અભિજાત પણ બાઇક લઈને તેમનાં મૅરેજ કોઈ ખાસ ખુલ્લી જગ્યાએ થાય એની શોધમાં જ નીકળ્યો હતોને? વડોદરાથી પાવાગઢ તરફ જવાના રસ્તે... તેને પાછળથી આવી રહેલી એક ટ્રકે ટક્કર મારી દીધી હતી. ક્યાંક ઝરણા અને મેહુલ સાથે પણ આવું થઈ જાય તો?
ઇલસ્ટ્રેશન
દિલ હૈ કિ માનતા નહીં...
યે બેકરારી ક્યૂં હો રહી હૈ?
ADVERTISEMENT
યે જાનતા હી નહીં...
થોડા દિવસો પહેલાં જ્યારે વિદિશાએ મેહુલ અને ઝરણાને એકસાથે વરસાદમાં પલળતાં અને ખડખડાટ હસતાં જોયાં હતાં ત્યારે દિલમાં સતત એક તોફાન ચાલી રહ્યું હતું.
જે યુવાનને પોતે મનોમન જીવનસાથી માની બેઠી હતી તે કોઈ બીજી છોકરીને પ્રેમ કરતો હોય તો એમાં ખોટું શું હતું?
છતાં દિલ માનતું નહોતું...
પણ હવે અભિજાતે પોતાના
બર્થ-ડેના દિવસ માટે જે પત્ર લખ્યો હતો એ વાંચીને વિદિશાના દિલ પરથી બોજ હળવો થઈ ગયો.
અભિજાત તેની છેલ્લી ઘડીઓમાં કેવું સરસ વિચારી ગયો હતો! જો વિદિશાએ કોઈ સાથે લગ્ન કર્યાં હોત તો પણ આ જ વાક્ય લાગુ પડતું હોતને!
અને જો કોઈ સાથે મનમેળ ન થયો હોત તો પણ... ‘લિસન ટુ સમવન એલ્સિસ દિલ!’
lll
બીજા દિવસે સવારે કૉલેજમાં જઈને તેણે મેહુલને સમજાવવાનો હતો પણ મેહુલ ક્લાસમાં દેખાયો જ નહીં. રિસેસમાં ઝરણા સામે મળી ગઈ.
તે તો વિદિશાને વળગી જ પડી!
‘દીદી, એ મેહુલ ક્યાંક બહાર ભટકવા ગયો લાગે છે. પણ એ બબૂચક પાછો આવે કે તરત તેનો કાન પકડીને કહી દેજો કે...’
‘એક મિનિટ.’ ઝરણાની જીભ તો પૉપકૉર્નની ધાણીની માફક ફૂટ્યા જ કરતી હોત પણ વિદિશાએ તેને અટકાવી.
લૉબીમાંથી સાઇડમાં લઈ જઈને તેને વહાલથી પાળી પર બેસાડી.
‘સાંભળ, એમ કોઈને કાન પકડીને ન સમજાવી શકાય. અને તું તો જે રીતે ફેંટ પકડીને આઇ લવ યુ કહેવડાવે છેને, એ પણ ન ચાલે.’
‘તો?’ ઝરણાની આંખોમાં
તોફાન હતું.
‘ગાંડી છોકરી, કોઈના દિલની વાત જાણવી હોય તો ફેંટ પકડીને નહીં, હળવેકથી તેનો હાથ પકડીને પૂછવી પડે સમજી? લિસન ટુ સમવન એલ્સિસ દિલ ઑલ્સો.’
‘વા...ઉ!’ ઝરણાની આંખો પહોળી થઈ ગઈ. તેણે ચપટી વગાડી.
‘શું ટેક્નિક બતાડી છે, વિદિ દીદી! હું ડેફિનેટલી ટ્રાય કરીશ... થૅન્ક યુ, થૅન્ક યુ, થૅન્ક યુ! આઇ લઓઓઓવ યુ
વિદિ દીદી!’
ઝરણા તેના ગાલ પર બકી કરીને ઊછળતી કૂદતી ભાગી ગઈ. વિદિશા તેને જોતી જ રહી.
મનમાં થયું, હવે ઝરણા જાતે જ ફોડી લે તો સારુંને! હું મેહુલને શી રીતે સમજાવી શકવાની હતી?
lll
બીજા દિવસે વિદિશા કૉલેજ
જવા નીકળી હતી ત્યાં જ ઝરણાનો ફોન આવ્યો.
‘વિદિ દીદી... વિદિ દીદી... વિદિ દીદી! તમારી ફૉર્મ્યુલા હિટ નીકળી! લિસન ટુ સમવન એલ્સિસ દિલ! મેહુલે તેના દિલની વાત મને કરી દીધી છે!’
‘ઓહ ધૅટ્સ..’ વિદિશા જરા થોથવાઈ ગઈ. ‘ધૅટ્સ ગુડ ઝરણા!’
‘હવે સાંભળો! અમે બેચાર દિવસ કૉલેજમાં નહીં આવીએ!’
‘કેમ-કેમ?’
‘કેમ વળી શું? બસ, અમે
ડેસ્ટિનેશન વેડિંગ માટે થોડી જગ્યાઓ જોવા જવાનાં છીએ!’
‘ડેસ્ટિનેશન વેડિંગ?’ વિદિશાને રીતસરનો આઘાત લાગી ગયો.
બધું આટલું ઝડપથી બની ગયું? સામે છેડે ઝરણાનો કલકલાટ તો જાણે શાંત જ પડતો નહોતો.
lll
‘ડેસ્ટિનેશન વેડિંગ...’ આ શબ્દો વિદિશાના મનમાં પડઘાઈ રહ્યા હતા.
અભિજાત પણ બાઇક લઈને તેમનાં મૅરેજ કોઈ ખાસ ખુલ્લી જગ્યાએ થાય એની શોધમાં જ નીકળ્યો હતોને? વડોદરાથી પાવાગઢ તરફ જવાના રસ્તે... તેને પાછળથી આવી રહેલી એક ટ્રકે ટક્કર મારી દીધી હતી. ક્યાંક ઝરણા અને મેહુલ સાથે પણ આવું થઈ જાય તો?
‘...અને એમાં ક્યાંક ઝરણાને જ...’ વિદિશાને પોતાની જાત ઉપર જ ગુસ્સો આવી ગયો. દિમાગ કેવા-કેવા વિચારો કરી રહ્યું હતું?
ઝરણા? કોઈ નહીં ને મેં ઝરણાનું મોત વિચારી નાખ્યું? હદ થઈ ગઈ...
lll
પરંતુ શું આ જ હતું ઊંડે-ઊંડે તેના દિલમાં? શું પોતે જેલસ નહોતી?
શું હાલત કરી મૂકી હતી તેણે પોતાની?
થોડી વાર રડી લીધા પછી વિદિશાએ બીજો એક નિર્ણય લઈ લીધો...
lll
‘રાજીનામું?’
વાઇસ પ્રિન્સિપાલ મિસિસ પંડ્યા ટોટલી કન્ફ્યુઝ થઈ ગયાં હતાં. ‘પણ શા માટે, વિદિશા?’
‘પર્સનલ રીઝન્સ.’ વિદિશાએ કહ્યું ‘લેટરમાં મેં એ જ લખ્યું છે. તમે વાંચી લોને? મેં એક મહિના પહેલાં નોટિસ નથી આપી એ બદલ મારે કેટલા પૈસા ચૂકવવાના એની મને મેઇલ કરી દેજો... અને હા, આમ તો હું સોમવારથી જ નથી આવવાની પણ આજે મારી તબિયત ઠીક નથી એટલે હમણાં જ પાછી જાઉં છું...’
બોલતાં-બોલતાં વિદિશાનો અવાજ લથડી ગયો.
મિસિસ પંડ્યા હજી સ્તબ્ધ હતાં. રેઝિગ્નેશન લેટર તેમના ટેબલ પર મૂકીને વિદિશા બહાર નીકળી ગઈ.
lll
ઉર્વી બૅન્કમાંથી પાછી આવે ત્યાં સુધી વિદિશા
કંઈ ખાધા-પીધા વિના સૂનમૂન થઈને બેસી રહી.
હવે આ શહેરમાં શી રીતે રહેવાય? આ જ કૉલેજમાં શી રીતે ભણાવાય?
અરે, મેહુલ અને ઝરણાના ડેસ્ટિનેશન વેડિંગમાં પણ શી રીતે હસતું મોં રાખી શકાશે?
અભિજાતના મૃત્યુ પછી તે સુરત એટલા માટે આવી હતી કે કૉલેજની જૉબમાં મન હળવું થઈ જાય પણ છેવટે કિસ્મતનું ચક્કર ઘૂમી-ઘૂમીને ઉદાસીના ખાનામાં જ અટક્યું.
વિદિશાએ નિશ્વાસ નાખ્યો... હશે, હવે દિલને તકદીર સાથે પનારો પાડતાં પણ શીખી લેવું પડશે, બીજું શું?
lll
ઉર્વી બૅન્કથી આવી પછી વિદિશાએ તેને છેક ડેસ્ટિનેશન વેડિંગ સુધીની આખી વાત કહી દીધી.
સાંભળીને ઉર્વી પણ ચૂપ હતી. તે વિદિશાની પીઠ પસવારતી રહી. એક શબ્દ આશ્વાસનનો પણ ન બોલી શકી.
lll
સોમવારે સવારે ડ્રાઇવર કાર લઈને આવી ગયો. તેણે અપાર્ટમેન્ટમાંથી વિદિશાનો બધો સામાન ડિકીમાં ગોઠવી દીધો હતો.
ઉર્વી અને વિદિશા ફ્લૅટને તાળું મારીને નીચે ઊતર્યાં ત્યારે વધુ એક આશ્ચર્ય તેમની રાહ જોઈ રહ્યું હતું.
સામે મેહુલ અને ઝરણા ઊભાં હતાં! તેમની પાછળ વિદિશાની કૉલેજના તેના મોસ્ટ ફેવરિટ સ્ટુડન્ટોનું નાનકડું ગ્રુપ પણ હતું.
ઝરણા હસી રહી હતી.
‘મૅડમ, તમને શું લાગ્યું? અમને છોડીને તમે ચૂપચાપ જતાં રહેશો અને અમે જોતાં રહીશું? નો વે! તમારે ડેસ્ટિનેશન વેડિંગ પતાવ્યા વિના ક્યાંય જવાનું નથી, સમજ્યાં?’
વિદિશાએ પ્રેમથી ઝરણાના ગાલે હથેળી ફેરવી.
‘ચિંતા ન કરીશ ઝરણા,
ડેસ્ટિનેશન વેડિંગમાં હું જરૂરથી હાજરી આપીશ, બસ?’
‘હાજરી?’ ઝરણા હસવા લાગી. ‘અરે, વિદિ દીદી, હાજર રહ્યા વિના છૂટકો જ ક્યાં છે? પોતાનાં જ લગ્નમાં દુલ્હન ગેરહાજર રહી શકતી હશે કદી?’
‘વોટ નૉન્સેન્સ!’ વિદિશા
જરા અકળાઈ ગઈ, ‘શું બકવાસ કરે છે ઝરણા?’
‘બકવાસ નહીં, સાચું કહું છું!’ ઝરણા બોલી ઊઠી, ‘લગ્ન તો તમારાં જ થવાનાં છે, મેહુલ સાથે!’
‘શું?’ બે ક્ષણ માટે વિદિશાને સમજાયું જ નહીં કે ઝરણા કહેવા શું માગતી હતી.
ઝરણા ખિલખિલ હસી રહી હતી.
‘વિદિ દીદી, તમારી પેલી ફૉર્મ્યુલા પર્ફેક્ટ હતી. ફેંટ ઝાલીને નહીં, હાથ પકડીને પૂછવાનું! મેં એ જ રીતે મેહુલને પૂછ્યું ત્યારે માંડ-માંડ તે શર્મિલી દુલ્હનની જેમ બોલ્યો કે તે તો તમને જ પ્રેમ કરે છે! એ પણ આજકાલનો નહીં... છેલ્લા કેટલાય મહિનાથી!’
વિદિશાને તો આ બધું અનબિલીવેબલ જ લાગી રહ્યું હતું. તેણે મેહુલ સામે જોયું.
મેહુલ તરત જ આંખો ઝુકાવીને પગના અંગૂઠા વડે ભોંય ખોતરવા લાગ્યો. તેના ગાલે રીતસર ઝરણાએ કહ્યું હતું એમ, શર્મિલી દુલ્હન જેવી શરમની લાલી ઊપસી આવી હતી!
‘પણ તેં મને કોઈ દિવસ કહ્યું
કેમ નહીં?’
વિદિશાનો સવાલ જાણે CBIની ઇન્ક્વાયરી હોય એમ મેહુલ ગભરાઈને બોલી ઊઠ્યો:
‘મૅડમ, મારી તો હિંમત જ શી રીતે થાય? તમે મારા કરતાં ઉંમરમાં મોટાં, રિસ્પેક્ટમાં મોટાં, નૉલેજમાં મોટાં અને કોલેજમાં તો મોટાં જ છો.. પછી આમાં...’
‘આમાં એટલે શેમાં?’
વિદિશાએ પૂછ્યું.
ઝરણાએ મેહુલના માથે જોરથી ટપલી મારી, ‘જોયું? હજી બોલે છે? હજી બોલે છે? અલ્યા, લવમાં કોઈ મોટા-નાના ન હોય! હવે તો બોલ? નહીંતર ફેંટ પકડીને...’
‘ઝરણા?’ વિદિશાએ અવાજ સહેજ ઊંચો કર્યો. ઝરણાએ પોતાના જ હોઠ પર પોતાની આંગળી મૂકી દીધી.
‘વિદિશા મૅડમ...‘ મેહુલ હવે જરા ખૂલ્યો. ‘તમારા પ્રેમમાં તો હું એ જ દિવસે પડી ગયો હતો જે દિવસે તમે મને ઉપર અપાર્ટમેન્ટમાં બોલાવીને ખાંડ વગરની ચા પીવડાવી હતી!’
બધાં હસી પડ્યાં. મેહુલે ઉમેર્યું :
‘એમાં વળી હું સતત વિચાર્યા કરું કે ક્યાં અમેરિકાની MITમાં ભણેલા એન્જિનિયર અભિજાત અને ક્યાં હું સુરતનો દેશી ઇંગ્લિશ લિટરેચરવાળો! મારી હિંમત જ ક્યાંથી થાય?’
‘પણ એકાદ વાર હિન્ટ તો આપવી જોઈએને?’ ઉર્વીએ ખુલાસો માગ્યો.
હવે મેહુલ જરા ખૂલીને
બોલવા લાગ્યો:
‘મેં મારી જાતને પ્રૉમિસ આપ્યું હતું કે જ્યાં સુધી હું ગ્રૅજ્યુએટ ન થઈ જાઉં ત્યાં સુધી કૉલેજની ઇમેજ ખરાબ ન થાય એટલા માટે હું કોઈ એકરાર નહીં કરું.’
‘પણ હવે તો એકરાર થઈ જ ગયોને!’ ઝરણા બનાવટી રડમસ ડાચું બનાવતાં બોલી. ‘અરેરે, હવે કૉલેજની ઇમેજનું શું?’
‘કેમ, વિદિશાએ રાજીનામું તો આપી જ દીધું છેને!’ ઉર્વીએ સોલ્યુશન કાઢી આપ્યું. ઉપરથી ઉમેર્યું:
‘બસ, હવે એ કહો કે વેડિંગ માટે ડેસ્ટિનેશન શું શોધી લાવ્યાં છો?’
‘લો, એ તો અડાલજની વાવ જ હોયને! વૉટ ડૂ યુ સે ગાય્ઝ ઍન્ડ ગર્લ્સ?’
ઝરણાએ બધા સ્ટુડન્ટો પાસે પૂરા જોશથી ‘હુર્રેર્રે..’ કરાવી નાખ્યું.
‘બસ, એક જ રિક્વેસ્ટ છે.’ મેહુલે એ ઘોંઘાટની વચ્ચે વિદિશાને પૂછી લીધું. ‘મૅરેજ પછી પણ હું તમને ‘તમે’ કહું તો ચાલશેને?’
એ સમયે વિદિશાના દિલમાં બે સ્લોગનોના પડઘા પડ્યા.. એક, ‘લિસન ટુ દિલ’ અને ‘લિસન ટુ સમવન એલ્સિસ દિલ...’
તેણે સ્માઇલ કરીને મેહુલનો હાથ પોતાના હાથમાં લેતાં ઇંગ્લિશ લિટરેચરના પ્રાધ્યાપકની શૈલીમાં કહ્યું, ‘વી શેલ સી...’
lll
બસ, આખી વાર્તામાં હજી પણ એક જ ડીટેલ ખૂટે છે. મેહુલ અને વિદિશાએ અડાલજની વાવના પ્રાંગણમાં લગ્ન કરવા માટે પુરાતત્ત્વ વિભાગની પરમિશન માગી તો છે, પણ હજી આવી નથી!
....અને હા, પેલી ઝરણા હવે શોધી રહી છે કે કોની ફેંટ પકડીને કહેવું કે...
(સમાપ્ત)


