાટકોમાં કામ કરવું છે. એમાં ઘણું શીખવા મળે. એ બધું જ મારે શીખવું છે.


