Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ડિલિવરી બૉય - મહાનગરની એક મધરાતે (પ્રકરણ ૪)

ડિલિવરી બૉય - મહાનગરની એક મધરાતે (પ્રકરણ ૪)

Published : 26 February, 2026 11:20 AM | IST | Mumbai
Samit (Purvesh) Shroff

ફૂડ-આઇટમનું પાર્સલ મળ્યું નહોતું. એટલે કે ડિલિવરી બૉય બનાવટી હતો. તેણે ડોરબેલ રણકાવી નહોતી મતલબ તેને પણ મેઇન ડોરનો લૉક-કોડ માલૂમ હતો. સો ટકા તે જ વૈભવના ગળે છૂરી હુલાવી દરવાજો ખુલ્લો મૂકી સરકી ગયો!

ઇલસ્ટ્રેશન

વાતૉ-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


મંગળવારની મોડી સાંજે ટૅક્સીમાંથી ઊતરી દાદર તરફ વળતા વૈભવને બાલ્કનીમાંથી નિહાળી રિયાએ ઊંડો શ્વાસ લીધો.

ખરેખર તો લાસ્ટ ટાઇમ લંડનથી રિટર્ન થયેલો વૈભવ ત્રણ દિવસ મુંબઈ રોકાયો હતો ને વૉચમૅનની છટણીને નિમિત્ત બનાવી પોતે તેના રોકાણ દરમ્યાન બેચાર વાર મળી ઘણું કંઈક જાણી રાખ્યું હતું.



વૈભવ પાછો આજે આવવાનો છે, કાલે સવારની લંડનની ફ્લાઇટ છે એ પણ માલૂમ હતું. વૉચમૅનની મૅટર જાણીને લટકતી જ રાખી હતી જેથી ઔચિત્ય ફસાય ત્યાં સુધી વૈભવને મળવાનું બહાનું રહે...


ધાર્યા પ્રમાણે વૈભવ આજે આવી જ ગયો છે તો કાલની રાહ શું કામ જોવી? મારી પૂરી તૈયારી છે, કરો કંકુના!

lll


અને મંગળવારની મધરાતે ઔચિત્યને બુકિંગ મળ્યું. 

ડીટેલ જોતાં તેના કપાળે કરચલી ઊપસી : આ તો પેલી રિયા રાજાણીવાળું જ બિલ્ડિંગ! બુકિંગ શર્વરી ટંડેલના નામે છે અને કેકનું પાર્સલ ચોથા માળે વૈભવ ટંડેલને પહોંચાડવાનું છે. મતલબ રિયાના ઉપલા માળે!

ત્યાં તેનો ફોન રણક્યો:

‘હાય, ધિસ ઇઝ શર્વરી. ATOના કન્ફર્મેશન મેસેજમાં તમારો નંબર આવ્યો. આઇ જસ્ટ બુક્ડ.’

‘યા...’ ઔચિત્યએ એટલું નોટિસ કર્યું કે અવાજ તો રિયાનો લાગતો નથી. નંબર પણ જુદો છે.

‘આઇ નીડ યૉર હેલ્પ. આજે મારા હસબન્ડનો બર્થ-ડે છે. હું દમણ છું, પણ મારા વતી તમે કેક પહોંચાડી તેમને સરપ્રાઇઝ આપી શકશો? ના, તમારે ડોરબેલ રણકાવવાની નથી. અમારા ફ્લૅટ પર ન્યુમરિક લૉક છે અને કોડ છે ડબલ વન ઝીરો નાઇન ડબલ વન! તમે ચુપકેથી દાખલ થજો, મને વિડિયો-કૉલ કરજો, કૉલ ચાલુ રાખી વૈભવને ઉઠાડજો, તે ઊઠે કે કેક અને કૅમેરા તેની સામે ધરજો, હી વિલ બી ઇન હેવન આઇ ટેલ યુ! બોલો, વૈભવનો બર્થ-ડે યાદગાર કરવા મારી આટલી હેલ્પ કરશોને, પ્લી...ઝ?’

ત્યારે ઔચિત્યથી હસી જવાયું : શ્યૉર, મૅડમ. કેક લઈ અડધો કલાકમાં પહોંચ્યો.

lll

અને સામા છેડે કૉલ કટ કરતી રિયા ખંધાઈભર્યું મલકી.

હવે શું થશે એ દૃશ્ય તેની સમક્ષ ઊપસવા લાગ્યું :

મેં આપેલા કોડથી મુખ્ય દરવાજો ખોલી ઔચિત્ય અંદર પ્રવેશતાં ‘શર્વરી’ને કૉલ કરશે જે હું રિસીવ નહીં કરું, બલકે મારા ફોનથી વૈભવને રિંગ કરી જગાડીશ કે હું પાણી પીવા ઊઠી’તી ને બહાર કશો સંચાર સંભળાતાં આઇ-હોલમાંથી ડોકિયું કર્યું તો કોઈ ઓળો તમારા માળે જતો જોયો. પ્લીઝ ચેક, તમારું મેઇન ડોર તો બંધ છેને!

અને વૈભવ રૂમની બહાર નીકળતાં જ ઔચિત્યને જોઈ ભડકવાનો. તેને ચોર માની તૂટી પડવાનો. આજે મારો બર્થ-ડે નથી પછી મારી બૈરી કેક શાની મોકલે, યુ ફ્રૉડ!

હો-હામાં બિલ્ડિંગ જાગી જશે, દરમ્યાન ‘શર્વરી’વાળા સિમ-કાર્ડનો નાશ કરી ફ્લશમાં વહાવી હું આખા તમાશાનો વિડિયો ઉતારી સોશ્યલ મીડિયામાં વાઇરલ કરી દઈશ. વૈભવ પોલીસ-ફરિયાદ કર્યા વિના નહીં રહે, પછી ઔચિત્યનું PhD પણ સસ્પેન્ડ ન થાય તો કહેજો! 

નાઓ ધિસ ઇઝ કોલ્ડ રિવેન્જ!

lll

‘નો વરી, લજ્જા. હું કેક પહોંચાડીને આવી જઈશ. ના, શર્વરીએ ભલે કહ્યું, હું જાતે મુખ્ય દરવાજો નહીં જ ખોલું, ડોરબેલ વગાડી વૈભવ સરને જગાડીને જ શર્વરીને કૉલ જોડીશ...’

લજ્જાને ઍશ્યૉર કરવાના બહાને ખુદને ધરપત આપી ઔચિત્યએ કૉલ કટ કર્યો ને બાઇક ભગાવી. 

lll

કાંડા-ઘડિયાળમાં સમય જોઈ હૉલમાં આંટા મારતી રિયા થોડી-થોડી વારે આઇ-હોલમાંથી જોઈ લેતી : ઔચિત્ય આવી તો નથી ગયોને! તે વૈભવના ઘરમાં પ્રવેશે અને વૈભવને ઉઠાડે ઇન બિટ્વીન મારે વૈભવને જગાડી દેવાનો છે, નહીંતર ફિયાસ્કો થઈ જાય. નૅચરલી, કેક લાવી પોતાને જગાડનારો ચોરી કરવા આવ્યો ન હોય એટલું તો વૈભવ પણ સમજેને! આ ટાઇમિંગ જળવાવું જોઈએ...

અને આઇ-હોલમાંથી નજર નાખતી રિયા ચમકી : ઉપલા

માળેથી ATOનો જ યુનિફૉર્મ પહેરેલો ડિલિવરી બૉય ઊતરી નીચે જતા વળાંકે વળતો દેખાયો. તેણે માથે કૅપ પણ એવી ઢાંકી છે કે ચહેરો દેખાય નહીં!

તો શું કેકની ડિલિવરી થઈ ગઈ? ઔચિત્યએ તેના કોઈ કલીગને મોકલી આપ્યો? પણ કલીગને પણ ‘શર્વરી’ને વિડિયો-કૉલ જોડવાની સૂચના ઔચિત્યએ આપી હોયને! 

કે પછી વૈભવે પોતે કશુંક ઑર્ડર કર્યું હોય ને એ ડિલિવર કરવા ભળતો જ આદમી આવ્યો હોય... પણ એવું હોય તો એ ડિલિવરી બૉયે ડોરબેલ રણકાવી હોત ને રાતના સન્નાટામાં એ મને તો સંભળાઈ જ હોત, જે બન્યું નથી... તો શું વૈભવે ડિલિવરી બૉયને દરવાજાનો કોડ આપી રાખ્યો હશે? એવું તો કોઈ શું કામ કરે?

હોઠ કરડતી રિયા છેવટે ‘શર્વરી’ના નંબર પરથી ઔચિત્યને રિંગ મારવાનું વિચારે છે કે સીડી પર સંચાર વર્તાયો.

આહા, આ ઔચિત્ય હવે આવ્યો!

આઇ-હોલમાંથી નજર નાખતી રિયા હરખાઈ. બસ હવે તેની રિંગ આવે કે મારે બીજા ફોન પરથી વૈભવને કૉલ જોડવાનો છે...

પણ ઔચિત્ય કૉલ કેમ નથી કરતો?

હોઠ કરડતી રિયાએ આઇ-હોલમાંથી નજર નાખતાં ચમકી જવાયું : ઔચિત્ય તો કેક સાથે જ પાછો ફરી રહ્યો છે! તેના ચહેરા પર આઘાત છવાયો છે ને ભાગતો હોય એમ નીચેના પગથિયે વળતાં લપસતો રહી ગયો.

વાય? તેને મારા પ્લાનની

ગંધ આવી ગઈ? છેલ્લી ઘડીએ તે ચેતી ગયો?

શિકાર છટકી ગયાના આવેશમાં દરવાજો ખોલી રિયા બહાર નીકળી. ઔચિત્યને પડકારવાની ઇચ્છા જોકે દબાવી રાખી: ના, મારે તો કેકના કેસમાં પ્રગટ થવાનું જ નથી. પણ ઉપર એવું તે શું થયું કે તે ઊભી પૂંછડીએ ભાગ્યો?

અને રિયા ઉપરના માળે જતી સીડીનો કઠેડો પકડી પગથિયાં

ચડવા લાગી. છેલ્લા પગથિયે પહોંચતાં ચમકી જવાયું. જમણી બાજુના વૈભવના ફ્લૅટનો દરવાજો ખુલ્લો હતો!

છ ડગલાં ચાલી અંદર નજર નાખતાં જ એની આંખો ફાટી ગઈ, ગળામાંથી ચીસ નીકળે એ પહેલાં મોં પર હાથ દાબી તે સડસડાટ પગથિયાં ઊતરી પોતાના ફ્લૅટમાં ભરાઈ ગઈ.

ઉપર હૉલમાં વૈભવ લોહીના ખાબોચિયામાં લાશ બની પડ્યો

હતો ને તેના ખુલ્લા ડોળા જાણે પોતાનો પીછો કરતા હોય એવી થથરી રહી રિયા!

lll

બિચારો વૈભવ!

રિયાના ચિત્તમાંથી હજી પખવાડિયા પહેલાંની ઘટના હટતી નથી.

એ આખી રાત રિયા સૂઈ નહોતી શકી. વહેલી સવારે છાપાના ફેરિયાએ બૂમાબૂમ કરી મૂકી : ‘ખૂ..ન! કોઈએ વૈભવ સાહેબને મારી નાખ્યા!’

હેં!

સોસાયટીમાં જોણું થઈ ગયું. રિયા પણ અજાણ બની ટોળામાં ભળી. કોઈએ પોલીસને જાણ કરી, કોઈએ ઍમ્બ્યુલન્સ તેડાવી.

‘કોઈએ અસ્ત્રાથી ગળું કાપી વૈભવની હત્યા કરી છે. બિલ્ડિંગનો વૉચમૅન ફરજ પર સૂઈ ગયેલો

અને CCTV બે દિવસથી કામ નહોતાં કરતાં, કોઈએ વાયર કાપી નાખેલો. મતલબ મર્ડરરે રેકી પણ કરી હશે. આ કોઈ પ્રોફેશનલ કિલરનું કામ છે...’

પંચાતિયા પાડોશી પોલીસની માહિતી જાણી લાવી વહેંચતા. કોઈ વળી વૈભવના દમણના ઘરનો હેવાલ આપતા: તેની બૈરી તો ખબર સાંભળી બેભાન થઈ ગયેલી. અહીં પોસ્ટમૉર્ટમ પતાવી લાશને દમણ લઈ જવાઈ. બધું વૈભવના મૅનેજર રહેમત અલીએ સંભાળ્યું. દમણમાં કેવી મોટી સ્મશાનયાત્રા નીકળી તેની... 

રિયાના કાન બધું ઝીલતા રહેતા. પોલીસ ક્લુલેસ હતી.

‘બટ આઇ નો ધ મર્ડરર.’

એ ગોઝારી ઘટના પછીના પહેલા મિલનમાં રિયાએ શેખર સમક્ષ ભેદ ખોલેલો : ધ ડિલિવરી બૉય!

પહેલો ડિલિવરી બૉય. ચહેરો ઢાંકવાની તેની ચેષ્ટા તેના ખૂની હોવાની ગવાહી પૂરે છે. છોગામાં વૈભવના ફ્લૅટમાંથી

ફૂડ-આઇટમનું પાર્સલ મળ્યું નહોતું. એટલે કે ડિલિવરી બૉય બનાવટી હતો. તેણે ડોરબેલ રણકાવી નહોતી મતલબ તેને પણ મેઇન ડોરનો લૉક-કોડ માલૂમ હતો. સો ટકા તે જ વૈભવના ગળે છૂરી હુલાવી દરવાજો ખુલ્લો મૂકી સરકી ગયો!

(ખરેખર એવું જ બન્યું હતું. રાતે બાથરૂમ જવા ઊઠેલો વૈભવ હૉલની બત્તી ચાલુ જોઈ બેડરૂમમાંથી બહાર આવ્યો. મેઇન ડોર ખુલ્લું જોઈને ઓર ભડક્યો. ત્યાં તો અચાનક સામે આવી ડિલિવરી બૉયે છરી હુલાવી દીધી, વૈભવની મરણચીસ પણ નહોતી ફૂટી!)    

રિયાએ ઔચિત્યની બરબાદી માટેનું મુરત કાઢ્યું એ જ રાતે કોઈ ડિલિવરી બૉયના વેશમાં આવી વૈભવની હત્યા કરી જાય એ કેવું! ધારો કે ઔચિત્ય પહેલાં આવ્યો હોત કે કિલરની સાથે થઈ ગયો હોત... તો!

આ બધું પોલીસને કહેવામાં આપણે ફસાવાનું થાય. એમ તો ઔચિત્ય પણ પોલીસમાં ક્યાં ગયો! નહીંતર તેના બયાને શર્વરીને પૂછતાં જ બનાવટી શર્વરી, ખોટા બર્થ-ડેનો ભાંડો ફૂટી ગયો હોત, જે હજી તો બન્યું નથી... 

બટ યસ, પોલીસમાં નનામો ફોન કરી હું ઔચિત્ય બિલ્ડિંગમાં આવ્યો હોવાની હિન્ટ આપી દઉં તો તે જરૂર કોર્ટનાં પગથિયાં ઘસતો થઈ જાય! પણ ના, આવું કરવામાં વૈભવના બર્થ-ડેની બનાવટ ઉઘાડી પડી જાય ને એ રેલો મારા સુધી પહોંચ્યો તો?

 તો શું કરવું? વૈભવના મર્ડરથી અધૂરું રહેલું મારું વેર કેમ પૂરું કરવું?

અત્યારે પણ શેખર સાથે આ જ બધું ચર્ચતી રિયાના ચહેરા પર એકાએક ખિલાવટ આવી: ઔચિત્યને ઘૂંટણે આણવાનો એક રસ્તો છે!

lll

હવે?

ઔચિત્ય મૂંઝાય છે. લજ્જાને પણ સૂઝતું નથી.

બર્થ-ડે કેકનું પાર્સલ લઈ ઔચિત્ય પગથિયાં ચડી ચોથા માળે પહોંચે છે. હવે ડોરબેલ રણકાવી શર્વરીને કૉલ જોડવાનો હતો, પણ આ શું? વૈભવ સરનો દરવાજો તો ખુલ્લો જ છે!

વધુ નજીક જઈ અંદર નજર નાખતાં જ લોહીમાં લથપથ લાશ દેખાઈ ને મગજમાંથી એક જ સિગ્નલ ઊપસ્યું : ભાગ!

હાંફતા શ્વાસે ભાગી તે સીધો લજ્જાના ઘરે પહોંચ્યો. એકધારી ડોરબેલ રણકાવતાં લજ્જાના પિતાએ દરવાજો ખોલ્યો. પાછળ જ લજ્જા અને તેનાં મમ્મી ઊભાં હતાં.

‘લ..જ્જા!’ દોડીને ઔચિત્ય તેને બાઝી પડ્યો.

લજ્જાએ પિતાને શાંત રહેવાનો ઇશારો કર્યો. દેવયાનીબહેન સમજીને રસોડામાં વળ્યાં, પતિને પણ લેતાં ગયાં : તમે અંદર આવોને!   

દસ મિનિટ પછી લજ્જાનો સાદ પડ્યો ત્યારે બહાર આવ્યાં.

‘પપ્પા, ઔચિત્યએ લાશ જોઈ, મોસ્ટ્લી વૈભવ ટંડેલની.’

હેં! વિગત જાણી કિશોરભાઈ પણ ડઘાયા. ઔચિત્ય માટે દીકરીની કૂણી લાગણીનો અણસાર હતો, છોકરાની લાયકાતમાં કહેવાપણું નથી એની ખાતરી પણ કરી લીધેલી. પણ મામલો ખૂનનો હોય ત્યાં...

‘આઇ ટ્રસ્ટ હિમ ડૅડ.’ લજ્જાના રણકાએ તેમણે આશંકા ખંખેરી નાખી.

સદ્ભાગ્યે કોઈએ ઔચિત્યને જોયો નથી. CCTV પણ બંધ નીકળ્યાં એવું પછીથી છાપામાં જાણી રાહત અનુભવી હતી. મરનાર વૈભવ જ હતો પણ પોતાની વર્ષગાંઠે મર્યો એવા કોઈ ખબર નથી. મતલબ તેની પત્નીએ બનાવટ કરી? તો શું પતિના ખૂનમાં પત્નીનો હાથ હશે? પણ મર્ડર-પ્લેસ પર ઔચિત્યને મોકલવા પાછળ તેની શું ગણતરી હોય? તેનો કૉલ ફરી લાગતો જ નથી. તેણે નંબર બદલી નાખ્યો હશે?

ઔચિત્યએ પોલીસમાં હાજર થઈ શર્વરી તરફ આંગળી ચીંધી દેવી જોઈએ? પણ આમાં વિનાકારણ ફસાવાનું નહીં થાય?

બસ, આ દુવિધામાં નિર્ણય લેવાતો નથી. ઔચિત્યએ રાતપાળીની નોકરી એટલે જ ચાલુ રાખી છે કે કદાચ ફરી કોઈ કૉલ આવે ને આગળ વધવાની કડી સાંપડે...

અને અત્યારે, શનિવારની રાતે ઔચિત્યનો ફોન રણક્યો.

રિયાનો ફોન! ઔચિત્યનાં જડબાં તંગ થયાં. તેનો નંબર હજી સેવ્ડ હતો.

આછા ખચકાટભેર તેણે વૉટ્સઍપ કૉલ રિસીવ કર્યો : તને એક ખાનગી વાત કહેવાની છે, કોઈ છે જેણે તને મર્ડરની રાત્રે વૈભવના ફ્લૅટ પર જતાં જોયો હતો. એ વ્યક્તિ મારી સામે જ છે અને તને અબીહાલ મળવા માગે છે. કમ સૂન!

(ક્રમશઃ)

Whatsapp-channel Whatsapp-channel

26 February, 2026 11:20 AM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK