હાલના પાસપોર્ટ એક્સપાયરી ડેટ સુધી માન્ય રહેશે અને ભારત તથા વિદેશ બન્નેમાં સ્વીકારવામાં આવશે, મુસાફરોએ તેમના વર્તમાન પાસપોર્ટ તાત્કાલિક બદલવાની જરૂર નથી
પ્રતીકાત્મક તસવીર
મિનિસ્ટ્રી ઑફ એક્સટર્નલ અફેર્સ (MEA)એ જાહેરાત કરી છે કે ૨૦૨૫ની ૨૮ મેથી ભારતમાં અપાયેલા તમામ પાસપોર્ટ ઈ-પાસપોર્ટ છે. અત્યાર સુધી ૮૦ લાખથી વધુ ઈ-પાસપોર્ટ આપવામાં આવ્યા છે. સરકાર ૨૦૩૫ની વર્ષ સુધીમાં તમામ ભારતીય પાસપોર્ટમાં ચિપ ફિટ કરવાનું લક્ષ્ય રાખે છે. એમાં સ્માર્ટકાર્ડ મેમરી સાથે ઍમ્બેડેડ રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન (RFID) ચિપ છે અને આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર સંયુક્ત પ્રમાણપત્રમાંથી પસાર થયું છે. આ ઈ-પાસપોર્ટ ઓળખચોરી અટકાવવા અને ઍરપોર્ટ પર ઝડપી ચકાસણીને સક્ષમ બનાવવા માટે તૈયાર કરવામાં આવ્યા છે. ભારતે પાસપોર્ટ સેવા કાર્યક્રમ V2.0 હેઠળ એની નવી ઈ-પાસપોર્ટ સિસ્ટમનો રોલઆઉટ પૂર્ણ કરી લીધો છે.
ઈ-પાસપોર્ટ શું છે?
ઈ-પાસપોર્ટ એ કાગળ અને ઇલેક્ટ્રૉનિક પાસપોર્ટનું સંયુક્ત સ્વરૂપ છે જેમાં RFID ચિપ લગાવેલી છે અને એમાં પાસપોર્ટધારકની વ્યક્તિગત વિગતો અને બાયોમેટ્રિક માહિતી હોય છે.
ADVERTISEMENT
હાલના પાસપોર્ટનું શું થશે?
હાલના પાસપોર્ટ એની સમાપ્તિ તારીખ (એક્સપાયરી ડેટ) સુધી માન્ય રહેશે અને ભારત તથા વિદેશ બન્નેમાં સ્વીકારવામાં આવશે. પ્રવાસીઓએ તાત્કાલિક તેમના વર્તમાન પાસપોર્ટ બદલવાની જરૂર નથી. જોકે નવીનીકરણ અથવા નવા પાસપોર્ટ માટે અરજી કરતી વખતે તેમને આપમેળે નવા ઈ-પાસપોર્ટ મળશે. જ્યારે સંબંધિત પાસપોર્ટ ઑફિસ ઈ-પાસપોર્ટ આપવા માટે તકનિકી રીતે સક્ષમ થશે ત્યારે એ પાસપોર્ટ ઑફિસ હેઠળ અરજી કરનારા નાગરિકોને ઈ-પાસપોર્ટ મળશે. પાસપોર્ટ સર્વિસ ઑફિસે જણાવ્યું હતું કે ભારતભરની તમામ પાસપોર્ટ ઑફિસોને આવરી લેતાં ઈ-પાસપોર્ટના તબક્કાવાર રોલઆઉટમાં થોડા મહિના લાગશે.
ઈ-પાસપોર્ટ ઑટોમેટેડ ઈ-ગેટ્સ પર બાયોમેટ્રિક ચકાસણીને પણ સપોર્ટ કરે છે, જેનાથી પસંદગીના આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ઇમિગ્રેશન તપાસ ઝડપી બને છે. નાશિકમાં ઇન્ડિયન સિક્યૉરિટી પ્રેસ ઇન્ટરનૅશનલ સિવિલ એવિયેશન ઑર્ગેનાઇઝેશન (ICAO) નિર્ધારિત વૈશ્વિક ધોરણોને અનુસરીને આ પાસપોર્ટનું ઉત્પાદન ચાલુ રાખશે.
નવા પાસપોર્ટનો ફાયદો
ઈ-પાસપોર્ટનો મુખ્ય ફાયદો પાસપોર્ટધારકના ડેટાની અખંડિતતા જાળવવાની ક્ષમતામાં વધારો કરે છે. ઈ-પાસપોર્ટમાં પુસ્તિકા પર છાપેલા સ્વરૂપમાં ડેટા હશે તેમ જ ઇલેક્ટ્રૉનિક ચિપમાં ડિજિટલી સહી કરેલી હશે, જે વૈશ્વિક સ્તરે ઇમિગ્રેશન અધિકારીઓ દ્વારા સુરક્ષિત રીતે પ્રમાણિત કરી શકાય છે. આમ પાસપોર્ટને બનાવટી અને નકલી પાસપોર્ટ જેવી સંભવિત છેતરપિંડીની પ્રવૃત્તિઓથી સુરક્ષિત રાખવામાં આવશે. સુરક્ષા ઉપરાંત ઈ-પાસપોર્ટ પ્રોગ્રામ ઇમિગ્રેશન પ્રક્રિયાઓને સરળ બનાવશે, મૅન્યુઅલ તપાસ ઘટાડશે અને વિવિધ સરકારી એજન્સીઓ વચ્ચેની ડેટા ઇન્ટિગ્રેશનમાં સુધારો કરશે એવી અપેક્ષા છે.


