Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ૨૦૦૦ પ્રકારના કાંટાળા થોર ઉગાડ્યા છે આ કૅક્ટસમૅને

૨૦૦૦ પ્રકારના કાંટાળા થોર ઉગાડ્યા છે આ કૅક્ટસમૅને

Published : 29 March, 2026 05:56 PM | Modified : 29 March, 2026 06:03 PM | IST | Mumbai
Aashutosh Desai | feedbackgmd@mid-day.com

૪ વર્ષ સુધી મુખ્ય સચિવ તરીકેની જવાબદારીઓનું વહન અને ત્યાર બાદ બિહાર મ્યુઝિયમના DG તરીકેનો કાર્યભાર તો ખરો જ, પણ એથીયે વિશેષ અંજની કુમાર જે કાર્ય કરી રહ્યા છે એ છે બિહાર મુખ્ય પ્રધાનના સલાહકાર તરીકેની જવાબદારી.

૨૦૦૦ પ્રકારના કાંટાળા થોર ઉગાડ્યા છે આ કૅક્ટસમૅને

૨૦૦૦ પ્રકારના કાંટાળા થોર ઉગાડ્યા છે આ કૅક્ટસમૅને


બિહારના નિવૃત્ત IAS ઑફિસર અંજની કુમારને કૅક્ટસ માટે એટલો પ્રેમ છે કે તેમણે એની વિવિધ પ્રજાતિઓના સંરક્ષણ માટે ખૂબ કામ કર્યું છે. ૩૦ વર્ષથી થોર ઉપરાંત વિવિધ વનસ્પતિઓના છોડનું સંવર્ધન કરવાનો શોખ ધરાવતા આ અધિકારીના બગીચામાં દુર્લભ ગણાતી વનસ્પતિઓની દુનિયા કાંટાળી હોવા છતાં સુંદરતાથી ભરપૂર છે

ભારતનું બિહાર ભૌગોલિક દૃષ્ટિએ ભલે એક નાનું રાજ્ય હોય, પરંતુ ભારતની સાંસ્કૃતિક ધરોહરથી લઈને ઇતિહાસ, રાજકારણ, રાજસેવા વગેરે અનેક ક્ષેત્રે બિહાર હંમેશાં પોતાને એક વિશાળકાય રાજ્ય તરીકે સાબિત કરતું રહ્યું છે. એ જ રીતે આ રાજ્યના પટના શહેરમાં રહેતા એક IAS ઑફિસર એવા છે જેમણે ખાસ પ્રકારની વનસ્પતિઓની જાળવણીના કાર્યને પોતાનું જીવન અર્પણ કરી દીધું છે અને આ ખાસ પ્રકારની વનસ્પતિ એટલે વિશ્વમાં કાંટાળા છોડ તરીકે મશહૂર એવા કૅક્ટ્સ. આથી જ તો માત્ર ભારતીયો જ નહીં, આખું વિશ્વ તેમને ‘કૅક્ટસમૅન’ તરીકે ઓળખે છે.



બિહારના ભૂતપૂર્વ મુખ્ય સચિવ અને એક સિનિયર IAS અધિકારી જેઓ કાંટાળા છોડોની રક્ષા કરે છે. એમાં કેટલાક કૅક્ટસ એવા છે જે ૨૦ વર્ષ જેટલા લાંબા સમયગાળામાં માત્ર એક ઇંચ જેટલા વૃદ્ધિ પામે છે. અંજની કુમારને બિહાર રાજ્ય સરકાર દ્વારા જે સરકારી બંગલો અલૉટ કરવામાં આવ્યો છે એ બંગલા પર તમે પહોંચો તો તમને ચારે તરફ અનેક કૅક્ટસના છોડો જોવા મળશે. વિશ્વમાં ઉપલબ્ધ એવી અનેક કૅક્ટસની પ્રજાતિના આ છોડો વિશે જો કદાચ આપણે અંજની કુમાર પાસે જાણવા બેસીએ તો એક દિવસ પણ ઓછો પડે. બિહારમાં જ જન્મેલા અને ૧૯૮૧ની સાલમાં IASની પરીક્ષા પાસ કરીને બ્યુરોકેટ્સ તરીકે પદભાર સંભાળ્યો ત્યારથી લઈને આજ સુધી આ કૅક્ટસમૅને અંદાજે ૪૦૦૦ જેટલી કૅક્ટસની અનેક પ્રજાતિના છોડો ઉગાડ્યા, સાચવ્યા અને સંભાળ્યા છે. આ માટે તેમણે વિશ્વના અનેક અલગ-અલગ દેશોમાંથી કૅક્ટસના છોડો મેળવ્યા છે અને એમનું પોતાના ઘરે જતન કર્યું છે.


અંજની કુમાર એટલે કોણ?

બિહારના સિવાન જિલ્લામાં જન્મેલા અંજની કુમારે તેમનું બાળપણ બેગુસરાયના એક નાનકડા ગામ ચમથામાં વિતાવ્યું અને પ્રાથમિક શિક્ષણથી લાગેલી ભણતરની ધૂન છેક IASની પરીક્ષાઓ પસાર કરવા સુધી વિસ્તરી. બિહાર રાજ્ય સરકારમાં મુખ્ય સચિવ તરીકે વર્ષો સુધી કાર્યભાર સંભાળ્યો અને સેવાનિવૃત્ત થયા બાદ પણ નિવૃત્ત ન થવામાં માનતા કર્મશીલ અંજની કુમારે ત્યાર બાદ બિહાર મ્યુઝિયમના ડિરેક્ટર જનરલ (DG) તરીકે પદભાર સંભાળ્યો. આજે ૬૭ વર્ષની ઉંમરે પણ તેઓ DG તરીકે કાર્યરત છે અને સાથે જ પોતાનો કૅક્ટસનો અને છોડ સંવર્ધનનો શોખ જાળવી રાખ્યો છે. આ શોખ તેમણે એ રીતે અને એટલો વિકસાવ્યો છે કે આજે એક જ સ્થળે જમા થયેલા અંગત છોડોની દૃષ્ટિએ તેમણે એક અનોખો રેકૉર્ડ સ્થાપિત કર્યો છે.


૪ વર્ષ સુધી મુખ્ય સચિવ તરીકેની જવાબદારીઓનું વહન અને ત્યાર બાદ બિહાર મ્યુઝિયમના DG તરીકેનો કાર્યભાર તો ખરો જ, પણ એથીયે વિશેષ અંજની કુમાર જે કાર્ય કરી રહ્યા છે એ છે બિહાર મુખ્ય પ્રધાનના સલાહકાર તરીકેની જવાબદારી. આટલો સમય તેમણે શૈક્ષણિક વિભાગના મુખ્ય સચિવ તરીકે કારભાર સંભાળ્યો એમાં ઉલ્લેખનીય સિદ્ધિ તરીકે ‘મુખ્યમંત્રી સાઇકલ યોજના’ અને ‘મુખ્યમંત્રી અક્ષર આંચલ યોજના’ને ગણાવી શકાય. બિહાર રાજ્યમાં તેમના આ મહત્ત્વના યોગદાન માટે તેમને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા UNESCO પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે ‘કાફી હૈ એક ઝિંદગી’ ટાઇટલ સાથે એક પુસ્તક પણ લખ્યું છે.

કાંટાળા કૅક્ટસને સુંવાળો પ્રેમ

અંજની કુમારને જો તમે તેમના આ અસામાન્ય શોખ વિશે પૂછો તો તેઓ કહે છે, ‘મને પહેલેથી જ અલગ-અલગ પ્રકારના છોડોનો સંગ્રહ કરવાનો શોખ રહ્યો છે. નસીબજોગે મને પત્ની પણ એવી મળી કે તેને ફૂલ ઊગે એવા છોડોનો ખૂબ શોખ હતો. ધીરે-ધીરે અમારા બન્નેનો આ શોખ એક હલકા વળાંક સાથે વિશ્વની દુર્લભ પ્રજાતિના છોડો ભેગા કરવા તરફ વળ્યો અને શરૂ થઈ એક સાવ અનોખી સફર કૅક્ટસ તરફની. અમે ઘણાબધા છોડો આફ્રિકા અને લૅટિન અમેરિકાથી મગાવ્યા. એમાંથી અનેક છોડો તો એવા હતા જેમની પ્રજાતિ ખતમ થવાની અણી પર હતી અથવા અત્યંત દુર્લભ કૅટેગરીમાં સામેલ થઈ ચૂક્યા હતા. આથી અમારો શોખ ફરી એક વાર પરિવર્તિત થયો આવા છોડોની પ્રજાતિને બચાવી લેવાના અભિયાન તરફ.’

દુર્લભ મિલકત

આમ તો આ કૅક્ટસમૅન અંજની કુમારના પ્રાઇવેટ બગીચામાં અનેક દુર્લભ પ્રજાતિના છોડો અને કૅક્ટસ જોવા મળી જશે, પરંતુ દક્ષિણ આફ્રિકાથી આવીને અંજની કુમારના ઘરના મહેમાન બનેલા હવાર્કિયાની વાત જ નિરાળી છે. ફ્યુચર પ્લાન્ટ તરીકે મશહૂર આ કૅક્ટસનો એક એવો છોડ છે જેની વૃદ્ધિ અત્યંત ધીમી અને આયુષ્ય ઘણું લાંબું છે. ૨૦ વર્ષમાં આ છોડ માત્ર એક ઇંચ જેટલો હાઇટમાં વધે છે. અત્યંત ઓછા પાણીની જરૂરિયાત સાથે સર્વાઇવ કરી જાણતો આ છોડ એવો દુર્લભ છે કે એના એક છોડની કિંમત ૧૦૦૦ રૂપિયા છે.

આ સિવાય મેક્સિકોથી અંજની કુમારના ઘરે પધારેલો એક છોડ છે અગાભે! આ એવો છોડ છે જેનાથી મેક્સિકોમાં દોરડું બનાવવામાં આવે છે. એટલું જ નહીં, આ અગાભે પ્રજાતિના છોડની અંદાજે ૧૦૦ જેટલી અલગ-અલગ પ્રજાતિ છે. તો વળી બીજી એક પ્રજાતિનું નામ ‘અલો’ છે જે આપણા શરીરમાં ક્યાંય કપાઈ ગયાનો ઘા પડ્યો હોય તો અત્યંત અકસીર દવા તરીકે કામ કરે છે. છરી, બ્લેડ, કાતર વગેરેથી હાથમાં કે પગમાં કપાઈ ગયા છો? તો ઘા પર અલો કૅક્ટસ લગાવો અને બસ, એનો અકસીર ઇલાજ તરત રાહત આપવા માંડશે. આ સિવાય ઍમૅઝૉનના જંગલમાંથી, કોલંબિયાથી, પેરુ જેવા અનેક અલગ-અલગ દેશોમાંથી લાવેલા અનેક કૅક્ટસ છોડો અંજની કુમારનાં સહસ્ર સંતાનો તરીકે પ્રેમથી તેમના ઘરમાં ઊછરી રહ્યા છે.

અંજની કુમાર અને તેમનાં પત્ની આ બધા જ છોડોનો ઉછેર રેઇન ફૉરેસ્ટ પદ્ધતિએ કરે છે. વળી તેમની પાસે હાજર એવા બધા જ થોર માત્ર લીલા રંગના જ નથી હોતા. રંગબેરંગી દુનિયાની જેમ જ તેમના કૅક્ટસ પણ વિવિધરંગી છે તો વળી કેટલાક તો એવા છે જે એક જ છોડ અથવા એક પ્રજાતિ દ્વિરંગી પણ હોય. હવે કોસ્ટા રિકામાં જોવા મળતું એન્યુરિમ જ લઈ લો. આ એક એવો છોડ છે જે અડધો ગહેરા પીળા રંગનો અને અડધો ચમકદાર ઊજળા પીળા રંગનો હોય છે. તો કેટલાક એવા છોડો પણ ખરા જેમને પોતાને ત્રણ અલગ-અલગ રંગો છે. એક અલાયદી ખૂબસૂરતી લઈને બેઠેલો ઍગ્રોનામી છોડ પણ ખરો. દક્ષિણ-પૂર્વ એશિયાના ભૂ-ભાગમાં જોવા મળતો આ છોડ એનાં પાંદડાઓને અનેક રંગોએ રંગી દેતો હોય છે. છોડ જેમ-જેમ પોતાના વિકાસની પ્રક્રિયા તરફ આગળ વધે છે એમ-એમ એનાં પાંદડાંઓને જાણે નવાં-નવાં રૂપો અને કલેવર ભેટ ધરતો હોય છે. ગુલાબી રંગનાં પાંદડાંઓ ધીરે-ધીરે પોતાનો કલરશેડ બદલાતાં રહે અને ગહેરા લીલા રંગમાં પરિવર્તિત થતાં જાય. તો બીજો અનોખો છોડ કાર્મલ માર્બલ પણ ખરો. અંજની કુમાર આ છોડ થાઇલૅન્ડથી લાવ્યા હતા. આ છોડનાં પાંદડાં ત્રણથી ચાર અલગ-અલગ રંગોથી રંગાયેલાં હોય છે. ક્યારેક આ છોડને જોઈએ તો લાગે જાણે કે એનાં પાંદડાંઓ કુદરતી નથી અને પ્લાસ્ટિકથી બનાવાયેલાં બનાવટી પાંદડાંઓ છોડ પર લગાડવામાં આવ્યાં છે. તેમની પાસે હાજર અનેક એવા છોડો છે જેમનું આયુર્વેદની દૃષ્ટિએ અત્યંત મહત્ત્વ છે. આયુર્વેદ અને ઔષધિ છોડોને જાણનારા અનેક લોકો તેમની પાસે કેટલીયે વાર કેટલાક છોડો માગીને લઈને જતા હોય છે.

ભારતના આ કૅક્ટસમૅનનો આ શોખ અને તેમની આ સફર આજકાલની નથી. ૩૦ વર્ષથી સતત ચાલી રહેલી આ યાત્રા અંજની કુમારને એ મુકામ સુધી લઈ આવી છે કે આજે તેમની પાસે અંદાજે ૪૦૦૦ જેટલા અલગ-અલગ પ્રકારના છોડો છે. એમાંથી ૨૦૦૦ જેટલા તો માત્ર અલગ-અલગ પ્રકારના કૅક્ટસ જ છે. ભારતમાં કોઈ એક જ વ્યક્તિ પાસે આટલા મોટા પ્રમાણમાં આટલા બધા અલગ-અલગ પ્રકારના છોડો હોય એવો આ એકમાત્ર અનોખો સંગ્રહ છે. એમાંય મહત્ત્વની વાત એ છે કે આ છોડો માત્ર ભારતમાં ઉપલબ્ધ હોય એવા જ છોડો નથી. વિશ્વભરના અનેક દેશોમાંથી ભેગા કરાયેલા છોડો તેમના સંગ્રહને એક અલગ જ અનોખાપણું બક્ષે છે.

પાછલાં ૩૦ વર્ષ દરમ્યાન અંજની કુમાર અનેક દેશોમાંથી છોડો લાવતા કે મગાવતા રહ્યા છે. આજે તેમની ઉંમર ૬૭ વર્ષની છે અને આ સમય દરમ્યાન તેમણે દક્ષિણ આફ્રિકા, થાઇલૅન્ડ, અમેરિકા, બ્રાઝિલ અને ઇંગ્લૅન્ડ જેવા દેશોમાંથી અનેક દુર્લભ પ્રજાતિના છોડો ભેગા કર્યા છે અને પોતાના ઘરની આસપાસની જમીનને આ છોડો દ્વારા પરિવર્તિત કરી છે એક અનોખા બગીચામાં. એમાં અનેક કાંટાળા કૅક્ટસ છે તો કેટલાક રંગબેરંગી પાંદડાંઓ ધરાવતા છોડો છે. રોજ સવારે બેથી ૩ કલાક તેઓ તેમના આ બગીચાના છોડોને આપે છે અને જતનથી વહાલપૂર્વક એમની જાળવણી કરે છે.

દરેક સફળ વ્યક્તિની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે એવી ઉક્તિ આપણે ત્યાં જાણીતી છે. અંજની કુમાર પણ આ ઉક્તિનું સાતત્ય સ્વીકારતાં કહે છે, ‘મારી પત્નીને ઝાડ-પાન-છોડ ઉગાડવાનો અને જમા કરવાનો ખૂબ શોખ હતો. તેના આ શોખ પરથી જ મને પ્રેરણા મળી અને અમે શરૂ કર્યું એક અભિયાન વિશ્વભરથી અનેકોનેક દુર્લભ જાતિના છોડો ભેગા કરવાનું.’      

અંજની કુમાર આ વિશે થોડી વધુ વિગતે વાત કરતાં કહે છે, ‘જ્યારે અમે વિદેશથી કોઈ છોડ લાવીએ છીએ ત્યારે સ્વાભાવિક રીતે જ એ છોડ ત્યાંના વાતાવરણ, હવા, પાણી પ્રમાણે જન્મ્યો હોય, મોટો થયો. એને ભારતના વાતાવરણ પ્રમાણે જીવનયાપન કરવા માટે ટેવાતાં વાર લાગે. આથી અમે એને એક બૉક્સમાં રાખીને સૌથી પહેલાં તો અહીંના વાતાવરણ પ્રમાણે એને ઢળવાની અને ઢાળવાની પ્રક્રિયા જેટલો સમય આપીએ છીએ. અંદાજે ૩ મહિના અને કેટલીયે વાર તો એથીયે વધુ સમય લાગતો હોય છે. દરેક છોડને એની જરૂરિયાત અને એના જન્મસ્થાનના વાતાવરણ પ્રમાણે ઠંડી, ગરમી વગેરે આપવામાં આવે છે. બિહાર આમ તો ભારતનાં બીજાં રાજ્યોની સરખામણીએ ઠંડો પ્રદેશ છે. આથી શિયાળાની ઋતુમાં ઘણી વાર એવું થાય કે છોડને વધુ પડતી ઠંડીથી બચાવવા માટે એની ફરતે આગ સળગાવવી પડે.’

કહેવાય છે કે આખા વિશ્વમાં અંદાજે ૧૭૫૦થી ૨૦૦૦ જેટલી અલગ-અલગ પ્રજાતિના કેક્ટસ છે અને એ બધા કૅક્ટસને કૈક્ટસી પરિવારના સદસ્યો ગણવામાં આવે છે. આ બધાને વંશ પ્રમાણે વિભાજિત કરીએ તો લગભગ ૧૨૭ અલગ-અલગ પ્રકારના કૅક્ટસમાં વિભાજિત કરી શકાય. જેમ કે સગુઆરોં કૅક્ટસ સૌથી ઊંચો અને સૌથી પ્રસિદ્ધ કૅક્ટસ છે. આ એક એવો કૅક્ટસ છે જે ૧૫૦થી ૨૦૦ વર્ષ સુધી જીવિત રહે છે. આ સિવાય બૈરલ કૅક્ટસ, બની ઈયર કૅક્ટસ, ક્રિસમસ કૅક્ટસ, ગોલ્ડન બૈરલ, ઓલ્ડ લેડી કૅક્ટસ, સ્ટાર કૅક્ટસ, બ્લુ કોલ્મર જેવા અનેક પ્રકારના કૅક્ટસને અંજની કુમાર પોતાના બગીચામાં જતનપૂર્વક સંભાળી રહ્યા છે.

ભારત સંસ્કૃતિ, ભાષા, રીતરિવાજો, વૈવિધ્યતા વગેરે અનેક બાબતોમાં એક અનોખો દેશ છે. એ અનોખા દેશમાં કેટલીક આવો અનોખો શોખ ધરાવતી અનોખી વ્યક્તિઓ પણ છે જે આ દેશને વૈવિધ્યસભર બનાવે છે.

Whatsapp-channel Whatsapp-channel

29 March, 2026 06:03 PM IST | Mumbai | Aashutosh Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK