‘ઘરમાં... હું બહાર નીકળી ગયો છું. મને, મને તેની સાથે રહેવામાં ડર લાગે છે.’ નિર્મલના શબ્દોમાં રહેલો ડર હવે તેના સૂરમાં પણ આવવા માંડ્યો હતો, ‘મને ખાતરી છે કે આ મને મારી નાખશે.’
ઇલસ્ટ્રેશન
‘સર, સર... આ, આ, આ છોકરી મને મારવા માગે છે. પ્લીઝ, તમે જલદી આવો.’
સોમચંદ હજી તો માંડ અંધેરી પહોંચ્યા હતા ત્યાં જ નિર્મલનો ફોન આવ્યો. નિર્મલના અવાજમાં ગભરાટ હતો.
ADVERTISEMENT
‘પ્લીઝ, તમે આવો.’
‘હા, હું આવું છું.’ સોમચંદના અવાજમાં ઠંડક હતી, ‘વનિતા, આઇ મીન એ છોકરી ક્યાં છે?’
‘ઘરમાં... હું બહાર નીકળી ગયો છું. મને, મને તેની સાથે રહેવામાં ડર લાગે છે.’ નિર્મલના શબ્દોમાં રહેલો ડર હવે તેના સૂરમાં પણ આવવા માંડ્યો હતો, ‘મને ખાતરી છે કે આ મને મારી નાખશે.’
‘હા પણ થયું શું એ મને કહીશ?’ સોમચંદે કહી પણ દીધું, ‘હું ત્યાં ફરી આવું છું પણ ત્યાં સુધીમાં મને વાત તો કર, ખબર પડે કે અચાનક થયું શું.’
‘અરે સર, એ છોકરીએ મારા પર ચાકુ લઈને હુમલો કર્યો.’
‘નિર્મલ, શાંતિથી વાત કર. પ્રૉપર વાત કર. ડીટેલમાં વાત કર.’
lll
‘નિર્મલ, તમારે હમણાં જમવા બેસવું છે?’
‘એય, તું મને બોલાવ નહીં.’ નિર્મલે તુચ્છકાર સાથે કહ્યું, ‘મારે ને તારે કંઈ લેવાદેવા નથી. સોમચંદસરે કહ્યું છે એટલે મેં તને ઘરમાં રહેવા દીધી છે.’
‘ઠીક છે, એક કામ કરો. તમે અંદર જઈને સૂઈ જાઓ...’
નિર્મલ રૂમમાં સૂવા માટે ગયો.
રાતના હૅન્ગઓવરની અસર તો તેને હતી જ એમાં પાછી આ વનિતાવાળી નવી લપ આંખ સામે આવી ગઈ હતી. હવે તે મનથી બરાબરનો થાક્યો હતો. થોડી જ સેકન્ડમાં તેની આંખો ઘેરાવા માંડી.
lll
‘હું ઇચ્છતો જ હતો કે મને ઊંઘ આવી જાય અને હું શાંતિથી સૂઈ જાઉં જેથી જલદી સાંજ પડે અને તમે આવો, આ વાતનું સૉલ્યુશન કાઢો.’
‘હંમ... પછી શું થયું?’
‘મને ઊંઘ આવવા માંડી પણ થોડીક જ વારમાં મને ફીલ થયું કે મારી બાજુમાં કોઈ આવ્યું અને મારી આંખ ઊઘડી ગઈ. મારી બાજુમાં એ છોકરી હતી. નાઇટ-ડ્રેસમાં...’
lll
‘તું, તું શું કામ અંદર આવી?’
‘અરે નિર્મલ, હું તમારી વાઇફ છું. હું રૂમમાં ન આવું તો બીજું કોણ આવે?’ વનિતા નિર્મલની વધારે નજીક ગઈ, ‘તમે સૂઈ જાઓ... તમને સરસ ઊંઘ આવી જશે.’
‘ના, મારે નથી સૂવું.’ નિર્મલે કહી દીધું, ‘હું, હું બહાર જાઉં છું...’
નિર્મલ બેડ પરથી ઊભો થવા જાય એ પહેલાં વનિતાએ સાથે લાવેલું ચાકુ ખેંચી કાઢ્યું અને નિર્મલની સામે ધર્યું.
‘કીધુંને, સૂઈ જા.’ નિર્મલ હેબતાઈ ગયો, ‘જો અવાજ કર્યો છે તો યાદ રાખજે, હું આ પેટમાં ઉતારી દઈશ.’
‘તું... તું...’
‘સૂઈ જા...’ નિર્મલ માન્યો નહીં અને વનિતાનો અવાજ ઊંચો થયો, ‘સૂઈ જા...’
નિર્મલ ઝાટકા સાથે બેડ પર ફરી સૂઈ ગયો અને જેવો તે બેડ પર સૂતો કે બીજી જ સેકન્ડ વનિતા તેની છાતી પર આવી ગઈ.
‘આ ચાકુ તારી ગરદન કાપી નાખે તો...’
વનિતાના હાથમાં રહેલું ચાકુ નિર્મલની ગરદન પર ફરતું હતું.
‘તું... તું પ્લીઝ મને જવા દે. તને શું જોઈએ છે?’
‘કંઈ નહીં, બસ તારો પ્રેમ...’
ચાકુ સાથેનો વનિતાનો હાથ હવે નિર્મલના ગાલ પર ફરતો હતો. ચાકુની ઠંડી ધારે નિર્મલનું બ્લડપ્રેશર હાઈ કરી દીધું હતું.
‘મને તારા સિવાય કોઈ નથી જોઈતું. તું ને હું, બસ આપણે બે જ હોવાં જોઈએ. નહીં તો... હું તને મારતાં..’
lll
‘બસ, સર... મેં તરત તેને ધક્કો માર્યો ને હું ઘરની બહાર નીકળી ગયો.’
‘હંમ... સમજી ગયો. તું ટેન્શન નહીં કર.’ સોમચંદે પ્રૅક્ટિકલ વાત કરી, ‘અંધેરીથી ફરી હું ત્યાં પહોંચું એમાં મને વાર લાગશે, હું ઇન્સ્પેક્ટર સાવંતને ફોન કરી દઉં છું. તે મારી પહેલાં પહોંચી જશે.’
‘હા સર. પ્લીઝ. કોઈને મોકલી દો. મારા માટે એ જરૂરી છે.’
lll
‘જુઓ સર, આ લોકોએ શું માંડ્યું છે?’ ઘરમાં સોમચંદ દાખલ થયા કે બીજી જ સેકન્ડે નિર્મલના ચહેરા પર ચમક આવી ગઈ, ‘આ લોકો મારી અરેસ્ટ કરે છે. પ્લીઝ, તમે તેને સમજાવોને. પ્લીઝ...’
‘એક મિનિટ, નિર્મલ. મને વાત તો સમજવા દે.’
અંધેરીથી બોરીવલી ફટાફટ પહોંચી જવાના હેતુથી સોમચંદે મેટ્રો લઈ લીધી હતી. જોકે એ પછી પણ તેમને ત્રીસ મિનિટ તો લાગી જ હતી. સ્ટેશનથી રિક્ષામાં નિર્મલના ઘરે પહોંચ્યા ત્યારે સોમચંદે ઘરની નીચે એક ઍમ્બ્યુલન્સ અને પોલીસ-વૅન જોયાં હતાં અને તેમનું બ્લડપ્રેશર વધી ગયું હતું.
ક્યાંક પેલી છોકરીએ નિર્મલને અને એવી જ રીતે ક્યાંક નિર્મલે પેલી છોકરીને કંઈ કરી ન નાખ્યું હોય!
અલબત્ત, અત્યારે ઘરના હૉલમાં તે બન્ને હાજર હતાં, સલામત હતાં; જે જોઈને સોમચંદને રાહત થઈ હતી. હૉલમાં જ ઇન્સ્પેક્ટર સાવંત પણ હતા અને એક સજ્જન પણ બેઠા હતા જેના ગળામાં લટકતું સ્ટેથોસ્કોપ જોઈને સમજી શકાતું હતું કે તે ડૉક્ટર છે.
‘તમારી ઓળખાણ...’ સોમચંદે અનુમાન લગાવ્યું, ‘ડૉ. ચોકસી?’
‘જી... પેશન્ટને સિવિયર લેવલ પર અટૅક છે. મને લાગે છે કે આપણે તેમને તાત્કાલિક ઍડ્મિટ કરવા જોઈએ.’
‘અરે, હું ગાંડો નથી...’
નિર્મલે લગભગ ચીસ પાડી પણ કોઈએ તેની તરફ ધ્યાન સુધ્ધાં આપ્યું નહીં.
‘સોમચંદ, નિર્મલે તેની વાઇફનું મર્ડર કરવાની કોશિશ કરી છે.’
સોમચંદની આંખો પહોળી થઈ અને તેણે નિર્મલની સામે જોયું.
‘ના સર, આ ખોટાડી છે. તેણે પોતે જ પોતાને ચાકુ માર્યું છે.’
સોમચંદે વનિતાની સામે જોયું અને વનિતાએ પોતાની ગરદન પર થયેલો ઘા દેખાડ્યો. ઘા પર હવે પટ્ટી લાગેલી હતી પણ પટ્ટીની આજુબાજુમાં થીજી ગયેલું લોહી કહેતું હતું કે ઘા થોડી વાર પહેલાં થયો છે.
‘સર, નિર્મલની ટ્રીટમેન્ટ બહુ જરૂરી છે.’ વનિતાની આંખમાં આંસુ હતાં, ‘હું કોઈ કમ્પ્લેઇન્ટ નહીં કરું પણ પ્લીઝ નિર્મલને પહેલાં હૉસ્પિટલ લઈ જવો જોઈએ.’
‘એ હલકટ...’
સટાક...
સોમચંદની થપ્પડે નિર્મલના બાકીના શબ્દો મોઢામાં જ રાખી દીધા.
‘મોઢું સંભાળીને વાત કરજે. બાકી તારા કરતાં વધારે સરસ્વતી મને આવડે છે, જે સાંભળીને તારા કાનમાંથી કીડા ખરશે.’ સોમચંદ વનિતા તરફ ફર્યા, ‘થયું શું, મને બધી વાત કરો.’
‘સર, હું કિચનમાં કામ કરતી હતી. નિર્મલ હૉલમાં બેઠો હતો અને અચાનક તે અંદર આવ્યો. કિચનમાં તેણે શું કર્યું એ મને નથી ખબર પણ થોડી વાર પછી તે ઘરની બહાર નીકળી ગયો અને દસ મિનિટમાં પાછો આવ્યો. એ વખતે હું અહીં, સોફા પર બેઠી હતી અને નિર્મલે આવીને સીધો મારા પર હુમલો કર્યો. હું મહામહેનતે બચી અને પછી ભાગતી રૂમમાં જતી રહી. નિર્મલ અંદર આવે એ પહેલાં મેં રૂમ બંધ કરી દીધો ને સીધો
પોલીસ-સ્ટેશન...’ વનિતાએ ઇન્સ્પેક્ટર સાવંત તરફ હાથ કર્યો, ‘આમને ફોન કર્યો અને તેમણે કહ્યું કે તમારો પણ અમારા ઘરે જવા માટે ફોન આવ્યો છે એટલે હું ત્યાં જ આવું છું. મારું ટેન્શન થોડું હળવું થયું, પણ મને નિર્મલની મેન્ટલ હેલ્થ ખબર હતી એટલે મેં તરત ડૉ. ચોકસીને ફોન કર્યો ને ડૉ. ચોકસીને વાત કરી. ઍમ્બ્યુલન્સ પણ તેમણે જ મગાવી લીધી અને પોતે પણ અહીં આવી ગયા.’
‘સોમચંદ, ઍઝ પર લૉ... પહેલાં નિર્મલની અરેસ્ટ કરવી પડે. મૅજિસ્ટ્રેટ સામે પુરવાર થાય કે એને મેન્ટલ ડિસઑર્ડર છે પછી જ એને અસાઇલમ જવાની પરમિશન મળે.’
‘અસાઇલમ...’ નિર્મલની આંખો પહોળી થઈ, ‘સોમચંદસર, હું ગાંડો નથી. પ્લીઝ, તમે આ લોકોને સમજાવો. કહોને... હું, હું સાચું કહું છું. મેં કંઈ નથી કર્યું. ઊલટું આ છોકરીએ મારા પર અટૅક કર્યો. મેં તમને ફોનમાં કહ્યું હતું એમ આ છોકરી બધું ખોટું બોલે છે. પ્લીઝ સર, હેલ્પ મી.’
‘હંમ...’ સોમચંદ ઊભા થયા અને નિર્મલ પાસે ગયા, ‘આવ, આપણે વાત કરીએ.’
‘મિસ્ટર સોમચંદ, આ માણસ પર વિશ્વાસ કરવા જેવો નથી.’ ડૉ. ચોકસી ઊભા થઈ ગયા હતા, ‘તે તમારા પર પણ અટૅક કરી શકે છે.’
‘હું મારી જાતને મૅનેજ કરી શકું છું, ડોન્ટ વરી.’ સોમચંદે નિર્મલનો હાથ પકડ્યો, ‘આવ, આપણે વાત કરીએ.’
સોમચંદ અને નિર્મલ બન્ને રૂમમાં ગયા અને સોમચંદે રૂમનો દરવાજો બંધ કર્યો.
lll
‘સર, આ આખી ગૅન્ગ લાગે છે. આ બધા એક થઈ ગયા છે. એ જે કહે છે એવું કંઈ બન્યું જ નથી. તમે કહો એના સમ હું ખાઉં...’
‘મને તારા પર વિશ્વાસ છે નિર્મલ અને એટલે જ હું તને લઈને અંદર આવ્યો છું. હવે તું મારી વાત ધ્યાનથી સાંભળ...’
સોમચંદે દરવાજો બંધ છે એ આંખોથી ચેક કરી લીધું અને પોતાનો અવાજ પણ ધીમો કરી નાખ્યો.
‘જો આજે ગુરુવાર છે, આજે તું કોર્ટમાં રજૂ નહીં થઈ શકે. તને કાલે કોર્ટમાં રજૂ કરે તો પણ કાલે તને જામીન મળવાના નથી. પેલી છોકરી જે કહે છે એ ડોમેસ્ટિક વાયલન્સ છે અને આજકાલ કોર્ટ આવા કેસમાં રહેમ નથી રાખતી.’ નિર્મલ કંઈ કહેવા માગતો હતો પણ સોમચંદે તેને હાથના ઇશારે ચૂપ કર્યો, ‘શનિ-રવિ તારે કસ્ટડીમાં રહેવું પડશે અને પછી સોમવારે જ તારી બેલ માટે ફરીથી ઍપ્લિકેશન થઈ શકશે. ટૂંકમાં જો ઇન્સ્પેક્ટર સાવંત તને લઈ ગયા તો તું હવે મિનિમમ ચારથી પાંચ દિવસ તો જેલમાં જ રહીશ. મારું માન,
ડૉ. ચોકસી સાથે તારે જતા રહેવું જોઈએ. ઍટ લીસ્ટ આપણને થોડો સમય મળી જશે.’
‘પણ સર, હું ગાંડો નથી.’
‘હું એટલું સમજી શકું એટલો ડાહ્યો તો છું જ.’ સોમચંદે કહ્યું, ‘મને પણ લાગે છે કે આ છોકરી કોઈ ગેમ રમે છે પણ એ ગેમ પકડવા માટે આપણને સમય જોઈશે. એક વાર સમય મળી ગયો તો હું તેનો ખેલ અવળો પાડી દઈશ. માન મારી વાત, તું ડૉક્ટર સાથે જા. હું બહાર જઈને સાવંતને સાચવી લઈશ.’
‘પણ...’
‘મેં તને બન્ને ઑપ્શન આપી દીધા છે. હવે તું નક્કી કર.’
નિર્મલ કંઈ જવાબ આપે એ પહેલાં ડિટેક્ટિવ સોમચંદે દરવાજો ખોલી નાખ્યો.
lll
‘સાવંત, વનિતા કોઈ કેસ કરવા નથી માગતી અને નિર્મલ પણ ટ્રીટમેન્ટ માટે તૈયાર છે તો પછી શું કામ આપણે વિરોધ કરવો. બેસ્ટ એ જ છે કે નિર્મલ અત્યારે અસાઇલમ જાય.’ સાવંતના કાન પાસે જઈને સોમચંદે દબાયેલા અવાજે કહ્યું, ‘જો નિર્મલે કસ્ટડીમાં કંઈ કરી નાખ્યું
તો હેરાનગતિ તારી જ વધશે. બહેતર એ જ છે કે તું પણ એ ટેન્શન નહીં લે.’
‘ઓકે. પણ એક શરતે, ડૉ. ચોકસીએ મને દર બે કલાકે રિપોર્ટ કરવાનો રહેશે.’
‘ડન.’
‘સર, મારી એક રિક્વેસ્ટ છે.’ ડૉ. ચોકસી આગળ આવ્યા, ‘પેશન્ટની ટ્રીટમેન્ટ હું અહીંથી જ શરૂ કરી દઉં એ જરૂરી છે. જો ઍમ્બ્યુલન્સમાં તે કંઈ કરે તો ચાલુ ગાડીએ રસ્તા પર જોખમ ઊભું થાય.’
‘તમારે જે ઇન્જેક્શન-બિન્જેક્શન મારવાનું હોય એ મારી દો.’ નિર્મલ વિરોધ કરે એ પહેલાં જ સોમચંદે કહી દીધું, ‘નિર્મલ હું તારી સાથે ઍમ્બ્યુલન્સમાં જ આવું છું.’
પાંચ જ મિનિટમાં ઍમ્બ્યુલન્સના બેડ પર નિર્મલ ઘોરવા માંડ્યો અને ઍમ્બ્યુલન્સ થાણે અસાઇલમ તરફ રવાના થઈ.
(ક્રમશઃ)


