Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > બાપુ Reloaded - સત્યમેવ જયતે (પ્રકરણ ૩)

બાપુ Reloaded - સત્યમેવ જયતે (પ્રકરણ ૩)

Published : 18 February, 2026 11:21 AM | IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

ગાંધીજી જનતાનગરના લોકો સાથે વાત કરે અને જો એ વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થાય તો ફિલ્મને વધુ પબ્લિસિટી મળે

ઇલસ્ટ્રેશન

વાતૉ-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


‘નવીનભાઈ, આ શું મજાક છે?’

ખાલી થઈ ગયેલું ઘર જોઈને પ્રોડ્યુસરની કમાન બરાબરની છટકી હતી. પબ્લિસિટી માટે તેણે કરેલો ખર્ચ અને મહેનત બિલકુલ પાણીમાં ગયાં હતાં. અત્યારે તે પ્રેસ અને ન્યુઝ-ચૅનલની ટીમ સાથે નવીન મહેતાના જનતાનગર પહોંચ્યા હતા. સ્પીલબર્ગનો હાથ પકડી પ્રોડ્યુસર ખન્ના નવીન મહેતાની નજીક આવ્યા.



‘આ બધું ફિલ્મનું પ્રમોશન છે. તમારે કંઈ સાચે જ ગાંધી નથી બનવાનું...’


‘તમે જે પરિવર્તન વિશ્વમાં જોવા માગો છો, એ તમે પોતે જાતે બનો. ’ નવીને પ્રોડ્યુસરની આંખમાં જોયું, ‘તમે ફિલ્મ બનાવો છો પૈસા માટે, હું આ જીવન જીવું છું સત્ય માટે... તમને સુખ જોઈએ છે, અમને શાંતિ જોઈએ છે.’

‘આ માણસ...’


‘ગાંડો થયો છે એમ જને?’ પ્રોડ્યુસરની વાત પૂરી કરતાં નવીન મહેતાના ચહેરા પર સ્મિત હતું, ‘તમે સાચા હોઈ શકો છો. બાને પણ એવું જ લાગે છે. પણ ઠીક છે, દરેકને પોતાના વિચારો પર અડગ રહેવાનો અધિકાર છે.’

નવીન મહેતાએ સ્ટીવન સ્પીલબર્ગ સામે જોયું.

‘આવો, આપણે મારાં આ પીડિત ભાઈઓ-બહેનો સાથે વાત કરી લઈએ.’

સ્ટીવન સ્પીલબર્ગની રાહ જોયા વિના જ બાપુ આગળ વધી ગયા અને પ્રોડ્યુસરની આંખમાં નવી ચમક ઉમેરાઈ.

ગાંધીજી જનતાનગરના લોકો સાથે વાત કરે અને જો એ વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થાય તો ફિલ્મને વધુ પબ્લિસિટી મળે. તેણે તરત જ સાથે આવેલી કૅમેરા-ટીમને ઇશારો કર્યો અને ત્યાં સુધીમાં નવીન જનતાનગરના ચોકની વચ્ચે આવેલા એક ઊંચા ઓટલા પર ચડીને ઊભા રહી ગયા હતા. ગરમી પ્રચંડ હતી, પણ નવીનના ચહેરા પર ગુલાબ જેવી તાજગી હતી. આખું જનતાનગર તેને સાંભળવા ભેગું થયું હતું.

‘મારાં વહાલાં ભાઈઓ અને બહેનો...’

નવીનનો અવાજ આખા જનતાનગરમાં ગુંજવા લાગ્યો.

‘તમારામાંથી કેટલાક મને ઍક્ટર માને છે, કેટલાક મને ભવાયો માને છે પણ એક વાત યાદ રાખજો, હું તમારી પીડાનો પડઘો છું. આ બિલ્ડરો તમને તમારી જમીનનો જે ભાવ આપવા માગે છે એ ભાવ ખોટો છે. સરકારી ભાવની વાતો કરે છે પણ બ્રિટિશ સરકારે ખાલી આ દેશ ખાલી કર્યો છે, સત્તાધીશોનાં ખોળિયાં નહીં. યાદ રાખજો, આ તમારી જમીન નહીં પણ તમારું અસ્તિત્વ છીનવી રહ્યા છે. આજે હું તમને પૂછું છું, સ્વરાજ એટલે શું?’

નવીને સામે ઊભેલા લોકોની સામે વેધક નજરે જોયું અને વાત આગળ વધારી.

‘સ્વરાજ એટલે પોતાનું શાસન, પણ આજે જ્યારે આપણું સ્વરાજ છે ત્યારે આ જ સ્વરાજની વ્યાખ્યા બદલાઈ જાય છે. હવે સ્વરાજ એટલે... પોતાના પર શાસન. ખોટું થતું હોય ત્યારે જાતને એનાથી અળગી રાખવી, લાલચથી સ્વ-ભાવને દૂર રાખવો, વ્યવહારમાં મલિનતાને ઉમેરાવા ન દેવી અને એ જે કરી શકે એ સ્વરાજ... તમે જ કહો, શું આ સ્વરાજને ધ્યાનમાં રાખીને આપણે આપણા આત્માને આ કૉન્ક્રીટના જંગલમાં વેચી દઈશું?’

સામેથી એકસાથે નકારનો જવાબ આવ્યો અને નવીને વાત આગળ વધારી.

‘અંગ્રેજો ગયા પણ આ લૂંટારુ માનસિકતા હજી જીવતી છે. જે વિકાસ ગરીબોનાં આંસુ સાથે આવે એ વિકાસ નહીં, વિનાશ છે. મારો પોતાનો દીકરો આજે લોભના માર્ગે છે. ભવિષ્યમાં તમારા દીકરાઓ પણ જઈ શકે છે. પણ યાદ રાખજો, સત્ય ક્યારેય છુપાતું નથી, સત્ય ક્યારેય લાજ રાખીને બેસી રહેતું નથી. હવે લડવાનું છે પણ આ લડતમાં તમારે પથ્થર ઉપાડવાની જરૂર નથી, અસહકાર કરો. જો તમે આ ભ્રષ્ટ બિલ્ડરોને સહકાર આપશો તો તમારું ઝૂંપડું તૂટશે અને જો તમે તેમને સહકાર આપવાનું છોડ્યું તો તેમની ઇમારતો કાગળના મહેલની જેમ તૂટશે. યાદ રાખજો, અહિંસા એ નબળાનું હથિયાર નહીં પણ બહાદુરોનું શસ્ત્ર છે.’

નવીનના અવાજના પ્રવાહમાં આખું જનતાનગર તણાતું હતું.

‘જો કોઈ તમારું ઘર તોડવા આવે તો સામે હાથ ન ઉપાડો, પણ તેની સામે મક્કમતાથી ઊભા રહો અને કહો કે અમારું ઘર અમારી ઓળખ છે. હૃદયપરિવર્તન એ જ સાચી ક્રાન્તિ છે. હું આજથી આ જ માટી પર બેસીશ.’

નવીનના શબ્દોમાં મક્કમતા હતી.

‘જો JCB આવશે તો એ પહેલાં મારા આ શરીર પરથી પસાર થશે. મારું જીવન એ જ મારો સંદેશ છે અને મારો સંદેશ એક જ છે, સ્વાભિમાન...’

નવીને હાથ જોડ્યા અને આખું જનતાનગર ગાજી ઊઠ્યું.

‘બાપુ અમર રહો... બાપુ અમર રહો...’

લોકોની આંખોમાં આંસુ હતાં. કોઈ નવીનને પગે પડતું હતું તો કોઈ નવીનને એક વાર સ્પર્શ માટે ધક્કા ખાતું હતું. પ્રોડ્યુસર ખન્નાની આંખો ફાટી ગઈ હતી. તેને જે જોઈતું હતું એના કરતાં અનેકગણી વધારે ખતરનાક અને શક્તિશાળી વાત આકાર લેવા માંડી હતી.

‘સર, નવીન તો સાચે જ ગાંધી બની ગયો છે.’ ખન્ના સ્પીલબર્ગની નજીક આવ્યો, ‘જો આપણે આ જ આંદોલનને આપણી ફિલ્મનો ભાગ બનાવીએ તો રેકૉર્ડ બ્રેક થઈ જશે.’

lll

રાત્રે જ્યારે નવીનનું ધ્યાન ચાલતું હતું ત્યારે તેનો દીકરો આકાશ આવ્યો. આકાશની સાથે બિલ્ડર અગ્રવાલ અને પોલીસકર્મીઓ પણ હતા.

‘નવીનભાઈ, તમે હદ કરો છો.’ અગ્રવાલનો અવાજ નમ્ર હતો પણ એમાં ધમકીનો સૂર સ્પષ્ટ હતો. ‘આ તમારી ફિલ્મનો સેટ નથી. આ જમીન સરકારી છે અને મારો પ્રોજેક્ટ લીગલ છે. જો તમે આ લોકોને ઉશ્કેરવાનું બંધ નહીં કરો તો મારે નાછૂટકે આ લોકોને કહીને બળપ્રયોગ કરવો પડશે.’

નવીને ધીમેથી આંખ ખોલી અને અગ્રવાલની સામે જોયું. અગ્રવાલને પહેલી વાર એવું લાગ્યું કે તેની સામે કોઈ જીવતોજાગતો પહાડ ઊભો છે.

નવીને ધીમેથી માટી ઉપાડી અને આંખે લગાડી.

બિલ્ડરે ઇશારો કર્યો અને જાણે કે એ ઇશારાની જ રાહ જોવાતી હોય એમ અંધારા કૉર્નરમાંથી કેટલાક બુકાનીધારીઓ બહાર આવી ગયા અને તેમણે નવીનના ઘરની દિશામાં પથ્થરમારો શરૂ કર્યો. પથ્થરમારો શરૂ થતાં જ આજુબાજુમાં રહેતા લોકો ઊભા થઈને સામનો કરવા આગળ વધ્યા, પણ નવીને બન્ને હાથ પહોળા કરી ઇશારાથી જ તેમને રોકી લીધા.

જનતાનગરના લોકોની નજર નવીન પર હતી અને નવીનની ગરદન નકારના ઇશારા સાથે તેમને આગળ વધવાની ના પાડતી હતી. અગ્રવાલે વધુ એક ઇશારો કર્યો અને એ ઇશારા સાથે જ પોલીસે હાજર રહેલા લોકો પર લાઠીચાર્જ શરૂ કરી દીધો. ચારે બાજુ ચીસાચીસ મચી ગઈ.

પણ નવીન?

નવીન એ જ પથ્થર પર સ્થિર ઊભો હતો અને એ જ ક્ષણે એક લાઠી નવીનના મુઠ્ઠીમાં સમાય એવા ખભા પર આવી અને શરીરે વીંટાળેલી સફેદ ખાદી રક્તરંજિત થવી શરૂ થઈ. પણ નવીનના ચહેરા પર એ જ મનમોહક અને કરુણામય સ્મિત હતું. તેના કાનમાં શબ્દો ગુંજતા હતા.

વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે...

lll

એ રાતે જનતાનગરની ઝૂંપડપટ્ટીમાં થયેલો પથ્થરમારો અને પછીનો લાઠીચાર્જ છેક મહારાષ્ટ્રના સચિવાલય સુધી પહોંચ્યો. છેલ્લા ચાર દિવસથી જનતાનગરમાં રહેતા સફાઈ-કામદારોએ કામ પર જવાનું છોડી દીધું હતું અને સાચા અર્થમાં અસહકારની લડતનો આરંભ થઈ ગયો હતો. નવીન મહેતાને હવે દુનિયા નવીન ગાંધી તરીકે ઓળખવા માંડી હતી. ન્યુઝ-ચૅનલોની રોજની હેડલાઇન આ જ નવીન ગાંધી અને તેનું જનતાનગર રહેતું.

સફાઈ-કામદારોને સહકાર આપવાના હેતુથી કૉર્પોરેટ ઑફિસમાં જૉબ કરતા પટાવાળાઓએ પણ ઑફિસમાંથી રજા લઈ લીધી અને નવીનની સામે આવીને બેસી ગયા હતા. એક સમયે નવીનને હટાવવા માટે પોલીસ આવી હતી, પણ હવે ગૃહમંત્રાલયના કહેવાથી જનતાનગરમાં એકત્રિત થયેલી જનતાને હૅન્ડલ કરવા માટે પોલીસે આવવું પડ્યું હતું; જ્યારે નવીન... નવીન અત્યારે પણ એ જ જગ્યા પર બેઠો હતો જે જગ્યા પર તેના હાથ પર લાઠી પડી હતી.

ખાદી પરનું લોહી હવે સુકાઈ ગયું હતું.

નવીને સારવાર લેવાનું પણ ટાળી દીધું હતું અને તેનાં અનશન ચાલુ હતાં.

હવે નવીનના અવાજમાં તાકાત નહોતી રહી પણ તેનું મનોબળ હજી પણ મજબૂત અને મક્કમ હતું. નવીનના ચહેરા પર કોઈ ક્રોધ નહોતો પણ કરુણા સતત પ્રજ્વળતી હતી.

‘બાપુ, આ લોકો એમ નહીં માને...’

નવીનની સામે આવી ગયેલા યુવાનોના ટોળામાંથી એક આગળ આવ્યો. સામે આવેલા એ દરેક યુવાનના હાથમાં લાકડીઓ હતી.

‘આ લોકોને એની ભાષામાં જવાબ આપવો જરૂરી છે. આપ આજ્ઞા આપો એટલે એ પાપીઓને દેખાડી દઈએ.’

‘પાપને ધિક્કારવાનું હોય, પાપીને નહીં. જો આપણે પણ હિંસાનો સહારો લઈશું તો આપણામાં અને તેમનામાં શું ફરક?’ નવીનના શબ્દોમાં સંમોહન હતું, ‘હિંસાથી સમય પર જીત મેળવી શકાય, દિલ પર નહીં ને સમય પર મેળવેલી જીત લાંબો સમય ટકતી નથી કારણ કે હિંસાનું એક જ કામ છે, વેરનું વાવેતર...’

નવીનના આ શબ્દોએ ઉશ્કેરાયેલા યુવાનોને પળવારમાં શાંત કરી દીધા.

lll

બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સની અગ્રવાલ હોલ્ડિંગ્સની કાચની ઑફિસમાં સફેદ ખાદીની પોતડી પહેરીને દૂબળો-પાતળો નવીન ઉઘાડા પગે દાખલ થયો. નવીનના હાથમાં લાંબો સાવરણો હતો. નવીનની પાછળ ઝૂંપડપટ્ટીના લોકો હતા, તેમના હાથમાં કચરાપેટીઓ અને ઝાડુ હતાં.

‘સર, તમે આમ અંદર નહીં જઈ શકો.’

‘ભાઈ, ગંદકી સાફ કરવા માટે કોઈની પરવાનગીની જરૂર નથી હોતી. હું આવ્યો છું સાહેબના મનની ગંદકી સાફ કરવા પણ એની પહેલાં હું બહારનું વાતાવરણ સાફ કરવા માગું છું.’

‘સાહેબ એમ કોઈને નહીં મળે...’

‘તો હું મારી સ્વચ્છતાની ભક્તિ પૂરી કરીને નીકળી જઈશ.’

સિક્યૉરિટી ગાર્ડ આગળ કંઈ બોલે એ પહેલાં જ નવીને ઝાડુ મારવાનું શરૂ કરી દીધું અને નવીનની સાથે આવેલા લોકોએ પણ સફાઈ શરૂ કરી દીધી. થોડી જ વારમાં વાત મીડિયા સુધી પહોંચી અને કલાકમાં તો ન્યુઝ-ચૅનલો અને સોશ્યલ મીડિયા પર બિલ્ડરની ઑફિસ સાફ કરતા બાપુના વિડિયો વાઇરલ થઈ ગયા.

ઑફિસમાં બેઠેલા અગ્રવાલને ઍર-કન્ડિશન્ડ વાતાવરણ વચ્ચે પણ પરસેવો વળી ગયો હતો. જો તે નવીનને જેલમાં મોકલે તો ‘બાપુ પર અત્યાચાર’ના સમાચાર ફેલાય અને પોતે વગોવાઈ જાય અને જો તે આમ જ ચૂપ બેસી રહે તો આ બાપુ ઑફિસના મેઇન ડોરની સામે જ અનશન શરૂ કરી દે.

લાંબી મથામણ પછી નવીનને મળવા માટે અગ્રવાલે અંદર બોલાવ્યા.

lll

‘નવીનભાઈ, આ શું માંડ્યું છે? તમારે કેટલા પૈસા જોઈએ છે? તમે આંકડો બોલો, તમને મળી જશે...’

નવીને અગ્રવાલની આંખોમાં જોયું.

‘પૃથ્વી માણસની દરેક જરૂરિયાત પૂરી કરવા માટે પૂરતી છે, પણ દરેક માણસનો લોભ ને લાલચ પૂરી કરવા માટે નહીં. તમે ગરીબોની જમીન છીનવીને આજ સુધીમાં અઢળક કાચના મહેલો બનાવ્યા. હું એ બધું ભૂલીને એટલું કહીશ, હવે અટકી જાઓ. આ પ્રોજેક્ટ પડતો મૂકો. ગરીબોના આશીર્વાદ લો. એ જ સાચી કમાણી છે.’

અગ્રવાલે હસીને એક ચેકબુક કાઢી.

‘તમારા આંદોલન માટે પાંચ કરોડનો ચેક આપું? તમારે ખાલી એટલું જ કરવાનું, જનતાનગર ખાલી કરવામાં મને નડવાનું નહીં.’

નવીનના ચહેરા પર તુચ્છકાર આવી ગયો.

‘સોનું અને ચાંદી સાચી સંપત્તિ નહીં પણ સારું સ્વાસ્થ્ય અને પવિત્ર આત્મા સાચી સંપત્તિ છે. તમારો આ ચેક મારા માટે કાગળનો ટુકડો છે.’ નવીને બે હાથ જોડ્યા, ‘કહું છું એના પર વિચાર કરજો બસ, એ જ મારી વિનંતી છે.’

નવીન બહાર નીકળી ગયો. તેના શબ્દોએ અગ્રવાલના ગાલ લાલ કરી દીધા હતા.

‘આ માણસે હવે મરવું પડશે. નક્કી છે.’

(ક્રમશ:)

Whatsapp-channel Whatsapp-channel

18 February, 2026 11:21 AM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK