Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > ઑફિસના કામથી બ્રેક લઈને વેકેશન મોડ આવતાં જ બેડ-રેસ્ટ લેવો પડે છે?

ઑફિસના કામથી બ્રેક લઈને વેકેશન મોડ આવતાં જ બેડ-રેસ્ટ લેવો પડે છે?

Published : 25 February, 2026 01:50 PM | IST | Mumbai
Kajal Rampariya | feedbackgmd@mid-day.com

આ પૅટર્નને સમજીએ અને એની પાછળનું અસલી કારણ જાણીએ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વિચારો કે તમે માંડ-માંડ રજાઓ મંજૂર કરાવી, હોટેલનું બુકિંગ કરાવ્યું અને જેવી બૅગ પૅક કરીને નીકળવાની તૈયારી કરી ત્યાં જ શરીરે બ્રેક મારી દીધી. ઑફિસના ACમાં માથું ક્યારેય નહોતું દુખ્યું એ વેકેશનમાં અસહ્ય દુખાવો કેમ આપે છે? ઘણા લોકો માને છે કે મારું નસીબ જ ખરાબ છે કે છુટ્ટીમાં પણ મને શાંતિ નથી મળી રહી, પણ હ​કીકતમાં આ તમારા મગજની એક ખાસ પૅટર્ન છે. આ પૅટર્નને સમજીએ અને એની પાછળનું અસલી કારણ જાણીએ...

આખું વીક બૅક-ટુ-બૅક મીટિંગ્સ, ટાર્ગેટ અચીવ કરવા માટે ડેડલાઇનનું પ્રેશર... આ બધા પછી તમે થાક ઉતારવા લૉન્ગ વીક-એન્ડ કે વેકેશનનું પ્લાનિંગ કર્યું હોય, પણ જેવો વેકેશન પર જવાનો સમય આવે ત્યારે અચાનક તાવ આવી જાય, પેટ ખરાબ થાય, માથાનો ભયંકર દુખાવો થાય, આખા શરીરમાં કળતર થવા લાગે. પછી એ વેકેશન મોડ અનિચ્છાએ બેડ-રેસ્ટ મોડ બની જાય છે. આ સિચુએશન સાથે આજના સમયમાં મોટા ભાગના લોકો રિલેટ કરી શકે છે. આવી સિચુએશનને સાઇકોલૉજિકલ ભાષામાં લીઝર સિકનેસ કહેવાય. લીઝર સિકનેસ એટલે ઑફિસમાં ગમે તેટલું કામ હોય તો શરીર સાથ આપે છે, પણ જેવું તમે રિલૅક્સ થવાનું નક્કી કરો ત્યારે શરીર થાક અનુભવે અથવા તબિયત લથડે છે. આવી સ્થિતિમાં વ્યક્તિ આવે કઈ રીતે છે અને એનાથી ઓવરકમ કઈ રીતે કરી શકાય આ બન્ને પાસાંઓ વિશે એક્સપર્ટ પાસેથી જાણીએ.



રેસ્ટ મોડ કેમ નથી ગમતો?


વર્કોહોલિક લોકોને રેસ્ટ શા માટે નથી ગમતો એ સિચુએશનને ડીકોડ કરતાં અનુભવી સાઇકોલૉજિસ્ટ મહિમા કોઠારી જણાવે છે, ‘જ્યારે તમે કૉન્સ્ટન્ટ્લી વર્કિંગ છો અને મહેનતથી આગળ આવવા પૂરતા એફર્ટ્સ નાખો છો, દરરોજ તમે આખો-આખો દિવસ થાક્યા વગર કામ કરો છો ત્યારે બૉડી પર સ્ટ્રેન તો આવે છે, જ્યાં સુધી તમે કામમાં હો ત્યાં સુધી તમે બીમાર પડતા નથી. જે લોકો સતત કામ કરવા ટેવાયેલા હોય છે અથવા જેમનો સ્વભાવ જ વર્કોહોલિક હોય તેમનું મન આરામને સ્વીકારી શકતું નથી. અઠવાડિયામાં આવતો આ ચેન્જ માઇન્ડ સ્વીકારી શકતું નથી. સાઇકોલૉજિકલ ભાષામાં કહું તો જે સમયે કામ કરવાનું બંધ કરીને રિલૅક્સ મોડમાં આવીએ છીએ ત્યારે આ હૉર્મોન્સનું સ્તર અચાનક ઘટી જાય છે. કામના ઉત્સાહમાં નાના-મોટા દુખાવા કે થાકને અવગણતા હોઈએ છીએ. જેવી રજા મળે, મન શાંત થાય ત્યારે શરીર દબાયેલાં લક્ષણોને બહાર લાવે છે. રજા દરમિયાન ખાવા-પીવાની અનિયમિતતા, ઊંઘમાં ફેરફાર અથવા વધુપડતી મુસાફરી પણ શરીરને બીમાર કરી શકે છે.’

કેવા લોકો શિકાર બને છે?


લીઝર સિકનેસ એવા લોકોને થાય છે જે અત્યંત મહત્ત્વાકાંક્ષી છે એમ જણાવતાં મહિમા કહે છે, ‘જેમને હરીફાઈમાં રહેવું અને લોકો કરતાં આગળ વધવું ગમે છે અથવા સતત કંઈક ને કંઈક અચીવ કરવું ગમે છે. જે લોકો વર્કોહોલિક હોય છે તેમને રજાના દિવસે કામ વગર ચેન પડતું નથી તે પણ આ સમસ્યાનો સામનો કરે છે. આ ઉપરાંત જે લોકો કામ અને પર્સનલ લાઇફ વચ્ચેની બાઉન્ડરી સેટ કરી શકતા નથી અને વેકેશન્સ કે રજામાં પણ ઑફિસના કામમાં ડૂબેલા રહે છે તેમને લીઝર સિકનેસ થવાની શક્યતા અનેકગણી વધી જાય છે. આમાં ડિફેન્સ મેકૅનિઝમ પણ કામ કરે છે. જ્યારે કોઈ ચીજથી ભાગવાનું મન થાય ત્યારે મન બીજી પ્રવૃતિમાં પરોવાઈ જાય છે. જેમ કે કોઈનું બ્રેકઅપ થયું હોય અથવા ઘરના સભ્યો સાથે બોલાચાલી થઈ હોય તો એ ચીજ માનસિક પીડા આપે છે. એને અવૉઇડ કરવા માટે બીજી પ્રવૃત્તિમાં એન્ગેજ રહેવા માટે છે. તેથી ઘણી વાર વ્યક્તિ વર્કોહોલિક બની જાય છે. તેને એવું લાગે છે કે કામ કરવાથી જ ઘરમાં, ફ્રેન્ડસર્કલમાં મારી વૅલ્યુ થશે. હકીકતમાં આ તમારા માટે રેડ સિગ્નલ છે. એ સૂચવે છે કે તમે રોજિંદા જીવનમાં સ્ટ્રેસને સાવ અવગણી રહ્યા છો. જ્યારે માનસિક થાક એટલો વધી જાય છે કે માઇન્ડ એને સહન ન કરી શકે એટલે જ્યારે શરીર રેસ્ટ મોડ પર જાય એટલે કે રજા પર જાઓ ત્યારે વીકનેસ લાગે છે. એમાંય મુખ્યત્વે માથાનો દુખાવો, શરીરનો દુખાવો, થાક લાગવો, ફ્લુ, પાચનમાં ગરબડ, ઍન્ગ્ઝાયટી કે બેચેની થવી જેવાં લક્ષણો દેખાઈ શકે છે. આમાં પોતાની લાઇફ એન્જૉય નથી થતી.’

આમાંથી બહાર કેવી રીતે આવવું?

આ ચક્રમાંથી બહાર આવવા અમુક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે એમ જણાવતાં મહિમા કહે છે, ‘સતત કામમાંથી આપણે પોતાની જાતને ઑફિસ અવર્સ બાદ પણ સ્વિચ ઑફ કરી શકતા નથી. અઠવાડિયા કે મહિનાઓના સતત કામ બાદ શરીર રેસ્ટ મોડમાં સારી રીતે જઈ શકે એવું હકીકતમાં થતું નથી. ઘરમાં બેઠા ઑફિસના કામના વિચારો આવે, ફ્રેન્ડ્સ સાથે હો ત્યારે પણ મીટિંગમાં સરે કીધેલી ચીજો યાદ આવે, ટ્રાવેલિંગ દર​મિયાન ટાર્ગેટ પૂરું કરવાનું પ્રેશર આવે એટલું જ નહીં, સપનામાં પણ કામ જ દેખાયા કરે. એનો અર્થ છે કે તમારું મગજ શટડાઉન જ નથી થતું, તમે ત્યાં જ પરોવાયેલા છો. તમે ઑફિસ સિવાયની પર્સનલ અને સોશ્યલ લાઇફને ઇગ્નૉર કરો છો તો તમે કામમાંથી ક્યારેય  સ્વિચ ઑફ નહીં કરી શકો. માઇન્ડને કામમાંથી સ્વિચ ઑફ કરવા માટે એવરીડે પ્રૅક્ટિસ જોઈએ. જ્યારે તમે ઑફિસમાંથી લૉગઆઉટ કરો છો ત્યારે તમે તમારા માઇન્ડને કહો કે નવ કલાક સુધી મેં મારો કર્મયોગ કરી લીધો છે. ઑફિસમાં મેં મારા પદની જવાબદારી બહુ સારી રીતે ભજવી છે, હવે બચેલો સમય મારા માટે છે. મારા પરિવાર અને ફ્રેન્ડ્સ માટે છે. અને એ પણ મારા માટે એટલા જ ઇમ્પોર્ટન્ટ છે જેટલું ઑફિસનું કામ. હું તેમની સાથે ટાઇમ સ્પેન્ડ કરું છું એનો અર્થ એ નથી કે હું ટાઇમપાસ કરું છું. મારા જીવનનાં બીજાં પણ મહત્ત્વનાં પાસાં છે જેમના પર ધ્યાન આપવાની જરૂર છે. જો આ વલણ રાખશો તો તમે આવી સિચુએશનમાંથી ઓવરકમ કરી શકશો. દરરોજ પાંચથી ૧૦ ​મિનિટ કાઢીને જાતને સવાલ પૂછો કે કેમ મારું કામ જ મારું અસ્તિત્વ બની ગયું છે? કેમ એનાથી મને ખુશી મળે છે અને બીજી ચીજોથી નહીં? હું શું કામ પોતાને જજ કરું છું? આ સવાલોમાં જ તમને તમારો જવાબ મળી જશે.’

નર્વસ સિસ્ટમને ટ્રેઇન કરો

ઍક્સેસ વર્કલોડને કારણે લૉન્ગ વીક-એન્ડ અથવા કામ માટે થોડા દિવસનો બ્રેક લઈ શકાય, પણ એ કાયમી ઉકેલ નથી. આ માટે નર્વસ સિસ્ટમને ટ્રેઇન કરવાની અને લાઇફસ્ટાઇલમાં કેટલાક બદલાવ લાવવાની જરૂર છે એમ જણાવતાં મહિમા જણાવે છે, ‘વારંવાર બ્રેક લેવો તમારી કરીઅર માટે હાનિકારક સાબિત થઈ શકે છે. જ્યારે આપણે કામના સ્ટ્રેસમાં હોઈએ ત્યારે આજુબાજુની દુનિયાની કોઈ ખબર હોતી નથી, પણ જ્યારે આપણે એમાંથી નવરા પડીએ તો શરીરને શાંતિ કોરી ખાય છે અને સતત બેચેની લાગે છે. આ ચક્રમાંથી બહાર આવવા માટે કેટલીક હૅબિટ્સ મદદ કરી શકે છે. સૌથી પહેલાં તમે પોતાના માટે થોડો સમય કાઢો. તમારા જૉબ રોલથી ઑપોઝિટ વસ્તુ કરવી જોઈએ. જો તમારી ડેસ્ક જૉબ હોય તો જૉબમાંથી છૂટ્યા બાદ ડિજિટલ ડીટૉક્સ કરો. મોબાઇલ સ્ક્રૉલિંગથી દૂર રહો. સૉફ્ટ મ્યુઝિક સાંભળો. કોઈ ફ્રેન્ડના ઘરે જઈને તેમની સાથે વાતો કરો. જો તમે માર્કેટિંગ ફીલ્ડના હો તો દરરોજ અલગ-અલગ લોકો સાથે ઇન્ટરૅક્શન કરવું પડે છે અને નવી-નવી ચીજો તમારા માઇન્ડને મળે છે. આવી જૉબ હોય તો રોજ રાતે વૉક પર જવાનું પસંદ કરો, બ્રીધિંગ એક્સરસાઇઝ કે મેડિટેશન કરો. આ ઍક્ટિવિટી તમારા મગજને શાંત કરશે. આથી માઇન્ડને ખબર પડશે કે આરામ કરવો એ ગુનો નથી. જે પ્રવૃતિ તમને ગમે અને તમને ખુશી આપે એ કરો. જો તમે કહો છો કે ઑફિસના કામ સિવાય મને બીજું કોઈ કામ નથી આવડતું. આવી સિચુએશનમાં સૌથી પહેલાં આઇડેન્ટિફાય કરો કે ઑફિસની બહાર નીકળ્યા બાદ હું કોણ છું, મને શું કરવાથી ખુશી મળે છે, જો તમને મદદ કરવી ગમે છે તો NGO સાથે જોડાઈ જાઓ. મ્યુઝિક સાંભળવું ગમે છે તો એ કરો, ડાન્સ ગમે છે તો ડાન્સ ક્લાસ જૉઇન કરો, પણ પોતાને જે ગમે છે એ કરી તમારી ફિઝિકલ અને મેન્ટલ હેલ્થને સારી રાખવી બહુ જરૂરી છે.’

આ પૉઝિટિવ ચેન્જ જરૂરી છે

આખા દિવસ દરમિયાન એકધારું કામ કરવાને બદલે દર દોઢ કલાકે પાંચ મિનિટનો બ્રેક લેવો. આવા માઇક્રો બ્રેક્સ તમારા માઇન્ડને સતત સ્ટ્રેસમાંથી થોડું રિલૅક્સ થવાનો સમય આપશે.

કામ પતાવીને ઘરે આવ્યા બાદ ઑફિસના ઈ-મેઇલ્સ કે મેસેજ ચેક કરવાનું બંધ કરો. આ કામ ઑફિસમાં જ કરવું. આ રીતે પ્રોફેશનલ અને પર્સનલ લાઇફ વચ્ચે બાઉન્ડરીઝ સેટ કરતાં શીખો.

ના કહેતાં શીખવું માનસિક સ્વાસ્થ્ય માટે જરૂરી છે.

જ્યારે તમે ઘરે હો ત્યારે આરામ એટલે માત્ર સોફા પર પડ્યા રહેવું એવું નથી. ચાલવા જવું, પેઇન્ટિંગ કરવું કે રસોઈ બનાવવી જેવી પ્રવૃત્તિઓ મનને શાંત કરે છે.

જ્યારે તમે નવરા હો અને બેચેની લાગે ત્યારે બૉક્સ બ્રીધિંગ એટલે ૪ સેકન્ડ શ્વાસ લેવો, ૪ સેકન્ડ રોકવો, ૪ સેકન્ડ બહાર કાઢવો. આ તમારી નર્વસ સિસ્ટમને ઇન્સ્ટન્ટ શાંત કરે છે.

ઘરે બેઠાં પણ કામનું સ્ટ્રેસ આવતું હોય તો ઘાસ પર ચાલો. આનાથી શરીરનું સ્ટ્રેસ-લેવલ કુદરતી રીતે ઘટે છે.

જ્યારે તમે નવરા હો ત્યારે ઑફિસમાં કામ કરવાની ઍન્ગ્ઝાયટી થાય ત્યારે તમે તમારા માઇન્ડને કહો કે અત્યારે મારે કંઈ જ કરવાની જરૂર નથી, હું ખુશ છું અને સેફ છું.

આ સાથે મેન્ટાલિટીને પણ થોડી ચેન્જ કરો. વ્યક્તિ મશીન નથી. આરામ કરવો એ સમયનો બગાડ નથી, પણ એનર્જી મેળવવાની પ્રક્રિયા છે. જો તમે થાકી ગયા હો તો છોડી દેવાને બદલે આરામ કરતાં શીખો.

Whatsapp-channel Whatsapp-channel

25 February, 2026 01:50 PM IST | Mumbai | Kajal Rampariya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK