ફ્લાઇટમાં બેઠેલા તમામ પૅસેન્જરના ચહેરા પર ટેન્શન આવી ગયું હતું. ઇમર્જન્સીમાં ટેક-ઑફ કૅન્સલ થવાને લીધે જાતજાતની આશંકા તેમના મનમાં પ્રસરી ગઈ હતી.
ઇલસ્ટ્રેશન
મુંબઈ ઍરપોર્ટના ટર્મિનલ-ટૂ પર રાત્રે સાડાત્રણ વાગ્યે જબરદસ્ત દોડાદોડી મચી ગઈ હતી. ઇન્સ્પેક્ટર સાવંત ટીમ સાથે રનવે તરફ દોડી રહ્યા હતા. લંડન જતી ફ્લાઇટ ટેક-ઑફ માટે તૈયાર હતી પણ સાવંતે ATCને ઇમર્જન્સી સૂચના આપીને પ્લેન ટેક-ઑફ થતું અટકાવ્યું હતું.
‘શિંદે, બંસી અને રાઘવજી પ્લેનમાં જ છે. હું અંદર દાખલ થાઉં છું, પણ રાઘવજી હોશિયાર છે, તે ભાગવાની કોશિશ કરે તો તરત મને કવર-અપ આપો.’
ADVERTISEMENT
વાયરલેસ પર સૂચના આપી ઇન્સ્પેક્ટર ઊભા રહી ગયેલા પ્લેનના દરવાજા પાસે આવ્યા. થોડી જ સેકન્ડોમાં દરવાજો ખૂલ્યો અને ઇમર્જન્સી લૅડર બહાર આવી.
ફ્લાઇટમાં બેઠેલા તમામ પૅસેન્જરના ચહેરા પર ટેન્શન આવી ગયું હતું. ઇમર્જન્સીમાં ટેક-ઑફ કૅન્સલ થવાને લીધે જાતજાતની આશંકા તેમના મનમાં પ્રસરી ગઈ હતી. કેટલાક તો અમદાવાદની પ્લેન દુર્ઘટનાને યાદ કરીને મનોમન હનુમાન ચાલીસાના પાઠ પણ કરવા માંડ્યા હતા.
ઇન્સ્પેક્ટર સાવંત અને તેની સાથે બે કૉન્સ્ટેબલ પ્લેનમાં દાખલ થયા.
સાવંતની નજર બિઝનેસ ક્લાસની સીટ-નંબર ૪-A પર પડી.
એ સીટ પર બંસી બેઠી હતી અને તેની બાજુમાં રાઘવજી પટેલ આંખો બંધ કરીને બેઠા હતા. તેમના ચહેરા પર એક અજીબ શાંતિ હતી, તોફાન ઓસર્યા પછી જોવા મળે એવી શાંતિ.
‘બહાર નીકળો! અત્યારે જ!’
રાઘવજી પટેલ પાસે આવી સાવંત ઑલમોસ્ટ ચિલ્લાયા.
બંસી ગભરાઈ ગઈ.
‘સર, આ શું છે? તમે પપ્પાને હેરાન કેમ કરો છો? તમને ખબર છે, તે બીમાર છે!’
‘બીમાર?’ સાવંતના ચહેરા પર કટાક્ષભર્યું સ્માઇલ હતું, ‘રાઘવજી પટેલ બીમાર છે? બંધ કરો બન્ને જણ આ નાટક અને જલદી બહાર આવો. તમારી ગેમ પૂરી થઈ ગઈ છે.’
રાઘવજીએ ધીમેથી આંખો ખોલી.
એ આંખોમાં ઑલ્ઝાઇમર્સનો ખાલીપો નહીં પણ એમાં એક રિટાયર્ડ માર્કોસ કમાન્ડોની વેધકતા હતી તો સાથોસાથ એ આંખોમાં પિતાનો પ્રતિશોધ પણ ઝળકતો હતો.
રાઘવજી પટેલ કોઈ જાતના સપોર્ટ વિના પોતાની સીટ પરથી ઊભા થયા અને શાંતિથી
પ્લેનમાંથી બહાર આવી તેમણે આળસ મરડી. તેમની એ આળસમાં શરૂ થનારા નવા જંગની તૈયારી સ્પષ્ટ દેખાતી હતી.
lll
ઍરપોર્ટના સ્પેશ્યલ ઇન્ટરોગેશન રૂમમાં સાવંત, રાઘવજી અને બંસી આમને-સામને હતા. ઇન્સ્પેક્ટર સાવંતના ટેબલ પર પવનની ડાયરી અને હમણાં જે મર્ડર થયાં એ ચારેચારના ફોટો પડ્યા હતા.
‘રાઘવજીભાઈ, મને બધું સમજાય છે એટલે હું બીજી કોઈ ચર્ચામાં પડવા નથી માગતો. બસ, મને એક વાત સમજાતી નથી. પેલો બ્લેક શર્ટવાળો માણસ કોણ છે જે દરેક CCTVમાં તમને ગાઇડ કરતો દેખાયો છે? ઇન્સ્પેક્ટર સાવંતે પૂછી લીધું, ‘એ પવન છે?’
‘સર, પવન ઇઝ નો મોર.’ જવાબ રાઘવજીને બદલે બંસીએ આપ્યો, ‘પવન કેવી રીતે ત્યાં હોય...’
‘પવન હાજર હતો એ ફાઇનલ છે. જો પવન હાજર ન હોય તો એ માણસ પવન જેવો દેખાય છે.’ સાવંતે ફરી રાઘવજીની સામે જોયું, ‘રાઘવજીભાઈ, છેલ્લી વાર પૂછું છું. એ માણસ કોણ છે?’
રાઘવજી પટેલ ચૂપ રહ્યા અને એ ચૂપકીદી સાવંતને અકળાવી ગઈ.
સટાક...
પોતાનાથી ઑલમોસ્ટ ડબલ ઉંમર ધરાવતાં માણસને થપ્પડ મારવામાં સાવંતને ખચકાટ ચોક્કસ થયો હતો પણ એ સિવાય છૂટકો પણ નહોતો.
‘સર, પ્લીઝ... તમે પપ્પા પર થર્ડ ડિગ્રી યુઝ ન કરી શકો.’
‘જવાબ, મને જવાબ નહીં મળે તો થર્ડ શું, ફોર્થ ને ફિફ્થ ડિગ્રી પણ હું વાપરીશ.’
બંસી કંઈ કહે એ પહેલાં સાવંતે રાઘવજી પટેલના ટેબલ પર રહેલા હાથ પર જોરથી મુક્કો માર્યો.
આહાહાહા...
માર્કોસ કમાન્ડો ટ્રેઇનિંગ લીધેલા રાઘવજીના પટેલના ગળામાંથી દબાયેલી ચીસ નીકળી ગઈ.
‘CCTVમાં કોણ હતું?’
રાઘવજીએ બંસી તરફ જોયું અને બંસીએ નનૈયો ભણ્યો. જાણે કે તેનાથી પપ્પા પર થતો અત્યાચાર જોઈ શકાતો નહોતો.
આંખમાં આંસુ સાથે બંસીએ બૅગમાંથી એક સિલિકૉન માસ્ક અને કાળું શર્ટ કાઢ્યું અને ઇન્સ્પેક્ટર સાવંત સ્તબ્ધ થઈ ગયા.
‘સર, એ બ્લૅક શર્ટવાળી વ્યક્તિ બીજું કોઈ નહીં, પણ હું હતી.’ બંસીએ કબૂલાત કરી, ‘પપ્પાને ઑલ્ઝાઇમર્સ છે એ સાચું, પણ પવનના ડેથ પછી તેમને લ્યુસિડ ઇન્ટરવલ આવવા લાગ્યા. આ જે લ્યુસિડ ઇન્ટરવલ આવે એ દરમ્યાન પપ્પાની મેમરી પાછી આવે અને તેમને પોતાની જૂની ટ્રેઇનિંગ પણ યાદ આવી જાય. મેં પવનની ડાયરી વાંચી હતી. મને ખબર હતી કે કિશોર ભાનુશાલી, ઇસ્માઇલ અને શિલ્પાએ મળીને પવનને માર્યો છે. મેં પપ્પાને બધી વાત કરી અને પપ્પાની અંદરનો શેર જાગી ગયો. પપ્પાએ નક્કી કર્યું કે તે ઇન્ડિયા આવશે અને હું એમાં તેમની સાથે જોડાઈ.’
‘તેમની સાથે જોડાવાનું કારણ...’
‘સિમ્પલ. લ્યુસિડ ઇન્ટરવલ સમયે તેમને ફરીથી એ બધું યાદ કરાવવું કે જેમાં તે પોતાનું કામ અને ટાર્ગેટ ભૂલે નહીં.’
‘મને આખી ઘટના જાણવી છે. શું કામ પવનનું મોત થયું?’
‘સર, પવન લંડનમાં એથિકલ ડાયમન્ડ કાઉન્સિલનો મેમ્બર હતો. કિશોર ભાનુશાલી આફ્રિકાના ગરીબ કન્ટ્રીમાંથી બ્લડ ડાયમન્ડ્સ મગાવતા. આ બ્લડ ડાયમન્ડ્સ એ છે જે ડાયમન્ડ માઇન્સમાંથી ઇલ્લીગલી કાઢવામાં આવે છે. એનું ક્યાંય રજિસ્ટ્રેશન નથી થતું અને કાઢવાની જે પ્રોસેસ છે એ ઇલ્લીગલ છે એટલે એમાં અનેક નિર્દોષ લોકો બિચારા મરે છે. આ બ્લડ ડાયમન્ડ્સ વેચવા કે ખરીદવા પર દુનિયાના તમામ દેશોમાં પ્રતિબંધ છે.’ બંસીએ કહ્યું, ‘કિશોર ભાનુશાલી એમાં ડીલ કરતા અને જે પૈસા આવતા એ પૈસા ટેરરિઝમ ફન્ડમાં આપતા. પવને આ સ્કૅમ પકડી પાડ્યું અને તે કિશોરને એક્સપોઝ કરવાનો હતો.’
‘એ લોકોએ પવનને મુંબઈ બોલાવીને હાર્ટ-અટૅક કેવી રીતે આપ્યો?’
‘કિશોર ભાનુશાલીના કહેવાથી મૉડલ શિલ્પા દેસાઈએ પવનને હની ટ્રૅપમાં ફસાવ્યો. તેણે પવનના ડ્રિન્કમાં સક્સીનાઇલકોલાઇન નામનું કેમિકલ મિક્સ કર્યું. આ કેમિકલ લોહીમાં ભળીને હૃદયના ધબકારા બંધ કરે છે. જો પોસ્ટમૉર્ટમ થાય તો જ આ કેમિકલ પકડાય. પવન જ્યારે એકલો હતો ત્યારે તેને હાર્ટ-અટૅક આવ્યો એટલે હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ કરવું પડે એમ હતું. વાત બહાર આવે નહીં એટલે ડૉ. અવિનાશને એ લોકોએ ફોડ્યા. ડૉક્ટરે ખોટો પોસ્ટમૉર્ટમ રિપોર્ટ બનાવી હાર્ટ-અટૅકને નૅચરલ હાર્ટ- અટૅક દેખાડ્યો.’
આશ્ચર્ય સાથે સાવંત રાઘવજી પટેલ તરફ ફર્યા.
‘રાઘવજીભાઈ, તમે ઍરપોર્ટથી ગાયબ થઈને એક પછી એક અને એ પણ આટલી તકેદારી સાથે મર્ડર કેવી રીતે કર્યાં?’
‘નેવીનો કમાન્ડો રહી ચૂક્યો છું સાવંતસાહેબ, અંધારામાં દુશ્મનનું ગળું કેવી રીતે દબાવવું એ મને ચાલીસ વર્ષ પહેલાં શીખવવામાં આવ્યું હતું. ઍરપોર્ટ પર બંસીએ મને બ્લૅક શર્ટ પહેરેલા પવનનો ફોટો બતાવ્યો અને ગાઇડન્સ આપ્યું. ઑલ્ઝાઇમર્સને કારણે મારા મગજે બીજા વિચારો કરવાનું બંધ કરી દીધું હતું. બસ, મને આ લોકોના ચહેરા જ યાદ હતા, જેને મારે પવન પાસે મોકલવાના હતા.’
રાઘવજી પટેલની આંખોમાં શૂન્યાવકાશ ભળવા માંડ્યો.
‘કિશોર ભાનુશાલીની ઑફિસમાં હું AC ડક્ટ દ્વારા
ઘૂસ્યો જે ટ્રેઇનિંગ મને નેવીમાં મળી હતી. ઇસ્માઇલને મેં રેલવે ટ્રૅક પર પકડ્યો. તેને લાગ્યું કે હું એક લાચાર બુઢ્ઢો માણસ છું, પણ તેને મારી ટ્રેઇનિંગ વિશે ખબર નહોતી. અમારી ટ્રેઇનિંગમાં અમને કહેવામાં આવે છે. વન્સ અ સોલ્જર, ઑલ્વેઝ અ સોલ્જર.’ ઊંડો શ્વાસ લઈ રાઘવજી પટેલે વાત આગળ વધારી, ‘ઇસ્માઇલને મેં તેના જ હથિયારથી માર્યો. ઇસ્માઇલ એ માણસ હતો જેણે પવનની સતત પાછળ રહેવાનું હતું, ત્યાં સુધી જ્યાં સુધી પવનને હાર્ટ-અટૅક ન આવે. એ પછી વારો આવ્યો પેલી છોકરીનો. શું નામ તેનું?’
‘શિલ્પા દેસાઈ.’
‘હા, શિલ્પા. તેના ઘરે હું વ્હીલચૅર પર ગયો જેથી કોઈને શંકા ન જાય. મેં તેને એ જ ઝેર આપ્યું જે તેણે પવનને આપ્યું હતું. અને ડૉક્ટર અવિનાશ... તેણે પવનના શરીરની ચીરફાડ કરી હતી એટલે મેં તેની જ સર્જિકલ બ્લેડથી તેને સજા આપી.’
‘ચાલો, સારું થયું... તમે બધું સ્વીકારી લીધું.’
ઇન્સ્પેક્ટર સાવંતે ઊંડો શ્વાસ લીધો, એમાં નિરાંત પણ ભળેલી હતી.
‘આ ચાર મર્ડર પછી નૅચરલી, મિસ્ટર રાઘવજી પટેલ હવે તમારે જેલમાં જવાનું છે.’
‘ઓહ, એમ?’ રાઘવજીના ચહેરા પર સ્માઇલ હતું, ‘મને એક નાનકડી સ્પષ્ટતા કરશો ઇન્સ્પેક્ટર, તમે કયા રાઘવજીને જેલમાં મોકલવા માગો છો? એ રાઘવજીને જે અત્યારે તમારી સામે બેસીને વાત કરે છે કે એ રાઘવજીને જે પાંચ મિનિટ પછી બધું ભૂલી જાય છે, ત્યાં સુધી કે પોતે કોણ છે એ પણ તેને યાદ
નથી રહેતું?’
જેવું રાઘવજીએ આ કહ્યું, તેમના ચહેરાના સ્નાયુઓ ઢીલા પડવા લાગ્યા. તેમની આંખો ફરીથી શૂન્ય થઈ ગઈ. તેઓ ધ્રૂજવા લાગ્યા અને બંસીનો હાથ પકડી લીધો.
‘બંસી, આપણે અહીં કેમ બેઠા છીએ?’ રાઘવજીએ આજુબાજુમાં જોયું, ‘પવન ક્યાં? બેટા, ચાલ મારે... મારે ઘરે જવું છે.’
સાવંત સ્તબ્ધ થઈને જોઈ રહ્યો.
રાઘવજી ફરીથી ઑલ્ઝાઇમર્સની ખાઈમાં ઊતરી ગયા હતા. મેડિકલ સાયન્સ મુજબ કોઈ પણ કોર્ટ એક ઑલ્ઝાઇમર્સના પેશન્ટને સજા આપી શકતી નથી કારણ કે તે ગુનો કરતી વખતે પોતાના હોશમાં હોતો નથી.
‘સર, તમે પપ્પાને જેલમાં નહીં રાખી શકો,’ આંખમાં આંસુ સાથે બંસીના ચહેરા પર સ્માઇલ આવ્યું, ‘તેમની હાલત જુઓ. તેમણે જે કર્યું એ એક પિતાએ દીકરા માટે કરેલો ન્યાય હતો. તમારો લૉ પવનને ન્યાય નહોતો આપી શક્યો પણ રાઘવજી પટેલની વારંવાર આવ-જા કરતી મેમરીએ આપી દીધો.’
lll
સાવંતે ફાઇલ ક્લોઝ કરી. રિપોર્ટમાં તેણે નોટ કર્યું કે ખૂની પકડાયો નથી.
રાઘવજી પટેલને તેમની મેડિકલ કન્ડિશનના આધારે છોડવામાં આવ્યા. ચોથા દિવસની ઢળતી બપોરે લંડન જતી ફ્લાઇટમાં રાઘવજી અને બંસી બેઠા હતા.
જ્યારે ફ્લાઇટ મુંબઈની ધરતી છોડીને વાદળોમાં પ્રવેશી ત્યારે બંસીના ચહેરા પર પહેલી વાર નિરાંત આવી.
‘પપ્પા, તમે સાવંત પાસે
બધેબધું સાચું કેમ બોલ્યા?’ બંસીએ દબાયેલા અવાજે પૂછ્યું, ‘સાવંત, ધારત તો એ તમારું એન્કાઉન્ટર પણ કરી શકતો હતો.’
‘બંસી, પવને ડાયરીમાં લખ્યું હતું કે મહારાષ્ટ્ર પોલીસના મોટા ભાગના ઑફિસરો બહુ કરપ્ટ છે, પણ આ ઇન્સ્પેક્ટર સાવંતની આંખોમાં જ પ્રામાણિકતા ઝળકતી હતી અને એ પ્રામાણિકતા જોઈને જ મેં તેને બધેબધું સાચું કહી દીધું. એક પ્રામાણિક મહારાષ્ટ્રીયનને પણ ખબર પડવી જોઈએ કે એક ગુજરાતી ધારે તો શું-શું કરી શકે છે?’
બંસીએ રાઘવજીની સામે જોયું.
રાઘવજીની આંખોમાં ફરી એક વાર પેલી માર્કોસ કમાન્ડોની ચમક હતી. ઑલ્ઝાઇમર્સની બીમારી પણ કદાચ વેરની આ આગ સામે હારી ગઈ હતી.
મુંબઈ નીચે રહી ગયું હતું અને ઉપર આકાશમાં એક બાપ સંતોષના શ્વાસ સાથે આગળ વધતો હતો. ચાર દિવસ અને ત્રણ રાતના એક પ્લાનિંગનું પર્ફેક્ટ પૅકેજ પૂરું થયું હતું. મુંબઈ-લંડનની ફ્લાઇટમાં બેઠેલા રાઘવજીભાઈને ખુશી એ વાતની હતી કે દીકરાને મારનારા ચારેચાર હવે દીકરાની સાથે છે.
આગળનો ન્યાય હવે એ દીકરો કરવાનો હતો.
સંપૂર્ણ
