Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ગત-અનાગત :અતીતની અટારીએથી (પ્રકરણ ૫)

ગત-અનાગત :અતીતની અટારીએથી (પ્રકરણ ૫)

Published : 25 September, 2026 01:37 PM | IST | Mumbai
Samit (Purvesh) Shroff

સાવિત્રીના અંતિમ પત્રથી લાવણ્યાની સાચી ઓળખ અને અમૃતની નિર્દોષતા સામે આવે છે. દીકરીને બચાવવા અમૃતે હત્યાનો આરોપ પોતાના માથે લીધો હતો. વર્ષો પછી આ સત્ય બહાર આવતાં અદાલત તેને નિર્દોષ જાહેર કરે છે.

ઇલસ્ટ્રેશન

વાર્તા-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


સમય : ૨૦૦૧.
સ્થળ : સેન્ટ્રલ જેલ, ઉત્તર પ્રદેશ. 
સજાના બીજા વર્ષે અમૃતને જેલમાં પત્ર મળ્યો. 
સાવિત્રીનો એ બીજો અને આખરી પત્ર હતો: 
ભાઈ, 
સુરીલીને માની ઓથ મળી રહે એ માટે તેં મારો આરોપ પોતાના માથે લઈને નહીં કરેલા ગુનાની સજા ઓઢી લીધી, પણ કુદરતના દરબારમાં આવી સમજૂતી નથી ચાલતી. 
એ તો મેં તને પાછલા પત્રમાં લખેલું કે કેસના ચુકાદા પછી હું સાસરાનું ઘર છોડીને નવા જ શહેર અયોધ્યામાં વસી છું. ગુજરાતી શેઠ-શેઠાણી પૈસાવાળાં છે એટલાં જીવનાં પણ ઉદાર છે અને વળી નિઃસંતાન છે એટલે સુરીલી પર તો જાન છીડકે છે. તેમને ત્યાં કૅરટેકર તરીકે રહેવામાં રોટલો અને ઓટલો બેઉ મળ્યા છે એટલે બીજી ચિંતા નથી એવું મેં તને મારા પહેલા પત્રમાં લખ્યું હતું.
આ બીજો પત્ર લખવાનું પ્રયોજન જુદું છે, વસમું પણ છે. પત્રની શરૂઆતમાં મેં કુદરતના ન્યાયનો ઉલ્લેખ કર્યો અને તે એ રીતે કે કુદરતે મને અસાધ્ય બીમારીની સજા ફરમાવી છે. બહુ થોડા દિવસો બચ્યા છે. મરતાં પહેલાં તને મળવું છે. મારાં માવતર રહ્યાં નથી. એક વાર તને મળીને સુરીલીની સોંપણી તને કરું પછી ભલે મારા પ્રાણ છૂટતા. 
તારી વાટ જોતી તારી બહેન,
સાવિત્રી 
પત્ર મળતાં અમૃતે પરોલની અરજી મૂકી, પણ એ મંજૂર થતાં બે મહિના નીકળી ગયા. છૂટીને અયોધ્યાના સરનામે ગયો ત્યારે બીજો આઘાત સાંપડ્યો : ઘરે તાળું હતું. 
પાડોશમાં પૂછપરછ કરતાં એટલી જાણકારી મળી કે શેઠને ત્યાં કામ કરતી બાઈ (સાવિત્રી)એ મહિના અગાઉ દમ તોડ્યો ને એના અઠવાડિયામાં શેઠ-શેઠાણી ઘરબાર ખાલી કરીને ગુજરાત તરફ 
જતાં રહ્યાં. 
ના, શેઠના ગુજરાતના સરનામા વિશે કે પછી સાવિત્રીની દીકરી વિશે કોઈને માહિતી નહોતી. 
સુરીલીની ભાળ તો કાઢવી રહી. 
અને એક સાંજે તેણે ગુજરાતની ટ્રેન પકડી. પછી ફરી જેલમાં હાજર થવાનું બન્યું નહીં. 
lll
સમય : વર્તમાન. 
સ્થળ : નંદીગ્રામ, વલસાડ.
અને સવાર ઊગી. 
આનંદ-વસુધા સ્કૂલમાં પહોંચ્યાં એટલે લાવણ્યા દોડતી આવી : મામા, તમે આવી ગયા. 
લાવણ્યા સ્કૂલમાં તો આનંદને સર જ કહેતી; પણ આજે મામા કહેવામાં ભાવ પણ જુદો લાગ્યો, કેટલો પોતીકો લાગ્યો. 
‘આજે ફંક્શન પછી લાવણ્યાએ તમને કંઈ કહેવું છે.’ અનુરાગના મલકાટમાં પણ ભેદ લાગ્યો.
‘આજે આનંદ પણ તને કશું કહેવાના છે લાવણ્યા. ફંક્શન પતે પછી આપણા ઘરે.’ 
દૂરથી તેમની વાતો પર કાન માંડીને બેઠેલો જ્વલંત મનમાં જ મલક્યો : ઘરે શું કામ, વર્ષોનો ભેદ જાહેરમાં ખોલવાનો બંદોબસ્ત આ બંદાએ કરી જ રાખ્યો છે. 
અને એ ઘડી પણ આવી પહોંચી.
ચોગાનના શામિયાણામાં સ્ટેજ સજાવાયું છે. MLA સાહેબ, નિર્ણાયક ગણ સાથે સ્કૂલના પ્રિન્સિપાલ ઉપર ગોઠવાયા છે. ઍન્કરિંગ કરતી લાવણ્યા સ્ટેજ પર જ હોય. અનુરાગ સ્ટેજ સામે ઊભો છે. વસુધા શ્રોતાગણની પહેલી હરોળમાં ગોઠવાયાં છે. MLA સાહેબના હાથે વિજેતા સ્કૂલઓને ટ્રોફી અપાઈ. એમાં જોકે વડોદરાની સ્કૂલનો નંબર ન લાગ્યો એમાં માધુરીને તો લાવણ્યાની દખલ જ દેખાઈ, પણ જ્વલંત કેમ આવું બોલતો નથી એની તેને ચીડ પણ થઈ. 
‘હું તો કરીને દેખાડવાનો... તું જોતી રહે.’ જ્વલંતનો ઉમંગ સમજાયો નહીં, પણ મુખ્ય મહેમાનનું સંબોધન પતતાં જ આભારવિધિ માટે આનંદને નિમંત્રી લાવણ્યા પાછળ હટી કે... પ્રાંગણમાં પોલીસની જીપ પ્રવેશતાં માઇક તરફ પહોંચેલા આનંદ અટકી ગયા.
‘માફ કરજો પ્રિન્સિપાલસાહેબ...’ જીપમાંથી ઊતરીને ઇન્સ્પેક્ટર રાજગુરુ સ્ટેજ તરફ વળ્યા. તાલુકાના સિનિયર પોલીસ-ઑફિસર તરીકે રાજગુરુ આનંદને ઓળખતા હતા, ‘રંગમાં ભંગ પાડવાનો ઇરાદો નહોતો, પણ અહીંથી અમને સૂચના મળી કે ખૂનકેસનો ગુનેગાર અહી ક્યાંક છુપાયો છે.’ 
ખૂનકેસ. ગુનેગાર. શામિયાણામાં ગણગણાટ પ્રસરી ગયો. 
આનંદ-વસુધાની નજરો મળી, 
લાવણ્યા-અનુરાગ એકબીજાને તાકી રહ્યાં. 
‘અરે સાહેબ, આપને બાતમી આપવાની ફરજ બજાવનારો આ જ નાચીઝ!’ જ્વલંતે ઊભા થઈને વટ પાડી દીધો. માધુરીને તેનું કનેક્શન સમજાયું નહીં, જ્યારે લાવણ્યા દૂરથી જ કતરાઈ. 
ત્યાં તો ઇન્સ્પેક્ટર સાથે હાથ મિલાવીને જ્વલંતે આંગળી ચીંધી, ‘જોકે તમારો ગુનેગાર ક્યાંય છુપાયો નથી. તે આ રહ્યો - સફેદપોશ પ્રિન્સિપાલ.’
હેં. 
‘જેના પિતાનું ખૂન થયું તે કન્યા પણ પેલી રહી - લાવણ્યા!’ 
આનંદ આંખો મીંચી ગયો. લાવણ્યા પિતાની હત્યા બાબત જાણતી હતી, ખૂનીની તલાશમાં હતી એટલું તો અમે જાણ્યું; તે ખૂની હું છું એ જાણીને લાવણ્યાની કીકીમાં ઘૂંટાતો ધિક્કાર જોવાની મારી હિંમત નથી... 
‘આ લાવણ્યા શાહ તમે માનો છો એમ લાવણ્યા હરિદાસ શાહ નથી - લાવણ્યા રાજશેખર યાદવ છે.’
હોઠ કરડતી લાવણ્યા આંખો 
મીચી ગઈ.
lll
‘દરવાજો લૉક કરીને મારી પાસે આવ લાવણ્યા, તને એક ભેદ કહેવો છે.’
જિંદગીના આખરી પડાવનો અડસટ્ટો પામી ગયેલાં લીલાવતીબહેને ૭ પાતાળ ઊંડો ધરબેલો ભેદ ખોલી નાખ્યો હતો : તું અમારી સગી દીકરી નથી, મેં તને જન્મ નહોતો આપ્યો.
આભ જેવું તૂટ્યું હતું. મારા જનક પિતા મને અને મારી માને મારી નાખવા માગતા હતા એટલે બચાવમાં માએ તેમની હત્યા કરી અને એ આરોપ ઘરનોકર અમૃતે ઓઢી લીધો. મા ઘરબાર ત્યજીને અયોધ્યામાં હરિદાસને ત્યાં કૅરટેકર તરીકે રહી. મારી બે વર્ષની ઉંમરે તેણે પણ ગામતરું કરતાં શેઠ-શેઠાણી અયોધ્યાનો કારોબાર સમેટીને વડોદરા વસ્યાં, સુરીલીને લાવણ્યા નામ મળ્યું. મને આની કોઈ જ સ્મૃતિ નથી. મારા માટે તો તેઓ જ મારાં માબાપ ને વડોદરા જ મારી જન્મભૂમિ. 
આજે અચાનક આ સત્ય કેમ 
બદલાઈ ગયું? 
‘વિચાર્યું નહોતું કે ક્યારેક તને આ બધું કહેવાનું બનશે. તારાં લગ્ન સમયે પણ કહેવું નહોતું, પણ કદાચ અંત સમયે માણસને આત્મજ્ઞાન ફૂટતું જ હશે.’ લીલાવતીએ હાથ જોડ્યા, ‘અમે તને કદી પારકી નહોતી માની.’ 
લાવણ્યા રડી પડેલી : એવું ન બોલ મા, તેં-પિતાજીએ તો મને હેતથી છલોછલ રાખી. 
‘પણ અમારા સ્વાર્થમાં એક માણસ સાથે અન્યાય થયો બેટા... અયોધ્યાથી તને લઈને આવ્યા પછી પરોલ પર છૂટેલો અમૃત ફરી જેલમાં હાજર થયો જ નહીં. છાપામાં વાંચીને તારા પિતા તેની ભાળ કાઢવા મથેલા, પણ મેળ ન પડ્યો. તે તારી શોધમાં આજે પણ હશે. તેને ન્યાય મળે એવું કરજે, તારી જનેતાની પણ એ જ ઇચ્છા હોય.’ 
lll
બસ, એટલે મારે જેને શોધવા હતા તેની આબરૂ આમ જાહેરમાં ઉછાળવાનો હક જ્વલંતને કોણે આપ્યો?
લાવણ્યા ધૂંધવાઈ. 
જ્વલંત માને પસંદ હતો, જ્યારે મને તેની બાબતની અણખટ સાચી હતી કે નહીં એ માટે તેને છાપાનું કટિંગ બતાવીને સમજાવ્યું કે હું હરિદાસની સગી દીકરી નથી એટલે તેમના કરોડોના વારસાની વારસ પણ ન રહી! 
આવું કહ્યું એ તો જ્વલંતની પરખ માટે. હકીકતમાં એવું નહોતું. મારાં પાલક માબાપ માટે મને કોઈ ફરિયાદ નહોતી. માનું જવું મને આજે પણ રડાવી દે છે. હરિદાસ-લીલાવતી સંતાનહીન નહોતાં, હું તેમની પણ દીકરી અને મારા રહેતાં તેમનો વારસો નધણિયાતો શાનો બને. 
અનુરાગ બધું જ જાણે છે. મારે તો આનંદ-વસુધાને પણ કહેવું હતું, પણ અનુરાગની ઈજામાં વાત રહી ગઈ અને બદમાશ જ્વલંત એને જાહેરમાં ઉછાળી બેઠો - મારી લાગણીનો, મારી જીવનગાથાનો તમાશો સર્જી દેવા. ફરજ જેવો શબ્દ તેના મોંએ શોભતો નથી. 
‘આ ભાઈની વાત 
સાચી છે.’
લાવણ્યા ઝબકી : જોયું તો આનંદ માઇક આગળ પહોંચી ગયા અને કબૂલાત કરી રહ્યા છે. 
‘નહીં!’ ચીસ જેવા અવાજે કહી લાવણ્યા આગળ ધસી, ‘તમે આજે પણ જૂઠ બોલો છો આનંદ મહેતા ઉર્ફે અમૃતલાલ.’
હેં. લાવણ્યા પિતાના ખૂનીના બચાવમાં આગળ આવશે એવું તો જ્વલંતે પણ નહોતું ધાર્યું. 
‘ઇન્સ્પેક્ટરસાહેબ, અમૃતમામાએ તો પારકાના ગુનાની સજા ઓઢી. મારા જાલિમ પિતાનું ખૂન મારી માતાએ અમારા સ્વબચાવમાં કર્યું હતું અને હું નોંધારી ન બનું, મારું ભાવિ રૂંધાય નહીં એટલે આરોપ ઓઢ્યો આ દેવતા જેવા મહાન માણસે.’ 
લાવણ્યા આ બધુંય જાણે છે. આનંદ-વસુધા ડઘાયાં. ભાગેડુ ખૂનીને તે શોધવા માગતી હતી એ તો તેને પોંખવા - એ પહેલાં સમજાયું હોત તો એ વિષય ઉખેળવાથી અમે આઘેરાં ન રહેત. 
આનંદ આંખો મીચી ગયો. 
સુરીલીની શોધમાં પોતે ગુજરાત આવ્યો ત્યાં વીરપુરમાં વસુના પિતા ધીરજલાલ ભેટી ગયા. ખરેખર તો તેઓ દીકરીને લઈને જાત્રાએ આવેલા. એમાં વસુની તબિયત બગડી હતી એથી પરેશાન પિતાની મદદમાં પોતે રહ્યો અને એમાં માણસપારખુ આદમી મને ગામ લઈ આવ્યા. મને ભાગેડુ માનવાને બદલે તેમણે મારા શબ્દોમાં વિશ્વાસ રાખ્યો : સુરીલીની શોધ તું અહી રહીને પણ કરી શકીશ. મારી હવે અવસ્થા થઈ, મને ટેકણલાકડીની જરૂર છે. તેમણે મને સ્કૂલ માટે લાયક બનાવ્યો. 
એ દરમ્યાન મારું-વસુનું નિકટ આવવું પણ સહજ હતું. તેનો પોલિયો ક્યારેય મારી આંખે ચડ્યો જ નહીં.
‘વસુ પ્રત્યે દયાથી નહીં, તને સાચા હૈયાની લાગણી હોય તો જ મારી દીકરીનો હથેવાળો કરું.’ 
પોતે આની ખાતરી આપતાં તેમણે અમારાં લગ્ન લીધાં. વસુને કશુંય કહેવાની તેમણે જ મના કરેલી. મેં તો હમણાં જાણ્યું કે વસુને મારું સત્ય જણાવીને, દીકરીની મરજી જાણી-પૂછીને પિતાજીએ અમારી છેડાછેડી બાંધી હતી. 
સુરીલીની શોધ ચાલુ હતી અને તે પહેલી વાર ઘરે આવી ત્યારે...
એવું લાગ્યું જાણે સાવિત્રીબહેન આવીને ઊભાં! એ જ સૂરત, કંઠની એ જ મીઠાશ. 
પોતે લાવણ્યાને મામાનું સંબોધન કરવા કહેતાં વસુ સમજી ગયેલી કે લાવણ્યા એ જ સુરીલી. 
‘મને હજી ગઈ રાતે આની જાણ થઈ.’ લાવણ્યાના વાક્યે આનંદ ઝબક્યા. જોયું તો ખભે લટકતા પર્સમાંથી લાવણ્યાએ કવર કાઢ્યું, ‘આમાં મારી જનેતા સાવીત્રીમાનો મને સંબોધીને પત્ર છે, જે મારી પાલક માએ વર્ષો સુધી જીવની જેમ જાળવ્યો, તેણે સાચવી રાખેલું આનંદમામાના ભાગવાનું ન્યુઝકટિંગ છે. આટલું જોશો તો મારા મામાના નિર્દોષ હોવા બાબત કોઈ આશંકા નહીં રહે.’ 
આનંદ-વસુધાને હવે ગડ બેઠી. સાવિત્રીબહેન જતાં પહેલાં દીકરીને સત્ય બતાવીને ગયાં અને લીલાવતીબહેને એનાં રખોપાં કરીને કેવો ઉપકાર કર્યો! ધન્ય એ બેઉ માવતરને. 
લાવણ્યાએ ધરેલો પત્ર ઇન્સ્પેક્ટર સાથે MLAએ પણ વાંચ્યો. 
‘આનંદસર ગુનેગાર હોય જ નહીં,’ અનુરાગે સાદ નાખતાં ગામઆખું ઊભું થઈ ગયું : હા... હા... અમારા માસ્તરને અડશો તો જોવા જેવી થશે. 
બે-ચાર જણ જ્વલંતનો કાંઠલો ઝાલીને દૂર ખેંચી ગયા : કેમ રે, અમારા ગામમાં આવીને અમારા જ માસ્તર માટે પોલીસ બોલાવે છે? કહીને બરાબરનો ઝપેટ્યો. 
‘આપણા માસ્તરને કંઈ નહીં થાય.’ MLAએ પબ્લિકને ખુશ કરવાની તક જોઈ, ‘મેં વકીલ સાથે વાત કરી છે. આપણે કેસ રીઓપન કરીશું. બહુ જલદી આનંદબાબુ નિર્દોષ જાહેર થવાના.’ 
તેમના સાદમાં સાક્ષી પુરાવતો મંદિરનો ઘંટ રણક્યો ને આનંદની આંખો ભાવાવેશથી વરસી પડી. 
અને ખરેખર ૬ મહિના પછી અદાલતે રાજશેખર ખૂનકેસમાં સાવિત્રીના લખાણને અંતિમ જુબાની તરીકે માન્ય રાખીને અમૃતને નિર્દોષ જાહેર કર્યો એ ન્યાયાલયના ઇતિહાસમાં અભૂતપૂર્વ ઘટના હતી. 
નંદીગ્રામમાં આનંદનું ભવ્ય સ્વાગત થયું. વસુધાનો ચાંલ્લો વધુ ઝગમગી ઊઠ્યો. પિતા સંતાનોના વધુ વહાલા બની ગયા. 
આ બધું છાપામાં વાંચીને જ્વલંતનો જીવ બળે છે. એક તો નંદીગ્રામમાં ખોખરાં થયેલાં હાડકાંએ જમણો પગ કાયમ માટે ખોડંગાતો થઈ ગયો અને એથી માધુરી ‘મારે લંગડા જોડે નથી પરણવું’ કહીને છેડો ફાડી ગઈ એ પડ્યા પર પાટુ જેવું લાગ્યું, પણ એ તો જેવી જેની કરણી. 
લાવણ્યાની કન્યાવિદાય મામાના ઘરેથી જ થઈ. અનુરાગ સાથે તેનો સંસાર મહેકતો જ રહ્યો એ ઉમેરવાની જરૂર ખરી. 
(સમાપ્ત)


Whatsapp-channel Whatsapp-channel

25 September, 2026 01:37 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK