બૅન્ક લૂંટના રહસ્યમાં બચુભાઈ અને પાયલ બુદ્ધિ, હિંમત અને કુશળતાથી અસલી માસ્ટરમાઇન્ડનો ભાંડાફોડ કરે છે અને કરોડોની રકમ સુરક્ષિત પરત અપાવી ન્યાયની જીત સુનિશ્ચિત કરે છે.
ઇલસ્ટ્રેશન
બૅન્ક ઑફ મહારાષ્ટ્રની કાર્ટર રોડ બ્રાન્ચમાં કાળો ડિબાંગ અંધકાર ફેલાયેલો હતો. પાવર-સપ્લાય કટ થઈ ગઈ હતી અને ટિયરગૅસના ઘાટ્ટા ધુમાડાને કારણે આંખો અને ગળામાં બળતરા થવા માંડી હતી. બૅન્કના પાછળ દરવાજેથી ઘૂસેલા ૩ શૂટરો નાઇટ-વિઝન ગૉગલ્સ પહેરીને અંધારામાં આગળ વધતા હતા. તેમની ગનનું નાળચું સતત ગોળીઓ ઓકતું હતું
ધડામ! ધાંય! ધડામ!
શૂટરોની સાઇલેન્સરવાળી પિસ્તોલમાંથી છૂટતી ગોળીઓ એકધારી બૅન્કના કાઉન્ટરના કાચ તોડતી હતી.
બૅન્કમાં પથરાયેલું અંધારું શૂટરો માટે લાભદાયી હતું તો ૩ દશકથી હિન્દી સિનેમાના પડદા પર અંધારા અને સ્પેશ્યલ ઇફેક્ટ્સ સાથે ઍક્શન-સીક્વન્સ ડિઝાઇન કરનારા બચુભાઈ બમ્બાટ માટે પોતાનું રાજપાટ હતું.
સ્ટ્રૉન્ગરૂમમાં ગયેલા બચુભાઈએ દરવાજાની નજીક જઈને કાન માંડ્યા. બહાર ચાલતાં ભારે પગલાંનો આછો અવાજ તેને સ્પષ્ટ સંભળાતો હતો.
‘પાયલ... ઍક્શન લેવાનો સમય આવી ગયો છે.’
બચુભાઈએ ધીમેકથી સ્ટ્રૉન્ગરૂમના દરવાજાની બારી પાસે જઈને બારી ખોલી અને ધીમેકથી તે બારીની
બહાર નીકળ્યા. પાયલ પણ તેની પાછળ જ હતી.
તે બન્ને પાસે હથિયાર નહોતું
પણ તેમનું દિમાગ પૂરપાટ ઝડપે કામ કરતું હતું.
‘પાયલ, એ લોકો નાઇટ-વિઝન ગૉગલ્સ પહેરીને આવ્યા છે.’ દબાયેલા અવાજે બચુભાઈએ પાયલના કાનમાં કહ્યું, ‘નાઇટ-વિઝન ગૉગલ્સ હોય તો અંધારામાં લીલા રંગની ઇન્ફ્રારેડ લાઇટથી બધું જોઈ શકાય, પણ જો અચાનક એ ગૉગલ્સ પર વાઇટ લાઇટ પડે તો એ ગૉગલ્સની ઇન્ફ્રારેડ લાઇટ રીબાઉન્સ થાય અને એ પહેરનારાની આંખો એ સ્તરે અંજાઈ જાય કે થોડી વાર માટે એવું જ લાગે જાણે કે તે આંધળો થઈ ગયો.’
‘સમજી ગઈ બચુભાઈ.’
પાયલે તરત સ્માર્ટફોન કાઢ્યો અને એની ઇમર્જન્સી હાઈ-બાઇટ ફ્લૅશલાઇટના બટન પર આંગળી ગોઠવીને રેડી થઈ ગઈ.
બચુભાઈએ ફરી આગળની તરફ નજર કરી. શૂટર પિસ્તોલ તાકીને સ્ટ્રૉન્ગરૂમ તરફ આગળ વધ્યો. સ્ટ્રૉન્ગરૂમનો મેઇન ડોર અને બારી બન્ને એક જ લાઇનમાં આવતાં હતાં, પણ બારી અને દરવાજા વચ્ચે એક મોટું ડ્રૉઅર મૂકી દેવામાં આવ્યું હતું. બચુભાઈ અને પાયલ એ જ ડ્રૉઅરની પાછળ સંતાયેલાં હતાં. શૂટર દરવાજા તરફ આગળ વધ્યો કે બચુભાઈએ જમીન પર પડેલું ફાયર એક્સ્ટિંગ્વિશર એટલે આગ ઓલવવાનું સિલિન્ડર જોરથી તેના પગ પર ફેંક્યું.
ધાડ...
સિલિન્ડર સીધું પેલા શૂટર પર લાગ્યું અને બીજી જ સેકન્ડ તે જમીન પર પછડાયો. જાણે કે આ જ તકની રાહ જોવાતી હોય એમ પાયલ તરત શૂટરના મોઢા પાસે આવી અને તેણે ક્ષણવારમાં ફોનની ફ્લૅશલાઇટ શૂટરનાં ગૉગલ્સ પર મારી.
ગૉગલ્સના સેન્સરમાં તીવ્ર લાઇટ આવતાં શૂટરની આંખો ટોટલી બ્લૅન્ક થઈ ગઈ. ઇન્ફ્રારેડ લાઇટ રિવર્સ આવતાં તેને આંખોમાં જબરદસ્ત બળતરા પણ શરૂ થઈ. શૂટર ચીસ પાડી ઊઠ્યો અને તેણે આંખો પર હાથ મૂકી દીધો. બચુભાઈ વીજળીની ઝડપે આગળ વધ્યા. તેણે શૂટરનો પિસ્તોલવાળો હાથ મરડ્યો અને એ હાથ લોખંડના સિક્યૉરિટી ગેટ સાથે અથડાવ્યો. પેલાના હાથમાંથી પિસ્તોલ પડી ગઈ. જોકે પેલાની ચીસને કારણે બીજો શૂટર એ દિશામાં આવી ગયો હતો. તેને પાયલ દેખાઈ ગઈ હતી.
શૂટરે પાયલ પર ગોળી ચલાવી, પણ પાયલે જમીન પર સ્લાઇડ મારીને ફ્લોર પર કૂદકો માર્યો અને સ્વીપ-કિક સાથે બીજા શૂટરના ઘૂંટણ પર પ્રહાર કર્યો. બીજો શૂટર જમીન પર ઢળી પડ્યો.
આ બધું સેકન્ડોમાં ચાલતું હતું, પણ આવી રહેલા અવાજને કારણે ત્રીજા શૂટરનું ધ્યાન પણ એ દિશામાં ખેંચાયું. અંધારામાં જોઈ શકાય એવાં ગૉગલ્સને કારણે તેણે જોઈ લીધું હતું કે પોતાના બે સાથીઓ ચત્તાપાટ પડ્યા છે. હવે તેની પાસે એક જ રસ્તો હતો.
કાં ઘા કરે અને કાં તો ભાગે?
ત્રીજા શૂટરે ભાગવાનો પ્રયાસ કર્યો, પણ તે ભાગે એ પહેલાં હરકતમાં આવી ગયેલા બચુભાઈએ ટેલિફોનના હૅન્ડસેટનો કેબલ તેના ગળામાં ભરાવીને તેને પછાડ્યો. તે છૂટવા માટે પ્રયાસ કરે એ પહેલાં જ બચુભાઈ તેની છાતી પર ચડી બેઠા અને તેણે ત્રીજા શૂટરની હડપચી પર મુક્કો જડી દીધો. એક જ મુક્કાએ તેના ચાર દાંત પાડી નાખ્યા અને મોઢામાંથી લોહીનો ફુવારો છૂટ્યો.
રોકડી ૩ મિનિટની શાર્પ રિયલિસ્ટિક ફાઇટમાં બાપ-દીકરીએ નાઇટ-વિઝનવાળા ત્રણેય પ્રોફેશનલ કિલરોને ન્યુટ્રલાઇઝ કરી દીધા હતા. જોકે વાત અહીં પૂરી નહોતી થતી.
ધડામ...
બચુભાઈ હજી પેલા શૂટરની છાતી પર હતા ત્યાં જ તેમની પીઠ પાછળ જોરદાર અવાજ આવ્યો અને બૅન્કની બહાર પહેરો ભરતા ઇન્સ્પેક્ટર રાણે અને કમાન્ડો ટીમ ગૅસમાસ્ક સાથે મેઇન ડોરમાંથી અંદર દાખલ થઈ. એ ટીમ આગળ વધે એ પહેલાં જ બૅન્કની તમામ લાઇટ એકસાથે ચાલુ થઈ ગઈ અને કમાન્ડો ટીમ અંદરનું દૃશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગઈ.
‘આવો ઇન્સ્પેક્ટર...’
બચુભાઈ ઊભા થયા કે તરત જ ઇન્સ્પેક્ટર રાડ પાડી...
‘બચુભાઈ, કોઈ હોશિયારી નહીં...’
‘ચિંતા ન કરો સાહેબ... અને આમ પણ અત્યારે હોશિયારી દેખાડવાનો મારો મૂડ પણ નથી.’
સહેજ આગળ જઈને બચુભાઈએ હાથ લંબાવ્યો એટલે પાયલ પેલા મોટા ડ્રૉઅરની પાછળથી બહાર આવી. તેના હાથમાં પૈસા ભરેલી બન્ને બૅગ હતી.
બચુભાઈએ બન્ને બૅગ જમીન પર મૂકી અને પછી હાથ હવામાં ઊંચા કર્યા. પાયલે પણ અનુકરણ કર્યું.
‘કોઈ ગોળી નહીં ચલાવે...’ ઇન્સ્પેક્ટર રાણે ધીમેકથી આગળ આવ્યા, ‘બચુભાઈ... આ માણસો કોણ છે?’
‘આ એ શૂટરો છે જે મને અને આ રૂપિયાને કાયમ માટે કબજે કરવા આવ્યા હતા...’ બચુભાઈએ કહ્યું, ‘રાણેસાહેબ, હવે રમત પૂરી થઈ ગઈ. બૅન્કના ડિરેક્ટર જનરલ અને મીડિયાને બોલાવો. હવે તમને બધી વાત કરું...’
lll
‘બચુભાઈ, તમે કહેતા હતા કે આ લૂંટનો માસ્ટર માઇન્ડ તમે સામે લાવશો...’
બચુભાઈ સામે
ન્યુઝ-ચૅનલના કૅમેરા ઑન હતા અને તમામ અધિકારીઓ, પોલીસસ્ટાફ અને મીડિયાકર્મીઓ બચુભાઈ સામે ઊભા હતા.
પોલીસ-કમિશનર બચુભાઈની પાસે આવ્યા.
‘કોણ છે તે, જેણે બૅન્કમાં લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો?’
જવાબ આપવાને બદલે બચુભાઈએ પોતાના ખિસ્સામાંથી બે વસ્તુઓ કાઢી. એમાં એક પેલો રૉયલ કૅફેનો મેટલ બૅજ હતો અને બીજી એક પેન ડ્રાઇવ હતી.
બચુભાઈ ધીમેથી આગળ આવ્યા. તેમની નજર બૅન્કમાં કમિશનરની બાજુમાં ઊભેલા બૅન્કના ઝોનલ મૅનેજર વિનોદ જોશી પર સ્થિર હતી.
‘માસ્ટરમાઇન્ડ કોઈ બહારનો નથી.’ બચુભાઈનો અવાજ આખી બૅન્કમાં ગુંજી ઊઠ્યો, ‘લૂંટનો અસલી માસ્ટરમાઇન્ડ બીજું કોઈ નહીં પણ આ બૅન્કના ઝોનલ મૅનેજર વિનોદ જોશી છે.’
આ સાંભળીને બૅન્કમાં હાજર તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા.
ન્યુઝ-ચૅનલના કૅમેરા વિનોદ જોશીના ચહેરા પર ઝૂમ થયા.
‘સર, આ... આ માણસ પાગલ થઈ ગયો છે.’ મૅનેજર વિનોદ જોશીએ ચીસ પાડી, ‘હું... હું... હું શું કામ આવું કરું? તમને ખબર છે, હું બૅન્કનો ઝોનલ મૅનેજર છું. મારી ઇજ્જત છે, રેપ્યુટેશન છે. આ બે કોડીનો માણસ પોતાની જાતને બચાવવા મારા પર ખોટો આરોપ મૂકે છે.’
‘આરોપ ખોટો નથી જોશીસાહેબ.’ બચુભાઈએ પોતાનો મોબાઇલ કમિશનર તરફ ધર્યો, ‘૧૭ કરોડની નવી કરન્સી કૅશ આવવાની છે એની ખબર બૅન્કમાં માત્ર બે જ લોકોને હતી. એક બ્રાન્ચ મૅનેજર અને બીજા તમે... લૂંટના એક્ઝૅક્ટ ૩ દિવસ પહેલાં તમે બોરીવલીના રૉયલ કૅફેમાં બેસીને આ પ્લાન માટે એવા લોકો ફાઇનલ કર્યા જેમનો કોઈ ક્રાઇમ રેકૉર્ડ નહોતો. પોલીસને ગેરમાર્ગે દોરવા માટે તમે એ જે છોકરાઓ હતા તેમને રૉયલ કૅફેનાં કપડાં આપ્યાં અને એ જ છોકરાઓએ આ લૂંટ કરી.’
‘પુરાવો... છે તમારી પાસે...’
બચુભાઈએ નકારમાં નોડ કરતાં કમિશનર સામે જોયું.
‘મારી પાસે નથી, કમિશનર પાસે છે.’ બચુભાઈની આંખો મોબાઇલ પર હતી, ‘કમિશનરના હાથમાં જે ફોન છે એ ફોનમાં તમારા અને પેલા ૩ લૂંટારા બનેલા છોકરાઓના CCTV કૅમેરાના ફુટેજનો વિડિયો છે.’
‘તમારી પાસે આ ફુટેજ ક્યાંથી આવ્યું બચુભાઈ...’
‘ડિટેક્ટિવ સોમચંદ પાસેથી...’
બચુભાઈના ફેસ પર સ્માઇલ આવી ગયું તો પોલીસ-કમિશનરના ચહેરા પર અચરજ પથરાયું.
‘મંગળવારે મેં ડિટેક્ટિવ સોમચંદને મળીને આખી વાત કરી અને તેણે રૉયલ કૅફેના CCTV કૅમેરા હૅક કરીને આ ફુટેજ લઈ લીધાં.’ બચુભાઈએ વિનોદ જોષીની સામે જોયું, ‘આ જ નહીં, તમે કૅફેમાંથી નીકળીને તે છોકરાઓને પૈસા આપો છો એ ફુટેજ પણ મોબાઇલમાં છે અને એ ફુટેજ પણ ડિટેક્ટિવ સોમચંદે જ લાવી આપ્યાં છે.’
‘હું... હું તેમને મળ્યો એનો અર્થ એવો તો નથી થતો કે અમે લૂંટ માટે જ મળ્યા હતા?’
‘તમે તે જ છોકરાઓને મળો છો જે તમારી જ બૅન્ક લૂંટવા આવે છે. બૅન્ક લૂંટવા આવે એ જ દિવસે તમે ગેરહાજર રહો. ચાલો માની લીધું કે આ કો-ઇન્સિડન્ટ... પણ...’ બચુભાઈ આગળ આવ્યા, ‘જ્યાં પૈસા સંતાડવામાં આવ્યા એ મંદિરના ટ્રસ્ટી પણ તમારું જ ફૅમિલી જોષીસાહેબ... આટલા બધા ઇન્સિડન્ટ સામાન્ય તો નથીને?!’
વિનોદ જોષીને લાગ્યું કે હવે આખી વાતમાંથી છટકવું સહેલું નથી એટલે તેણે ચિત્તા જેવી ઝડપે બાજુમાં ઊભેલા ઇન્સ્પેક્ટર રાણેની કમરથી સર્વિસ રિવૉલ્વર ખેંચીને પોતાની કાનપટ્ટી પર મૂકી અને એ જ સમયે તેના કાનમાં શૂન્યાવકાશ છવાઈ ગયો.
સટાક...
બચુભાઈના હાથની છાપ વિનોદ જોષીના ગાલ પર છપાઈ ગઈ હતી અને કાનમાં સીટી વાગતી હતી.
‘મરવું એટલું સહેલું નથી ડોબા...’ રિવૉલ્વર ખેંચીને બચુભાઈએ રાણેના હાથમાં આપી, ‘હજી તો તારે લાંબું જીવવાનું છે.’
બીજી જ સેકન્ડે વિનોદ જોશીના હાથમાં હાથકડી જડવામાં આવી અને બૅન્કનું તંગ વાતાવરણ હળવાશની દિશામાં આગળ વધ્યું.
lll
‘બચુભાઈ... હૅટ્સ ઑફ...’ કમિશનરે બચુભાઈના ખભા પર હાથ મૂકીને મીડિયાના કૅમેરા સામે જોયું, ‘મહારાષ્ટ્ર પોલીસ અને બૅન્ક રિવૉર્ડ પૉલિસીના નિયમ મુજબ બૅન્કની સંપૂર્ણ રકમ સલામત રિકવર કરાવવા બદલ અને આરોપીને પકડાવવા માટે હું બચુભાઈ બમ્બાટ અને તેમની દીકરી પાયલને કુલ રકમના ૧૦ ટકા એટલે કે ૧ કરોડ ૭૦ લાખ રૂપિયાનું રોકડ ઇનામ આપવાનું અનાઉન્સ કરું છું...’
બચુભાઈએ કૅમેરા સામે જ હાથ જોડ્યા.
‘ના કમિશનરસાહેબ... અમને આ ઇનામ નથી જોઈતું.’ બચુભાઈના ચહેરા પર નમ્રતા હતી, ‘આખી જિંદગી મહેનતની રોટલી ખાધી છે ત્યારે દેશના ટૅક્સપેયરના પૈસા શું કામ મારા ઘરમાં આવે... લૂંટાયેલા પૈસામાંથી ઇનામ
લઈને ઘરે જવું એ મારી ખુમારીને
શોભતું નથી.’
બચુભાઈએ પોતાની દીકરી પાયલ સામે જોયું.
પાયલના ચહેરા પર ચમક આવી ગઈ હતી.
‘જો બૅન્ક અને સરકાર મને કંઈક આપવા માગતી હોય... તો મને મળવાપાત્ર ઇનામની રકમ પોલીસ
વેલ્ફેર ફન્ડમાં જમા કરાવે, જે
પોલીસ-પરિવારોને કામ લાગે. સરહદ પર સેવા આપતા જવાનોને ખબર છે કે દુશ્મન કોણ છે, પણ દેશમાં સેવા આપતા પોલીસના જવાનોને તો એ પણ નથી ખબર હોતી કે દેશનો દુશ્મન કેવો દેખાય છે. એવા સમયે પોલીસકર્મીઓને વધુમાં વધુ સગવડ મળે એ જોવાની જવાબદારી આપણા સૌની છે.’
બચુભાઈએ હાથ જોડ્યા અને ઈન્સ્પેક્ટર રાણે અને કમિશનરે એકસાથે અટેન્શન મુદ્રામાં આવીને બચુભાઈ બમ્બાટને ગર્વથી સૅલ્યુટ આપી. જોકે બચુભાઈની આંખો પાયલ પર જ હતી. બચુભાઈ ધીમેકથી અટેન્શન મુદ્રામાં આવ્યા અને તેણે પાયલને સૅલ્યુટ આપી.
(સમાપ્ત)
