સાઉથ મુંબઈના યુવા સોશ્યલ ઑન્ટ્રપ્રનર રિષભ શાહે ભારતીય સંસ્કૃતિ અને યુવાનોને જોડવાના ઉદ્દેશથી ૧૯ વર્ષની ઉંમરે I.I.M.U.N.ની સ્થાપના કરી હતી. ૨૨ દેશો અને ૧૬૦થી વધુ શહેરોમાં કરોડો વિદ્યાર્થીઓ સુધી પહોંચેલા રિષભની સફરની વાત અહીં રજૂ થાય છે.
તાજેતરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ ડૉ. મોહન ભાગવત સાથેના સંવાદમાં રિષભ શાહે જેન-ઝી પ્રોટેસ્ટના સંદર્ભમાં પૂછેલા સવાલોએ દેશ નહીં પણ દુનિયાભરમાં ચકચાર મચાવી હતી.
મળીએ દુનિયાના સૌથી મોટા યુવા મંચના સ્થાપક રિષભ શાહને
૧૯ વર્ષની ઉંમરે ‘ઇન્ડિયાઝ ઇન્ટરનૅશનલ મૂવમેન્ટ ટુ યુનાઇટેડ નેશન્સ (I.I.M.U.N.)’ની સ્થાપના પછી ન્યુ યૉર્કના યુનાઇટેડ નેશન્સના હેડક્વૉર્ટરમાં વિદ્યાર્થીઓ માટે પહેલવહેલી કૉન્ફરન્સ કરનારા રિષભ શાહનું ધ્યેય ખબર છે શું હતું? ભારતીય સંસ્કૃતિની અદ્ભુત વિરાસતથી દેશ અને દુનિયાના વિદ્યાર્થીઓ પરિચિત થાય. જેટલી વાતો શેક્સપિયરની થાય છે એટલા જ ચાણક્ય ચર્ચાય એવા ધ્યેય સાથે અત્યાર સુધીમાં બાવીસ દેશો અને ૧૬૦થી વધુ શહેરો સુધી કરોડો સ્ટુડન્ટ્સ સાથે પ્રોગ્રામ્સ કરી ચૂકેલો સાઉથ મુંબઈનો આ યુવાન મલ્ટિપલ લેવલ પર કામ કરે છે. એ. આર. રહમાન, રાધિકા મર્ચન્ટ-અંબાણી, કરણ જોહર, સાઇના નેહવાલ, શશી થરૂર, જાવેદ અખ્તર, ડૉ. નિરંજન હીરાનંદાની જેવા દિગ્ગજો સાથે પૉડકાસ્ટ દ્વારા યુવાવર્ગમાં દિશાનિર્દેશનું અદ્ભુત કામ તેનાં અનેક કામોમાંનું એક છે
ADVERTISEMENT
તે યંગ છે, ટૅલન્ટેડ છે પણ દુનિયાથી જુદું વિચારે છે. જો તે ધારત તો મસ્તમજાના એસ્ટૅબ્લિશ્ડ ફૅમિલી બિઝનેસને જૉઇન કરીને આરામભર્યું જીવન જીવી શક્યો હોત. પરંતુ ના, આ યુવાનને આરામ મંજૂર નથી. સતત કંઈક નવું કરવા માટે પ્રેરિત કરતો તેનો માંહ્યલો તેને સૂવા પણ નથી દેતો. તે દુનિયાના યુવાવર્ગને સાચી દિશામાં વાળવાનું પ્રણ લઈને બેઠો છે. તેને લાગે છે કે મુઠ્ઠીભર પ્રિવિલેજ્ડ એટલે કે થોડાક વધુ સુખી સ્થિતિમાં રહેલા યુવાનોએ જ આ દેશના અન્ય અન્ડર-પ્રિવિલેજ્ડ યુવાનો માટે જાગૃતપણે પ્રયાસો કરવા પડશે. આપણે વાત કરી રહ્યા છીએ દુનિયાના સફળ અને પોતાના કામમાં શ્રેષ્ઠતા ધરાવતા લોકોને પોતાની સંસ્થાના ઍડ્વાઇઝરી બોર્ડમાં સામેલ કરી ચૂકેલા સાઉથ મુંબઈના યંગ સોશ્યલ ઑન્ટ્રપ્રનર રિષભ શાહની. સાઉથ મુંબઈની જૈન બિઝનેસ ફૅમિલીનો આ સુપુત્ર માત્ર ત્રણથી ૪ કલાકની ઊંઘ લે છે અને બાકીના બધા જ કલાક તે ઍક્ટિવ રહે છે. આ ઍક્ટિવનેસમાં તે શું કરે છે અને તેણે કઈ રીતે દુનિયાને બદલવાનું પ્રણ લઈને ૧૫ વર્ષ પહેલાં એ દિશામાં કામ પણ શરૂ કરી દીધું છે એ વિશે તેણે ‘મિડ-ડે’ સાથે દિલ ખોલીને કરેલી વાતચીતમાં પ્રસ્તુત છે.
દાદા બન્યા ગેમ-ચેન્જર
આજથી સોળ-સત્તર વર્ષ પહેલાંની વાત છે. રિષભ કહે છે, ‘હું કૉમર્સ ગ્રૅજ્યુએટ છું. મુંબઈમાં જ ભણ્યો છું, પરંતુ એક નાનકડા કોર્સ માટે બૉસ્ટન ગયો હતો. એ વર્કશૉપ હાર્વર્ડ યુનિવર્સિટીએ અરેન્જ કરી હતી. ત્યાંથી પાછા ફર્યા પછી હું ફુલફ્લેજ્ડ તૈયાર હતો કે હવે ફૅમિલીના રિયલ એસ્ટેટ બિઝનેસમાં જોડાઈ જઈશ. ૩ ભાઈબહેનમાં સૌથી મોટો હતો એટલે સ્વાભાવિક રીતે રિસ્પૉન્સિબિલિટી પણ જલદી આવતી. નાનપણથી જ હું વાંચવાનો શોખીન, પણ સૌથી વધારે ઇન્ટરનૅશનલ લિટરેચર વાંચ્યું હતું. શેક્સપિયરથી લઈને વર્લ્ડના ગ્રેટેસ્ટ ઇકૉનૉમિસ્ટ અને એક્સપર્ટ્સનાં પુસ્તકો મેં વાંચી લીધાં હતાં. એક વાર હું અને દાદાજી અમસ્તી ચર્ચા કરી રહ્યા હતા. એ સમયે દાદાજીએ વર્લ્ડના બેસ્ટ ઇકૉનૉમિસ્ટ વિશે પૂછ્યું અને હું પોપટની જેમ પટ-પટ જવાબ આપવા માંડ્યો. એ પછી તેમણે દુનિયાના બેસ્ટ ઇકૉનૉમિસ્ટ વિશે પૂછ્યું અને હું બ્લૅન્ક! મને પહેલો જ પ્રશ્ન થયો કે રિયલી, ભારતમાં કોઈ ઇકૉનૉમિસ્ટ હતા? અને તેમણે ચાણક્યનું નામ આપ્યું. એ વખતે દાદાજીએ કહ્યું, ભારત પાસે આ દુનિયાને આપવા જેવું ઘણું છે, પણ ભારતીયો એનાથી પરિચિત નથી. એ વાક્ય મને હાર્ડ-હિટિંગ જેવું લાગ્યું. એવું નહોતું કે મને ઇન્ડિયન કલ્ચર માટે નફરત હતી; પણ હા, મને એનું એક્સપોઝર જ નહોતુ. નાનપણથી જ ભારતીય સ્કૉલર્સની વાત ભણવામાં પણ ખાસ મારી સામે આવી નહોતી. જે રીતે વર્લ્ડમાં અન્ય સ્કૉલર્સને ગ્લૉરિફાય કરવામાં આવ્યા હતા એ રીતે આપણે ત્યાંની મહાન વ્યક્તિઓને મોટા ભાગે રિલિજન સાથે જોડીને સીમિત કરી દેવામાં આવી હતી. ત્યારે દાદાજીએ કહ્યું કે બિઝનેસ પછી જૉઇન કરજે; પહેલાં થોડુંક આપણું કલ્ચર, આપણા સ્કૉલર્સ, આપણા ગ્રંથોનો સ્ટડી કરી લે. બસ, એ બ્રેક મારા માટે ટર્નિંગ પૉઇન્ટ બન્યો. પહેલું પુસ્તક ‘ચાણક્યનીતિ’ વાંચ્યું અને મારી અક્કલ કામ નહોતી કરતી. મને થયું કે આ શું છે? સિરિયસ્લી, આપણા દેશના સ્કૉલર્સ આ સ્તરનું કામ કરીને ગયા છે? પછી તો મેં ભગવદ્ગીતા, યોગ, ઉપનિષદ વગેરેની વાત કરતાં ઘણાં પુસ્તકો વાંચ્યાં અને જેમ-જેમ વાંચતો ગયો એમ-એમ હું ઇન્ડિયન કલ્ચર, ઇન્ડિયન લિટરેચર અને ઇન્ડિયન ઇન્ટેલેક્ચ્યુઅલ્સના પ્રેમમાં પડતો ગયો.’
આટલું બોલ્યા પછી પણ રિષભ અટકતો નથી. તેની વાત કરવાની ધારા અવિરત ચાલી જ રહી છે અને તેના અવાજના રણકારમાં ભારતીય પરંપરા માટેનો આદર વરતાયા કરે છે. ૧૯૯૩માં જન્મેલા મલબાર હિલના રઈસ ખાનદાનનો આ યુવાન વાતચીતનો દોર આગળ વધારતાં તેને પોતાના જીવનનું મિશન કેવી રીતે મળ્યું એ અધ્યાયને ખોલે છે અને ઇમોશન્સથી લથપથ થઈ જાય છે.
જાણે કે ક્રાન્તિ સર્જાઈ
માત્ર ૧૯ વર્ષની ઉંમરે ‘ઇન્ડિયાઝ ઇન્ટરનૅશનલ મૂવમેન્ટ ટુ યુનાઇટેડ નેશન્સ (I.I.M.U.N.)’ની સ્થાપના સાથે માત્ર રિષભ નહીં, દેશ અને દુનિયાના કરોડો યુવાનોના જીવનમાં ક્રાન્તિની શરૂઆત થાય છે. આ કઈ સંસ્થા છે અને શું કરે છે એ વિષય પર વાત આગળ વધારતાં રિષભ કહે છે, ‘ભારતની સંસ્કૃતિ ભારતીયો દ્વારા વિશ્વમાં પહોંચાડવી હશે અને આપણે ત્યાંના જ્ઞાનના વૈભવ પ્રત્યે લોકોને જાગૃત કરવા હશે તો સૌથી પહેલાં વિદ્યાર્થીઓને એનાથી અવેર કરવા પડશે. મનમાં આ વિચાર ચાલતો હતો અને કંઈક અલગ કરવાની દિશામાં વિચારી રહ્યો હતો. દાદાજીએ કહ્યું, પૈસાની ચિંતા ન કર, તારે જેમ આગળ વધવું હોય એમ વધ. એમાંથી જ ઉદ્ભવ થયો I.I.M.U.N.નો એટલે કે ઇન્ડિયાઝ ઇન્ટરનૅશનલ મૂવમેન્ટ ટુ યુનાઇટ નેશન્સનો. ૨૦૧૧માં આ નામની એક સંસ્થા ઊભી કરી, જેમાં ધ્યેય હતું સ્કૂલનાં બાળકો માટે ૩ દિવસની નિઃશુલ્ક વર્કશૉપ યોજવી. શરૂઆત મુંબઈની સ્કૂલોથી કરી. આ ૩ દિવસની વર્કશૉપમાં ઇન્ડિયા અને ઇન્ડિયન કલ્ચરની એવી વાતોને અમે ગ્લૉરિફાય કરી જે દેશ અને દુનિયા માટે જરૂરી હતી. ધીમે-ધીમે લોકોમાં એને લઈને ઇન્ટરેસ્ટ વધતો ગયો. પહેલાં મુંબઈ, પછી ભારત અને પછી દુનિયાના દેશો પણ આ ઝુંબેશનો હિસ્સો બન્યા. ૨૬,૦૦૦ જેટલા વૉલન્ટિયર્સ આ મૂવમેન્ટનો હિસ્સો છે, જેઓ ‘વસુધૈવ કુટુંબકમ’ના સિંગલ ધ્યેય સાથે સ્ટુડન્ટ્સને નર્ચર કરી રહ્યા છે. બાવીસ દેશોનાં ૧૬૦ શહેરો સુધી અમે પહોંચી ગયા છીએ. આખા વર્ષ દરમ્યાન દુનિયાભરમાં ૧૦૮ પ્રોગ્રામ થાય છે. દર વર્ષે લગભગ એક કરોડ વિદ્યાર્થીઓ સુધી અમે પહોંચીએ છીએ. આ કાર્યની ગ્રૅવિટીનો જ પ્રભાવ હતો કે દુનિયાના ઘણા દિગ્ગજો આ સંસ્થાના ઍડ્વાઇઝરી બોર્ડમાં સામેલ થયા. એમાં આર્મી ચીફથી લઈને શશી થરૂર, મિસ્ટર ગોદરેજ, એ. આર. રહમાન, કરણ જોહર વગેરે છે.’
અહીં ઉલ્લેખનીય છે કે વિશ્વની શાંતિ માટે કામ કરતા યુનાઇટેડ નેશન્સના ન્યુ યૉર્ક-બેઝ્ડ હેડક્વૉર્ટરમાં પણ રિષભની સંસ્થાનો એક પ્રોગ્રામ થયો છે જે એક ઐતિહાસિક બાબત છે, કારણ કે આ પહેલાં ક્યારેક કોઈ પણ સામાજિક સંસ્થાને આ પરમિશન મળી નથી.
પોતાની જર્નીમાંથી આવ્યું લર્નિંગ
‘મારે કંઈક કરવું હતું, પણ હું એ ન કરી શક્યો; પણ એને બદલે જે કરી શક્યો એણે મને ઘણું શીખવ્યું.’ થોડાક કૉમ્પ્લિકેટેડ એવા આ વાક્ય પછી રિષભ વધુ સ્પષ્ટતા કરતાં કહે છે, ‘મને બાળપણથી ક્રિકેટનો શોખ હતો, પરંતુ ફ્લૅટ ફીટને કારણે હું લાંબું દોડી શકતો નહોતો. મને તરત જ ઇન્જરી થઈ જતી, જેને કારણે મારા પિતાએ ક્રિકેટને બદલે મને ચેસ રમતો કરી દીધો. ધીમે-ધીમે ચેસમાં ઇન્ટરેસ્ટ વધ્યો અને ઝોનલથી નૅશનલ કૉમ્પિટિશન સુધી પહોંચ્યો. ચેસપ્લેયર તરીકે મેં ભારતનાં નાનાં-નાનાં સિટીની ખૂબ ટૂર કરી. મેં અસલી ઇન્ડિયા જોયું. ભારતને ગ્રાસરૂટ લેવલ પર જેણે જોયું હશેને તે માણસ ક્યારેય મનથી રિલૅક્સ નહીં રહી શકે, કારણ કે તમારી અંદરથી તમને સતત કંઈક બદલાવ લાવવો જોઈએ એવો અવાજ આવ્યા કરશે.’
સતત સક્રિય રહેતો રિષભ પોતાની સ્લીપ-સાઇકલ વિશે કહે છે, ‘આજના મૉડર્ન મેડિકલ સાયન્સના ડૉક્ટરોની દૃષ્ટિએ તો હું સૂતો જ નથી અને એ પછીયે કહીશ કે મને ૩ કલાકની ઊંઘ પૂરતી થઈ જાય છે. હું ખૂબ એટલે ખૂબ વાંચું છું અને એમાં જ મને રિયલાઇઝ થયું છે કે સૂવામાં સમય વેડફવા જેવો નથી, હજી ઘણું કામ કરવાનું છે. અત્યારે યુવાનોના પ્રોગ્રામ વર્ષભર ચાલે જ છે, પણ સાથે બીજા પણ બે-ત્રણ ઇનિશ્યેટિવ છે જે અમે I.I.M.U.N. હેઠળ કરીએ છીએ. જેમ કે આ વર્ષે ૬૦થી વધુ બીચ ક્લીન-અપ ઍક્ટિવિટી વિદ્યાર્થીઓ સાથે મળીને કરી હતી. મને યાદ છે કે કોરોનાની ભયાનક બીજી લહેર વખતે ચારેય તરફ હૉસ્પિટલમાં બેડની બૂમો હતી ત્યારે અમે ૧૯૪ યુવા વૉલન્ટિયર્સ સાથે મળીને માત્ર ૭૨ કલાકમાં Find a Bed નામનું રિયલ-ટાઇમ પૉર્ટલ બનાવ્યું અને દેશનાં ૪૪૬ શહેરોમાં ૧૯,૦૦૦થી વધુ ક્વૉરન્ટીન બેડ શોધી આપ્યા હતા. ૨૦૧૪થી First Time Voters જાગૃતિ અભિયાન લૉન્ચ કરેલું, જેમાં અમે મોટી-મોટી સેલિબ્રિટીઝને સામેલ કરી હતી, તેમના I VOTEને સપોર્ટ કરતા વિડિયો લોકો સમક્ષ શૅર કર્યા હતા. ચેસબેઝ સાથે મળીને દેશનાં ૧૦૦થી વધુ શહેરોની સરકારી સ્કૂલો અને NGOમાં મફત ચેસની તાલીમ આપીને બાળકોમાં વિઝન અને પ્લાનિંગ ખીલવવાનો પ્રયાસ કર્યો હતો. UN સિક્યૉરિટી કાઉન્સિલમાં ભારતની સ્થાયી સીટ બની ત્યારે અમે દેશભરમાં પીસ માર્ચ યોજી હતી. કાશ્મીર, મુંબઈ અને નૉર્થ-ઈસ્ટની યુવતીઓ અને યુવાનોને પગભર કરવા સતત પ્રયાસો કરી રહ્યા છીએ.’
ફાઉન્ડર, રાઇટર અને પૉડકાસ્ટર
રિષભ ૧૭ વર્ષની ઉંમરે શરૂ થયેલી સર્વિસ સેક્ટર કંપનીનો સ્થાપક છે, ટેકિંગ ઇન્ડિયા ફૉર્વર્ડ ફાઉન્ડેશનનો ટ્રસ્ટી છે અને પરિવારના સ્ટિલ-ફાઇનૅન્સ બિઝનેસના રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટમાં પણ મદદ કરે છે. એક સફળ કૉલમનિસ્ટ ઉપરાંત તેણે ‘ઍન ઓપન માઇક’, ‘નથિંગ બટ ધ ટ્રુથ’ અને ‘યંગ, વાયર્ડ ઍન્ડ નૉટ વૉક’ જેવાં ૩ પુસ્તકો લખ્યાં છે. બદલાવની આ અદમ્ય ઇચ્છા જ સોશ્યલ મીડિયા અને પૉડકાસ્ટના દરવાજા ખોલી ગઈ. તેની પૉડકાસ્ટ સિરીઝ Before I Became Me અને Role Model Series યુટ્યુબ તથા સોશ્યલ મીડિયા પર અત્યંત લોકપ્રિય થઈ છે, જેનું ઉદ્ઘાટન તત્કાલીન આર્મી ચીફે યુનિફૉર્મમાં કર્યું હતું. રાધિકા અંબાણી, દિયા મિર્ઝા, સુસ્મિતા સેન, પત્રકાર પાલકી શર્મા, સંગીતકાર રિકી કેજ, ગૌરાંગ દાસ પ્રભુજી, અભિ અને નિયુ, ફૂડ ફાર્મર, વિદ્યા બાલન અને નિરંજન હીરાનંદાનીથી લઈને Kuch Toh Karona સિરીઝ હેઠળ ૧૦૦થી વધુ ક્ષેત્રના અગ્રણીઓ સાથે તેણે અર્થસભર સંવાદ કરીને યુવાનોને સાચો સંદેશ આપ્યો છે. તે કહે છે, ‘સોશ્યલ મીડિયાના ઍલ્ગરિધમમાં અટવાયેલા જેન-ઝીનો કોઈ વાંક નથી. બસ, તેમને સાચા લીડર્સ પૂરા પાડવાનું આપણું કામ છે અને એ કામ આ આંદોલન જોયા પછી હું વધુ અગ્રેસિવલી કરવાનો છું એમાં કોઈ શંકા નથી.’
