જવાબમાં અભિજાત કહેતો, ‘તું છેને ઇંગ્લિશ લિટરેચરની લેક્ચરર છે ને એટલે તારું ફિઝિક્સ કાચું જ રહેવાનું! દિલ કાચનું નહીં પણ માંસપેશીઓ વડે બનાવવામાં આવે છે
ઇલસ્ટ્રેશન
‘શીશા-એ-દિલ ઇતના ના ઉછાલો,
યે કહીં ટૂટ જાએ ના...
ADVERTISEMENT
યે કહીં ફૂટ જાએ ના...’
અભિજાત જ્યારે-જ્યારે તેની દિલ કી આવાઝવાળી થિયરી ચલાવતો ત્યારે વિદિશા ક્યારેક આ ગાયન સંભળાવીને કહેતી:
‘જનાબ, દિલ નામની ચીજ બડી નાજુક હોય છે. એ ક્યારે કાચની જેમ તૂટી જાય એ કહી શકાય નહીં.’
જવાબમાં અભિજાત કહેતો, ‘તું છેને ઇંગ્લિશ લિટરેચરની લેક્ચરર છે ને એટલે તારું ફિઝિક્સ કાચું જ રહેવાનું! દિલ કાચનું નહીં પણ માંસપેશીઓ વડે બનાવવામાં આવે છે. અને ભગવાન જ્યારે કંઈ દિલથી બનાવે છે ત્યારે એમાં મૅન્યુફૅક્ચરિંગ ડિફેક્ટો શોધવાની ન હોય, સમજી?’
વિદિશાની તો કૉલેજના પહેલા જ દિવસે મોટી ફિરકી લેવાઈ ગઈ હતી. અને એ ફિરકીનો ધારદાર સુરતી માંજો ઘસનાર મેહુલ તેની સામે જ ઊભો હતો.
‘સાચું બોલજે. તેં શરત લગાડી હતીને?’
મેહુલ કંઈ જવાબ આપે એ પહેલાં સ્ટુડન્ટો બોલી ઊઠ્યા, ‘ના મૅડમ ના! શરત-બરત કશું જ નહોતું!’
‘તો પછી આખો આઇડિયા તો આ મેહુલનો જ હતોને?’
‘ના મૅડમ, આઇડિયા તો અમારો હતો.’ બેત્રણ છોકરા આગળ આવીને બોલ્યા. ‘મેહુલ તો બિચારો અમારો બલિનો બકરો હતો... યુ સી, તેનો ચહેરો જ એવો છે કે કોઈને ડાઉટ જ ન જાય કે...’
વિદિશાની તીખી નજરો મેહુલના ચહેરા તરફ ચીંધાયેલી હતી અને મેહુલ?
તે બિચારો શરમથી સાવ પીળો પડી ગયો હતો, તેની નજરો પણ પોતાના પગમાં ચોંટી ગઈ હતી, હોઠ ધ્રૂજી રહ્યા હતા. કાનની બૂટ લાલચોળ થઈ ગઈ હતી. આંખમાંથી એક આંસુ ટપકીને ગાલ ૫૨ સ૨કી રહ્યું હતું.
‘જુઓ, જે થઈ ગયું એ થઈ ગયું, પણ આ મજાક મને બિલકુલ પસંદ પડી નથી. ઇન ફૅક્ટ, હું કાલે પ્રિન્સિપાલ સાહેબને કમ્પ્લેઇન્ટ કરવાની છું.’
વિદિશાની ધમકીથી કૉલેજની કાબરો કલબલાટ કરવા લાગી.
‘ના ના, પ્લીઝ પ્લીઝ મૅડમ! એવું ન કરશો!’
એમાંની એક છોકરીએ તો વિદિશાનો હાથ પકડી લીધો. ‘મૅમ, વી આર વેરી સૉરી... ઍક્ચ્યુઅલી તો તમે પેલી છીંકણીવાળી મજાક લાઇટલી લીધીને એટલે...’
‘એટલે તમને થયું કે આ વિદિશા મૅડમ તો સાવ મૂરખ છે, એમ જને?’
‘ના-ના, એવું નથી!’ ફરી કલબલ કરતી છોકરીઓ બોલી ઊઠી. ‘ઍક્ચ્યુઅલી તો એના કારણે જ તમે અમને બહુ ગમી ગયાં! મૅડમ, કૉલેજની અત્યાર સુધીની હિસ્ટરીમાં તમારા જેવી ખેલદિલી કોઈએ નથી બતાડી. એટલે જ અમને થયું કે જરા એક સ્ટેપ આગળ જઈએ તો કેવું?’
વિદિશા કડક નજરો વડે છોકરીઓને જોતી રહી. છેવટે છોકરાઓએ બાજી સંભાળી.
‘મૅડમ, તમારે જે પનિશમેન્ટ આપવી હોય એ ડેફિનેટલી આપજો. અમે ઓબે કરવા તૈયાર છીએ પણ પ્રિન્સિપાલને ...’
‘ઓકે.’ વિદિશાએ હવે મેહુલ તરફ તોપ ફેરવી.
‘રહી વાત આ ભોળા ચહેરાવાળા છોકરાની, તો તેણે મને બાઇક પર બેસાડીને મારી ફેન્ડના અપાર્ટમેન્ટ સુધી પહોંચાડવી પડશે અને એ પણ પ્રોપર જેન્ટલમૅનની જેમ, ઠીક છે?’
બિચારા મેહુલે હા પાડવા માટે પણ માથું ઊંચું કર્યું નહીં. સ્ટુડન્ટોનું ઝુંડ જતું રહ્યું પછી વિદિશા મેહુલની બાઇક પાછળ બેઠી, મેહુલે આ વખતે બાઇક બિલકુલ પાણીના રેલાની માફક ચલાવી.
વિદિશાને આટલાથી શાંતિ ન થઈ. તેને ઉપર ઉર્વીના એપાર્ટમેન્ટમાં લઈ ગઈ. સોફા પર બેસાડ્યો. કિચનમાં જઈને ચા બનાવી. તેને ધરાર પીવડાવી.
ચામાં જરાય ખાંડ નહોતી છતાં મેહુલ એક અક્ષર પણ બોલ્યો નહીં.
વિદિશા તેનો ગભરુ કબૂતર જેવો ચહેરો જોતી રહી. તેને અંદરથી ખૂબ મજા પડી રહી હતી.
આખરે ચા પૂરી કર્યા પછી ઊભો થઈને હાથના ઇશારા વડે પરમિશન માગી, ‘હવે જાઉં?’
વિદિશાને મનમાં સખત હસવું આવી રહ્યું હતું. પૂરી દસ સેકન્ડ સુધી તેની સામે ધારદાર નજરો વડે જોયા પછી કહ્યું:
‘ઠીક છે, બટ રિમેમ્બર, નેક્સ્ટ ટાઇમ યુ ડૂ ઍનીથિંગ લાઇક ધિસ ઍન્ડ યુ વિલ બી આઉટ ઑફ ધ કૉલેજ, અન્ડરસ્ટૅન્ડ?’
મેહુલ જવાબ આપવા પણ ન રોકાયો.
પિંજરામાં પકડાયેલો ઉંદર દરવાજો ખૂલતાં જે ઝડપથી ભાગે એ રીતે મેહુલ ફટાફટ દાદરા ઊતરીને, બાઇક સ્ટાર્ટ કરીને, કોઈ કાર્ટૂન ચૅનલના કૅરૅક્ટરની જેમ નાઠો!
કોણ જાણે કેમ, વિદિશાને મેહુલ ગમી ગયો હતો... અંદરથી એક લહેર ફરી વળી. એ સાથે એક ગીત પણ...
‘દિલ ને દિલ સે ક્યા કહા... ક્યા પતા...!’
lll
ઉર્વી હજી તેની જૉબ પરથી આવી નહોતી. વિદિશા જાતે બનાવેલી કૉફીનો મગ લઈને અપાર્ટમેન્ટની બારી પાસે જઈને ઊભી રહી. આ સુરત નામના રંગીન શહેરમાં વિદિશાનો આ પહેલો દિવસ હતો.
‘હાય વિદિશા! કેવો રહ્યો કૉલેજનો પહેલો દિવસ?’
ઉર્વીના અવાજથી તે જરા ચોંકી ગઈ.
‘પહેલો દિવસ? યાદગાર... મેમરેબલ !’
‘શું વાત કરે છે!’ વિદિશાના ચહેરા પર છલકતું હાસ્ય જોઈને ઉર્વી ખૂબ જ ખુશ થઈ ગઈ. છતાં પૂછ્યું: ‘વિદિશા, ક્યાંક એવું તો નથીને કે અભિજાતની યાદોને દૂર ધકેલવા માટે તું વધારે પડતી ખુશીઓનો તું ઓવરડોઝ લેવા માગે છે?’
વિદિશાને હવે સહેજ ડર લાગી ગયો. શું ખરેખર તે પોતાને છેતરી રહી છે કે પછી પોતાના દિલને?
lll
‘મૅડમ, દસ દિવસ પછી તમારો જે બર્થ-ડે આવે છે એની પાર્ટીનું આયોજન મને કરવા દેજો. એમાં જો કોઈ કસર રહી જાય તો તમે કહેશો કે સજા મંજૂર છે...’
મેહુલની પ્રપોઝલ સાંભળીને વિદિશા ચોંકી. ‘મેહુલ, મારા બર્થ-ડેની તને શી રીતે ખબર?’
‘આખી કૉલેજને ખબર છે.’ મેહુલ એ જ નીચી ગરદન સાથે ધીમા અવાજે બોલી ગયો. ‘મૅડમ, તમારી ફેસબુકમાં જ તો લખેલું છે...’
એ જ ક્ષણે વિદિશાની નજર સામે લોહીના ડાઘા તરવરવા લાગ્યા..
lll
અભિજાતનો આખો દેહ લોહીના ડાઘામાં હતો.
‘અભિ... આ... આ બધું શી રીતે થઈ ગયું?’
વિદિશાના ગળે ડૂમો બાઝી ગયો હતો.
જવાબ આપવા માટે અભિજાતે હોઠ ખોલ્યા પણ ગળામાંથી અવાજ નીકળી શક્યો નહીં.
મમ્મીએ રડતાં-રડતાં વિદિશાને સમજાવ્યું હતું.
‘તારી બર્થ-ડે પાર્ટી માટે કોઈ દૂરની જગા શોધવા નીકળ્યો હતો. કહેતો હતો કે વડોદરાથી છેક છોટાઉદેપુર કેમ ન જવું પડે પણ વિદિશાને જિંદગીભર યાદ રહી જાય એવી અનોખી જગ્યા પર બર્થ-ડે પાર્ટી રાખવી છે... પણ પાછા આવતાં આજવા-નિમેટા રોડ પર કોણ જાણે કોઈ ખટારાવાળાએ કેવી રીતે ટક્કર મારી...’
અભિજાતનાં મમ્મી આગળ બોલી શક્યાં નહોતાં.
lll
એ અડતાલીસ કલાકમાં માત્ર એક વાર અભિજાત હોશમાં આવ્યો હતો. તેણે વિદિશાની હથેળી પકડીને કહ્યું હતું:
‘વિદિ, એક વાત સમજી લે, તારા બર્થ-ડેની બધી અરેન્જમેન્ટ્સ કર્યા વિના હું જવાનો નથી...’
lll
આખરે બર્થ-ડેનો દિવસ આવી પહોંચ્યો.
એ રાત્રે વિદિશા માટે સરપ્રાઇઝ પર સરપ્રાઇઝો આવી રહ્યાં હતાં.
કૉલેજના ગ્રાઉન્ડમાં દાખલ થતાં જ તેણે જોયું કે આખી જગ્યા મેહુલે રેડ ઍન્ડ વાઇટ કલરના ફુગ્ગાઓ વડે સજાવી મૂકી હતી!
વિદિશાને થયું ‘આ વાતની મેહુલને ક્યાંથી ખબર હોય કે તેને રેડ ઍન્ડ વાઇટનું કૉમ્બિનેશન ખૂબ જ પસંદ છે?’
એથીયે મોટી સરપ્રાઇઝ ત્યારે આવી જ્યારે બર્થ-ડે કેકનું બૉક્સ ખૂલ્યું!
અંદર ચીલાચાલુ કેકને બદલે પૂરાં ૨૫ ગુલાબજાંબુ એકદમ બ્યુટિફુલ પૅટર્નમાં ગોઠવેલાં હતાં એટલું જ નહીં, દરેક ગુલાબજાંબુ પર એક નાનકડી મીણબત્તી ખોસેલી હતી!
આ જોઈને તો વિદિશા છક્કડ ખાઈ ગઈ, કારણ કે છેક તેના સાતમા જન્મદિવસથી તેણે ઘરમાં એવી ટ્રેડિશન પડાવી હતી કે ફૉરેન ટાઇપની કેકને બદલે ગુલાબજાંબુ ૫૨ જ મીણબત્તીઓ ખોસવાની. વિદિશાને કેક ભાવતી જ નહોતી!
‘આ તો સરપ્રાઇઝની હદ થઈ ગઈ!’ વિદિશા મનમાં વિચારી રહી હતી. ‘મેહુલે આ વાત ક્યાંથી શોધી કાઢી? ક્યાંક ઉર્વી તો આખા કાવતરામાં સામેલ નહોતીને?’
હજી એ વિચાર આગળ વધે ત્યાં તો તેને વારાફરતી જે બર્થ-ડે ગિફ્ટો આવવા માંડી એ જોઈને વિદિશાને ખાતરી થઈ ગઈ. તેણે મેહુલને ઝડપી લીધો.
‘મને એ કહે કે આ બધી જાસૂસી તું ક્યાંથી શીખ્યો?’
‘ઓ દીકરી! જાસૂસ કોણ છે એ હમણાં ખબર પડી જશે!’
જવાબ મેહુલે નહીં પણ પાર્ટીમાં પ્રવેશી રહેલાં વિદિશાનાં મમ્મી-પપ્પાએ આપ્યો હતો. વિદિશા તો ગદ્ગદ થઈ ગઈ! જઈને ભેટી જ પડી!
તેમની પાછળ-પાછળ ઉર્વી સાથે અભિજાતનાં મમ્મી-પપ્પા દાખલ થઈ રહ્યાં હતાં. વિદિશાની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં.
લાગણીના ઊભરા સાથે તે તેમને પગે પડવા જતી હતી ત્યાં બન્નેએ તેને ઊભી કરીને વારાફરતી છાતીસરસી ચાંપી.
પપ્પાએ કોટના ખિસ્સામાંથી એક કવર કાઢીને વિદિશાના હાથમાં આપતાં કહ્યું:
‘બેટા, પ્લાનિંગ તો અભિજાતનું જ હતું. યાદ છે? તેણે તને પ્રૉમિસ આપ્યું હતું કે તારા બર્થ-ડેની તમામ તૈયારીઓ કર્યા વિના તે જશે નહીં.’
વિદિશાની આંખો છલકાઈ ઊઠી. ઉર્વીએ તેનો હાથ પકડતાં કહ્યું:
‘હા વિદિશા, અભિજાતે તમામ તૈયારીની નોંધ મારા લૅપટૉપમાં લખાવડાવી હતી! હવે તેની છેલ્લી ડીટેલ શું હતી એ આ કવર ખોલીને જાતે જ જોઈ લે...’
વિદિશાનું દિલ ધડકી ઊઠ્યું, શું હતું એ કવરમાં?
(ક્રમશઃ)


