Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > અંતરની આરઝૂ - માનવમનના મેળામાં (પ્રકરણ ૪)

અંતરની આરઝૂ - માનવમનના મેળામાં (પ્રકરણ ૪)

Published : 23 April, 2026 01:14 PM | IST | Mumbai
Samit (Purvesh) Shroff

ના, સરિતાના બયાનમાં બનાવટ હોય જ નહીં; પણ મહિને બે-ચાર વાર સેક્રેટરીને રાત ગાળવા બોલાવનારો શેઠ તેને અડે પણ નહીં, શરીરસુખ ભોગવ્યા વિના જાણે સરિતા પોતાની રખાત હોય એવી હવા સર્જે... આખરે ચાલીસ-બેતાલીસનો પુરુષ આવું કરે શું કામ?

ઇલસ્ટ્રેશન

વાર્તા-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


મજબૂરીવશ નગીન શેઠની શરત સ્વીકારીને પોતે હોટેલ જવું પડ્યું ત્યાં સુધીની કથા વિના સંકોચે કહેવાઈ, પણ પછી સરિતાના ચહેરા પર ખચકાટ ઊપસ્યો...
‘હવે પછી જે કહીશ એ માનવું કદાચ મુશ્કેલ લાગશે, પણ હકીકત એ છે આર્યન કે હોટેલના સ્વીટમાં ગયા પછી કશું જ નથી બનતું. નગીન શેઠ અંદરની રૂમમાં જઈને પોઢી જાય, હું બહારના કોચ પર ઊંઘી જાઉં. સવારે ઊઠું, ફ્રેશ થઈને શેઠની ગાડી મને ઘર આગળ ઉતારી જાય ત્યારે શેઠ તો હજી રૂમમાં ઊંઘતા હોય.’ 
ના, સરિતાના બયાનમાં બનાવટ હોય જ નહીં; પણ મહિને બે-ચાર વાર સેક્રેટરીને રાત ગાળવા બોલાવનારો શેઠ તેને અડે પણ નહીં, શરીરસુખ ભોગવ્યા વિના જાણે સરિતા પોતાની રખાત હોય એવી હવા સર્જે... આખરે ચાલીસ-બેતાલીસનો પુરુષ આવું કરે શું કામ? 
‘પહેલી રાતે હું ફફડતી હતી આર્યન... શેઠ મારી કોરી કાયાને રગદોળી નાખશે એ વિચારે કમકમી જતી હું...’
એને બદલે ઊલટું થયું. 
‘હું અંદર સૂઈ જાઉં છું સરિતા. તું બહાર પોઢી જજે.’
નગીન શેઠના વાક્યે સરિતાએ ઊલટો ધ્રાસકો અનુભવ્યો : મતલબ? શેઠ મારી સાથે રાત ગાળવા કોઈ બીજા પુરુષને મોકલશે? કે પછી તેમણે અંદર કોઈ બીજી બાઈને બોલાવી રાખી હશે? પણ શેઠ બબ્બે સ્ત્રીઓ પાછળ પૈસા શું કામ ખર્ચે? તો શું અંદર કોઈ પુરુષ હશે? પોતાની એબ છુપાવવા શેઠ આવો ખેલ રચે એ સંભવ ખરું... નંદા શેઠાણીએ કદાચ એટલે જ ડિવૉર્સ લીધા હોય! 
‘મેં કહેલુંને સરિતા, આપણી ડીલમાં તારે કશું ગુમાવવાનું નહીં થાય...’ 
કહીને શેઠ રૂમમાં જતા રહ્યા તોય આખી રાત સરિતા મટકું નહોતી મારી શકી. અરે, બે વાર તો કી-હોલમાંથી જોઈને ખાતરી કરી કે શેઠ અંદરની રૂમમાં એકલા પલંગ પર પોઢી રહ્યા છે! 
‘શેઠ મને શા માટે હોટેલ તેડાવે છે એ તો હું આજે પણ સમજી નથી શકી.’ આર્યનને કહેતી સરિતાએ સાદ ખંખેર્યો, ‘આ ભેદ મેં માને નથી કહ્યો આર્યન. મારું મન રાખવા તે સાંભળી લેત, પણ સાચું ન માનત. દીકરી કૌમાર્ય લૂંટાવીને કુંવારી હોવાનો વહેમ પોષવા માગે છે એમ ધારી લીધું હોત. સમાજને સત્યમાં રસ નથી, હું વગોવાઈ ચૂકી છું આર્યન. એટલે જ કહું છું કે મારી માયા મૂકી દો...’ 
અને હાથ સરકાવીને તે ધ્રૂસકું ખાળતી દોડી ગઈ. 
lll
આમ કેમ! 
મોબાઇલમાં ખૂંપતી નવ્યાના કપાળે કરચલી ઊપસી. 
વીત્યા આ મહિના બે મહિનામાં આર્યન સાથે વાત ઘણી આગળ વધી ચૂકી હતી. મોટા ભાગે તે વીકમાં એક-બે વાર મધરાતે લાઇવ થાય, મને ‘શકુંતલા’ સ્વીકારી ચૂકેલો આર્યન ડેટિંગ ઍપ પર પ્રાઇવેટ ફીચર ઑન કરીને ધીરે-ધીરે ખૂલતો જતો હતો. 
‘તારા માટે ખંડાલામાં ફાર્મહાઉસ લીધું છે... એકરોની જગ્યા છે, જ્યાં આપણા બે સિવાય કોઈ નહીં હોય.’
હાઉ રોમૅન્ટિક! 
‘ચાર કરોડની પ્રૉપર્ટી છે. મારી બધી બચત એમાં રોકી દીધી છે. છ મહિનામાં એનું પઝેશન મળી જશે... પછી આપણાં લગ્ન... સુહાગરાત... હેય તું જાણે તો છેને, સુહાગરાતે પતિ-પત્ની શું કરતાં હોય?’
પૂછીને એનું ઉઘાડું વર્ણન કરે એ બેશરમી એવી તો નટખટ લાગે! 
પણ પછીના મેળાપમાં તે અકળામણ ઠાલવે : આ એજન્ટ્સને ગોળીએ દેવા જોઈએ યાર! ફાર્મહાઉસનો એજન્ટ કાગળિયાં કરતાં પહેલાં તેનું કમિશન માગે છે - ૨૦ લાખ રૂપિયા! ક્યાંથી કાઢું? બે-ચાર દોસ્તો પાસેથી ઑલરેડી ઉછીના લઈ ચૂક્યો છું, કોની આગળ હાથ ફેલાવું?’
અને જાણે સંઘર્ષમાં પ્રીતમને સાથ આપવાનો કૉલ નિભાવતી હોય એવા જોમભેર નવ્યાએ લખ્યું : મારા રહેતાં તમારે કોઈની આગળ હાથ શાનો ફેલાવવાનો હોય? તમારી બૅન્ક-ડીટેલ આપી દો, કાલે જ પૈસા ટ્રાન્સફર કરાવી દઉં છું.
પહેલાં તો આર્યને ઇનકાર જ જતાવ્યો : ના, ના, મારાથી તારી પાસે પૈસા ન લેવાય... પણ નવ્યાએ સોગંદ આપ્યા ત્યારે માની ગયો : એક શરતે. આ વાત તું કોઈને કહીશ નહીં, તારા પેરન્ટ્સને પણ નહીં. એમાં મારું માન શું રહે! વ્યવસ્થા થાય એટલે તને પૈસા પરત કરી દઈશ. પણ હા, એજન્ટ કૅશ લેશે એટલે તું મને રોકડ પહોંચાડે તો જ કામનું. ના, કૉલેજ ન આવીશ શકુંતલા અને પૈસા આપવા તને ઘરે બોલાવીને હું મારી નજરમાંથી નીચો પડવા નથી માગતો. હું કહું એ આંગડિયાની પેઢીએ હવાલો કરી શકીશ? 
આમાં વાંધો શું હોય! ખાતામાં પૈસા પડ્યા જ હતા અને ઉપાડ માટે પોતે કોઈને પૂછવાનું નહોતું. એક ગણતરી એવી પણ ખરી કે પૈસા લીધા પછી આર્યન સમક્ષ મારું નવ્યા હોવાનું સત્ય ખૂલે તો પણ ઉપકારવશ તે મને શિષ્યા હોવાનું કહીને પરણવાનો ઇનકાર નહીં કરી શકે! અઠવાડિયા અગાઉ કૉલેજ ખૂલવાના આગલા દિવસે એ પણ થયું, પણ પછી... 
નવ્યાએ હોઠ કરડ્યો. 
ત્યાર પછી આર્યન લાઇવ આવ્યો નથી. બલ્કે ઍપ પરથી તેનું અકાઉન્ટ પણ ડિલીટ કરી દીધું છે. 
શું કામ! 
નવ્યાને સમજાતું નથી. કૉલેજમાં રોજ આર્યનને જોવાનું થાય. તેના ચહેરાની રોનક વધી ગઈ છે એ ચોક્કસ. પહેલાં તો માન્યું કે એ ‘શકુંતલા’ના પ્રણયની લાલી હશે... પણ હવે રહી-રહીને થાય છે કે ક્યાંક મને ફોસલાવીને મેળવેલા ૨૦ લાખ રૂપિયાની ખંધાઈ તો નહીં હોયને!
નવ્યાને છેતરાયાનો અહેસાસ કોરી ખાવા લાગ્યો. સવાલ છે, હવે શું?
lll
‘તારી કૉલેજ શરૂ થયાને પખવાડિયું થયું, પણ સરિતા ભુલાતી નથી.’ 
માએ સરિતાને સાંભરતાં આર્યને લાગ જોયો. સરિતા તો મને ટાળતી જ રહી છે, પણ મા માની જાય તો રંગ રહી જાય. 
‘સરિતાને વહુ બનાવવી હોય મા તો હિંમત જોઈશે. બોલ, વગોવાયેલી કન્યાને તું વહુ તરીકે પોંખી શકીશ?’
હેં!
lll
નીરુબહેન સ્તબ્ધ બન્યાં. સરિતાની કથની કહીને દીકરો મારો ફેંસલો પૂછે છે, પણ પહેલાં તેનો મત જાણવો જરૂરી છે. 
‘તું માને છે કે સરિતા છંડાયેલી નથી?’
આર્યને ગરદન ટટાર કરી.
‘મા, મારા માટે કૌમાર્ય મુદ્દો છે જ નહીં. સરિતા ખરેખર કુંવારી રહી ન હોત તો પણ મેં પ્રીતમાંથી પાછી પાની કરી ન હોત.’ આર્યનનું તેજ ઝળક્યું, ‘પપ્પા રજનીબાળા સાથે ભાગ્યા એમાં તેં કેવળ આપણને નોંધારા બનાવીને નહોતા નીકળ્યા એ ગણ યાદ રાખ્યો મા, એમ હું પણ સરિતાની તેના શેઠના શરણે જવાની બદનામીને બદલે પરિવાર માટે અપાયેલું બલિદાન જોઉં છું. એ ત્યાગમૂર્તિને અપવિત્ર ગણું તો તારા સહિત દુનિયાની તમામ નારીઓનો અપરાધી ઠરી જાઉં!’
‘ધન્ય દીકરા!’ આર્યનની સમજ પર ઓવારી જતી માતાએ ફેંસલો સંભળાવ્યો, ‘સમાજની પરવા આપણે મનોહર વખતે નહોતી કરી, સરિતા વખતે પણ નહીં કરીએ.’ 
lll
ના, ના, આ અસંભવ છે, સ્વપ્ન છે! 
સરિતા માની ન શકી. આર્યન તો પ્રીતઘેલા, પણ બધું જાણીને નીરુમા પણ મને સ્વીકારવા રાજી થયાં! 
‘તારી કસોટી પૂરી થઈ દીકરી.’ રંભાબહેન ગદ્ગદ બન્યાં. આર્યનના પિતા બાબત સરિતા તેમને જણાવી ચૂકેલી, આજે સરિતાનો સ્વીકાર કરીને તેમણે સંસ્કારનો જ પરિચય આપ્યો ગણાય! 
lll
‘તું રાજીનામું આપે છે!’ નગીન શેઠ આંચકો ખાઈ ગયા, સરિતા સાથે આવેલા સોહામણા જુવાન તરફ જોઈ લીધું, ‘તું આને પરણી રહી છે?’ 
આર્યન સાથે શેઠની કૅબિનમાં ગોઠવાયેલી સરિતાના ચહેરા પર પ્રણયની ખુમારી હતી. તે શેઠની પેલી મજબૂર સેક્રેટરી બિલકુલ નહોતી લાગી, બહાર સ્ટાફને પણ. 
‘વેલ...’ ખુરસી અઢેલીને શેઠ ખંધું હસ્યા, ‘તે જાણે છે ખરો કે તું હોટેલમાં મારી સાથે...’ 
‘રાતો ગાળી ચૂકી છે.’ આર્યને સ્મિત વેર્યું, ‘અને હું એ પણ જાણું છું શેઠજી કે હોટેલમાં રાત ગાળવા છતાં સરિતા પવિત્ર છે.’ 
‘રિયલી!’ ખડખડાટ હસી પડ્યા શેઠજી, પછી તાડૂક્યા, ‘આણે કહ્યું ને તમે માની લીધું? કે પછી પરણ્યા વિના સુહાગરાત ઊજવીને તેના કૌમાર્યની ખાતરી કરી? પણ આજકાલ છોકરીઓ મામૂલી સર્જરીથી ગુમાવેલું કૌમાર્ય પાછું મેળવી શકે છે એ જાણોને મિસ્ટર!’ 
આર્યને હસીને ડોક ધુણાવી, ‘તમારા કેસમાં એની જરૂર નથી શેઠજી.’ 
એટલે? શેઠની ભ્રૂકુટિ તંગ થઈ.
‘વેલ, તમે તો સરિતાને કારણ આપ્યું નહીં એટલે અમે નંદા શેઠાણીને મળ્યા અને તેમણે ભેદ ખોલ્યો કે...’ 
આર્યને ઇરાદાપૂર્વક અધ્યાહાર રાખીને ભેદી સ્મિત ફરકાવ્યું ને શેઠ ભરમાઈ ગયા... 
‘નંદાએ કહ્યું ને તમે માની લીધું કે હું પુરુષમાં નથી?’ 
હેં! સરિતા આંચકો ખાઈ ગઈ, પણ આર્યને આવું જ કંઈક ધાર્યું હતું. પતિથી છૂટી થનારી પત્નીથી પતિનો ભેદ છૂપો હોય નહીં અને તેનું નામ વાપરતાં જ નગીન શેઠનું ભીતર છલકાઈ ગયું! 
નપુંસકપણાની જન્મજાત ખામી કદાચ પરણવાથી, પત્નીના સ્પર્શે કે તપોબળે દૂર થાય એવી આશાએ નગીને લગ્ન કર્યાં; પણ કોઈ દવા, કોઈ ઇલાજ અકસીર ન નીવડતાં નંદા થાકીને છૂટી થઈ, બીજે પરણી ઠરીઠામ પણ થઈ ગઈ; પણ શેઠને પોતાની ઊણપનું ગજવણું થવાનો ફડકો પજવતો રહેતો. એટલે તો સમાજમાં પોતે જાણે વુમન-ઍડિક્ટ હોય એવી હવા બંધાવા લલનાઓ સાથેના ફોટો સોશ્યલ મીડિયામાં મૂકતા. એથી લોકોએ ડિવૉર્સના કારણમાં શેઠની ઊણપને બદલે ઐયાશી ધારી લાધી અને એવાને કોઈ છોકરી ન દે એમાં બીજાં લગ્નની સંભાવના પર ચોકડી લાગી ગઈ. મજબૂર સેક્રેટરીને હોટેલ તેડવા પાછળ ઇમેજ ગાઢ કરવાની નિયત જ હતી. આખરે રૂમની અંદર કશું થતું જ નથી એવું સરિતા ગાઈવગાડીને કહે તો પણ કોણ માનવાનું! 
-પણ આ જુવાને માન્યું... વગોવાયેલી યુવતીને ચાહનારામાં કેટલી શ્રદ્ધા, કેટલું પોટેન્શિયલ હશે! 
સરિતાને પહેલી વાર શેઠ પર 
દયા જાગી. 
‘અમે કોઈને મળ્યા નથી શેઠજી. મારે કોઈ ખાતરી કરવી પણ નહોતી. આ તો સરિતાને તમારી વર્તણૂકની મૂંઝવણ હતી એટલે અનુમાને મારેલું તીર નિશાને લાગ્યું એટલું જ. બાકી નિશ્ચિંત રહેજો, તમારો ભેદ અમારા રસ્તે કદી બહાર નહીં જાય.’ 
આર્યનના રણકાએ રાહત પ્રસરાવી હોય એમ તેમના નીકળ્યા બાદ શેઠજી ટેબલ પર માથું ઢાળી ગયા. આંખમાં આપોઆપ નિ:સહાયતાનાં અશ્રુ છલકાયાં, પણ એ તો થોડી પળો પૂરતાં. 
પછી મૅનેજરને કૉલ જોડ્યો : સેક્રેટરીની જાહેરાત આપી દો... તે અપરિણીત, ગરીબ, મજબૂર હોવી જોઈએ - શું સમજ્યા! 
lll
‘કુછ સુના? આર્યનસર ઇઝ ગેટિંગ એન્ગેજ્ડ!’ 
સગાઈના અઠવાડિયા પહેલાં આર્યને સ્ટાફમાં ઇન્વાઇટ વહેંચતાં નવ્યાના કાનમાં ધાક પડી. આર્યન મને – શકુંતલાને - છેહ દઈને કોઈનો થઈ જ કેમ શકે? 
રવિવારના શુભ દિનનું મુરત છે. જુહુની ચાંદની હોટેલના બૅન્ક્વેટનું વેન્યુ છે. સ્ટાફ ઉપરાંત સરના, છોકરીવાળાના અંગત ગણાય એવાં સગાંસ્નેહીઓને જ રિંગ-સેરેમનીમાં નિમંત્રણ છે. છોકરી વિશે ઝાઝું જાણવા નથી મળ્યું, પણ તેનું સરિતા નામ તો રૂપાળું છે! 
શકુંતલાને બદલે સરિતા? નવ્યાનું દિમાગ ધમધમ થયું. 
‘આર્યનની સગાઈના ખબરે તું કેમ મૂડ બગાડે છે!’ રેશમ સખીને જતું કરવા સૂચવતી : તું શકુંતલાને બદલે સ્ટુડન્ટ નવ્યા છે એના સાક્ષાત્કારે તે આમ પણ ફરી જાત - હૂ નોઝ! 
- રેશમ આમ કહી શકે કેમ કે તે એટલું જ જાણે છે જેટલું મેં તેને કહ્યું છે... આર્યને ડેટિંગ ઍપનું અકાઉન્ટ ડિલીટ કરી નાખ્યું છે એટલી વિગત જ તેને માલૂમ છે, અમારી વચ્ચે પૈસાનો વહેવાર થયો છે એની રેશમ કે બીજા કોઈને પણ ક્યાં ખબર છે? નહીં, મારા રૂપિયાનું સુખ સમવન સરિતા ભોગવવાની હોય એ ન બને, હું બનવા નહીં દઉં! 

(આવતી કાલે સમાપ્ત)


Whatsapp-channel Whatsapp-channel

23 April, 2026 01:14 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK