આજે રાજ્યમાં ૧૨ જિલ્લાપરિષદો અને ૧૨૫ પંચાયત સમિતિઓની ચૂંટણી
સાધનસામગ્રી સાથે સજ્જ ચૂંટણી-અધિકારીઓ ભોર કિલ્લા પર ચડીને મતદાનમથક પર પહોંચ્યા હતા
આજે રાજ્યમાં ૧૨ જિલ્લાપરિષદો અને ૧૨૫ પંચાયત સમિતિઓની ચૂંટણી યોજાશે. ચૂંટણીની તૈયારીના ભાગરૂપે ગઈ કાલે પુણેમાં સૌથી ઊંચા ભોર તાલુકાના રાયરેશ્વર કિલ્લા પર ચડીને રાયરેશ્વર મતદાનમથક સુધી ચૂંટણી-અધિકારીઓ પહોંચ્યા હતા. છત્રપતિ શિવાજી મહારાજે ૧૬૪૫ની ૨૭ એપ્રિલે ૧૬ વર્ષની ઉંમરે પુણેના ભોર તાલુકાના રાયરેશ્વરના પ્રાચીન મંદિરમાં પોતાના ભાઈઓ સાથે હિન્દવી સ્વરાજ્યના શપથ લીધા હતા. આજે મતદારો પોતાના મતદાનના અધિકારનો ઉપયોગ કરી શકે એ માટે કર્મચારીઓ ભારે મહેનતે પોતાની ફરજ પૂરી કરવા અહીં પહોંચ્યા હતા. રાયરેશ્વર મતદાનમથક ૧૬૦ મતદારો માટે ઊભું કરવામાં આવ્યું છે. ભોરથી ૪૨ કિલોમીટર દૂર આવેલા આ મતદાનમથક સુધી પહોંચવા માટે રાયરેશ્વરની તળેટીથી એક કલાક ચાલીને અને લોખંડની સીડીનો ઉપયોગ કરીને મતદાનમથક સુધી પહોંચી શકાય છે.


