Pakistan Boiler Blast: પાકિસ્તાનના ફૈસલાબાદમાં એક ગુંદર ફેક્ટરીમાં વિસ્ફોટમાં ૧૫ કામદારોના મોત થયા; ફેક્ટરી માલિક ઘટનાસ્થળેથી ભાગી ગયો, મેનેજરની અટકાયત
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
પાકિસ્તાન (Pakistan) ના પંજાબ (Punjab) પ્રાંતમાં એક કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના બની હતી. ગેસ લીકેજને કારણે વહેલી સવારે વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ એટલો ભયંકર હતો કે તેનાથી ફેક્ટરીમાં આગ લાગી ગઈ (Pakistan Boiler Blast) હતી, પરંતુ નજીકની ઇમારતો પણ ધરાશાયી થઈ ગઈ હતી. આ દુ:ખદ અકસ્માતમાં ઓછામાં ઓછા ૧૫ લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.
પંજાબ પ્રાંતના લાહોરથી ૧૩૦ કિમી દૂર ફૈસલાબાદ (Faisalabad) જિલ્લાના મલિકપુર વિસ્તારમાં એક કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજને કારણે વહેલી સવારે મોટો વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા ૧૫ લોકો માર્યા ગયા હતા અને ઘણા ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હૉસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
ફૈસલાબાદના ડેપ્યુટી કમિશનર રાજા જહાંગીર અનવરે પત્રકારોને જણાવ્યું હતું કે, મલિકપુર વિસ્તારમાં એક કેમિકલ ફેક્ટરીમાં થયેલા મોટા બોઈલર વિસ્ફોટને કારણે નજીકની ઇમારતોને નુકસાન થયું હતું, જેમાં એક ઇમારત પણ ધરાશાયી થઈ હતી. જોકે, બચાવ ટીમોએ પાછળથી નક્કી કર્યું કે વિસ્ફોટનું કારણ ગેસ લીકેજ હતું. ફૈસલાબાદના કમિશનર રાજા જહાંગીર અનવરના કાર્યાલય દ્વારા જારી કરાયેલા નિવેદનમાં પણ બ્લાસ્ટની પુષ્ટિ મળી છે.
અત્યાર સુધીમાં બચાવ ટીમોએ કાટમાળમાંથી ૧૫ મૃતદેહો બહાર કાઢ્યા છે અને સાત ઘાયલોને હોસ્પિટલમાં ખસેડ્યા છે. કાટમાળ નીચે વધુ લોકો ફસાયેલા હોવાની આશંકા છે. બચાવ ટીમો કાટમાળ સાફ કરવાનું કામ કરી રહી છે. સમગ્ર જિલ્લા તંત્ર બચાવ કામગીરીમાં રોકાયેલું છે.
પંજાબ પોલીસના મહાનિરીક્ષક ડૉ. ઉસ્માન અનવરે નિર્દેશ આપ્યો કે રેસ્ક્યુ ૧૧૨૨, ફાયર બ્રિગેડ અને તમામ સંબંધિત એજન્સીઓને સંપૂર્ણ સહાય પૂરી પાડવામાં આવે.
શરૂઆતમાં એવું જણાવવામાં આવ્યું હતું કે, આ અકસ્માત બોઈલર વિસ્ફોટને કારણે થયો હતો. જોકે, કમિશનર ઓફિસ તરફથી એક નિવેદનમાં જણાવાયું હતું કે ફેક્ટરીમાં કોઈ બોઈલર નહોતું અને મલિકપુર વિસ્તારમાં ચાર ફેક્ટરીઓ કાર્યરત હતી. ગેસ લીકેજને કારણે એક મોટી ફેક્ટરીમાં આગ લાગી, જે પછી બીજી ફેક્ટરીઓમાં ફેલાઈ ગઈ હતી.
પંજાબના મુખ્યમંત્રી મરિયમ નવાઝે કેમિકલ ફેક્ટરીમાં થયેલા કિંમતી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો, શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના અને સહાનુભૂતિ વ્યક્ત કરી અને ફૈસલાબાદ કમિશનર પાસેથી આ ર્દુઘટના અંગે વિગતવાર અહેવાલ માંગ્યો છે.
આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.
નોંધનીય છે કે, પાકિસ્તાનમાં ઔદ્યોગિક અકસ્માતો અને ફેક્ટરીમાં આગ લાગવાનું સામાન્ય કારણ નબળા સલામતી ધોરણો હોવાનું મનાય છે. ૨૦૨૪માં, ફૈસલાબાદમાં એક કાપડ મિલમાં આવા જ બોઈલર વિસ્ફોટમાં એક ડઝન કામદારો ઘાયલ થયા હતા. ગયા અઠવાડિયે, પાકિસ્તાનના બંદર શહેર કરાચીમાં ફટાકડા ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં ચાર લોકો માર્યા ગયા હતા.


