Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > વડા પ્રધાન નરેન્દ્ર મોદી જેમની વાત રસપૂવર્ક સાંભળી રહ્યા છે તે જૅકફ્રૂટ કિંગને મળો

વડા પ્રધાન નરેન્દ્ર મોદી જેમની વાત રસપૂવર્ક સાંભળી રહ્યા છે તે જૅકફ્રૂટ કિંગને મળો

Published : 16 August, 2026 06:26 PM | Modified : 16 August, 2026 07:00 PM | IST | Ratnagiri
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

રેવતી સુળેના રિસેપ્શનમાં PM મોદી સાથે વાત કરતા યુવકનો વીડિયો વાયરલ થયો છે. આ યુવક રત્નાગિરિના મિથિલેશ દેસાઈ છે, જે ‘જૅકફ્રૂટ કિંગ’ તરીકે ઓળખાય છે અને ફણસની 88 જાતો ઉગાડીને ખેતીમાં નવી ઓળખ બનાવી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી જેમની વાત રસપૂવર્ક સાંભળી રહ્યા છે તે  જૅકફ્રૂટ કિંગને મળો

વડા પ્રધાન નરેન્દ્ર મોદી જેમની વાત રસપૂવર્ક સાંભળી રહ્યા છે તે જૅકફ્રૂટ કિંગને મળો


સંસદસભ્ય સુપ્રિયા સુળેની દીકરી રેવતી સુળેના રિસેપ્શનમાં વડા પ્રધાન સાથે કંઈક વાતો કરતા એક યુવકનો વિડિયો જબરો વાઇરલ થયો હતો.  આ યુવક છે ભારતનો ‘જૅકફ્રૂટ કિંગ’ તરીકે ઓળખાતો રત્નાગિરિનો મિથિલેશ દેસાઈ. ફણસની ૮૮ વરાયટી ઉગાડવાનું અને ૧૧૦૦ સ્થાનિક ખેડૂતોનું નેટવર્ક ઊભું કરીને ફણસની ખેતી ક્ષેત્રે ક્રાંતિ સર્જવાનું કામ કરનારા મહારાષ્ટ્રિયન યુવાનની ઝીરોથી ઇન્ટરનૅશનલ બ્રૅન્ડ સુધીની સફળતાની કહાણી જાણવા જેવી છે

મહારાષ્ટ્રના બારામતીનાં સંસદસભ્ય સુપ્રિયા સુળેની પુત્રી રેવતી સુળે અને જમાઈ સારંગ લાખાણીના ૧૦ ઑગસ્ટે નવી દિલ્હીમાં યોજાયેલા વેડિંગ રિસેપ્શનમાં દેશભરના રાજકીય નેતાઓ, ઉદ્યોગપતિઓ અને વિવિધ ક્ષેત્રોના મહાનુભાવોએ હાજરી આપી હતી. આ સમારોહના કેટલાક વિડિયો વાઇરલ થયા છે. એમાંથી એક વિડિયોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક યુવક સાથે વાતચીત કરતા જોવા મળે છે. નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે જ નરેન્દ્ર મોદી સાથે તેની મુલાકાત કરાવી હતી. વિડિયો સામે આવ્યા બાદ લોકોમાં એ જાણવાની ઉત્સુકતા જાગી છે કે કોણ છે આ યુવક જેને આવાં હાઈ-પ્રોફાઇલ લગ્નમાં આવવાનું આમંત્રણ મળ્યું અને તે એવી તો શું વાત કરી રહ્યો છે કે વડા પ્રધાન તેની વાત રસપૂર્વક સાંભળી રહ્યા છે. આ યુવક છે ‘જૅકફ્રૂટ કિંગ ઑફ ઇન્ડિયા’ તરીકે ઓળખાતો કોકણની લાલ માટીનો પ્રગતિશીલ ખેડૂત મિથિલેશ દેસાઈ, જેણે ભારતમાં જૅકફ્રૂટ એટલે કે ફણસની ખેતીમાં ક્રા​ન્તિ સર્જી છે. તેણે નરેન્દ્ર મોદીને મોબાઇલની સ્ક્રીન પર ફણસની ખેતી, બ્લૉકચેઇન ટેક્નૉલૉજી અને એમાંથી બનતી પ્રોડક્ટ્સનું પ્રેઝન્ટેશન બતાવ્યું હતું.



વાઇરલ મોમેન્ટ્સ


મિથિલેશ દેસાઈ મહારાષ્ટ્રના રત્નાગિરિ જિલ્લાના લાંજા તાલુકાના ઝાપડે ગામનો ખેડૂત, ઍગ્રિકલ્ચરલ એન્જિનિયર અને ઉદ્યોગસાહસિક છે. વડા પ્રધાનને મોબાઇલમાં એવું તે શું બતાવતો હતો જે તેઓ આટલા રસથી જોતા હતા? આ સવાલ સાંભળીને મિથિલેશ રોમાંચિત થઈ ગયો. તે કહે છે, ‘વડા પ્રધાનને આટલા નજીકથી જોવાની અને તેમની સાથે ૧૨ મિનિટ વાર્તાલાપ કરવાની તક મળી એ લાઇફટાઇમ મોમેન્ટ છે. આ મુલાકાતનું સંપૂર્ણ શ્રેય શરદ પવારને જાય છે. પવારસાહેબને રાજકીય ચશ્માંથી જોવા કરતાં ખેતીવાડીના નિષ્ણાત તરીકે જોવા જોઈએ. તેઓ હાર્ડકોર ઍગ્રિકલચર-લવર છે. ખેતીનાં ઇનોવેશન્સમાં તેમની રુચિ છે. લગભગ ૭ વર્ષ પહેલાં અમારી ઓળખાણ થઈ હતી. ઝીરોથી શરૂઆત કરીને ફણસની અવનવી વરાઇટીઝ પર કામ શરૂ કર્યું ત્યારે તેમનું મારા પર ધ્યાન ગયું હતું. નિયમિતપણે હું તેમને ફણસની ખેતીના ઇનોવેશન વિશે જણાવું છું. તેમણે જ મને ઘરના પ્રસંગમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું અને વડા પ્રધાન સાથે મુલાકાત થઈ શકે છે એ પણ પહેલેથી જણાવ્યું હતું. પ્રસંગમાં હાઈ-પ્રોફાઇલ મહેમાનો માટે અલગથી જગ્યા ફાળવેલી હતી. મોદીજી સોફા પર બેઠા હતા. દેશના વડા પ્રધાનને મળવું એટલું સરળ નથી. હું તેમને મળવા જઈ રહ્યો હતો, પણ સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપ (SPG)ના જવાનોએ રોકી દીધો. ત્યાર બાદ પવારસાહેબે આગળ વધીને હસ્તક્ષેપ કર્યો અને મોદીજી સાથે વાત કરવાની સુવર્ણ તક મળી.’
નરેન્દ્ર મોદી સાથે થયેલી વાતચીત વિશે મિથિલેશ કહે છે, ‘પહેલાં તો તેમણે પૂછ્યું કે ક્યાંથી છો? શું કામ કરો છો?’ પવારસાહેબે મારી ઓળખાણ કરાવી અને બાજુમાં બેસી ગયા. હું વડા પ્રધાન માટે જ બનાવેલી ઇનોવેટિવ પ્રોડક્ટ્સ લઈને ગયો હતો. ફણસની વેસ્ટ સ્કિન (છાલ)માંથી બનાવેલું પ્રીમિયમ પાસપોર્ટહોલ્ડર, સ્માર્ટ બૅગ અને પાકેલા ફણસમાંથી બનાવેલી ચિપ્સ ભેટમાં આપી. આ બૅગની અંદર એક મિત્રની મદદથી ડિજિટલ ટેક્નૉલૉજી (બ્લૉકચેઇન ટેપ) ગોઠવી હતી. બૅગ પર મોબાઇલ ટેપ કરો એટલે મોબાઇલની સ્ક્રીન પર પ્રેઝન્ટેશન લાઇવ થઈ જાય. હું તેમને ફણસની ખેતીમાં થઈ રહેલાં સંશોધનો, બ્લૉકચેઇન ટેક્નૉલૉજી, એક્સપોર્ટ, ફળના દરેક ભાગમાંથી બનતી પ્રોડક્ટ્સ વિશે જાણકારી આપતો હતો જે તેઓ ધ્યાનથી સાંભળતા હતા. ઇનોવેટિવ પ્રોડક્ટ્સ અને ટેક્નૉલૉજી જોઈને તેઓ આશ્ચર્યચક્તિ થઈ ગયા. મારી ભેટને તેમણે પ્રેમપૂર્વક સ્વીકારી. આ પાઇલટ પ્રોજેક્ટની પ્રોડક્ટ્સ હતી, હજી એને બજારમાં વેચાણ માટે નથી મૂકી. છેલ્લે મેં તેમને મહારાષ્ટ્રના ખેડૂતો તરફથી અપીલ કરી કે સાહેબ, તમે મિલેટ્સ અને મખાનાને પ્રોત્સાહન આપીને વૈશ્વિક સ્તરે પહોંચાડ્યાં છે. હવે ફણસને સુપરફૂડ જાહેર કરવાનો વારો છે. ભારતમાંથી હાલ ફણસ અને એમાંથી બનતી પ્રોડક્ટ્સનું એક્સપોર્ટ ૪૦.૧૪ મિલ્યન ડૉલર (અંદાજે ૩૩૫ કરોડ રૂપિયા) સુધી પહોંચ્યું છે. આ કલ્પવૃક્ષ પર વિશ્વની નજર પડશે તો વેસ્ટર્ન ઝોનના ખેડૂતોની આર્થિક પ્રગતિ થશે. તેમણે આ બાબતે સત્તાવાર પત્ર સબમિટ કરવા જણાવ્યું છે. મોદીજી સાથેની મુલાકાત લાઇફ-ચેન્જિંગ મોમેન્ટ હતી. એનાથી મહારાષ્ટ્રમાં ફણસની ખેતી કરતા ખેડૂતો પર મોટા ઉદ્યોગપતિઓની નજર પડશે અને રોકાણ આવશે એવી આશા જાગી છે.’

શરૂઆત કઈ રીતે થઈ?


મિથિલેશના પિતા હરિશ્ચંદ્ર દેસાઈએ ગરીબીમાં દિવસો વિતાવ્યા છે. ૩૫ વર્ષ પહેલાં તેઓ રોડસાઇડ ઊભા રહીને ફણસ વેચતા હતા. એ વખતે કોકણમાં આ ફળની ખાસ કિંમત નહોતી. લોકો એને ગરીબોનું ફળ જ માનતા. હરિશ્ચંદ્રભાઈએ ધીમે-ધીમે પૈસા ભેગા કરીને જમીન ખરીદી અને ફણસની ખેતી શરૂ કરી. લોકો તેમના પર હસતા અને ટોણા મારતા કે ફણસની ખેતીમાં કંઈ વળતર મળતું હશે? રત્નાગિરિની તો કેરી વખણાય. જોકે તેમણે આ વાતને બહુ ગંભીરતાથી લીધા વિના પોતાના કામ પર ધ્યાન આપ્યું. લોકોએ તેમને પાગલ કહ્યા, પણ આવા પાગલ લોકો જ ઇતિહાસ રચી શકે છે. હરિશ્ચંદ્ર દેસાઈએ કેરલમથી ફણસની વિવિધ પ્રજાતિના રોપા મગાવીને વાવેતર કર્યું. તેઓ રાજ્યના પ્રથમ એવા ખેડૂત બન્યા જેણે કેરી, નારિયેળ, કાજુ, સોપારી, રાગી જેવા પરંપરાગત પાકને બદલે ફણસની પસંદગી કરી. ગામના લોકો તેમને ફણસાચી રાજા કહીને બોલાવવા લાગ્યા. પિતા ખેતીવાડી સંભાળતા હતા અને મિથિલેશ અહિલ્યાનગર (એ વખતે અહમદનગર) જિલ્લામાં આવેલી રાહુરી યુનિવર્સિટી (મહાત્મા ફુલે કૃષિ વિદ્યાપીઠ)માં અભ્યાસ કરતો હતો. ૨૦૧૪માં ઍગ્રિકલ્ચર એન્જિનિયરિંગની ડિગ્રી મેળવ્યા બાદ ઇન્ડિયન ઍડ્મિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS) અધિકારી બનવાનું સપનું સાકાર કરવા તે દિલ્હી ગયો. બે વર્ષ UPSCની તૈયારી કરી. જોકે નસીબે સાથ ન આપ્યો અને તે નિષ્ફળ થયો. સામાન્ય રીતે ઍગ્રિકલ્ચર ગ્રૅજ્યુએટ્સ મોટી નોકરીઓ પાછળ ભાગતા હોય છે અથવા વાઇટ કૉલર જોબ પસંદ કરે છે, પરંતુ મિથિલેશે પોતાના વતન રત્નાગિરિ પાછા ફરવાનું નક્કી કર્યું. 
મિથિલેશ કહે છે, ‘ભણવામાં હું હોશિયાર હતો. કોઈ મોટા સરકારી પદ પર નોકરી મેળવી શકું એમ હતો, પરંતુ મારી પૃષ્ઠભૂમિએ મને ખેતીવાડીનો વિકલ્પ પસંદ કરવા પ્રેરિત કર્યો. એન્જિનિયરિંગ અને UPSCની તૈયારી દરમ્યાન મને જે વિઝન અને નૉલેજ મળ્યું એને ખેતીવાડીનાં ઇનોવેશન્સમાં લગાડી દીધું. ગ્રામીણ વિસ્તારમાં વેચાતા સામાન્ય ફળ ફણસમાં મને વ્યાવસાયિક તક દેખાઈ. ફણસની વિવિધ જાતો અને ખેતી પર સંશોધન શરૂ કર્યું. ખેતીવાડી તરફ વળ્યાના પહેલા જ વર્ષે ફણસની ૩૬ પ્રજાતિઓનાં વૃક્ષો ઉગાડવાનો પ્રયોગ કર્યો. ૨૦૧૭માં કેરલમના વાયનાડમાં ફણસ સંબંધિત એક આંતરરાષ્ટ્રીય વર્કશૉપમાં હાજરી આપી. મને જાણવા મળ્યું કે વિવિધ પોષક અને ઔષધીય ગુણધર્મોને કારણે ફણસની વિદેશમાં ખૂબ ડિમાન્ડ છે. ફળ ઉપરાંત વૃક્ષની છાલ અને પાંદડાં પણ ઉપયોગી છે. વધુ સંશોધનો અને પ્રયાસોએ આખું ચિત્ર જ બદલી નાખ્યું. એક સમયે કોકણમાં રસ્તાના કિનારે સસ્તામાં વેચાતું અથવા સડી જતું અને જેને લોકો બહુ મહત્ત્વ નહોતા આપતા એવા આ ઉપેક્ષિત ફળમાંથી ‘જૅકફ્રૂટ કિંગ ઍગ્રો પ્રોડ્યુસર કંપની લિમિટેડ’ ઊભી કરી અને આજે ૧૧૦૦ ખેડૂતો અમારી સાથે જોડાયેલા છે.’

પેન્શન ક્રૉપ

મિથિલેશે ૨૦૨૦માં ફણસની ખેતીને પ્રોત્સાહન આપવા અને સ્થાનિક ખેડૂતોને બજાર સાથે જોડવાના ઉદ્દેશ સાથે ‘જૅકફ્રૂટ કિંગ ઍગ્રો પ્રોડ્યુસર કંપની લિમિટેડ’ની સ્થાપના કરી. શરૂઆતમાં માંડ ૧૦૦ ખેડૂતો એમાં જોડાયા. ૨૦૨૨માં તેની કંપનીને જર્મનીથી ફણસનાં એક ટન પાંદડાં મોકલવાનો ઑર્ડર મળ્યો. બીજા જ વર્ષે પાંચ ટન પાંદડાંનો જથ્થો એક્સપોર્ટ કર્યો. ફણસનાં પાંદડાંમાંથી તૈયાર કરવામાં આવેલા અર્કનો ઉપયોગ જર્મનીમાં મેડિકલ રિસર્ચમાં થાય છે. ફણસનાં બી પ્રોટીનનો સૌથી મોટો સોર્સ છે, જેમાંથી પાઉડર અને ન્યુટ્રિશનલ પ્રોડક્ટ્સ બને છે. બજારની સંભાવના જોતાં ફણસના અન્ય વેસ્ટમાંથી આવક રળવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. મિથિલેશનું કામ જોઈને ધીમે-ધીમે ખેડૂતોની સંખ્યા પણ વધતી ગઈ. વ્યક્તિગત ખેતીની પદ્ધતિ હવે સામૂહિક ખેતીનું મૉડલ બની ગઈ. પિતાના જૅકફ્રૂટ મિશનને નવા-નવા પ્રયોગો સાથે આગળ વધારનાર મિથિલેશની મહેનત, ટેક્નૉલૉજીની સૂઝબૂઝ, નવા પ્રયોગો, આર્થિક વળતર અને ખેડૂતોનાં હિતો પ્રત્યેની નિષ્ઠાથી પ્રભાવિત થઈ ગ્રામીણ વિસ્તારના લોકો અને ખેડૂતોએ તેને ‘જૅકફ્રૂટ કિંગ’નું બિરુદ આપ્યું. થોડા સમય અગાઉ તેની કંપનીએ પ્લાન્ટેશન માટે મૉરિશ્યસમાં ફણસના ૩૦૦ છોડ એક્સપોર્ટ કર્યા હતા. ઇન્ટરનૅશનલ પ્રોટોકૉલ મુજબ માટી કે પાણી વગર ખાસ પ્રોસેસ કરીને આ છોડ સુરક્ષિત વિદેશ મોકલવામાં આવ્યા હતા. મિથિલેશ પરંપરાગત ખેડૂત નથી. ઍગ્રિકલ્ચર એન્જિનિયર હોવાના નાતે અત્યાધુનિક ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને ફણસની ખેતીને વૈજ્ઞાનિક સ્તરે પહોંચાડી છે. વિશ્વભરમાં ફણસની કુલ ૧૮૮ વરાઇટીઓ છે, જેમાંથી ૮૮ અવનવી વરાઇટીઝ તેણે પોતાના ફાર્મ પર ઉગાડી છે, જેમાં બે કિલોથી લઈને છેક ૫૦ કિલો સુધીનાં મહાકાય ફણસ થાય છે. એટલું જ નહીં, તેના ફાર્મ પર યલો ઉપરાંત ઑરેન્જ અને વાઇટ કલરના પલ્પવાળાં ફણસ પણ ઉપલબ્ધ છે. વૈજ્ઞાનિક પદ્ધતિથી ફણસની મીઠાશ માપવા માટે તે ટોટલ સૉલ્યુબલ સૉલિડ્સ (TSS) મૅનેજમેન્ટનો ઉપયોગ કરે છે, જેમાં ૧૫ ટકાથી ૩૦ ટકા ગળપણ ધરાવતી પ્રીમિયમ ક્વૉલિટી તૈયાર થાય છે.
ફણસની ખેતી વિશે વધુ માહિતી આપતાં મિથિલેશ કહે છે, ‘વિશ્વમાં ફણસની લગભગ ૧૮૮ વરાઇટી છે, જેમાંથી ૮૬ પ્રકારનાં ફણસ અમે ઉગાડીએ છીએ. વૈજ્ઞાનિક પદ્ધતિ અને ટેક્નૉલૉજીથી આ શક્ય બન્યું છે. ફણસના પાકની ગુણવત્તા, ટ્રેસેબિલિટી અને ગ્લોબલ સપ્લાય ચેઇન મૅનેજમેન્ટ માટે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) અને બ્લૉકચેઇન ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીએ છીએ. સામાન્ય રીતે ફણસના વૃક્ષને ફળ આવતાં સાતથી ૧૦ વર્ષ લાગે છે, પરંતુ અમારી નર્સરીમાં તૈયાર થતા ગ્રાફ્ટેડ પ્લાન્ટ્સ ૭ મહિનાથી લઈને ૪ વર્ષમાં ફળ આપવાનું શરૂ કરી દે છે. રસાયણમુક્ત ઑર્ગેનિક પદ્ધતિથી ઉગાડવામાં આવતાં ફણસની ખેતી માટે વધુ પાણી અને વધુ ફળદ્રુપ માટીની જરૂર નથી. મેઇન્ટેનન્સ-કૉસ્ટ પણ ઓછી છે. ભારતમાં સિક્કિમ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ જેવાં બર્ફીલા રાજ્યોને છોડીને બધી જગ્યાએ ફણસની ખેતી માટે અનુકૂળ વાતાવરણ અને હવામાન છે. સૌથી મહત્ત્વની વાત એ કે આ વૃક્ષની ઉંમર ૨૦૦ વર્ષ છે. ફણસ કલ્પવૃક્ષ અથવા સુપરફૂડ જ નથી, એ પેન્શન ક્રૉપ પણ છે. એક વાર ઉગાડો પછી પેઢી દર પેઢી પેન્શન મળતું રહેશે. આ ઝીરો વેસ્ટ વૃક્ષ છે. ફળ ઉપરાંત એનાં બી, છાલ, પાંદડાં પણ ઉપયોગી છે. વૈશ્વિક ડિમાન્ડ જોતાં ખેડૂતોને બારેમાસ વળતર મળતું રહેશે. નરેન્દ્ર મોદીને મળ્યા પછી મને લાગે છે કે ફણસની ખેતીને નવી ઊંચાઈએ લઈ જવાનો આ રાઇટ ટાઇમ છે.’

ફણસનું વૈશ્વિક હબ

બિઝનેસના સ્કેલ અને ભવિષ્યના આયોજનની વાત કરીએ તો મિથિલેશ દેસાઈનું વિઝન ખૂબ મોટું છે. તેનો લાંબા ગાળાનો ટાર્ગેટ દેશભરમાં બે કરોડથી વધુ ફણસનાં ઝાડ વાવવાનો અને ભારતને ફણસ ઉત્પાદનનું વૈશ્વિક હબ બનાવવાનો છે. હાલમાં તે ગલ્ફ દેશો અને યુરોપિયન માર્કેટ્સને ટાર્ગેટ કરી રહ્યો છે જ્યાં હેલ્થ-કૉન્શિયસ લોકો અને વીગન ડાયટ ફૉલો કરનારાઓમાં ફણસની ભારે ડિમાન્ડ છે. આ આખો બિઝનેસ ઝીરો વેસ્ટ મૉડલ પર કામ કરે છે, જેમાં ફણસની બહારની કડક છાલમાંથી પશુઓ માટે પૌષ્ટિક ચારો બને છે અને એના બીજમાંથી હાઈ-પ્રોટીન પાઉડર તૈયાર થાય છે. મહારાષ્ટ્ર સરકારના સ્માર્ટ (SMART) પ્રોજેક્ટ હેઠળ હવે તે કોકણ બેલ્ટમાં આવેલા લાંજા તાલુકાના ઝાપડે ગામમાં જ કાચા અને પાકા ફણસની વૅક્યુમ-ફ્રાઇડ ચિપ્સ તેમ જ અન્ય બાય-પ્રોડક્ટ્સ બનાવવા માટે એક મોટું અને અત્યાધુનિક પ્રોસેસિંગ યુનિટ સ્થાપી રહ્યો છે, જેનાથી સ્થાનિક સ્તરે સેંકડો મહિલાઓ અને યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી થશે. રત્નાગિરિના ઝાપડે ગામમાં આજે એક એવી કૃષિક્રાન્તિ આકાર લઈ રહી છે જેણે દેશના વડા પ્રધાનથી લઈને વિદેશના વૈજ્ઞાનિકોનું ધ્યાન ખેંચ્યું છે. એનું સંપૂર્ણ શ્રેય કૃષિ એન્જિનિયર મિથિલેશ દેસાઈ અને તેના પિતા હરિશ્ચંદ્ર દેસાઈને આપવું પડે. જે પાકને ક્યારેય વ્યાવસાયિક દરજ્જો નહોતો મળ્યો એને દેસાઈ પરિવારે આધુનિક વિજ્ઞાન સાથે જોડીને આંતરરાષ્ટ્રીય બ્રૅન્ડમાં ફેરવી નાખ્યો છે.

મહારાષ્ટ્રની પ્રથમ ફણસ નર્સરી

મિથિલેશ દેસાઈના પરિવારમાં માતા​-પિતા, પત્ની અને ૩ વર્ષનો દીકરો છે. તે માત્ર ફણસ વેચતો નથી. તેણે રત્નાગિરિમાં મહારાષ્ટ્રની પ્રથમ સરકારી માન્યતાપ્રાપ્ત ફણસની નર્સરી સ્થાપીને અન્ય ખેડૂતોને પણ આત્મનિર્ભર બનાવ્યા છે. આ હાઈ-ટેક નર્સરી વાર્ષિક ૩૦,૦૦૦થી ૩૫,૦૦૦ ઉચ્ચ ગુણવત્તાવાળા કલમી છોડનું ઉત્પાદન અને દેશભરમાં સપ્લાય કરે છે. આ નર્સરીના છોડની માર્કેટમાં એટલી જબરદસ્ત ડિમાન્ડ છે કે મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક અને ગોવા જેવાં રાજ્યોના ખેડૂતો મહિનાઓ પહેલાં ઍડ્વાન્સ બુકિંગ કરાવે છે. તેણે શ્રીલંકા, થાઇલૅન્ડ, મલેશિયા અને વિયેટનામ જેવા દેશોમાંથી ફણસની વિવિધ પ્રજાતિઓ એકત્રિત કરી છે. આ નર્સરીના રોજિંદા વ્યવસ્થાપન અને ઑપરેશન્સમાં દેસાઈ પરિવારની મહિલાસભ્યો મુખ્ય ભૂમિકા ભજવે છે, જે આ આખા મૉડલને મહિલા સશક્તીકરણનું ઉત્તમ ઉદાહરણ બનાવે છે.

ફણસના વ્યાવસાયિક વૅલ્યુ ઍડિશન માટે મિથિલેશ દેસાઈને રાષ્ટ્રીય સ્તરે સન્માન મળ્યું છે. જુલાઈ ૨૦૨૬માં નવી દિલ્હી ખાતે આયોજિત સત્તરમી ઍગ્રિકલ્ચર લીડરશિપ કૉન્ક્લેવમાં ‘ઍગ્રિકલ્ચર ટુડે ગ્રુપ’ દ્વારા તેને પ્રતિષ્ઠિત ‘આઉટસ્ટૅન્ડિંગ પ્રોફેશનલ અવૉર્ડ’ એનાયત કરવામાં આવ્યો હતો. આ સિવાય મહારાષ્ટ્ર સરકાર દ્વારા પણ તેને ‘યુવા શેતકરી સન્માન’થી નવાજવામાં આવ્યો છે. 

Whatsapp-channel Whatsapp-channel

16 August, 2026 07:00 PM IST | Ratnagiri | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK