કોરોનાના સમયગાળા સુધી હસબન્ડને ગાર્મેન્ટના બિઝનેસમાં ડિઝાઇનિંગમાં હેલ્પ કરતાં લોઅર પરેલમાં રહેતાં પૂજા દેઢિયા પાંચ વર્ષમાં તો સેલિબ્રિટી નેઇલ-આર્ટિસ્ટ બની ગયાં છે. હજી ૨૦૨૦માં જ પૂજાએ હસબન્ડના પ્રોત્સાહનથી નેઇલ-આર્ટ શીખવાનું શરૂ કર્યું હતું
રશ્મિકા મંદાના સાથે પૂજા દેઢિયા
સાઉથની ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના ફેમસ કપલ રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાનાં લગ્ન હાલમાં ટૉક ઑફ ધ ટાઉન બન્યાં છે. સોશ્યલ મીડિયા પર તેમનાં વેડિંગ-ફંક્શન્સના લુક્સને લઈને ચર્ચાઓ થંભવાનું નામ નથી લઈ રહી. આ ગ્લૅમરસ લુક પાછળ મુંબઈની કચ્છી આર્ટિસ્ટ પૂજા દેઢિયાનું પણ યોગદાન છે જેણે રશ્મિકાના મિનિમલ નેઇલ્સને ખાસ બનાવી દીધા. રશ્મિકાનાં વેડિંગ-ફંક્શન્સમાં જોવા મળેલા સિમ્પલ, ક્લાસી અને એલિગન્ટ નેઇલ્સ પૂજા દેઢિયાએ તૈયાર કર્યા હતા. આ નેઇલ્સ ખાસ એટલા માટે ચર્ચામાં આવ્યા કે એમાં કોઈ ભારે ડિઝાઇન કે ગ્લિટર નહોતું છતાં એ આખા બ્રાઇડલ લુક સાથે ખૂબ એલિગન્ટ અને લક્ઝુરિયસ લાગી રહ્યા હતા. બ્રાઇડલ સ્ટાઇલિંગમાં ઘણી વખત જ્વેલરી અને આઉટફિટ પર ફોકસ રહે એ માટે નેઇલ્સને સિમ્પલ રાખવામાં આવે છે અને પૂજાએ એ જ બૅલૅન્સ ખૂબ સુંદર રીતે સર્જ્યું છે. ફૅશન અને બ્યુટી-સર્કલમાં હવે રશ્મિકાના આ મિનિમલ બ્રાઇડલ નેઇલ્સ ટ્રેન્ડ બની રહ્યા છે. ઘણા નેઇલ-આર્ટિસ્ટ અને બ્યુટી-ઇન્ફ્લુઅન્સર્સ સોશ્યલ મીડિયા પર આ સ્ટાઇલને રીક્રીએટ કરી રહ્યા છે અને લેસ ઇઝ મોર ટ્રેન્ડને ફરી હાઇલાઇટ કરી રહ્યા છે. પૂજા દેઢિયા માટે પણ આ મોટી મોમેન્ટ બની છે.
નેઇલ્સની ખાસિયત
ADVERTISEMENT
રશ્મિકાના નેઇલ્સ વિશે માહિતી આપતાં પૂજા કહે છે, ‘સંગીત અને હલ્દી ફંક્શન માટે જે એલિગન્ટ ન્યુટ્રલ નેઇલ્સ તમે જોયા એ કોઈ તૈયાર બૉટલમાંથી નથી આવ્યા. મેં ખાસ રશ્મિકાના લુકને અનુરૂપ બે અલગ-અલગ ન્યુટ્રલ શેડ્સ મિક્સ કરીને એક યુનિક કસ્ટમ ન્યુડ કલર તૈયાર કર્યો હતો. એ સિવાય મેંદી અને વેડિંગ માટે મેં ઍન્ટિક ગોલ્ડ નેઇલ્સ રાખ્યા હતા. એ માટે ન્યુટ્રલ નેઇલ્સ પર ગોલ્ડ પૉલિશ લગાવવામાં આવી હતી. આ કલર આઉટફિટ સાથે ખૂબ જ સારો મૅચ થતો હતો અને આખા બ્રાઇડલ લુકને વધુ એલિગન્ટ બનાવતો હતો. રશ્મિકાએ તેનાં
વેડિંગ-ફંક્શન્સ માટે છેક એક મહિના પહેલાં તેના પર્સનલ અસિસ્ટન્ટ દ્વારા બુકિંગ કરાવ્યું હતું. એ સમયે તેણે રિવીલ નહોતું કર્યું કે તેને વેડિંગ માટે નેઇલ્સ કરાવવા છે. વેડિંગનાં ફંક્શન્સના દિવસો નજીક આવ્યા ત્યારે તેણે મને કહ્યું કે આ નેઇલ્સ મને વેડિંગ માટે જોઈએ છે તો તમે એનું ધ્યાન રાખીને કામ કરજો. રશ્મિકાને તેના નેઇલ્સ માટે ચોક્કસ રિક્વાયરમેન્ટ હતી. વેડિંગ દરમિયાન ઘણાંબધાં ફંક્શન્સ હોય છે અને દરેક વખતે આઉટફિટનો રંગ અને સ્ટાઇલ અલગ હોય છે. તેથી તેણે બધાં જ આઉટફિટ્સને ધ્યાનમાં રાખીને નેઇલ્સ માટે એક એવો ન્યુટ્રલ શેડ નક્કી કરવાનું કહ્યું હતું જે દરેક કપડાં સાથે પર્ફેક્ટ રીતે મૅચ થાય. રશ્મિકાને નેઇલ્સમાં એક્સટેન્શન પણ જોઈતાં હતાં, પરંતુ તેની શરત એક જ હતી કે એક્સટેન્શન એટલાં પર્ફેક્ટ હોવાં જોઈએ કે એ સાવ નૅચરલ લાગે.’
મુંબઈમાં કરાવી નેઇલ-આર્ટ
રશ્મિકાનાં લગ્ન ઉદયપુરમાં હતાં, પણ તેણે નેઇલ-આર્ટ મુંબઈમાં કરાવી હતી. એ વિશે વાત કરતાં પૂજા કહે છે, ‘રશ્મિકાના નેઇલ્સ કરવા માટે હું બાંદરાના એક લક્ઝરી હેર ઍન્ડ બ્યુટી સૅલોંમાં ગયેલી. હેરસ્ટાઇલિંગ અને નેઇલ્સ બન્ને સાથે થઈ જાય અને સમય સચવાઈ જાય એ માટે તેણે મને ત્યાં બોલાવી હતી. તેનાં વેડિંગ-ફંક્શન્સ શરૂ થયાં એના પાંચ દિવસ પહેલાં તેણે મારી પાસેથી નેઇલ્સ કરાવ્યા હતા. આ એક અત્યંત ઇન્ટિમેટ ડેસ્ટિનેશન વેડિંગ હતું જ્યાં માત્ર ખાસ મિત્રો અને પરિવાર જ હાજર હતા. મેં મેંદી અને વેડિંગ-ફંક્શન્સનાં આઉટફિટ્સને ધ્યાનમાં રાખીને ઍન્ટિક ગોલ્ડ નેઇલ્સ નક્કી કર્યા હતા. મેં રશ્મિકાની ટીમને ઍન્ટિક ગોલ્ડ પૉલિશનો ચોક્કસ શેડ સિલેક્ટ કરીને આપી દીધો હતો. મેં તેમને સૂચના આપી હતી કે આ બેઝ પર જ ગોલ્ડ પૉલિશ લગાવવી જેથી મેંદી અને લગ્નના દિવસે આઉટફિટ સાથે લુક એકદમ રૉયલ લાગે.’
રશ્મિકા સાથે કામનો અનુભવ
આ પહેલો પ્રસંગ નથી જ્યારે પૂજાએ રશ્મિકાના નેઇલ્સ કર્યા હોય. અગાઉ પણ તે રશ્મિકા સાથે કામ કરી ચૂક્યાં છે. આ વિશે વાત કરતાં પૂજા કહે છે, ‘હું તેને પહેલી વાર ૨૦૨૪માં મળી હતી, જ્યારે તેણે ઇટલીમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનાં ક્રૂઝ-વેડિંગમાં હાજરી આપવાની હતી. જ્યારે હું તેને મળી ત્યારે અમારું બૉન્ડિંગ તરત જ થઈ ગયું હતું. જ્યારે અમે તેની નેઇલ-આર્ટ માટે બેઠાં ત્યારે અમારી વચ્ચે એટલી મૈત્રીપૂર્ણ વાતચીત થઈ કે મને ક્યારેય એવું ન લાગ્યું કે હું કોઈ મોટી સેલિબ્રિટીને મળી રહી છું. તે ખૂબ જ વિનમ્ર અને પ્રેમાળ હતી, જેના કારણે આખો અનુભવ ઘણો આરામદાયક રહ્યો. મને એવું લાગ્યું જાણે હું કોઈ મિત્ર સાથે વાત કરી રહી હોઉં. એ પછી પણ મેં બે-ત્રણ વાર અલગ-અલગ ઇવેન્ટ માટે તેના નેઇલ્સ કરેલા. રશ્મિકા સિવાય પણ મેં અભિનેત્રીઓ સોનાલી બેન્દ્રે, કાજલ અગરવાલ, શાલિની પાંડે માટે નેઇલ-આર્ટ કરી છે. ભલે મને આ ઇન્ડસ્ટ્રીમાં પાંચ વર્ષ થયાં છે, પણ મારું કામ એટલું ડીટેલિંગ અને ઝીણવટભર્યું છે કે ક્લાયન્ટને એ ગમે છે અને વર્ડ ઑફ માઉથથી મારું નેટવર્ક વધી રહ્યું છે.’
જર્નીની શરૂઆત
એક સેલિબ્રિટી નેઇલ-આર્ટિસ્ટ તરીકેની જર્ની કઈ રીતે સ્ટાર્ટ થઈ એ વિશે વાત કરતાં પૂજા કહે છે, ‘હું મારા હસબન્ડ પ્રતીકના બિઝનેસમાં તેમને મદદ કરતી હતી. તેમનું સેમી-એથ્નિક અને ઇન્ડો-વેસ્ટર્ન કપડાંનું મૅન્યુફેક્ચરિંગનું કામ છે. મને પહેલેથી જ ડિઝાઇન્સમાં રસ હોવાથી હું તેમને નવી ડિઝાઇન્સ સજેસ્ટ કરતી રહેતી. કોવિડના સમયમાં મારા હસબન્ડે મને પ્રોત્સાહન આપ્યું. તેમણે કહ્યું, તું કંઈક એવું નવું ટ્રાય કર જેમાં તને મજા પણ આવે અને તારી આર્ટિસ્ટિક સેન્સનો ઉપયોગ પણ થાય. મારા હસબન્ડના કાકાની દીકરી ધ્વનિ ગડા નેઇલ-ઇન્ડસ્ટ્રીમાં છે, તેણે પણ સજેસ્ટ કર્યું કે મારે આ ફીલ્ડમાં આવવું જોઈએ. હું હજી તો કંઈ વિચારું કે નિર્ણય લઉં એ પહેલાં જ મારા હસબન્ડ તો નેઇલ-આર્ટનું બધું મટીરિયલ ઘરે લઈ આવ્યા. તેમણે મારા હાથમાં સામાન પકડાવીને કહી દીધું, બસ, હવે આ લે અને આજથી જ શીખવાનું શરૂ કરી દે. તેમની આ જ જીદ અને વિશ્વાસે મને રસ્તો બતાવ્યો. મેં ધ્વનિ પાસેથી અને કેટલાક ઑનલાઇન કોર્સિસ કરીને ૨૦૨૧માં પ્રોફેશનલી આ કામ શરૂ કરી દીધું. આજે મોટી સેલિબ્રિટીઝ માટે કામ કરતી વખતે મારા હસબન્ડના સતત સાથ અને મારી પ્રતિભા પરના વિશ્વાસ માટે કૃતજ્ઞતાની લાગણી થાય છે.’
ફૅમિલીનો સપોર્ટ
આર્ટના શોખ અને પરિવારના સપોર્ટ વિશે વાત કરતાં પૂજા કહે છે, ‘મને લાગે છે કે આ આર્ટ મને ગૉડ-ગિફ્ટેડ છે. મને હંમેશાંથી ક્રીએટિવ ફીલ્ડમાં જ ઊંડો રસ હતો, પણ મારા પરિવારનું માનવું હતું કે પહેલાં અભ્યાસ પૂરો કરવો જરૂરી છે. તેમની ઇચ્છા હતી કે હું ગ્રૅજ્યુએશન પૂરું કરીને ડિગ્રી મેળવી લઉં એટલે મેં TYBA સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો. જોકે મારું નસીબ તો કદાચ ક્રીએટિવ ફીલ્ડમાં જ લખાયેલું હશે એટલે જ હું આ નેઇલ-ઇન્ડસ્ટ્રીમાં આવી અને સફળ થઈ. મારાં માતા-પિતા અને સાસરિયાં તરફથી મને ખૂબ જ મોટો સહકાર મળ્યો છે. મારો પુત્ર અત્યારે માત્ર દોઢ વર્ષનો છે. જ્યારે મારી પાસે કોઈ હાઈ-પ્રોફાઇલ ઑર્ડર હોય અથવા સેલિબ્રિટી ક્લાયન્ટ્સ હોય ત્યારે મારાં સાસુ-સસરા અને માતા-પિતા તેની ખૂબ જ પ્રેમથી સંભાળ રાખે છે. આમ મને બન્ને પક્ષે પૂરેપૂરો સપોર્ટ મળે છે. એક નાના બાળકની સાથે સેલિબ્રિટી નેઇલ-આર્ટિસ્ટ તરીકે કામ કરવું આ ફૅમિલી-બૅકઅપ વગર શક્ય નહોતું. મને ગર્વ છે કે મારો પરિવાર મારી કળાને સમજે છે અને એને આગળ વધારવા માટે મારી સાથે મક્કમતાથી ઊભો રહે છે.’
