આ મેટ્રો લાઇનને બેલાપુરથી નવી મુંબઈ ઍરપોર્ટ સુધી લંબાવવાની યોજના છે
પ્રતીકાત્મક તસવીર
બેલાપુર-પેંઢાર વચ્ચે ચાલતી સિટી ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (CIDCO)ની નવી મુંબઈ મેટ્રો 1માં બે વર્ષમાં ૧.૧૫ કરોડ લોકોએ મુસાફરી કરી છે. બેલાપુર, ખારઘર અને તળોજામાં ઑફિસો, હાઉસિંગ કૉમ્પ્લેક્સ અને ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારોને કનેક્ટિવિટી આપતા આ રૂટ પર બે વર્ષમાં એક કરોડથી વધુ મુસાફરો નોંધાતાં CIDCOના અધિકારીઓએ માઇલસ્ટોન અચીવ કર્યો હોવાનું જણાવ્યું હતું.
ઑપરેશનલ અપગ્રેડ્સ અંતર્ગત મેટ્રોની ફ્રીક્વન્સી વધારીને મુસાફરોની સુવિધા વધારવામાં આવી હોવાથી વધુ મુસાફરોને આકર્ષી શકાયા હોવાનું CIDCOના એક અધિકારી જણાવ્યું હતું. મુસાફરોની સંખ્યામાં વધારો થવાનું કારણ પીક અવર્સ દરમ્યાન દર ૧૦ મિનિટે અને નૉન-પીક અવર્સ દરમ્યાન દર ૧૫ મિનિટે ટ્રેનોની ફ્રીક્વન્સી તેમ જ ૧૦થી ૩૦ રૂપિયા જેવું પોસાય એવું ભાડું પણ જવાબદાર હોવાનું CIDCOએ જણાવ્યું હતું. આ મેટ્રો લાઇનને બેલાપુરથી નવી મુંબઈ ઍરપોર્ટ સુધી લંબાવવાની યોજના છે. જ્યારે નવી મુંબઈ મેટ્રો 2 પેંઢાર અને તળોજા MIDC વચ્ચે બનાવવાની યોજના છે. આ લાઇન ૧૬ કિલોમીટરના કૉરિડોર દ્વારા કળંબોલી અને કામોઠે થઈને નવી મુંબઈ ઍરપોર્ટ સાથે જોડાશે.


