Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ડિલિવરી બૉય - મહાનગરની એક મધરાતે (પ્રકરણ ૫)

ડિલિવરી બૉય - મહાનગરની એક મધરાતે (પ્રકરણ ૫)

Published : 27 February, 2026 10:51 AM | IST | Mumbai
Samit (Purvesh) Shroff

આજનું પ્રકરણ વાંચો અહીં

ઇલસ્ટ્રેશન

વાર્તા-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


ફાઇનલી!

‘કોઈએ તને મર્ડરની રાતે વૈભવના ઘરે જતાં જોયો છે...’ની ચીમકીએ કેવો દોડતો આવી મારા ઘૂંટણિયે પડી ગયો ડિલિવરી બૉય!



‘તને જોનારી હું છું ઔચિત્ય... અને તું ઇચ્છતો હોય કે હું પોલીસને તારો ભેદ ન કહું તો બર્થ-ડે સૂટમાં મારી દયાની ભીખ માગ!’


અને જુઓ, વસ્ત્રો સરકાવી તે મને કેવો કરગરી રહ્યો છે!

અને રિયાના સ્મિતમાં વંકાતા હોઠ અચાનક ફુત્કારી ઊઠ્યા, ‘થૂ! તારા જેવાને તો હું પગની જૂતીમાં પણ ન રાખું! ગેટ લૉસ્ટ!’ કહી પગની લાત ફટકારી.


lll

રિયાનો પગ હવામાં વીંઝાયો.

ઓ...હ, સપનું!

ઔચિત્ય પણ ખૂનકેસથી આઘો રહેવામાં માનતો હોય તો જ પોલીસમાં નથી ગયો એટલે પોલીસની વાતે ભડકીને જરૂર ઘૂંટણિયે આવી જવાનો! મને વેશ્યાથી બદતર કહેનારને નિરાવૃત્ત કરી, તુચ્છકારી ખદેડું ત્યારે હિસાબ સરભર થયો ગણાય! એનો કોઈ સાક્ષી પણ રહે એ માટે તો શેખર ઘરે હોય એવો શનિવાર પસંદ કર્યો...

-પણ હજુ એ આવ્યો કેમ નહીં!

રિયાએ ફરી રિંગ મારી. કૉલ રિસીવ થયો : યસ, મૅ’મ.

‘મૅ’મના બચ્ચા! ઘરે આવતાં કેટલી વાર? દસ મિનિટમાં મને રિપોર્ટ કર, નહીં તો હું પોલીસ-સ્ટેશને...’

‘આવી જ જાઓ, મૅડમ!’

સામેથી સત્તાવાહી સ્વર પડઘાતાં રિયા ઠંડી થઈ. શેખરને અંતરાસ આવી.

‘ઇન્સ્પેક્ટર મૌર્ય હિયર. ઔચિત્યએ તેનું બયાન લખાવી દીધું છે, તમે કોઈ આઇ-વિટનેસને જાણો છો અને તે તમારી સાથે છે એવું
તેણે કહ્યું. તેને લઈને થાણામાં રિપોર્ટ કરો, ક્વિક!’

કૉલ કટ થયો. 

lll

‘થૅન્ક્સ, મૌર્ય.’

કિશોરભાઈએ આભાર માન્યો.

રિયાનો ફોન મૂકી ઔચિત્યએ લજ્જાને કહેતાં તેણે તેને ઘરે તેડાવ્યો અને પપ્પાને રિટાયર્ડ પોલીસ-ઑફિસર મૌર્યઅંકલને કન્સલ્ટ કરવા મનાવી લીધા : આપણે આટલા દિવસથી મૂંઝાઈએ છીએ, વી નીડ એક્સપર્ટ્સ ઍડ્વાઇઝ....

રિટાયર થયા પછી વિજય મૌર્યએ પ્રાઇવેટ સિક્યૉરિટી ફર્મ શરૂ કરી હતી અને કિશોરભાઈની ફૅક્ટરીમાં તેમની જ ટીમ કામ કરતી એટલે શેઠના ફોને તે તરત હાજર થઈ ગયેલા. 

એ અનુભવી આદમીને ઔચિત્યની નિર્દોષતા પારખતાં વાર ન લાગી. ડિલિવરી બૉયનો કિશોરભાઈ સાથે શું સંબંધ હશે એ સમજાયું નહીં, પણ તેમની કન્સર્ન લજ્જા માટે હોય એવી જ લાગી.

‘રિયાએ કે કોઈ બીજાએ પણ તને ખરેખર જોયો હોય તો પણ ગભરાવાની જરૂર નથી. બલકે તેના બયાનથી એવું આપોઆપ પુરવાર થાય કે એ સમયે ખૂનના સ્થળે એ વ્યક્તિ પણ હાજર હતી! તો પછી તે પણ ખૂની હોઈ શકે એવો તર્ક પોલીસ જરૂર કરવાની...’

આમ ચર્ચા ચાલી એમાં સમય વહેતો ગયો ને પેલી બાજુ કંટાળી હોય એમ રિયાનો ફોન આવતાં મોર્ય અંકલે તેને કેવી ડઘાવી દીધી!

‘હવે એ છોકરીથી નચિંત થઈ જાઓ.’ આછા સ્મિતભેર કહી મૌર્ય ગંભીર બન્યા, ‘પણ તમને મળેલો કેકનો ઑર્ડર આખા કેસનું મહત્ત્વનું પાસું છે. આપણે એમાં ઊંડા ઊતરીએ.’

‘હાઉ? ઑર્ડરમાં આવેલો નંબર રજિસ્ટર્ડ નથી અને ખૂનની ઘટના પછી એ નંબર કદી લાગ્યો નથી...’

‘અને ઓરિજિનલ શર્વરીને
હજી કોઈએ પૂછ્યું નથી.’ મૌર્યની આંખો ઝીણી થઈ, ‘વી આર ગોઇંગ ટુ ડૂ ધૅટ.’

દેવયાનીબહેને કૉફીના બે રાઉન્ડ સર્વ કર્યા ત્યાં સુધીમાં ખંતીલા મૌર્યએ વાપીના સ્ટાફને કામે લગાડી વૈભવના દમણના ઘરનો લૅન્ડલાઇન નંબર મેળવી ડાયલ પણ કરી દીધો.

પોતાની હરકત અંધારામાં તીરની જેમ વાગવાની છે એની ત્યારે તેમને ક્યાં ખબર હતી!

lll

ફોનની રિંગે શર્વરીની તંદ્રા તૂટી.

પડખે રહેમત સૂતો છે એનો ખ્યાલ આવતાં ઉઘાડા બદનને ચાદરમાં ઢાંકી કૉર્ડલેસ ઊંચકી પલંગ પરથી દૂર સરકી.

આમ તો પોલીસ કેસ બંધ નહીં થાય ત્યાં સુધી રહેમત સાથેનો સંબંધ સામાન્ય રાખવાનો હતો, પણ બે દિવસ અગાઉ વૈભવની વરસી વળ્યા પછી બેઉ એકમેકમાં સમાવા અધીરાં બન્યાં હોય એમ રહેમત આજે અહીં રોકાઈ ગયો હતો. વૈભવની હત્યાનો અફસોસ નહોતો, પણ તેના મોતની ખરી ઉજાણી અમે આજે કરી!

સુખને શ્વાસમાં ભરતી શર્વરીએ કૉલ રિસીવ કર્યો: યસ?

‘મૅડમ, હું મુંબઈ પોલીસમાંથી બોલું છું.’ આટલું સાંભળતાં જ શર્વરીનું ગળું સુકાવા લાગ્યું : પોલીસનો ફોન, અત્યારે?

‘તમે વૈભવ ટંડેલનાં વિધવા શર્વરી બોલો છોને?’

ત્યારે ‘હા’ માંડ બોલાયું. વીત્યા દિવસોમાં પોલીસે ઘણી પૂછતાછ કરી. ફૅક્ટરીએ પણ ગયેલી. પરંતુ પોતે શોક ઓઢીને ફરતી હોઈ મારી સાથે બહુ નરમાશથી વર્તતી. અત્યારે કૉલ કરવો પડે એવું શું હશે?

‘અમને એક કડી મળી છે.’ સામેથી સંભળાયું, ‘ડિલિવરી બૉય વિશેની.’

ડિલિ..વરી બૉય! રહેમતનો કૉન્ટ્રૅક્ટ કિલર ડિલિવરી બૉયના વેશમાં જવાનો હતો એ હું જાણું છું. ન્યુઝ આઇટમ પરથી રહેમતને સૂઝ્યું હતું. આવો કોઈ વેશ હોય તો બિલ્ડિંગમાં પ્રવેશ ઈઝી રહે એ ગણતરી પણ ખરી.

‘એ ડિલિવરી બૉય અત્યારે મારી સામે જ બેઠો છે.’

હેં! કિલર પકડાઈ ગયો? ક્યાંક એ રહેમતનું નામ તો ન આપી દેને! રહેમતના કહેવા અનુસાર તેણે વાયા-વાયા કિલરનો સંપર્ક કર્યો હતો એટલે કદાચ તે રહેમતને જાણતો પણ નહીં હોય...

‘તેના કહેવા પ્રમાણે તેને એક ઑર્ડર મળ્યો, વૈભવ માટે બર્થ-ડે કેકનો.’

‘પણ એ દિવસે વૈભવની વર્ષગાંઠ ક્યાં હતી?’  બોલ્યા પછી શર્વરીને ભૂલ સમજાઈ : ડિલિવરી બૉય તરીકે ફ્લૅટ પર જતી વેળા હાથમાં કોઈ પાર્સલ જોઈએ એટલે કિલરે જ કશું પ્લાન કર્યું હશે. મારે એને કાઉન્ટર કરવાની જરૂર નહોતી.

‘એક્ઝૅક્ટ્લી મિસિસ ટંડેલ. તમે જાણતાં હતાં કે વૈભવનો બર્થ-ડે નથી તો પછી તમે ઑર્ડર કેમ કર્યો?’

‘મેં!’ શર્વરી ધ્રૂજી ગઈ.

‘હા, તમે. ડિલિવરી બૉયના રેકૉર્ડ પર તમારું નામ છે... શર્વરી ટંડેલ. પાછાં તમે જ તેને ફોન પર ઘરમાં દાખલ થવાનો કોડ પણ આપો છો.’

‘કેક..કોડ..હું...’ શર્વરીના દિમાગમાં કડાકાભડાકા થવા લાગ્યા, ‘આ બધું તમને ડિલિવરી બૉયે કહ્યું? તે જૂઠ બોલે છે સાહેબ, વૈભવના ખૂનમાં મારો કોઈ હાથ નથી!’ કહી કૉલ કાપી નાખ્યો. ફોન ફેંકી ફર્શ પર બેસી ગઈ. તેનું આખું શરીર કાંપતું હતું. એમાં જેટલો ડર હતો એટલો ગુસ્સો પણ હતો.

આ માણસ... પલંગ પર પોઢેલા રહેમતને તે વિચિત્ર નજરે તાકી રહી.

ફૅક્ટરી તું મારા નામે કરી દેજે... આખરે ધંધો તો મારે જ જોવાનોને!

તેના શબ્દો પડઘાતાં શર્વરીના દાંત ભીંસાયા : હવે સમજાય છે. આની નજર પહેલેથી વૈભવની
દોલત પર હતી, હું તો માત્ર તેને હાથ કરવાનો હાથો બની! આના કરતાં તો વૈભવ સારો હતો. તેના હૈયે એ હોઠે રહેતું, પણ રહેમતે તો પ્રીતના નામે મને છેતરી. વૈભવના મર્ડર-પ્લાન બાબત મને એવું જ કહેતો રહ્યો કે તું શું કામ ચિંતા કરે છે, કૉન્ટ્રૅક્ટ કિલરને સોપારી આપી હું બધું પાર પાડી દઈશ. હું મૂરખી એથી પોરસાતી રહી. જાણી જ ન શકી કે મને અંધારામાં રાખી ખરેખર તો રહેમત મર્ડરમાં મને ફિક્સ કરવાનો કારસો ઘડી બેઠો છે. મારા જેલ જતાં મિલકત પચાવી પાડતાં તેને શી વાર?

પણ એ મિલકત ભોગવવા તું જીવતો નહીં રહે! કાયદો મારું જે કરે એ, રહેમતને તો હું...

ધમધમાટભેર રસોડામાંથી ધારદાર છરી લાવી તે ધમ કરતી રહેમતની છાતીએ ચડી બેઠી, ‘કપટી, વૈભવનું ખૂન મારા માથે નાખી તું છટકવા માગે છે?’ 

‘હેં! આ તું શું...’ હેબતાયેલા રહેમતને કાંઈ સૂઝે એ પહેલાં તો તે ધડાધડ છરીના ઘા વીંઝતી રહી : લે, લેતો જા!

lll

પોલીસ. ધરપકડ. કોર્ટ. નાલેશી.

રિયા ધ્રૂજી રહી. 

‘હું મુંબઈ-પુણેના અભૂતપૂર્વ ટ્રાફિક જૅમમાં ફસાયો ન હોત તો તારે એ મધરાતે ઔચિત્યને પલોટવાનું ન બનત ને તો વૈભવના મર્ડરમાં આમ ચકરાવે ચડવાનું ન થાત. ઔચિત્ય પોલીસમાં ગયો એટલે તારો જ પાસો ઊલટો પડ્યો. તું થાણે હાજર નથી થઈ એટલે પોલીસ આવતી જ હશે. તારા વકીલને ફોન કર. તારા બૉસને કહી રાખ. કંઈક તો કર!’

શેખર કહેતો રહ્યો ને ખુદના અચરજ વચ્ચે રિયાએ ઔચિત્યને કૉલ જોડ્યો:

‘આયેમ સૉરી, ઔચિત્ય. તું પોલીસમાં ગયો એટલે નાનકડી કબૂલાત કરી તારી ફેવર માગું છું. મર્ડરના દિવસે શર્વરીના નામે મેં ઑર્ડર બુક કરેલો.’ ઔચિત્યને ફસાવવાનો પ્લાન કબૂલી તેણે ઉમેર્યું, ‘પણ તારા આવવા પહેલાં અન્ય એક ડિલિવરી બૉયને મેં સીડી ઊતરતાં જોયો - નૅચરલી, હી ઇઝ ધ કલ્પ્રિટ!’

ઓ...હ! લજ્જાને ત્યાં હાજર સૌને ગડ બેઠી. ખૂની પણ ડિલિવરી બૉયના વેશમાં આવ્યો એ કેવું!

‘જો, મેં તને બધું કહી દીધું, તું કહેતો હો તો તને ફસાવવાનો પ્લાન ઘડવા બદલ કૉમ્પેન્સેશન પણ આપવા તૈયાર છું, પણ પ્લીઝ મને પોલીસના લફરાથી દૂર રાખજે એટલી ફેવર માગું છું.’ તેણે ઉમેર્યું, ‘હું ફરી ક્યારેય તારા આડે નહીં આવું એ પણ પ્રૉમિસ, બસ?’

તેનો રુદનભાવ જ તેના કહ્યાની ખાતરી પૂરતો હતો.

‘ઠીક છે.’ લજ્જા વગેરે સાથે આંખોથી સંતલસ કરી ઔચિત્યએ હામી ભરી કૉલ કટ કર્યો.

lll

‘આ તેં શું કર્યું?’ શેખરે અચરજથી પૂછ્યું, ‘કોઈ નહીં ને ઔચિત્યને જ બધું કહી દીધું?’ 

‘ખુદને સેફ કરવા મેં કૅલ્ક્યુલેટિવ રિસ્ક લીધું, શેખર... ઍન્ડ સમવેર ઇનસાઇડ આપણે બેઉ જાણીએ છીએ કે આ રિસ્ક એળે નહીં જાય.’

ક્યાંય સુધી રિયાના શબ્દો પડઘાતા રહ્યા.

lll

‘વૈભવ મર્ડર કેસ ઉકેલાયો. પોતાના યારની હત્યા કરી પત્ની પોલીસ ચોકી પહોંચી!’

બીજી સવારે અખબારના ખબરે ઔચિત્ય-લજ્જા ચમકી ગયાં. કૉન્ટ્રૅક્ટ કિલરને ડિલિવરી બૉયના વેશમાં મોકલી પતિનું ખૂન શર્વરીના પ્રેમીએ કરાવ્યું!

આખી કથામાં બીજા ડિલિવરી બૉયનો ઉલ્લેખ નહોતો, નૅચરલી. અમે ખરેખર પોલીસમાં ક્યાં ગયા હતા? રહેમતના પ્લાનમાં રિયાનો પ્લાન અથડાયો ન હોત તો કદાચ મર્ડર હજી મિસ્ટરી જ રહેત! પણ કિલર ડિલિવરી બૉયના વેશમાં હતો એ જોગાનુજોગમાં અમારા સવાલોએ શર્વરીમાં આશંકા પ્રેરી, પ્રેમીમાં તેનો વિશ્વાસ ઓછો પડ્યો અને કરુણાંતિકા સર્જાઈ., પણ જેવી જેની કરણી. આખરે આ ત્રિકોણમાં કોણ કેટલું સાચું, કેટલું ખોટું, કોણ કહેશે?

રહેમતના મોબાઇલમાંથી ક્લુ મેળવી પોલીસે કૉન્ટ્રૅક્ટ કિલરને પણ ઝડપી લીધો. શર્વરી પસ્તાય છે : કિલરની જુબાનીમાં ક્યાંય કેકના ઑર્ડરનો ઉલ્લેખ નથી. મતલબ રહેમતે એવી કોઈ ચાલબાજી કરી જ નહોતી, હું મૂરખી પોલીસની ચાલમાં ફસાઈ અને લુચ્ચી પોલીસ કહે છે તેમણે કોઈ કૉલ કર્યો જ નથી! હાય રે, વૈભવના દુઃખમાંથી મને મુકત કરનારને જ મેં મારી નાખ્યો?

રડતાં-રડતાં તે હસવા લાગી ને પછી હસતી જ રહી. 

રિયાને તો કેસમાં પોતાનું નામ ક્યાંય નથી એટલી જ કન્સર્ન હતી. તેણે ઔચિત્યનો આભાર માન્યો અને પછી તેનો નંબર ડિલીટ કરી નાખ્યો. એ વાત જુદી કે બેફામ મોજે રંગ બતાવ્યો ને ગુપ્ત રોગની કારમી પીડાએ રિયાને ભાંગી નાખી. શેખરે સાથ છોડ્યો એ પડ્યા પર પાટુ જેવું લાગ્યું, પણ શું થાય?

ઔચિત્યની લજ્જા સાથે વિધિવત સગાઈ થઈ અને એના પગલે બીજા બે ખુશખબર મળ્યા: ડિલિવરી બૉય તરીકેના અનુભવોને ફિક્શનમાં ઢાળી તેણે લખેલી બુકને ન્યુ યૉર્કના પબ્લિશરે પ્રકાશન માટે સ્વીકારી. PhDમાં તેના ગાઇડ અલૉટ થતાં ગાડી પાટે ચડી! 

આજે તો ઔચિત્ય પ્રોફેસર તરીકે વેલ-સેટલ્ડ છે. તેની બેસ્ટ-સેલર નીવડેલી બુક ‘ધ ડિલિવરી બૉય’ પરથી વેબ-સિરીઝ બની રહી છે ને લજ્જાના ખોળામાં દીકરો રમે છે. તેમનું સુખ નજરાવાનું નહીં એટલું વિશેષ!

 

(સમાપ્ત)

Whatsapp-channel Whatsapp-channel

27 February, 2026 10:51 AM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK