Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ...ઍન્ડ ઍક્શન.. જ્યારે પડદો ઊઘડે છે (પ્રકરણ ૨)

...ઍન્ડ ઍક્શન.. જ્યારે પડદો ઊઘડે છે (પ્રકરણ ૨)

Published : 03 February, 2026 12:55 PM | IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

ઘણી વખત ઘરમાંથી જ આપણને કંઈક મળી જતું હોય છે, જેના પર સામાન્ય રીતે કોઈ ધ્યાન આપતું નથી હોતું.

ઇલસ્ટ્રેશન

વાતૉ-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


‘પ્રોફેશનલી તો હું જે કરું છું એ ખોટું છે પણ કૃષ્ણએ કહ્યું છેને, સત્ય માટે જૂઠું બોલવું પડે તો ખચકાવું નહીં.’ સોમચંદે ફોન પૂરો કરતાં પહેલાં કહ્યું, ‘આપણે જે કંઈ કરીએ છીએ એ સત્ય માટે કરીએ છીએ અને સત્ય માટે, સાચી વાત બહાર લાવવા માટે હું કંઈ પણ કરી શકું છું સો નો વરીઝ મિસ્ટર મહેતા.’

સોમચંદે ફોન મૂક્યો અને એ જ ક્ષણે રૂમમાં નિર્મલ એન્ટર થયો.



‘સોરી સર, રાતે... તમે જ આગ્રહ કરીને વધારે પીવડાવી દીધું અને...’


‘અરે, વાંધો નહીં નિર્મલ, તમને આમ પણ એની જરૂર હતી.’ સોમચંદે નિર્મલના ખભા પર હાથ મૂક્યો, ‘બે દિવસથી તમે જે સ્ટ્રેસ ફીલ કરતા હતા એ જોતાં મને લાગ્યું કે થોડું હાર્ડ ડ્રિન્ક તમને રિલૅક્સ કરશે. આઇ હોપ, હવે તમે રિલૅક્સ હશો...’

નિર્મલે હકારમાં મસ્તક નમાવ્યું અને પછી તરત જ કહ્યું, ‘સર, તમે તમારી તપાસ શરૂ કરો. હું અત્યારે નીકળું.’


‘અરે ક્યાં જવું છે?’ સોમચંદે કહ્યું, ‘ભૂલી ગયા, આપણે વાત થઈ હતી કે હું પણ તમારી સાથે આવું છું. ઘણી વખત ઘરમાંથી જ આપણને કંઈક મળી જતું હોય છે, જેના પર સામાન્ય રીતે કોઈ ધ્યાન આપતું નથી હોતું.’

‘હા, તો તમે ઘરે આવો. ત્યાં સુધીમાં હું ઘરે પહોંચતો થઉં.’

‘રિલૅક્સ... તમે ચા પીઓ. ત્યાં સુધીમાં હું ફ્રેશ થઈ જાઉં અને પછી આપણે નીકળીએ. આમ પણ મારે બોરીવલી બીજું પણ કામ છે તો સાથે નીકળી જઈએ અને આમ પણ...’ સોમચંદે નિર્મલની સામે જોયું, ‘તમારે ક્યાં કોઈ ઘરે રાહ જોવાવાળું છે? મારી જેમ... આપણે સાથે જઈએ.’

અડધા કલાકમાં સોમચંદ રેડી થઈ ગયા અને નિર્મલે પણ ચા પી લીધી.

બન્ને સાથે બોરીવલી રવાના થયા.

lll

બોરીવલી એસ. વી. રોડ પર નિર્મલ શાહનો ફ્લૅટ હતો.

સોસાયટીમાં એક જ વિન્ગ હતી અને મેઇન રોડ પર વિન્ગના બધા ફ્લૅટ પડતા હતા. નિર્મલનો ફ્લૅટ સિક્સ્થ ફ્લોર પર હતો અને એ જ અપાર્ટમેન્ટની બરાબર સામે પણ અપાર્ટમેન્ટ હતું. ચોવીસ ફ્લોરના બન્ને અપાર્ટમેન્ટની સાઇઝ એક જ હતી.

સોમચંદને મનોમન એક જવાબ મળી ગયો અને તે નિર્મલની પાછળ લિફ્ટમાં દાખલ થયા. સિક્સ્થ ફ્લોર પર લિફ્ટ પહોંચી અને બન્ને બહાર આવ્યા કે નિર્મલના પગ થંભી ગયા. તેના ફ્લૅટનો દરવાજો ખુલ્લો હતો.

સોમચંદ કંઈ પૂછે કે કહે એ પહેલાં જ નિર્મલના ચહેરાનો રંગ ફીકો પડી ગયો.

‘સર, મારા ઘરમાં કોઈ છે.’

‘ચાવી તમે તમારા કામવાળા કે બીજા કોઈને...’

‘ના, સર. ચાવી તો મારી ને વનિતા બે પાસે જ હોય છે.’

‘ધૅટ મીન્સ, વનિતા પાછી આવી ગઈ નિર્મલ.’ સોમચંદના ચહેરા પર સ્માઇલ આવી ગયું, ‘કેસ ઇઝ ઓવર...’

નિર્મલના ફેસ પર કંઈક અજીબ પ્રકારની મૂંઝવણ હતી. જોકે એ મૂંઝવણને અવગણીને તેણે ફ્લૅટના મેઇન ડોર તરફ પગ ઉપાડ્યા અને સોમચંદ તેની પાછળ ચાલ્યા. ઘરમાંથી ગુજરાતી દાળના વઘારની ખુશ્બૂ આવતી હતી તો સાથોસાથ ટીવી પણ ચાલુ હતું.

‘કોણ છે?’

‘વનિતા...’ સોમચંદે મોટા અવાજે પૂછ્યું, ‘જુઓ, આવી ગયા તમારા ભરથાર.’

ઘરમાં દાખલ થતાંની સાથે જ નિર્મલના શરીરમાં જાણે કે ઉત્સાહ ઉમેરાયો હોય એમ તે દોડતો કિચન તરફ ગયો. જાણે કે બન્નેને પ્રાઇવસી આપવી હોય એમ સોમચંદ હૉલમાં જ ઊભા રહ્યા અને મેઇન ડોરની જમણી બાજુએ મૂકેલા લાલ રંગના કાઉચ પર જગ્યા લીધી અને એ જ સમયે કિચનમાંથી અવાજ આવ્યો.

‘હું તમને જ ફોન કરવાની હતી... આખી રાત ક્યાં હતા?’

 ‘તું... તું...’ નિર્મલને પરસેવો છૂટી ગયો હતો, ‘તું કોણ છો? ઘરમાં કેવી રીતે આવી? તારી પાસે ચાવી...’

નિર્મલ કિચનની બહાર આવી ગયો.

lll

‘સર, હું આ લેડીને નથી ઓળખતો. આ લેડીને વનિતાની ખબર હશે, તેણે જ વનિતા પાસેથી ઘરની ચાવી લીધી હશે. તમે આને પૂછો...’

‘એક મિનિટ નિર્મલ.’ કિચનમાંથી નિર્મલની પાછળ બહાર આવેલી એ લેડીને સોમચંદે પહેલી વાર જોઈ, ‘તમે... આમ શું વર્તો છો?’

બહાર આવેલી એ લેડીની નજર સોમચંદ પર પડી અને તેણે તરત પોતાનાં કપડાં સરખાં કર્યાં.

‘તમે...’

‘એ જ સવાલ હું તમને પૂછું છું. તમે કોણ છો?’

‘વનિતા. નિર્મલની વાઇફ.’

વનિતાએ જવાબ આપ્યો કે તરત સોમચંદે વાત ઉપાડી લીધી.

‘હસબન્ડ-વાઇફ વચ્ચે ઝઘડાઓ થાય પણ એમાં આ રીતે તમે બે-ત્રણ દિવસ સુધી ગાયબ થઈ જાઓ એ યોગ્ય નથી. તમને ખબર છે, તમને શોધવામાં નિર્મલની કેવી હાલત થઈ હતી?’

‘સર, એક મિનિટ. મને સલાહ કોણ આપે છે એ મને ખબર પડી શકે?’

‘ઓહ, રાઇટ. હું તમને ઓળખાણ આપતાં ભૂલી ગયો.’ ડિટેક્ટિવ સોમચંદે ભૂલ સ્વીકારી, ‘હું સોમચંદ શાહ, ડિટેક્ટિવ સોમચંદ.’

‘ઓહ, તમારી લાઇફ પરની તો ઘણી સ્ટોરી મેં ‘મિડ-ડે’માં વાંચી છે. બહુ ઇન્ટરેસ્ટિંગ અને ઇન્સ્પાયરિંગ હોય છે.’

‘થૅન્ક્સ. તમે વાંચવાનાં શોખીન છો?’

‘ફક્ત ‘મિડ-ડે’, બીજું કંઈ નહીં. મને એની લાઇફ-પ્લસ સપ્લિમેન્ટ બહુ ગમે છે.’

‘અને મને રવિવારે આવે છે એ સન્ડે-લાઉન્જ...’

‘એ હેલો...’ નિર્મલ હવે વાતમાં આવ્યો, ‘તેલ પીવા ગયું તમારું લાઇફ-પ્લસ ને સન્ડે-લાઉન્જ... મારી વાત સાંભળો.’

‘નિર્મલ, હવે કંઈ સાંભળવાનું નથી. મારે ચા પીવી છે. હવે તમે રિલૅક્સને, વનિતા ઘરે આવી ગઈને!’

‘આ વનિતા નથી’

‘નિર્મલ...’ વનિતા રીતસર ધ્રૂજી ગઈ, ‘તમે... તમે ડ્રિન્ક લીધું હતુંને?’

‘હા, કેમ?’ સવાલ સોમચંદે પૂછ્યો હતો, ‘તમે ઘરે નહોતાં એ ટેન્શનમાં તેમણે મારી સાથે ડ્રિન્ક લીધું, પણ એનાથી શું?’

‘સર, નિર્મલે તમને કંઈ કહ્યું જ નથી?’ વનિતાએ નિર્મલની સામે જોયું, ‘નિર્મલ, તમે મારી વાત સાંભળો. તમે અંદર જઈને થોડી વાર સૂઈ જાઓ, મને ખાતરી છે કે તમે દવા પણ નહીં લીધી હોય.’

વનિતાએ નિર્મલનો હાથ પક્ડયો કે નિર્મલ અકળાઈ ગયો.

‘એય, તું મને ટચ નહીં કર.’ નિર્મલ સોમચંદની પાસે ગયો, ‘સર, આ છોકરી વનિતા નથી. આ ખોટાડી છે. તમે મારો વિશ્વાસ કરો.’

‘આ શેની દવાની વાત કરે છે?’ સોમચંદને અત્યારે નિર્મલની દયા આવતી હતી, ‘તમે મને કહ્યું પણ નહીં કે તમારી કોઈ મેડિસિન ચાલુ છે?’

‘અરે, મારી કોઈ દવા નથી ચાલતી.’ નિર્મલ હવે સોમચંદ પર ગુસ્સે થયો, ‘તમે શું આની વાત સાંભળો છો. અને એય...’

નિર્મલ પોતાને વનિતા તરીકે ઓળખાવતી છોકરી પાસે ગયો.

‘પહેલાં તું મારા ઘરની બહાર નીકળ. નીકળ બહાર.’

નિર્મલ રીતસર પેલી છોકરીને ધક્કો માર્યો અને સોમચંદે મધ્યસ્થી માટે ઊભા થવું પડ્યું.

‘એક મિનિટ... આ રીતે વાત નહીં કરો.’ સોમચંદે છોકરીને પૂછ્યું, ‘બેન, નિર્મલ કહે છે કે તમે વનિતા નથી તો તમારી પાસે કોઈ પ્રૂફ છે કે તમે જ તેની વાઇફ છો?’

‘હા, આ રહ્યું.’

વનિતાએ ગળામાં પહેરેલું મંગળસૂત્ર આગળ ધર્યું અને સોમચંદને હસવું આવ્યું.

‘બેન, આ બધું

ટીવી-સિરિયલમાં ચાલે, રિયલ લાઇફમાં નહીં.’

‘અરે પણ આ નિર્મલે જ પહેરાવ્યું છે. પૂછો તેને...’

‘મારે નિર્મલને કંઈ નથી પૂછવું, તમે મને જવાબ આપો.’ સોમચંદે પૂછ્યું, ‘આના સિવાય તમારી પાસે બીજું કોઈ પ્રૂફ ખરું, નક્કર કહેવાય એવું?’

‘તમે માગો એ

પ્રૂફ આપું.’

વનિતાએ બેડરૂમનો દરવાજો ખોલી અંદરની દીવાલ તરફ હાથ કર્યો.

‘આ જુઓ.’

બે સ્ટેપ આગળ વધીને સોમચંદે રૂમમાં નજર કરી.

દીવાલ પર

કપલનો ફોટો હતો, જેમાં વનિતા અને નિર્મલ હતાં.

વનિતા એ જ હતી જે વનિતા અત્યારે તેની સામે ઊભી હતી.

‘સર... આ, આ... ચાપ્ટર છે. હું, હું આને નથી ઓળખતો.’

સોમચંદ કંઈ કહે કે બોલે એ પહેલાં જ નિર્મલે કહ્યું. દીવાલ પર ટિંગાતો ફોટો જોઈને તેની આંખો પણ ફાટી ગઈ હતી.

‘હું, હું આને નથી ઓળખતો. આ મારી વાઇફ નથી.’

‘નિર્મલ, આ તમારા બન્નેને ફોટો...’ હવે તો સોમચંદને પણ નિર્મલની માનસિક અવસ્થા પર શંકા જન્મવા માંડી હતી, ‘જો આ છોકરી વનિતા ન હોય તો આ ફોટો રૂમમાં કેવી રીતે આવે?’

નિર્મલ કંઈ જવાબ આપે એ પહેલાં જ વનિતાએ આ વાતને પકડી લીધી.

‘સર, આ તો એક ફોટો થયો. તમે કહો તો હું તમને આખું આલબમ આપું.’

‘આપ, જા... લઈ આવ આલબમ.’ ખુશ થઈને નિર્મલે સોમચંદ સામે

જોયું, ‘તમને ગૅરન્ટી સાથે કહું છું સર, આને આલબમ ક્યાં છે એ ખબર પણ નહીં હોય.’

‘નિર્મલ... ભૂલવાની આદત તમને છે, મને નહીં.’

બોલતાં-બોલતાં વનિતા ઘરની બહાર નીકળી. ઘરની બહાર ફોટો-આલબમ લેવા જતી વ્યક્તિને જોઈને સોમચંદને પણ અચરજ થયું. તેણે વનિતાની પાછળ નજર કરી. ફ્લૅટની બહાર જઈને વનિતાએ બે લિફ્ટ વચ્ચે પડેલી મોટું ડસ્ટબિન ખોલ્યું અને એમાંથી ફોટો-આલબમ બહાર કાઢ્યું.

‘સર, પરમ દિવસે રાતે અમારો ઝઘડો થયો એમાં નિર્મલે આલબમ બહાર ફેંકી દીધું...’ વનિતાએ આલબમ સોમચંદ સામે મૂક્યું, ‘જુઓ, એમાં કોણ દેખાય છે?’

સોમચંદે ફટાફટ પેજ ફેરવવાનું શરૂ કર્યું અને તેની આંખોમાં રહેલું અચરજ બેવડાયું. આલબમના તમામ ફોટોમાં નિર્મલ સાથે વનિતા જ હતી. સોમચંદે નિર્મલની સામે જોયું, જે તેની બાજુમાં આવી ગયો હતો. તેના ચહેરા પર સફેદી પ્રસરી ગઈ હતી.

‘આ... આ બધું ખોટું છે સર.’ નિર્મલ હજી પણ એ જ વાત કહેતો હતો, ‘તમે મારી વાત માનો... એક કામ કરો, તમે મારી સાથે આવો.’

લગભગ ઢસડીને જ નિર્મલ સોમચંદને લઈને રૂમમાં ગયો અને કબાટ ખોલવા માંડ્યો. સામાન્ય રીતે જે લૉક ખોલવામાં દસ સેકન્ડ લાગે એ ખોલવામાં નિર્મલને એક મિનિટ લાગી હતી. તેના હાથ ધ્રૂજતા હતા એ સોમચંદને સ્પષ્ટ દેખાતું હતું.

‘તમને, તમને હું પાસપોર્ટ દેખાડું.’

‘યસ, એ સૌથી મોટું પ્રૂફ.’ તે બન્નેની પાછળ રૂમમાં આવી ગયેલી વનિતા સામે જોઈને સોમચંદે કહ્યું, ‘આધાર કાર્ડ હોય તો એ પણ દેખાડો.’

‘અરે બધું દેખાડું સર, આ બાઈ ચીટર છે. ખોટાડી છે.’ કબાટમાં રહેલું ડ્રૉઅર ખોલવા માટે નિર્મલે ચાવી શોધતાં કહ્યું, ‘આ વનિતા છે જ નહીં.’

‘નિર્મલ, લૉકરની કી તારાં નહીં, મારાં કપડાંની નીચે હોય છે...’

નિર્મલ શૉક્ડ રહી ગયો. જોકે તરત તે શૉકમાંથી બહાર આવ્યો અને તેણે વનિતાનાં કપડાં પર નજર નાખી.

‘સર, આ કપડાં બદલાઈ ગયાં છે.’

‘તમે પહેલાં પાસપોર્ટ દેખાડોને. આપણે એ જોઈએ.’

‘હા, દેખાડું.’

વનિતાએ કહ્યું હતું એ જ જગ્યાએથી ચાવી નીકળી, જે સોમચંદે નોટિસ કર્યું હતું.

ડ્રૉઅર ખૂલ્યું અને નિર્મલે એમાંથી બે પાઉચ બહાર કાઢ્યાં. નિર્મલ પાઉચ ચેક કરે એ પહેલાં જ સોમચંદે તેના હાથમાંથી પાઉચ ખેંચી લીધાં અને પહેલું પાઉચ ખોલ્યું, જે નિર્મલનું પાઉચ હતું. એમાં પાસપોર્ટ, વોટર ID, આધાર કાર્ડ અને પૅન કાર્ડ હતાં. હવે સોમચંદે બીજું પાઉચ ખોલ્યું અને એમાંથી સૌથી પહેલો પાસપોર્ટ બહાર કાઢ્યો.

‘જુઓ તમે ફોટો. આ વનિતા છે જ નહીં.’

જવાબ આપ્યા વિના સોમચંદે પાસપોર્ટનું બીજું પેજ નિર્મલની સામે ધર્યું, જે જોઈને નિર્મલ ધબકારો ચૂકી ગયો.

પાસપોર્ટમાં એ જ છોકરીનો ફોટો હતો જે અત્યારે તેની સામે ઊભી હતી, એ જ છોકરી જેને નિર્મલ વનિતા તરીકે સ્વીકારવા તૈયાર નહોતો.

(ક્રમશ:)

Whatsapp-channel Whatsapp-channel

03 February, 2026 12:55 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK