પેમેન્ટ ઍન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ ઍક્ટમાં સુધારા બાદ ઊડેલી અફવાઓ વિશે સરકારે સત્તાવાર સ્પષ્ટતા જાહેર કરી
પ્રતીકાત્મક તસવીર
કેન્દ્ર સરકારે શનિવારે સત્તાવાર પ્રેસ-રિલીઝ મારફત સ્પષ્ટતા કરી છે કે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) દ્વારા થતાં તમામ ટ્રાન્ઝૅક્શન ગ્રાહકો માટે સંપૂર્ણપણે ફ્રી રહેશે. લોકસભામાં પેમેન્ટ ઍન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ ઍક્ટ પસાર થયા બાદ એવી અફવાઓ ઊડી હતી કે બૅન્ક ભવિષ્યમાં ડિજિટલ પેમેન્ટ પર નવો ચાર્જ વસૂલશે. સરકારે આ અહેવાલોને નકારી કાઢ્યા છે.
સરકારે પ્રેસ-રિલીઝમાં જણાવ્યું છે કે પર્સન-ટુ-પર્સન (P2P) વ્યવહારો પર કોઈ જ ચાર્જ લાગશે નહીં, મોટા ભાગના વેપારી વ્યવહારો પણ નિઃશુલ્ક રહેશે; જો ભવિષ્યમાં મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ થશે તો એ માત્ર નિશ્ચિત મર્યાદાથી વધુના વેપારી-વ્યવહારો પર લાગશે, આ ચાર્જ ડેબિટ કે ક્રેડિટ કાર્ડ કરતાં ખૂબ જ ઓછો રહેશે; આ વિશે નૅશનલ પેમેન્ટ્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા (NPCI)ની કમિટી આખરી નિર્ણય લેશે.
