સ્મિત વેરતી રિયા અંદર પ્રવેશી. વૈભવે દરવાજો ખુલ્લો રાખ્યો એ ચોકસાઈ પર મનોમન મલકી તેણે વિચારી રાખેલો મુદ્દો છેડ્યો: ગઈ રાતે તમે વૉચમૅનને વઢ્યા એ સારું જ થયું.
ઇલસ્ટ્રેશન
દરવાજાના આઇ-હોલમાંથી ડિલિવરી બૉયને જોતાં રિયાની કીકીમાં ચમક ઊપસી : હાઉ હૅન્ડસમ હી ઇઝ!
મુંબઈના જાણીતા મીડિયા હાઉસ સાથે સંકળાયેલી રિયા વર્કોહોલિક હતી. નોકરીએ લાગ્યા પછી માતાપિતાથી અલગ સ્વતંત્ર રહેતી. ભારોભાર રૂપાળી પણ સફળતાનું ગુમાન ઓઢીને ફરનારી યુવતીથી પુરુષો પણ ધીરે-ધીરે આઘેરા રહેતા થઈ ગયેલા. રિયાએ પણ સ્વીકારી લીધું કે પોતે મૅરેજ માટે સર્જાઈ નથી. તેના વર્કોહોલિક નેચરને આમેય સોશ્યલ કમિટમેન્ટ્સ પરવડે એમ નહોતું. આખું વીક ઊંધું ઘાલીને કામ કરવાનું સાટુ વીક-એન્ડમાં એસ્કોર્ટ તેડાવી વાળી લેતી એમાં પોતે પુરુષને ખરીદી શકે છે એનો કેફ વધુ રહેતો.
ADVERTISEMENT
સ્ટાફના કામથી સંતુષ્ટ થવાનું રિયાના સ્વભાવમાં નહોતું એમ ભાગ્યે જ કોઈ એસ્કોર્ટથી તેને પરિતૃપ્તિ અનુભવાતી.
મને માત કરનારો એક જ મરદ ભટકાયો: શેખર!
આઠેક માસ પહેલાં પહેલી વાર તે અહીં આવ્યો ત્યારે થયું કે તેને હાયર કરવામાં થાપ ખાધી. માંડ પચીસેક વરસનો આ છોકરડા જેવો મને શું સુખ આપવાનો!
બટ માય-માય! ડ્રિન્ક-સેશન દરમ્યાન તે રંગમાં આવતો ગયો. તેના પહેલા ચુંબનમાં એટલો આવેશ હતો જાણે મને આખેઆખી ગળી જશે! વસ્ત્રોનાં આવરણ સરકતાં ગયાં અને પછી...
- રિયા અત્યારે પણ સિસકારી ઊઠી. ત્યાર પછી તો શેખરને કેટલી વાર માણ્યો. તેનેય મારી અપૉઇન્ટમેન્ટ ગમતી. અલબત્ત, આમાં કોઈ રીતનું ઇમોશનલ અટૅચમેન્ટ બેઉ પક્ષે નહોતું. જે કામ માટે ભેગાં થતાં એ બેઉને સરખું ગમતું એટલું જ.
- આજે તે તો આવી નહીં શકવાનો. કદાચ આજે આ ડિલિવરી બૉયને માણવાનું નિર્મિત હશે, બીજું શું? ગિગ વર્કરનો બહુ પગાર નથી હોતો, લલચામણી ટિપ આપીશ તો તે સૂવા તૈયાર થઈ જ જવાનો!
રિયાએ ગાઉનની પટ્ટી જરા સરકાવી દરવાજો ખોલ્યો, યસ!
‘ગુડ ઈ..વ નિં..ગ, મૅડમ.’ રાબેતા મુજબ સ્માઇલ આપી અભિવાદન કરતો ઔચિત્ય કસ્ટમરના દીદારે જરા થોથવાયો. મધરાતના સુમારે એકલી લાગતી યુવતી આમ અડધી ઉઘાડી થઈ દરવાજો ઉઘાડે એ અજુગતું લાગ્યું.
‘અંદર કિચનના ટેબલ પર મૂકી દો, પ્લીઝ.’ રિયાએ વિનંતીમાં
વજન મૂક્યું, ‘તમારી ટિપ પણ ત્યાં જ મૂકી છે.’
ઔચિત્ય ખચકાયો. મિસ રાજાણીના ઢંગ જોખમી લાગ્યા. પછી થયું, ડાઇનિંગ ટેબલ અહીંથી દેખાય છે, પાર્સલ મૂકીને નીકળતાં વાર નહીં લાગે. ખોટું કસ્ટમરને ફરિયાદનો મોકો શું કામ આપવો!
અને ટેબલ પર પીત્ઝાનું પાર્સલ મૂકી તે ઊલટો ફરે છે કે રિયા સરસો થઈ ગયો.
‘તને કોઈએ કહ્યું છે...’ તેના ATOના યુનિફૉર્મના ખિસ્સા પર ચોંટાડેલી તકતી પર નામ વાંચી રિયાએ હોઠ વંકાવ્યા, ‘ઔચિત્ય કે તું બહુ હૉટ છે...’
‘એક્સ્ક્યુઝ મી.’ ઔચિત્યએ ચહેરો આડો કર્યો.
‘ઉફ્ફ આ અદા!’ ઔચિત્યના શ્વાસની ગરમીથી રિયા સાચે જ દહેકવા લાગી, ‘આયેમ શ્યૉર તું વર્જિન છે!’
ઔચિત્યના કાનની બૂટ લાલ થઈ. રિયા ખંધું મલકી, ‘એક રાતમાં પાર્સલ ડિલિવર કરીને તું કેટલું કમાતો હોઈશ! પાર્સલને બદલે આજે ખુદને મને ડિલિવર કરી દે તો ન્યાલ કરી દઈશ!’
તે પગની પાની ઊંચકી ઔચિત્યના હોઠ સરસી થઈ કે ઔચિત્યએ ધક્કો માર્યો : લીવ મી!
રિયાએ માઠું ન લગાડ્યું, ‘બહુ તાકાત છે તારામાં... એને ક્યાં વાપરવા કહું છુ એ તો જરા જોઈ લે.’
કહેતાં તેણે ગાઉન સરકાવ્યું.
અને ઔચિત્યના મોંમાંથી નહીં ધારેલા શબ્દો નીકળી ગયા, ‘આટલી બેશરમ તો વેશ્યા પણ નથી હોતી.’
કહી રિયાને તેના શબ્દોની કળ વળે એ પહેલાં તો દરવાજો ખોલી સડસડાટ નીકળી પણ ગયો!
lll
હાઉ ડેર હી!
એ રાતને આજે મહિનો થવા છતાં રિયાથી ભુલાતું નથી. ઔચિત્યએ શબ્દોના બાણથી મને ઘાયલ કરી એનાથી વધુ અપમાનજનક એ હતું કે મારી નિરાવૃત કાયા જોઈને પણ તે પીગળ્યો નહીં! કોઈ પણ રૂપગર્વિતા માટે એ અસહ્ય હોવાનું.
વીકડેઝમાં તો રિયા કામમાં ખૂંપી જતી, પણ શનિવારની રાત ચડે કે દિમાગ પર ઔચિત્ય સવાર થઈ જાય. રાત ગાળવા આવતા શેખરથી એ છૂપું નહોતું. તેને રિયાના અપમાનની કન્સર્ન હોય એવું નહીં, પણ રિયા જેવી રૂપાળી યુવતીને નકારનારો જુવાન તેની સમજ બહાર હતો. પોતે નિતનવું જોબન માણવા મળે એટલા પૂરતો એસ્કોર્ટ થયો ને ઔચિત્યએ ઝોળીમાં આવેલા જોબનને નકાર્યું એ વિરોધાભાસ તેને રિવેન્જમાં સાથ આપવા પ્રેરતો હતો.
એટલે તો તેણે ઔચિત્યની ભાળ પણ કઢાવી: ભાયખલાની ભાડાની ખોલીમાં રહે છે. PhDમાં અટવાયો છે. ATOની રાતપાળીમાં આપણા એરિયામાં તેની જ ડ્યુટી હોય છે. તું કહે તો ઑર્ડરને બહાને તેને અવાવરુ જગ્યાએ તેડાવી એવો ઘા કરાવું કે તે પુરુષમાં જ ન રહે!
પણ રિયાને એ રુચતું નથી : ઔચિત્ય પુરુષત્વ ગુમાવે એના કરતાં થવું તો એવું જોઈએ કે ખાનગીમાં મારું અપમાન કરનારની આબરૂ જાહેરમાં ઉછળવી જોઈએ! તેના જેવા ગરીબ લોકો પોતાની વૅલ્યુ-સિસ્ટમ પર બહુ મુસ્તાક હોય છે, એના પર ઘા થવો જોઈએ. યસ!
બટ હાઉ?
બસ, આ સૂઝતું નથી.
ત્યાં...
‘મફતનો પગાર લે છે!’
અત્યારે શનિવારની રાતે બહારથી રાડ સંભળાતાં રિયાએ લમણાં દબાવ્યાં : નો, નૉટ અગેઇન!
શેખર હસ્યો : લે, તારી ઉપરવાળો લંડનથી આવી ગયો લાગે છે!
વૈભવ ટંડેલ. દમણનો લિકર કિંગ બહુ શૉર્ટ ટેમ્પર્ડ છે. અધરવાઇઝ માણસ કૅરૅક્ટરનો સાફ છે, ચોથા માળની તેની રૂમ પર કોઈ અણગમતી અવરજવર જોઈ નથી. પણ તેના સ્વભાવને કારણે બિલ્ડિંગમાં બધા તેનાથી આઘેરા રહે છે. તેની બિચારી બૈરી પણ બિલ્ડિંગવાળાથી અળગી રહે છે!
રિયાને ખ્યાલ હતો કે વૈભવને જજ કરનારા મારા ઘરે વીક-એન્ડમાં આવતા પુરુષો વિશે મારા ચારિત્રની પણ કૂથલી કરતા જ હશે, બટ હૂ કૅર્સ!
વૈભવને પણ બીજાની ક્યાં પડી છે? જુઓને, અત્યારે પણ કોઈ વાતે વૉચમૅનને કેવો ઝૂડી રહ્યો છે! ધૅટ ઔચિત્ય જો આવાના સપાટામાં આવી જાય તો જબરો ધજાગરો થાય!
વીજળીની જેમ ઝબકી ગયેલા આ વિચારે રિયાને એવી ઉત્તેજિત કરી મૂકી કે શેખરની સીટી સરી ગઈ.
lll
‘હાય!’
ડિલિવરી બૉય ઔચિત્યનું વેર વાળવામાં વૈભવને હાથો બનાવવાનું ગઈ રાતે સ્ફુર્યા પછી રવિવારની બીજી સવારે રિયાએ તેના ઘરની ડોરબેલ રણકાવી.
શેખર પરોઢિયે માંડ જંપ્યો હતો એટલે પોતાને પણ રાતનો ઉજાગરો હોવા છતાં આ મેળ વધુ જરૂરી હતો.
દરવાજો ખોલતાં વૈભવના ચહેરા પર અચરજ છવાયું.
‘હું રિયા, થર્ડ ફ્લોર.’
તેણે ઘરમાં નજર ફેંકી એટલે વૈભવે દરવાજેથી હટવું પડ્યું, ‘આવો.’
સ્મિત વેરતી રિયા અંદર પ્રવેશી. વૈભવે દરવાજો ખુલ્લો રાખ્યો એ ચોકસાઈ પર મનોમન મલકી તેણે વિચારી રાખેલો મુદ્દો છેડ્યો: ગઈ રાતે તમે વૉચમૅનને વઢ્યા એ સારું જ થયું. બિલ્ડિંગમાં બધા તેનાથી ત્રાસ્યા છે પણ કોઈથી આમ બોલાતું નથી. આપણે એક મીટિંગ બોલાવી આનો ફેંસલો આણી દઈએ તો?
lll
‘વિચારું છું લજ્જા, રાતપાળીવાળી જૉબ છોડી દઉં.’
રવિવારની રજાના દિવસે મૂવી જોઈ ગેટવે ઑફ ઇન્ડિયાની પાળે ગોઠવાયેલા ઔચિત્યએ ગંભીરપણે કહ્યું.
લજ્જાએ તેનો હાથ હાથમાં લઈ પંપાળ્યો. ઔચિત્યનું મનોમંથન તેને સમજાતું હતું.
પહેલી વાર ઔચિત્ય ડિલિવરી બૉય તરીકે ઘરે આવ્યો ત્યારે પાર્સલ લેવા આવેલી પોતે સહેજ ડઘાયેલી, પિતાએ અંદરથી સાદ પાડ્યો હતો: તેને ટિપ આપજે!
આ છે આપણી વચ્ચેનો ભેદ! એમ જતાવતું હસી ઔચિત્યએ પીઠ ફેરવી બે ડગલાં ભર્યાં કે...
લજ્જએ દોડી તેનો હાથ પકડ્યો, ઘરમાં લઈ ગઈ : મમ્મી-પપ્પા, આ છે મારા મિત્ર ઔચિત્ય.
‘ઓ..હ!’ મહેમાનોની હાજરીમાં દીકરી ડિલિવરી બૉયને મિત્ર તરીકે ઓળખાવે એનો આંચકો બહુ ઝડપભેર પચાવી કિશોરભાઈએ આવકારનું સ્મિત આપ્યું, છોકરો સ્કૉલર છે અને PhD કરે છે જાણી પછી તો દેવયાનીબહેન પણ પોરસાયાં.
લજ્જાના પગલે અને તેના પેરન્ટ્સના પ્રત્યાઘાતે ઔચિત્ય હજી ડઘાયેલો હતો.
‘તારા માવતરને ચોક્કસપણે તારા માટે ગર્વ હશે.’ કિશોરભાઈએ દીકરીને નિહાળી લઈ ઔચિત્યને કહ્યું, ‘ક્યારેય કોઈ પણ જરૂર પડે તો આ ઘરના દરવાજા તારા માટે ખુલ્લા જાણજે અને તારા સ્વમાનને હાનિ નહીં પહોંચે એટલો વિશ્વાસ રાખજે.’
‘જાણો છો ઔચિત્ય, ત્યાર પછી પપ્પા-મમ્મી ઘણી વાર તમારી પૂછપરછ કરે છે. કદાચ તેઓ સમજી ગયાં છે કે હું તમને પ્રેમ કરું છું...’
અત્યારે, આ કહેતાં લજ્જા સહેજ લજાઈ, ‘અને તોય વારતાં નથી એનો અર્થ એ કે તમારી લાયકાતમાં તેમને શંકા નથી.’
આમાં મહિના-દોઢ મહિના અગાઉ ઔચિત્યએ ધૅટ રિયા રાજાણીના રૂપજોબનને ઠોકર મારી એ ઘટના મહોર સમી છે. અલબત્ત, રિયાની પ્રતિક્રિયાની ધાસ્તી હતી પણ આટલા દિવસોમાં કશું બન્યું નથી એ જોતાં તેણે પણ ઘટના વિસારે પાડી હશે. હાસ્તો, પોતાનું અપમાન જાહેર કરવાની કોણ હિંમત કરે!
અને છતાં એ ઘટનાને કારણે ઔચિત્યએ રાતપાળીની નોકરી છોડવાનું નક્કી કરી નાખ્યું હોય તો હું તો તેમના કોઈ પણ ફેંસલામાં સાથે છું જ.
‘ડિલિવરી બૉય તરીકે મને કેવા-કેવા અનુભવો થયા, પણ હવે બસ. આવતા મહિના સુધીમાં બીજું કંઈ કામ શોધી લઉં કે આ નોકરી ખતમ.’
એ પહેલાં શું થવાનું છે એની જોકે ઔચિત્ય-લજ્જાને ક્યાં ખબર હતી?
***
‘વધુ એક વાર લંડનની વિઝિટ અને મુંબઈનાં કામ પતાવી વૈભવ આવતી કાલે દમણ આવી જવાનો, પણ તેને મારવાનો તારો પ્લાન બન્યો નહીં.’
રહેમતથી રિસાઈ હોય એમ શર્વરી જરા અળગી થઈ.
રહેમતે તેને નજીક ખેંચી, ‘પ્લાન બની ગયો છે, રાણી! આવતા પખવાડિયે વૈભવ ફરી લંડન જવાનો છે. બુધવારની તેની ફ્લાઇટ છે એટલે મંગળવારની રાતે તે મુંબઈ પહોંચશે. બસ, એ તેની આખરી રાત હશે!’
શર્વરીનું હૈયું ધડકી ગયું, ‘પણ કઈ રીતે?’
‘મેં બધું ગોઠવી દીધું છે. તું એટલું જાણ કે એક ડિલિવરી બૉય આપણું કામ પતાવી આપશે!’
ડિલિવરી બૉય!
‘આ વાંચ.’
રહેમતે મોબાઇલમાં ‘મિડ-ડે’ની ન્યુઝ આઇટમ વંચાવી: બહેનને જગાડવા દૂર રહેતા ભાઈએ ડિલિવરી ઍપની મદદ લીધી!
‘સમાચાર હવે તો જૂના છે પણ જો કોઈ ડિલિવરી બૉય પુણ્યનું કામ કરી શકતો હોય તો ખૂન જેવું પાપ પણ કેમ ન કરે!’ રહેમતે મોઘમ કહ્યું.
બીજા સંજોગોમાં આવી સરખામણી વાહિયાત લાગી હોત, પણ જો એનાથી વૈભવની વિકેટ ખરતી હોય તો મારે તો એ ફાયદો જ જોવાનો હોયને!
lll
‘બાય!’
મંગળની બપોરે મુંબઈ જવા નીકળતા વૈભવને વિદાય આપતાં શર્વરીનું હૈયું કંપ્યું : વૈભવને અણસાર પણ નહીં હોય કે હવે ફરી તે ક્યારેય ઘરે આવવાનો નહીં, કાલની સવાર જોઈ શકવાનો નહીં!
રહેમતે અલબત્ત, તેના પ્લાન વિશે વધુ ફોડ પાડ્યો નથી પણ એ સિવાયની ચર્ચા થઈ છે:
‘વૈભવના મર્ડર પછી શું? તેના મોતથી પહેલો ફાયદો બેનિફિશિયર તરીકે મને થવાનો હોય તો પોલીસની શંકાની તલવાર મારા પર નહીં વીંઝાય?’
‘એ તો ઑબ્વિયસ છે, પણ મર્ડર ગોઠવવામાં તું ક્યાંય છે જ નહીં અને આપણો સંબંધ ગોપનીય છે એટલે પોલિસ કોઈ મોટિવ ખોળી નહીં શકે. છેવટે તુંડમિજાજી આદમીના ઘણા દુશ્મન હોવાના ધારીને વરસેકમાં ફાઇલ બંધ કર્યા સિવાય બીજું કંઈ થવાનું નથી.’
કહી રહેમતે ઉમેરેલું, ‘ત્યાર પછી આપણે નિકાહ કરી લઈશું. ફૅક્ટરી તું મારા નામે કરી દેજે. આખરે ધંધો તો મારે જ સંભાળવાનો છે. બીજી પ્રૉપર્ટી તારા નામે જ રહેશે. ખાધું, પીધું ને રાજ કીધું!’
રહેમતના શબ્દો સંભારી અત્યારે શર્વરીએ ફિંગર્સ ક્રૉસ કરી : હવે તો આવું જ થજો!
(ક્રમશઃ)
