Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > આંસુઓની તાકાતને સ્ત્રીઓ તો જાણે જ છે, પુરુષોએ પણ એ પિછાણી લીધી છે

આંસુઓની તાકાતને સ્ત્રીઓ તો જાણે જ છે, પુરુષોએ પણ એ પિછાણી લીધી છે

Published : 20 April, 2026 01:25 PM | IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

કૉમેડિયન સમય રૈનાએ તેના લેટેસ્ટ વિડિયોમાં જે રીતે મન ખોલીને લોકો સમક્ષ મૂક્યું એ જોઈને...

કૉમેડિયન સમય રૈના

PoV

કૉમેડિયન સમય રૈના


વગર ખુદને બદલ્યે, અપરાધભાવ અનુભવ્યા વગર, પરાણે માફી માગવી પડી એવું કબૂલ્યા છતાં કૉમેડિયન સમય રૈનાએ તેના લેટેસ્ટ વિડિયોમાં જે રીતે મન ખોલીને લોકો સમક્ષ મૂક્યું એ જોઈને અઢળક લોકોએ તેને માફ કરી દીધો, કારણ કે તેણે સારેલાં આંસુ તેની પ્રામાણિકતાનાં પ્રતીક હતાં જે લોકોને સ્પર્શી ગયાં

દસેક દિવસ પહેલાં વિવાદિત કૉમેડિયન સમય રૈનાએ પોતાની યુટ્યુબ ચૅનલ પર સમય રૈના - સ્ટિલ અલાઇવ નામનો એક વિડિયો મૂક્યો, જેને લગભગ પાંચ કરોડ ૧૪ લાખ લોકોએ જોયો અને ૩.૭ મિલ્યન લોકોએ લાઇક કર્યો. આ એ સમય રૈનાની વાત થઈ રહી છે જેનો ઇન્ડિયાઝ ગૉટ લેટન્ટ નામનો શો હતો. એમાં પૉડકાસ્ટર રણવીર અલાહાબાદિયાની અભદ્ર કમેન્ટને કારણે જનતા ભડકી ગઈ હતી. એ વિવાદ પછી એક વર્ષ બાદ તેણે આ વિડિયો મૂક્યો જેમાં પોતાની આપવીતી લોકો સમક્ષ રજૂ કરી હતી. તે સારો કૉમેડિયન છે એ બધા જ જાણે છે અને આ વિડિયોમાં તેણે પુરવાર કર્યું કે તે ઉચ્ચ કક્ષાનો સ્ટોરી-ટેલર છે. જે રીતે તેણે પોતાની વાત રજૂ કરી એ દરેક સાંભળનારના હૃદયને સ્પર્શી જ હશે એની ગૅરન્ટી લઈ શકાય.



ઘણા બીજા કૉમેડિયનોની જેમ સમય રૈના પણ અઢળક ગાળો બોલે છે, તેના શોમાં ઘણી અશ્લીલ વાતો કરે છે. રોસ્ટના નામે ડબલ મીનિંગ વાતો કરવી એ પણ ઘણા કૉમેડિયનોની સ્ટાઇલ હોય છે જે સમયની પણ છે. જોકે બીજા કૉમેડિયનોથી તેની એક વાત અલગ છે. તેના ફૅન્સની સંખ્યામાં સ્કૂલમાં જતાં બાળકોની સંખ્યા સૌથી વધુ છે. એ બાબતે જ્યારે મીડિયા કે લોકોએ પ્રશ્નો ઉઠાવ્યા કે નાનાં બાળકો તારાથી ઇન્સ્પાયર થઈને ગાળો બોલતાં થઈ ગયાં છે, તને તેઓ કૂલ માને છે અને તારી નકલ કરવામાં ડબલ મીનિંગ વાતો કરે છે ત્યારે તેણે જવાબમાં કહ્યું હતું કે મારા પર પ્રશ્ન કરવા કરતાં તમે એ માતા-પિતાના પેરન્ટિંગ પર પ્રશ્ન કરો કે તેઓ તેમના બાળકને મારો શો જોવા જ કેમ દે છે? સમયનો આ જવાબ તીખો છે પણ ઘણા અંશે સાચો પણ છે. કન્ઝ્યુમરની ફરજ અને એની સમજદારી મુખ્ય બાબત છે, પરંતુ ક્રીએટરની જવાબદારીનું શું? ફક્ત હસી લેવા માટે તમે નૈતિકતાને સાવ નેવે મૂકી દો એ કેટલે અંશે વાજબી છે? અંગત રીતે ગાળોથી મને ઘણો વધારે પ્રૉબ્લેમ છે. જે વાતને લઈને બબાલ થયેલી એ વાત સાંભળીને કોઈને હસવું કે મજા પણ કઈ રીતે આવે એ મારી બુદ્ધિમાં કોઈ કાળે બંધબેસતું નથી. આ પ્રકારનું કન્ટેન્ટ કોઈ પણ ઉંમરની વ્યક્તિ માટે બનવું જ ન જોઈએ એવું હું દૃઢપણે માનું છું, પણ એના વિશેની વાત ફરી ક્યારેક. આજે જેના પર વાત કરવી છે એ છે સમયના આ નવા વિડિયો પર. 
પોતાની આપવીતી કહેતાં-કહેતાં દુખ અને દર્દ તેની વાતમાં છલકાઈ રહ્યાં હતાં. એક વર્ષ જૂની એ પીડા કહેતાં-કહેતાં તે માણસ ગળગળો થઈ ગયો હતો. પોતાના મિત્રનાં વૃદ્ધ માતા-પિતા જ્યારે પોલીસના પગે પડીને કહેતાં હતાં કે અમારો કોઈ વાંક નથી, અમને જવા દો એ વાતથી તેનું હૈયું ભરાઈ આવેલું અને આંસુ વગર પરમિશને બહાર આવી ગયાં હતાં. સમય રૈના, એક યુવાન છોકરો, મોઢા પર તડ-ફડ કરવાવાળો, મજાકના નામે કોઈને કંઈ પણ કહી શકવાની ક્ષમતા ધરાવતો છોકરો કૅમેરા સામે રડી પડ્યો. જે રીતે તેણે તેની વાત લોકો સમક્ષ મૂકી એ જોનારા એ આખા એક કલાક ૨૧ મિનિટના વિડિયોની અંદર ફરી તેના પ્રેમમાં પડી ગયા. શું એમાં તેણે ગાળો નહોતી બોલી? ના-ના, ગાળો ન બોલે તો સમય વાત કરી રહ્યો છે એવું લાગે કઈ રીતે? તેણે એમ પણ વાત કરી કે તેણે સૉરી પણ પરાણે બોલવું પડ્યું હતું એટલે બોલ્યું હતું. તો પછી એવું શું હતું એ વિડિયોમાં? એક તો ૧૦૦ ટકા પ્રામાણિકતા અને એ પ્રામાણિકતાને કારણે ટપકી પડેલાં આંસુ.


રડતા પુરુષને આપણે ત્યાં વેવલો કે બાયલો જેવાં વિશેષણોથી નવાજવામાં આવે છે. આપણે ત્યાં ઘણી જગ્યાએ પુરુષોને આપ્તજનોના મૃત્યુ પર પણ રડવા દેવામાં આવતા નથી. મન ભરાઈ આવે તો પણ સહન કરતાં શીખો, રડો નહીં એવું કન્ડિશનિંગ નાનપણથી જ છોકરાઓને આપવામાં આવે છે. ‘તું છોકરો છે, રડ નહીં’નું વિધાન છોકરાઓમાં નિષ્ઠુરતાનાં બીજ રોપે છે. ઘણા સમયથી આ બાબતે સમાજમાં ચર્ચા ચાલે છે કે છોકરાઓને સંવેદનશીલ રહેવા દો, તેમને રડવા દો. હકીકત એ છે કે પુરુષો પણ અંતે મનુષ્ય જ છે અને મનુષ્યને આંસુ સારવાનો હક છે. કદાચ કહીએ કે આંસુ જ મનુષ્યને માનવતાની નજીક રાખે છે તો ખોટું નથી.

આંસુ ન હોવાં એટલે લાગણીવિહીન હોવું. એ બે પ્રકારે સંભવ છે. તીર્થંકર ભગવાનને આંસુ હોતાં નથી કારણ કે તે દરેક લાગણીથી પર થઈ ગયા છે. તે વીતરાગ છે અને એક રાક્ષસને આંસુ હોતાં નથી કારણ કે તે નિષ્ઠુર થઈ ગયો છે. આપણે નથી ભગવાન કે નથી રાક્ષસ. આપણે મનુષ્યો છીએ. લાગણીશીલ હોવું એ આપણો સ્વભાવ છે. સંવેદનશીલતા આપણે જ્યારે છોડીએ છીએ ત્યારે આપણે માણસાઈ છોડી દીધી છે એમ સમજવું. પુરુષમાં પુરુષત્વ હોય એ વાત સાચી, પરંતુ પુરુષત્વ માણસાઈવિહોણું ન હોઈ શકે.


બૉલીવુડ-કિંગ શાહરુખ ખાન હોય કે ફુટબૉલ લેજન્ડ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, ક્રિકેટર હાર્દિક પંડ્યા હોય કે હૉલીવુડમાં ઝંડા ગાડનાર વિલ સ્મિથ, ISROના ચૅરમૅન કે. સિવન હોય કે સત્યમેવ જયતે હોસ્ટ કરતો આમિર ખાન, સમયે-સમયે આ બધા જ લોકો જાહેરમાં લોકોની વચ્ચે રડી પડ્યા છે.

જ્યારે-જયારે તેઓ રડ્યા છે ત્યારે-ત્યારે તેઓ લોકોની વધુ નજીક આવ્યા છે. વળી જ્યારે કોઈ પુરુષ રડે છે ત્યારે તેના રુદનની ગંભીરતા સ્ત્રીના રુદન કરતાં ઘણી વધુ રહે છે કારણ કે એ રુદન સમાજનાં ઘણાંબધાં કન્ડિશનિંગને તોડીને બહાર ફૂટી નીકળતું હોય છે. આંસુઓની તાકાત વિશે સ્ત્રીઓ તો જાણે જ છે, પણ સમયને જોઈને લાગ્યું કે પુરુષોએ પણ આ તાકાત પિછાણી લીધી છે. તો શું કહો છો? પુરુષ તરીકે તમે આ તાકાત અપનાવશો કે નહીં? 

Whatsapp-channel Whatsapp-channel

20 April, 2026 01:25 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK