પુણે નજીક દોલતમંગલગઢ પર આવેલું ૧૦૦૦ વર્ષ જૂનું ભુલેશ્વરનાથ મંદિર પૌરાણિક કથાઓ, હેમાડપંતી સ્થાપત્ય અને શિવપરિવાર સાથે જોડાયેલી અનોખી માન્યતાઓને કારણે ખાસ આકર્ષણ ધરાવે છે.
આ ભુલેશ્વરમાં તમે પોતાની જાતને નક્કી ભૂલી જશો
ના, મુંબઈના પ્રખ્યાત ભુલેશ્વર માર્કેટની વાત નથી કરી રહ્યા. વાત થઈ રહી છે પુણેથી ૪૨ કિલોમીટર દૂર દોલતમંગલગઢની ચોટીએ આવેલા ૧૦૦૦ વર્ષ પહેલાં બનેલા ભુલેશ્વરનાથના મંદિરની. કહેવાય છે કે આઠમી સદીમાં સ્થપાયેલા શિવલિંગના આ નિવાસસ્થાન સાથે શિવપરિવાર તથા પાંડવોનું કનેક્શન છે. વળી અહીં પાર્વતીપુત્ર ગણેશની મૂર્તિ સ્ત્રીરૂપે લંબોદરી, વિનાયક જેવા નામે ઓળખાય છે
આજકાલ લોકોને નવું જોવાનો, નવતર કરવાનો, નવી જગ્યાએ જવાનો, જેન-ઝીની ભાષામાં એસ્થેટિક કરવાનો જબરો ક્રેઝ છે. જુઓને, પુણેના કેતન અગ્રવાલના મર્ડર પછી પગલુઓ લોહગઢનો સિયા પૉઇન્ટ જોવા જવા લાગ્યા. (હા, ખરેખર અહીં એવો ધસારો થયો કે પોલીસે આ જગ્યા સીલ કરવી પડી.) અરે ભાઈ, લોહગઢ ફોર્ટ તો છેક દસમી શતાબ્દીનો છે અને ત્યારથી અનેક રાજવી વંશોના તાબામાં રહ્યો છે. એ સઘળા રાજઘરાનાઓની સંસ્કૃતિ અને યશોગાથા ધરાવતા એ ગઢ પર બીજું પણ ઘણું જોવાનું છે. કિલ્લાના દક્ષિણ ભાગમાં આવેલી એક ગુફામાં તો છેક પહેલી સદીમાં લખાયેલો શિલાલેખ મળી આવ્યો છે. આવો સુવર્ણ-ઇતિહાસ, પુરાતત્ત્વ મહત્ત્વ જાણવાની જગ્યાએ સિયા પૉઇન્ટ જવાનું? સેલ્ફીઓ લેવાની? વળી સોશ્યલ મીડિયાનાં વિવિધ પ્લૅટફૉર્મ પર એ મોસ્ટ ફેમસ પૉઇન્ટ પર જઈ આવ્યા એવું ગાઈ-વગાડીને દુનિયાને કહેવાનો જે ટ્રેન્ડ ચાલ્યો કે અમને તો ડર લાગ્યો કે આ એસ્થેટિકિયા ભક્તો લોહગઢનું નામ જ સિયા પૉઇન્ટ ન કરી નાખે. ખેર, ભોલેબાબા દરેકને સન્મતિ આપે.
લોહગઢ વિશે આજે બળાપો કાઢવાનું કારણ એ કે લોહગઢ ઉપરાંત સહ્યાદ્રિની હારમાળામાં અનેક કિલ્લાઓ અને ગઢો છે જે ખરા અર્થમાં એસ્થેટિક (અનુવાદરૂપે સુંદર) હોવા સાથે ભવ્ય તવારીખ ધરાવે છે. ચાલો જઈએ એવા જ એક ગઢ પર જ્યાં ટ્રેકિંગ તો થાય છે અને વાહન પણ છેક પર્વતની ટોચ સુધી પહોંચે છે. યસ, આ છે દોલતમંગલગઢ. ૨૮૭૦ ફુટની ઊંચાઈ ધરાવતા આ ગઢ પર જ આજના તીર્થાટનનું ડેસ્ટિનેશન છે. અહીં ભુલેશ્વરનાથનું મંદિર છે. કૈલાસવાસીનું નામ ભુલેશ્વર પડવા પાછળ બે સ્થાનિક માનતાઓ છે. પહેલી, ભોલેનાથ પરથી એનું નામ ભોલે+ઈશ્વર = ભોલેશ્વર પડ્યું અને બીજી બિલીફ મુજબ ગંગાધર અહીં આવી સ્વયંને ભૂલી ગયા હતા અને સાધનામાં મગ્ન થઈ ગયા હતા એ પરંપરાને અનુસરીને આજે પણ અનેક શ્રદ્ધાળુઓ પરમેશ્વર, પ્રકૃતિ અને શિવાલયની શાંતિમાં ખોવાઈ જાય છે, મસ્ત થઈ જાય છે. વાત તો સાચી છે કે વિજયનગરના અધિપતિ કૃષ્ણદેવરાયે ઈસવીસન ૧૨૩૦ દરમ્યાન બનાવેલા આ શિવતીર્થની ઊર્જામાં કંઈક વિશેષ તો છે.
જોકે મંદિરની વિશેષતા જાણતાં પહેલાં એનું પૌરાણિક કનેક્શન જોઈએ. હા, આ કહાનીઓનું કોઈ પ્રમાણ કે સાબિતી નથી, પરંતુ ભાવિકોને આસ્થા છે કે શિવજીએ અહીં લાંબો સમય સાધના કરી હતી અને પછી કૈલાસ ગયા. બીજી કથા કહે છે કે પાર્વતીજી શંભુનાથને લગ્ન માટે રીઝવવા અહીં ભીલકન્યાના રૂપમાં આવ્યાં અને નૃત્ય કરવાનું શરૂ કર્યું. તેઓ નૃત્યમાં એવાં ઓતપ્રોત થઈ ગયાં કે સ્વયં દેવી છે એ પણ ભૂલી ગયાં. ત્રીજી કહાની આ સ્થળને પાર્વતીમાતાની સાધનાભૂમિ દર્શાવે છે અને એની સાથે લોકકથા જોડાયેલી છે કે ગૌરીમાતા અહીં તપ કરવા બેઠાં ત્યારે કોઈ પુરુષને તેમની સમક્ષ આવવાની મનાઈ હતી. આથી ગણેશજી તથા કાર્તિકેયે માતાને મળવા સ્ત્રીરૂપ ધારણ કર્યું. આથી જ અહીં એકદંત ગણેશ્યાની નામે ઓળખાય છે. વળી કોઈ અનુયાયીઓની માન્યતા મુજબ ગોરાંદેએ અહીં મધમાખીનું રૂપ લઈ અસુરને નાશ કર્યો હતો. શિવપરિવારની અવનવી કથાઓ ઉપરાંત પાંડવોના વનવાસ સાથે પણ આ ભૂમિ સંકળાયેલી છે. તેઓ અહીં રહ્યા હતા એવું મનાય છે. જોકે ભલે દરેકની માન્યતાઓ ભિન્ન-ભિન્ન હોય, સર્વે એકમતે માને છે કે અહીંનું શિવલિંગ આઠમી સદીમાં સ્થપાયેલું છે. એ વખતે શિવલિંગના રક્ષણાર્થે અહીં નાનકડું સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું હતું. જોકે કોણે એ લિંગમને બિરાજમાન કર્યા એ વિશે ઑફિશ્યલ નોંધ નથી, પરંતુ ધર્મગુરુઓના મતે એ કાર્ય આદિ શંકરાચાર્યે કર્યું હોઈ શકે. તેઓ જ્યારે ભારતભ્રમણ માટે નીકળ્યા હતા એ સમયે અહીં આવ્યા હશે અને ત્યારે બની શકે તેમને દૈવી સંકેત મળ્યા હોય અને તેમણે અહીં શિવલિંગની સ્થાપના કરી હોય. એ પછીની કોઈ નોંધ નથી. જોકે બારમી સદીમાં કૃષ્ણદેવરાયે અહીં પ્રાચીન શિવલિંગની ફરતે હેમાડપંતી શૈલીનું કલાત્મક મંદિર બનાવડાવ્યું જે આજે વિશ્વધરોહર છે. એ પછી આ ભૂમિ અનેક રજવાડાંઓની સત્તામાં રહી, પરંતુ ઇતિહાસ નોંધે છે કે ઈસવીસન ૧૬૨૯માં અહીંના રાજા મુરાર જગદેવે પહાડીની ઊંચાઈને અનુલક્ષીને મંદિરની ફરતે કિલ્લો બનાવ્યો જેથી તેમના સીમાડા પર નજર રાખી શકાય અને મંદિરની પણ સુરક્ષા થાય.
મજબૂત અને કાળમીંઢ કિલ્લો હોવા છતાં વિધ્વંસ માનસિકતા ધરાવતા મોગલ શાસકોને ભુલેશ્વર મંદિરની જાણ થઈ જ ગઈ અને આપણાં અન્ય ધાર્મિક સ્થાપત્યોની જેમ આ મંદિર પણ તેમની બર્બરતાનો ભોગ બન્યું. મંદિરની દીવાલો પર રહેલી કલાકૃતિઓને જેમ-તેમ તોડી પાડીને ખૂબ ક્ષતિ પહોંચાડાઈ. જોકે મંદિરના બુદ્ધિશાળી નિર્માણકર્તાઓએ પહેલાંના ગર્ભગૃહ પર આખા દેવાલયનું નિર્માણ એ રીતે કરાવ્યું હતું કે પહેલી નજરે દેવમૂર્તિ ન દેખાય અને થયું પણ એવું જ. અબુધ આક્રાંતાઓને શિવલિંગ ન દેખાયું અને એ પ્રાચીન લિંગ બચી ગયું.
ભારતભરમાં મોગલોએ હાહાકાર મચાવી દીધો હતો એટલે સત્તરમી સદીમાં અહીંના પેશવા કુળના શાસકોએ કુનેહ વાપરી આ મંદિરની ફરતે ઇસ્લામિક શૈલીનો ઢાંચો બનાવડાવી દીધો જેથી દૂરથી જોનારને એ મસ્જિદ લાગે. આમ ભુલેશ્વરનાથ ૩ પ્રકારના આર્કિટેક્ચર ધરાવતી ઇમારતો વચ્ચે સુરક્ષિત છે. જોકે હવે તો કિલ્લાનો ઘણો ભાગ તોડીને વાહન માટે રોડ બનાવવામાં આવ્યો છે છતાં મોટા કાળા પથ્થરોની હારમાળા સાબિતી આપે છે કે અહીં એક ફોર્ટ હતો અને અમે એનો હિસ્સો છીએ. હા, મંદિરનું પ્રવેશદ્વાર પણ દુર્ગ જેવું જ છે. અન્ય હેમાડપંતી મંદિરની જેમ અહીં પણ પરિક્રમાપથ છે અને એમાં ફરતા મંદિરના વિશાળ સ્તંભો જોવા મળે છે તથા રામાયણ, મહાભારત તથા અન્ય પુરાણકથાનાં સ્કલ્પ્ચરો નજરે ચડે છે. ગર્ભગૃહમાં દોઢથી પોણાબે ફુટનું શિવલિંગ છે, પણ મંદિરની બહાર રહેલો નંદી વિશાળ છે. આમ તો દરેક મંદિરમાં નંદીબાબા પોતાના આરાધ્યદેવની સામે જ જોતા હોય, પરંતુ અહીં એમનું મુખ થોડું ક્રૉસ છે. એની કોઈ કહાની નથી, પરંતુ ભક્તો માટે આ પણ એક વિશેષતા છે.
મુંબઈથી પુણે જવા એટલાં બધાં વાહનવ્યવહારનાં માધ્યમો ઉપલબ્ધ છે જે અન્ય શહેરો માટે નથી. ટ્રેન, સરકારી બસો, પ્રાઇવેટ બસ, ટૅક્સી, શૅર-અ-ટૅક્સી, તૂફાન વગેરે... વગેરે. પુણે પહોંચી ત્યાંથી પ્રાઇવેટ વાહન કરી મંદિરે જશો તો એ સીધા પાર્કિંગ-લૉટ સુધી પહોંચાડશે, પરંતુ જો તમે જાહેર પરિવહન દ્વારા અહીં જવા માગતા હો તો યવત ગામ જાઓ અને ત્યાંથી મંગલગઢ ચડવાનું શરૂ કરો. ટ્રેકિંગપ્રેમીઓ વાહન અહીં રાખીને પણ આરોહણ શરૂ કરી શકે છે. બે કલાકનું મૉડરેટ ચડાણ બાબાનાં ચરણે લઈ આવે છે. રહેવા માટે પુણે પર પસંદગીનો કળશ ઢોળી શકાય, કારણ કે અહીં તો પહાડી સિવાય કંઈ નથી. એ જ રીતે નાસ્તો વગેરે પણ સાથે લઈ જવો. જોકે શ્રાવણ મહિનામાં શનિ, રવિ, સોમવારે વાહનતળની આજુબાજુ અને તળેટીમાં હંગામી સ્ટૉલ ઊભા થઈ જાય છે જ્યાં પ્રસાદની સામગ્રી તથા ચા-પાણી મળી રહે છે.
ADVERTISEMENT
અહીં ભગવાન ભોગ આરોગે છે
જનરલી ભોળિયા શંભુ એક લોટો જળ અને બીલીપત્રથી રીઝી જાય છે. હા, ભક્તો ભાવથી કેળાં કે સાકરિયાનો પ્રસાદ ચડાવે છે, પરંતુ આ ભુલેશ્વરનાથને તો પેંડા ભાવે છે. અહીં દરરોજ બાકાયદા ભગવાનને પેંડાનો ભોગ ધરાવાય છે અને કદી-કદી એમાંથી બે-ત્રણ પેંડા ઓછા થઈ જાય છે. માન્યતા છે કે નીલકંઠના આભૂષણ નાગદેવતા આવીને એ ભોગ આરોગી જતા હશે, પરંતુ સ્થાનિકો કહે છે કે આ વિસ્તારમાં સાપ જ નથી.
પૉઇન્ટ્સ ટુ બી નોટેડ
મંદિર સવારે છથી સાંજે ૭ વાગ્યા સુધી ખુલ્લું રહે છે અને શિવરાત્રિ તથા શ્રાવણ મહિનામાં રાત્રે ૮ વાગ્યા સુધી મહાદેવનાં દર્શન થાય છે. ભક્તોને શિવલિંગની પૂજા કે સ્પર્શ કરવાની અનુમતિ નથી, ફક્ત પૂજારી જ કરે છે. હા, નંદીબાબા તથા મંદિરમાં રહેલા ત્રિશૂળની, પરિસરમાં આવેલાં વિઠ્ઠલ-રુક્મિણીની પૂજા કરી શકાય છે.
વાહન દ્વારા આવો તોય પાર્કિંગની જગ્યાથી મંદિર સુધી જવા થોડી સીડીઓ ઊતરવી પડે છે. ડુંગરાળ પ્રદેશના આ દાદરા પણ ભારે છે. આથી આરામદાયક બૂટ પહેરવાં સુગમ રહેશે.
મંદિરમાં સવારે છથી ૮ બ્રહ્મા, વિષ્ણુ, શિવના પ્રાચીન લિંગનાં દર્શન થાય છે. ઉપરાંત અહીંનો સૂર્યોદય પણ અદ્ભુત છે એટલે જાણકાર પુણેકરો તો અડધી રાત્રે પુણેથી નીકળીને અહીં સૂર્યોદય સુધી પહોંચી જાય છે. એ સમયે ભક્તોની ભીડ પણ નથી નડતી અને ગરમી પણ. બાકી તહેવારોમાં અહીં દર્શન કરવા લાઇનમાં ઊભા રહેવું પડે છે.
આ પણ જાણવા જેવું
બારમી સદીમાં બનેલા મંદિરનું આર્કિટેક્ચર એટલું સટીક છે કે દર વર્ષે ૧૪ સપ્ટેમ્બર અને ૨૮ માર્ચે સૂર્યનું સીધું કિરણ નંદીના મસ્તક પરથી શિવલિંગ પર પડે છે. સ્થાનિક લોકોના કહેવા મુજબ એક સમયે શિવલિંગ પર છતમાંથી મધનો અભિષેક થતો હતો. મંદિરના પરિસરમાં અનેક કક્ષ છે જેમાં શ્રદ્ધાળુઓ મેડિટેશન કરે છે. કહે છે કે ભોળિયા શંભુએ અહીં ધ્યાનસાધના કરી હતી તેથી આ સ્થાન અત્યંત જાગૃત અને પવિત્ર છે. મુખ્ય મંદિરના બાંધકામમાં પથ્થરોને જોડવા કે ક્યાંય સિમેન્ટનો ઉપયોગ થયો નથી. એ વિશેષતા આર્કિટેક્ચરના વિદ્યાર્થીઓને પણ અહીં વિઝિટ કરવા પ્રેરિત કરે છે.
મંદિરના એક ચોકમાં આવેલા બીમ પર પાર્વતીમાતાની બેઉ બાજુ તેમના પુત્રો કાર્તિકેય અને ગણપતિજીને સ્ત્રૈણ શણગાર કરેલાં શિલ્પો છે. શંકર ભગવાનનું અર્ધનારીશ્વર સ્વરૂપનું વર્ણન પુરાણોમાં આવે છે અને ક્યારેક તેમનો આવો શણગાર પણ કરાય છે, પરંતુ તેમના દીકરાઓના સ્ત્રીરૂપની કથા કે મૂર્તિઓ હોવાનું જાણમાં નથી. તમે આ યુનિક કલાકૃતિઓ અહીં જોવાનું વીસરતા નહીં.
