Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > બરસાત કી એક રાત : તકદીરનો તમાશો (પ્રકરણ ૩)

બરસાત કી એક રાત : તકદીરનો તમાશો (પ્રકરણ ૩)

Published : 12 August, 2026 09:37 PM | IST | Mumbai
Samit (Purvesh) Shroff

લજ્જા પતિ બ્રિજની નપુંસકતાથી પરેશાન છે અને તાંત્રિકના ચક્કરમાં ફસાયેલા બ્રિજથી દૂર પોતાનું સુખ શોધવાનો નિર્ણય કરે છે. બીજી તરફ આરાધના પોતાના પતિ અને તેના પ્રેમીની હત્યાની સાજિશથી વાકેફ છે. વરસાદી રાતે બંનેની કથા એકબીજા સાથે જોડાવાની છે.

ઇલસ્ટ્રેશન

ઇલસ્ટ્રેશન


બાબાજીનો ફોન! 
બ્રિજ માટે રસોડામાં ચા-નાસ્તો તૈયાર કરતી લજ્જાના કાન બહારના ફોને ચમક્યા, પછી પતિના પ્રણામ ખટક્યા પણ ખરા : મનોરના તાંત્રિકમાં બ્રિજને કેટલી અંધશ્રદ્ધા બેસી ગઈ છે! 
જોકે એમાં બ્રિજનો વાંક નથી. વાંક છે તેની ખોડનો... પુરુષત્વની ખોડનો. 
લજ્જાએ વાગોળ્યું: 
કેટલાં અરમાનભેર પોતે સુહાગસેજ પર પતિની રાહ જોતી બેઠી હતી. તનમાં કુંવારાં અરમાનો તોફાને ચડ્યાં હતાં. 
પણ હાય રે. શું પહેલી રાત કે શું શિમલાનું હનીમૂન... બ્રિજ હવાતિયાં મારવાથી વિશેષ કશું કરી ન શક્યો ને મારાં અરમાન આજ સુધી 
તડપતાં-સિસકતાં જ રહ્યાં છે.
આ દુખડું કોઈને કહેવામાં દામ્પત્યની મર્યાદાનો લોપ થતો લાગે. બ્રિજ આયુર્વેદનાં ઓસડિયાં લાવતા, ક્યારેક અંગેજી દવાની ટ્રાય કરતા; પણ પરિણામ શૂન્ય. 
છેવટે લગ્નના સવા વરસે અલમારી સાફ કરતાં એક રિપોર્ટ મને હાથ લાગ્યો : અમારાં મૅરેજ પહેલાંનો એ મેડિકલ રિપોર્ટ કહેતો હતો કે બ્રિજ પુરુષમાં 
જ નથી! 
‘વાય બ્રિજ વાય!’ એ સાંજે બ્રિજ ઘરે આવતાં જ તેનો કૉલર પકડીને હું તૂટી પડી હતી : તમે તમારું સત્ય જાણતા હતા તોય મારો ભવ બગાડ્યો? પાછા જાણીનેય અજાણ રહ્યા? 
જોકે એથી બ્રિજ ઓઝપાયો નહીં, બલ્કે કબાટમાંથી જન્મપત્રિકા કાઢી, ‘તેં ડૉક્ટરનું રિપોર્ટ-કાર્ડ જોયું, એક વાર આની તપાસ પણ કરાવ... ડૉક્ટરના નિદાને હું ભાંગી પડેલો, મને આત્મહત્યાના વિચાર આવતા એટલે મુંબઈના જાણીતા જોષી પાસે કમ્પ્યુટરથી જન્મપત્રિકા કઢાવીને જોષ જોવડાવવાનું સૂઝ્યું : મારું કમોત લખેલું છે કે કેમ એની ખબર તો પડે!’
બ્રિજ એકશ્વાસે કહેતો રહ્યો : જોશીએ કહ્યું કે તમારું આયુષ્ય સારું છે, સંસારસુખ પણ સારું છે અને કમમાં કામ બે સંતાનના પિતા તમે બનશો. 
બ્રિજની હાંફમાં બનાવટ નહોતી. 
‘એટલે જોષીના જોશ પર ભરોસો રાખીને તમે પરણ્યા!’ મારું મોં આઘાતથી ખુલ્લું રહી ગયું.
રે રામ. આ માણસ મનમાં મેલ રાખીને નહીં પણ ભરમ સેવીને પરણ્યો! તેના પર ગુસ્સો નહીં દયા જ આવી.
‘તમે પુરુષમાં જ નથી તો તમને સંતાનસુખ ક્યાંથી મળે આટલું સાદું વિજ્ઞાન તમને ન સમજાયું?’ 
‘જ્યાં વિજ્ઞાન કામ ન કરે ત્યાં 
મંત્ર-તંત્ર કામ કરી જતા હોય છે!’ બ્રિજના સ્વરમાં નવો ઉત્સાહ હતો, ‘તાંત્રિકબાબા અઘોરીનાથ જરૂર આપણું દુખ દૂર કરી આપવાના.’ 
બ્રિજની હાલત પથ્થર એટલા પૂજે દેવ જેવી હતી. સંતાનપ્રાપ્તિ માટે છાશવારે તે સાધુબાબાઓના શરણે જતો એટલે ક્યાંકથી રેફરન્સ મળતાં તેનું કોઈ તાંત્રિક પાસે જવું સહજ હતું. મનોર પાસે આવેલા અઘોરીનાથના આશ્રમમાં બ્રિજ સાથે બે વાર હું ગઈ છું. ત્યાંનું વાતાવરણ બિહામણું લાગ્યું હતું અને અઘોરીનાથ લંપટ. કેવી ભુખાળવી નજરે મને જોતો હતો.
પછી હું ક્યારેય મનોર ગઈ નથી, પણ બ્રિજ તો આજેય ઑફિસ પતાવીને સીધા ત્યાં જવાના છે. એટલે તો મેં પણ આજ રાતનું મુરત રાખ્યું છે!
કબૂલ, અધરવાઇઝ બ્રિજે મને ફૂલની જેમ રાખી છે, પણ ફૂલનેય ભ્રમરની પ્યાસ તો હોયને! બ્રિજ પોતાના મનનું ધારીને મને પરણી શકતો હોય, નપુંસકતાના ઇલાજ માટે તાંત્રિકને મળતો હોય તો મારે કેમ મારા મનનું ધાર્યું ન કરવું. 
ના, પિયરમાં બે નાની બહેનો કુંવારી બેઠી હોય ત્યારે મોટીના છૂટાછેડા તો માબાપ કોઈ કાળે થવા ન દે. અરે, બ્રિજનું સત્ય કહીશ તો પણ બહેનોનાં લગ્ન સુધી ખમી ખાવા કહેશે. પછી બ્રિજની ઊણપ સાસરે પણ ઉઘાડી કરવાથી શું થવાનું? તો શું મારે આમ જ સિસકતા રહેવાનું? યૌવનની ઊર્મિને, ઊર્જાને કચડાતી જોવાની? 
આનો એક ઇલાજ છે... એસ્કોર્ટ! 
શરીરસુખ ભાડે આપવું-લેવું એ કંઈ નવી વાત નથી. હવે તો મોબાઇલની અમુકતમુક ઍપ પર ઑથેન્ટિક એસ્કોર્ટ્‍સ મળી રહે છે. 
અને બસ, આજની રાતે મેં એક એસ્કોર્ટને નિશા નિમંત્રણ આપી દીધું છે... આજે તો બ્રિજથી છાનું રાખ્યું છે, પણ સંસાર આમ જ ચાલવાનો હોય તો બ્રિજે પણ મારા સુખની વ્યવસ્થામાં સાથ પુરાવવો રહ્યો. 
લજ્જા ચમકી. બહાર બ્રિજ કહેતો સંભળાયો:
‘લજ્જાને અસુખ છે, તેને આજે નહીં ફાવે.’ પત્ની આશ્રમમાં નહીં જ આવે એ જાણતા બ્રિજે બહાનું ઊપજાવીને આસ્થા જતાવી, ‘પણ હું તો આપની સેવામાં આજે આવું જ છું.’ 
હા...શ! લજ્જાએ રાહત અનુભવી. 
lll
સામા છેડે ફોન મૂકીને અઘોરીનાથ બગડ્યા : બાઈએ ઇનકાર કરી દીધો! 
અઘોરીનાથ મેલી વિદ્યામાં પારંગત હતા, પણ એના પ્રચારમાં બહુ માનતા નહીં. આશ્રમ પણ બહુ અંતરિયાળ બનાવ્યો હતો. ઝાઝા ચેલા પણ નહીં. બસ, અદમ્ય વાસના તેમની એકમાત્ર કમજોરી હતી. બેશક તંત્રવિદ્યાથી બ્રિજની નપુંસકતા દૂર થવાની નહોતી, પણ આશ્રમના આર્થિક વહેવાર માટે આવા દુખિયારાઓને ખંખેરતા રહેવાની પણ અઘોરીનાથને ફાવટ હતી. અને બ્રિજને આવકારવાનું મુખ્ય કારણ હતી લજ્જા. પહેલી વાર તે આશ્રમમાં આવી ત્યારે અઘોરીનાથ પલકારો મારવાનું ભૂલી ગયેલા. એક તો લજ્જાનું રૂપ મનમાં ઘર કરી ગયું હતું, એમાં અહીં આવવાનો ઇનકાર કરીને લજ્જાએ તેમના અહંને છંછેડી મૂક્યો : બાઈને મારી શક્તિનો પરચો નથી? અરે, ધારું તો અડધી મુઠ્ઠી અડદના દાણા વેરીને તારા શરીરને લકવો લગાડી દઉં. પણ ના, પહેલાં તો તે રૂપવતીને મન ભરીને ભોગવવી છે. એક વાર મારી મર્દાનગી માણી જો, પછી તને એની લત ન લાગે તો કહેજે! 
તેમના તેજ મિજાજે ગોરખ મૂંગો થઈ ગયો. આટલાં વરસોના અનુભવથી શીખ્યો હતો કે અઘોરીનાથનો પિત્તો ગયો હોય ત્યારે તેમને વતાવવા નહીં. ગમે તેમ તોય મેલી વિદ્યાના જાણકાર તો ખરાને. 
છતાં એટલું થયું કે અઘોરીને સ્ત્રીના જોબનની ક્યાં નવાઈ છે. અરે, તેમની વાસના ફૂંફાડા મારે ત્યારે મનેય ક્યાં સોડમાં તાણી નથી લેતા! પછી એક બાઈ માટે શું આવું ઘેલું કાઢવાનું.
પણ વાસનાના પૂરમાં પોતાની મર્દાનગીથી સ્ત્રીને ચીત કરવાનું ઝનૂન વ્યાપે પછી કોઈ પણ પુરુષને વારવો અસંભવ બની જાય. એમાં અઘોરીનાથ પણ અપવાદ કેમ હોય. 
‘તે બાઈ આશ્રમમાં નથી આવતી તો શું થયું, આપણે તેને ત્યાં જઈશું.’
‘હેં! પણ બાબાજી, બ્રિજ અહીં આવે છે.’
‘ભલે આવતો.’ અઘોરીનાથ ખંધું હસ્યા, ‘તેને ઘેન આપીને ઊંઘાડી દેજો. પછી તેની જ કારમાં નીકળીશું.’ 
આમ તો બલિ માટે જનાવર પકડવા કે પછી બાઈઓને ઉઠાવવા આશ્રમનો ટેમ્પો, જીપ પણ ખરાં. બાબાજીનો ચેલો સુંદર કાર-ટ્રક બધું ચલાવી જાણે છે એટલે મુંબઈ જવામાં અડચણ નથી. ત્યારે તો આજે રાતે લજ્જાનો ઉદ્ધાર થઈ જ જવાનો.
શું થવાનું હતું એની ગુરુ કે ચેલાને ક્યાં ખબર હતી?
lll
મુંબઈમાં ૩ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હતી. સવારથી ગોરંભાયેલું આકાશ બપોર થતાં વરસવા લાગ્યું અને સાંજે ઑફિસથી છૂટીને બ્રિજે નૅશનલ હાઇવે પકડ્યો ત્યારે આગામી ૨૪ કલાક માટેની રેડ અલર્ટ જાહેર થઈ ચૂકી હતી. 
lll
સમય : રાતે ૯. 
‘આઇ ઍમ લીવિંગ.’ 
મોહિતનો મેસેજ મળતાં આરાધના પળવાર આંખ મીંચી ગઈ. ખૂલી ત્યારે એમાં મક્કમતા હતી. 
હજી થોડી વાર પહેલાં જ મોહિતે નીલા સાથે ચૅટ કરી હતી : ડાર્લિંગ, આજે વરસાદ બહુ છે... લેટ્સ ડ્રૉપ ટુડે’ઝ પ્રોગ્રામ. 
પ્રોગ્રામ. આરાધનાનાં જડબાં તંગ થયાં : આડા સંબંધમાં આડે આવતી પત્નીની હત્યાનો પ્રોગ્રામ! 
બિચારાં નીલા-મોહિત જાણતાં જ નથી કે તેમનું અફેર હું જાણું છું અને મોહિતનો ફોન ક્લોન કર્યા પછી તેમની તમામ ગતિવિધિથી અપડેટ રહું છું. 
ખરેખર તો મોહિત ડિવૉર્સ નથી આપતો એટલે કંટાળેલી નીલાએ કૉન્ટ્રૅક્ટ કિલર હાયર કર્યો છે એ જાણીને પહેલાં તો મોહિત ભડકે છે, પણ નીલા ગાંઠતી નથી. બલ્કે તેમના સંવનનનું રેકૉર્ડિંગ ફરતું કરવાની ધમકી આપતાં મોહિતનું જોમ હણાઈ જાય છે, છૂટાછેડાની કે પછી ફિલ્મ ફરતી થવાની બદનામી કરતાં આરાધના રસ્તામાંથી આ રીતે હટતી હોય તો શું ખોટું! કિલરને ઘરફોડીનો દેખાવ સર્જવા કહ્યું છે. એકલી વ્યક્તિના ઘરમાં ધાડ પાડીને હત્યા કરવાના બનાવ બનતા રહે છે એટલે પોલીસ પણ ખૂનકેસમાં ગોથાં જ ખાતી રહેવાની એવું મોહિત-નીલા બેઉએ ધારી લીધું છે. હત્યા સમયે પોતે મુંબઈથી દૂર હોય તો સેફ રહે એવું માની બન્નેએ પુણેની કૉન્ફરન્સનું ગોઠવી કાઢ્યું છે.
જોકે રેડ અલર્ટને કારણે મોહિત પ્રોગ્રામ ડ્રૉપ કરવાનું સૂચવે છે જેના જવાબમાં નીલા લખે છે : સૉરી, આજનું મુરત કોઈ કાળે નહીં બદલાય.
તેમના મેસેજ જોતી આરાધનાએ દમ ભીડ્યો : યસ, આજનું મુરત મારે પણ ચૂકવું નથી. આઇ ઍમ ઑલ્સો પ્રિપેર્ડ. 
તેણે લૉબીમાં પડતી બારીમાંથી નજર ફેંકી. અહીં એક માળ પર બે ફ્લૅટ હતા. સામેના ફ્લૅટવાળા ફૉરેન રહે છે, પણ એની ચાવી મારી પાસે છે. આજે એ કામ લાગવાની. 
આરાધનાએ ઊંડો શ્વાસ લીધો : તમારો કિલર વરસાદની આજની રાતે મને મારવા ૪૦૧ના આપણા ફ્લૅટમાં આવશે ત્યારે હું સામેના ૪૦૨માં તેનો ઇન્તેજાર કરતી હોઈશ. 
લેટ ધ કિલર કમ. 
ત્યારે બહાર અંધારું ઘોર હતું અને વરસાદે તેજ રફતાર પકડી લીધી હતી. 
lll
ઘડીભર તે આયનામાં પોતાનું પ્રતિબિંબ નિહાળી રહ્યો. 
‘મારો આસુ કેલૈયા કુંવર જેવો રૂડોરૂપાળો છે!’ 
નાનો હતો ત્યારે મા કહેતી, કપાળે મેંશનું મોટું ટપકુંય કરતી. ત્યારે કોને ખબર હતી કે મોટો થયા પછી મારે મારા રૂપને જ વટાવવું પડશે? 
કૉલેજમાં આવ્યો ત્યારે મા તો રહી નહોતી અને પિતાની બીમારીના ઇલાજ માટે ક્યારે ‘ધંધે’ બેસી જવાયું એની ગત ન રહી. 
‘આશ્લેષબેટા, તું આ કેવી નોકરી કરે છે. ક્યારેક રાતભર ઘરે નથી આવતો ને ક્યારેક બપોરે ગાયબ રહે છે?’ 
હૉસ્પિટલના બિછાને પડેલા પપ્પા પૂછતા. તેમને ઓછું કહેવાય કે કસ્ટમર કહે એ ટાઇમે, એ જગ્યાએ મારે જવાનું હોય છે. 
‘પાર્ટ-ટાઇમ જૉબમાં આવું ચાલતું રહે પપ્પા.’
‘ઠીક ભાઈ, એ તું વધુ જાણે.’ 
મા-બાપને કેટલો ભરોસો હોય છે સંતાન પર! 
પપ્પા પછી ઉમેરતા, ‘જોકે તારે આખી જિંદગી નાનાં કામ નથી કરવાનાં હોં... ભણવામાં ધ્યાન આપજે, સરસ નોકરીધંધાની લાઇન પકડી લે એટલે તારાં લગન ગોઠવી કાઢીએ.’ 
લગ્ન. દેહની હાટડી માંડવાનું બન્યું ન હોત તો-તો કૉલેજમાં ભણતી અને આંખોને, અંતરને બહુ ગમી ગયેલી એક કન્યા જોડે જરૂર વાત આગળ વધારત... પણ હવે જે રસ્તે જવાનું જ નથી ત્યાં મીટ કેમ માંડવી. 
નહીં પાંગરેલું સમણું પોતે એટલી જ સહજતાથી સમેટી લીધું હતું. પપ્પા જોકે સાજા થયા નહીં. તેમની વિદાય બાદ સંસારમાં એકલો પડ્યા પછી ધંધામાંથી પાછા વળવાનું કારણ પણ ક્યાં રહ્યું? 
ખરું પૂછો તો એનો વસવસો પણ નથી. પાછલાં સાતેક વરસમાં ઠીક-ઠીક કમાયો છું, અંધેરીમાં ફ્લૅટ લીધો છે. શરીરને કસરતથી ચુસ્ત રાખું છું, કસ્ટમર્સને રીઝવવામાં કસર છોડતો નથી. એની સાથે નો ઇમોશનલ ઇન્વૉલ્વમેન્ટનો નિયમ ચુસ્તપણે પાળું છું... 
આમાં આજની વરસાદની રાત પણ અપવાદ નહીં હોય. 
અને કપડાં પર લાંબો કાળો રેઇનકોટ ચડાવીને તેણે ઘડિયાળ જોઈ : રાતે સાડાનવ. 
ઇટ્સ ટાઇમ ટુ મૂવ! તેણે ઍડ્રેસ ગોખ્યું : આશાનગર, ચોથા માળે, 
ફ્લૅટ-નંબર ૪૦૧. 
lll
અનિરુદ્ધે રિસ્ટવૉચ નિહાળી : રાતે ૧૦. 
હવે મારે નીકળવું જોઈએ.... વરસાદમાં ટૅક્સી પણ મળવી જોઈએને! 
અનિરુદ્ધે કાળો રેઇનકોટ ચડાવતાં સરનામું પાકું કર્યું : આશાનગરી, ચોથો માળ, ફ્લૅટ-નંબર ૪૦૧. 
lll
આશાનગર. આશાનગરી.
સરનામાનું સરખાપણું કોની કિસ્મતમાં કેવો વળાંક સર્જશે એની કોને ખબર હતી?
(ક્રમશઃ)

 


Whatsapp-channel Whatsapp-channel

12 August, 2026 09:37 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK