Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ગત-અનાગત :અતીતની અટારીએથી (પ્રકરણ ૩)

ગત-અનાગત :અતીતની અટારીએથી (પ્રકરણ ૩)

Published : 23 September, 2026 05:06 PM | IST | Mumbai
Samit (Purvesh) Shroff

લાવણ્યા નંદીગ્રામની શાળામાં નવી નોકરી શરૂ કરે છે અને અનુરાગ સાથે પ્રેમમાં પડે છે. સત્ય જણાવ્યા બાદ પણ અનુરાગ તેનો સાથ આપે છે. જોકે લાવણ્યાની તલાશ જે કેદીની છે, તે આનંદ પોતે જ હોવાનો રહસ્ય સામે આવે છે અને કથામાં નવો જ વળાંક આવે છે.

ઇલસ્ટ્રેશન

વાર્તા-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


સમય : ૧૯૯૯.
સ્થળ : બનારસ. 
‘અભિનંદન... દીકરી અવતરી!’ નર્સે ઉમેર્યું, ‘તારી બાળકી બહુ રૂપાળી છે - એકદમ તારા પર પડી છે.’
નર્સે આપેલાં વધામણાંએ સાવિત્રીનાં થાન છલકાવી દીધાં. 
જમના દાયણનું નિદાન સાચું ઠર્યું. દીકરા માટે મરદોની હોડ જાણતી જમનાએ રાજને કહેવાનું ટાળ્યું, પણ મને તો એવુંય કહેલું કે પ્રસૂતિ કષ્ટદાયક રહેશે... એય સાચું પડ્યું, પણ છેવટે તો બાળકી હેમખેમ અવતરી એનો આનંદ. 
પણ ખબર જાણીને રાજે હૉસ્પિટલ માથે લીધી : આવું બને નહીં. પહેલા ખોળે દીકરી અવતરે એવું અમારી ૭ પેઢીમાં બન્યું નથી. 
‘અરેરેરે... તેમને દીકરાનો બહુ ચાવ હતો, તમે તેમને સમજાવોને...’ નર્સે તમાશાનો હેવાલ આપતાં સાવિત્રીથી પતિનો બચાવ થઈ ગયો, ‘કહો કે બીજી સુવાવડમાં દીકરો જન્મશે. અમારી ક્યાં એવી ઉંમર વહી ગઈ છે.’ 
નર્સ નજીક આવી, ‘હિંમત રાખજે. ડિલિવરીનાં કૉમ્પ્લિકેશન્સને કારણે તું ફરી મા નહીં બની શકે એ જાણીને જ તારા વરે ઉપાડો લીધો છે.’ 
ઓ...હ. સાવિત્રીને સમજાઈ ગયું કે દામ્પત્યની હવે પછીની સફર આસાન નહીં હોય. 
અને ખરેખર દીકરીના આગમને રાજશેખરને બદલી કાઢ્યો હતો. સાવિત્રી હજી અલગ સૂતી. તે ભાગ્યે જ સાવિત્રીના કક્ષમાં આવતો. દીકરી પર તો નજર પણ નાખવાની નહીં. સાવિત્રીએ જ અમૃત જેવા ઘરનોકરોની હાજરીમાં ઝોળીપોળી કરીને સુરીલી નામ રાખ્યું. રાજને એનીયે દરકાર નહીં. 
‘આવું ક્યાં સુધી ચાલશે રાજ?’ ક્યારેક સાવિત્રી તેનો હાથ પકડીને રોકતી, ‘આખરે તે તમારો જ અંશ છે. તમારા વહાલ પર હક છે તેનો.’ 
એવો જ રાજશેખરે પત્નીનો હાથ ઝાટકી નાખેલો : હક? મૅડમ, જરા જુઓ કે સમાજમાં કેવી વાતો ચાલે છે. બજારમાં નીકળું તો લોકો મારી દયા ખાય છે : બિચારાનો વંશવેલો ખતમ થઈ ગયો!’ રાજશેખરની કીકીમાં લાલ દોરો ઊપસ્યો : ક્યારેક તો થાય છે... થાય છે... છોડ.
બહાર નીકળી જતા પતિની પીઠને સાવિત્રી ક્ષુબ્ધતાપૂર્વક તાકી રહેતી : શું હતું રાજના અધ્યાહારમાં? શું ચાલી રહ્યું છે તેના દિમાગમાં? 
એ જે કંઈ હતું એ બાળવાર્તાના રાક્ષસની જેમ દિવસે ન વધે એટલું રાતે વધી રહ્યું હતું. તે બેસુમાર મદિરાપાન કરતો. સુરીલી પ્રત્યે તો અભાવ હતો જ, સાવિત્રી પ્રત્યે પણ ભાવ રહ્યો ન હોય એમ તેના સ્પર્શની પણ જરૂર દેખાડતો નહીં. 
સાવિત્રી કાંપી જતી : જાણે શું લખ્યું છે મારી લાડોના તકદીરમાં? 
lll
સમય : વર્તમાન.
સ્થળ : નંદીગ્રામ, વલસાડ.
‘સાહેબ, સ્કૂલનાં નવાં ટીચરને લઈને આવ્યો છું.’ 
આંગણાના શેડમાં કાર મૂકીને અનુરાગે સાદ પાડ્યો. લાવણ્યાને થોડી રમૂજ થતી હતી ને થોડી મૂંઝવણ પણ : બહુ બોલતો જુવાન પારદર્શક છે, યોગ અને કસરત તેના રસના વિષય છે, વયમાં લગભગ મારા જેટલો - પચીસ-સત્તાવીસનો હશે પણ હમઉમ્ર છોકરીઓ સાથે દોસ્તીનો કે વાતો કરવાનો બહુ અનુભવ હોય એવું લાગતું નથી. ગામમાં તેને ગોઠી ગયું છે અને આનંદસર તેનો આદર્શ છે. 
‘આપણી આ BM (ભગવાનદાસ મહેતા) સાર્વજનિક સ્કૂલ આનંદસરના શ્વશુરજીએ તેમના પિતાના નામ પર બંધાવેલી... શરૂઆતમાં ૪ ધોરણ સુધીની જ સવલત હતી. એ તો આનંદસર દર વરસે એક ધોરણ ઉમેરતાં હાયર સેકન્ડરી સુધી લઈ ગયા. શિક્ષણની જ નહીં, ગામનીયે કાયાપલટ તેમના થકી જ થઈ. જોકે સરને કોઈ વાતનું અભિમાન નહીં.’ 
અનુરાગ જે રીતે બોલતો હતો એમાં ઉપરીની ચાપલૂસીને બદલે સિદ્ધાંતનિષ્ઠ પુરુષની બિરદામણી જ લાગી હતી. 
‘તેમનાં પત્ની વસુધાદીદી પણ એટલાં જ સાલસ. હું અહીં એકલો રહું છું, પણ મોટાં બહેનની જેમ વસુદીદી મારો ખ્યાલ રાખે. મારું જ શું કામ, આખા ગામનું ધ્યાન રાખે. તેમનાં બે બાળકો આશુતોષ અને વિનીતા પરાણે વહાલાં લાગે એવાં.’ 
અત્યારે કારમાંથી ઊતરતી લાવણ્યાએ જોયું તો પરસાળના હીંચકે બેઠેલા દંપતીમાં સહજીવનનું સુખ વરતાયું ને આંગણે રમતાં બાળકોનો કિલ્લોલ. ત્યાં કોઈનો ફોન આવતાં આનંદ મોબાઇલ લઈને અંદરના ઓરડે જતા લાગ્યા. થોડી નજીક ગઈ તો વસુધા તરફ દીવાલે ટેકવેલી કાખઘોડી છૂપી ન રહી. 
‘આવો લાવણ્યા!’ વસુધાના આવકારમાં હૂંફ વર્તાઈ, ‘નંદીગ્રામમાં તમારું સ્વાગત છે. અમને તો હતું કે તમે દિવાળી વેકેશન પછીના સત્રથી જોડાશો, પણ તમે અઠવાડિયામાં જ હાજર થઈ ગયાં એ પણ સારું જ છે. આ વખતે રાજ્યનો આંતરશાળા વિજ્ઞાન મહોત્સવ આપણે ત્યાં થવાનો છે. આનંદ એની જ તૈયારીમાં મચ્યા છે.’
‘વેકેશનના અઠવાડિયા અગાઉ ૩ દિવસનું ફંક્શન છે.’ ટેબલ પર પડેલાં શાકભાજીના ઢગલામાંથી ગાજર ઉઠાવીને બટકું ભરતા અનુરાગથી વધુ ચૂપ રહેવાય એમ નહોતું, ‘સમાપન સમારંભમાં વિજેતાઓના ઇનામવિતરણ માટે આ વિસ્તારના વિધાનસભ્ય પણ પધારવાના છે.’ 
લાવણ્યાને થયું કે જેટલી કામમાં પરોવાયેલી રહીશ એટલા ભીતરના ઘા જલદી રુઝાશે. 
અને -
‘યસ લાવણ્યાબહેન, વેલકમ.’ 
પીઠ પાછળના આવકારે લાવણ્યા ઊલટી ફરે છે કે...
તેને જોતાં જ આનંદના હાવભાવમાં પલટો આવ્યો. આવકારનું સ્મિત સુકાઈ ગયું, આંખોમાં માની ન શકવાનો ભાવ થીજી ગયો. તેના હાથમાંથી વચકી પડેલા મોબાઇલને અનુરાગે રમતવીરની ચપળતાથી ઝીલી લીધો. 
‘આનંદ!’ વસુધાના સાદે આનંદની કીકીમાં સળવળાટ સર્જાયો, પૂતળામાં પ્રાણ આવે એમ હોઠને સ્મિતમાં વંકાવતા આનંદે સ્વસ્થતા કેળવી, ‘તમારું સ્વાગત છે લાવણ્યા. તમને કદાચ અનુરાગે વિજ્ઞાનમેળા બાબત કહ્યું હશે. ઘણું કામ છે.’ 
‘હું તમને નિરાશ નહીં કરું સર.’ 
‘સર હું સ્કૂલમાં. ઘરે તું મને મામા કે ભાઈ કહેશે તો ગમશે.’ 
આનંદનાં વેણમાં ટપકતી આત્મીયતા સ્પર્શી, પણ પહેલી જ મુલાકાતમાં તેનું આમ કહેવું સાંભળવામાં થોડું અજુગતું પણ લાગ્યું લાવણ્યાને. 
‘ભલે...’ તરત તો તેણે સ્મિત ફરકાવ્યું. 
‘અનુરાગ, તારો પણ ઘણો આભાર ભાઈ. હવે લાવણ્યાને તેના ઘરે ડ્રૉપ કરી દે.’ કહીને આનંદે વસુધાને નિહાળતાં તેણે વાત ઊંચકી લીધી, ‘અનુરાગ રહે છે એની બાજુનું ખાલી ખોરડું તારા માટે સાફ કરાવીને રાખ્યું છે. અઠવાડિયું રહે, તને ગમે તો મકાનમાલિક જોડે ભાડાનું નક્કી કરી રાખજે. અત્યારે સામાન મૂકીને આવતાં રહો, જમવાનું અહીં છે. તારું રસોડું કાલથી માંડજે.’ 
ડોક ધુણાવતી લાવણ્યાને થયું કે નવી નોકરીની શરૂઆત તો સારી રહી. 
lll
 ‘સત્યમ શિવમ સુન્દરમ...’ 
વહેલી પરોઢિયે નાહીધોઈ તુલસીક્યારે દીવો કરીને લાવણ્યા ઓસરીમાં સાદડી પાથરીને તાનપૂરો લઈ રોજિંદા રિયાઝમાં બેઠી. રિયાઝની શરૂઆત લતાના કંઠે મઢી પ્રાર્થના કે ભાવગીતથી થતી. 
વીત્યા આ પખવાડિયામાં ગામમાં, સ્કૂલમાં ગોઠી ગયું હતું. વસુધાએ પસંદ કરેલું ઘર નાનું પણ સુંદર હતું. આનંદસરના ગુણોની અનુભૂતિ થતી ગઈ એમ તેમના માટે સહજપણે મામાનું સંબોધન જીભે બેસી ગયું. વસુધા હસેલી : મને મામી કહેનારું કોઈ તો નીકળ્યું! આશુ-વિની પણ કેવાં કહ્યાગરાં. સ્કૂલનો સ્ટાફ પણ શિસ્તબદ્ધ. જ્વલંત જેવું કોઈ અહીં નહોતું એ કેટલું રાહતરૂપ લાગેલું. બાળકોને પણ નવી ટીચર સાથે ફાવી ગયું. વિજ્ઞાનમેળાની કામગીરી લાવણ્યાએ સામેથી માગી લીધેલી. 
‘કુલ એન્ટ્રીમાંથી ગાંધીનગરથી શૉર્ટલિસ્ટ થયેલી ૧૫ સ્કૂલો પોતાની ઇનોવેટિવ કૃતિઓ – મૉડલ્સ - સ્કૂલના ચોગાનમાં યોજાનારા પ્રદર્શનમાં મૂકશે. બુધવારથી શરૂ થનારા ૩ દિવસના મેળામાં સહેજે પચાસ-સાઠ મહેમાનોનો ઉતારો આપણી સ્કૂલમાં જ રાખ્યો છે. નિર્ણાયકો છેલ્લા દહાડે આવશે. તેમનું રોકાણ વલસાડની હોટેલમાં છે. આસપાસની સ્કૂલો બસ કરીને મેળો જોવા આવશે. તેમના માટે ચા-પાણીની વ્યવસ્થા કરવાની રહેશે. સમાપન સમારંભ શુક્રની બપોરે સ્કૂલના પ્રાંગણમાં જ યોજીશું.’
આનંદસરે કેટલું ઝીણવટથી આયોજન કર્યું છે. નાની-નાની વસ્તુનો ખ્યાલ રાખ્યો છે. મારી ડ્યુટી અનુરાગ સાથે રાખી છે.
અત્યારે રિયાઝ દરમ્યાન અનુરાગના સ્મરણે લાવણ્યાના હોઠ મીઠું મલકી પડ્યા. 
રોજ સવારે બંધ આંખે સંગીતમાં ખોવાતી લાવણ્યાને નિહાળવાનો લહાવો લેવો હોય એમ થોડી વાર દંડબેઠકની વર્ઝિશમાં બ્રેક પાડીને અનુરાગ બે ઘર વચ્ચેની પાળી પર હાથ ટેકવી ઊભો રહે. ગીત પતે, લાવણ્યાની પાંપણ ઊંચકાય કે તે મલકે, ‘તમે ઘણું સારું ગાએ છો.’ 
એક તો તે સાવ ટૂંકું હાફ પૅન્ટ પહેરીને ઊભો હોય, કસરતને કારણે પાળીએ ટેકવેલાં તેનાં ઉઘાડાં બાવડાં પર પ્રસ્વેદબિંદુ જામ્યાં હોય, ફેલાતા અજવાશમાં તેનો ઘઉંવર્ણો વાન દમકતો હોય – આમાં એટલું આકર્ષણ હોય કે નજર હટાવવી મુશ્કેલ બને. લાવણ્યા સંકોચાતી, પણ અનુરાગ તેની ધૂનમાં બોલતો રહે : તમે તો સંગીતમાં PhD કર્યું છે, કૉલેજને બદલે તમે સ્કૂલને પ્રેફરન્સ આપ્યો એ જ સૂચવે છે કે તમે પણ આનંદસરની જેમ કેળવણીમાં માનો છો. મને હતું કે સંગીતમાં વળી શું શીખવાનું, પણ થોડા જ દહાડામાં તમે છોકરાઓનાં ફેવરિટ બની ગયાં છો. જે રીતે તમે ગાઓ છો - આપણને પણ સંગીત ગમવા લાગ્યું છે. 
ઉફ્ફ. બોલ-બોલ કરતા આ જુવાનને અણસાર પણ નથી કે તેનામાં કેવી મોહિની છે, કુંવારી કન્યાના હૈયે તેનું સ્મિત કેવો છરકો કરી જાય છે. 
અને હોઠ કરડતી લાવણ્યા નયન નચાવે, ‘બસ, સંગીત જ ગમે છે?’ કમરને લચક આપતી તે પાળી નજીક જતાં લાંબો ચોટલો આગળ કરે, ‘ગાનારી નથી ગમતી?’ 
સીધો સવાલ સાંભળીને અનુરાગ શરમાય, થોથવાય પણ ખરો, ‘તમે... કોને ન ગમો.’ પછી હિંમત એકઠી કરતો હોય એવા ભાવે ઉમેરે, ‘પણ તમારા કાળા કેશમાં રાતું ગુલાબ નાખશો તો વધારે સુંદર લાગશો.’   
ક્યારામાંથી ફૂલ તોડીને તે ધ્રૂજતા હાથે મને આપે ત્યારે એવો તો વહાલો લાગે. 
અત્યારે પણ એ યાદે રિયાઝ કરતી લાવણ્યા મલકી પડી, પછી હળવો નિશ્વાસ સરી ગયો : મારાં અમુક સત્યો જણાવ્યા સિવાય હું પ્રણયમાર્ગે આગળ વધી ન શકું એ કેમ ભૂલી જવાયું. 
અને ગીત પતાવીને લાવણ્યાએ આંખો ખોલી તો ચમકી જવાયું. અનુરાગ બિલકુલ સામે બેઠો હતો, હાથમાં ગુલાબ લઈને. 
‘તમારા વાળમાં ટાંકી દઉં?’
પ્રીતની પહેલાંનો રણકો તેના સ્વરમાં પડઘાયો. અનુરાગને નિહાળતી લાવણ્યાએ નક્કી કરી લીધું, ‘તમને એ હક આપતાં પહેલાં મારે તમને કંઈક કહેવું છે...’ 
અને વાત માંડતી લાવણ્યાનું હૈયું ધ્રૂજતું હતું. થોડા સમય પહેલાં પોતાને ચાહવાનો દાવો કરનારો જ્વલંત સચ્ચાઈ જાણીને ફરી બેઠો હતો એમ અનુરાગ પણ...
કાંપતા સાદે તેણે કહેવાનું પૂરું કર્યું, મહાપ્રયાસે અનુરાગ સાથે નજરો મેળવી. ના, તેની નજર સહેજે બદલાઈ નહોતી. 
અને પોતાના કેશમાં ફૂલ ગૂંથતા અનુરાગને તે વેલની જેમ વીંટળાઈ વળી. 
lll
‘અભિનંદન.’ 
સવાર-સવારમાં ઘરે આવીને લાવણ્યાએ અનુરાગ સાથેની પ્રણયગાંઠ ખોલતાં વસુધા રાજી થઈ, આનંદની તો પાંપણ છલકાઈ : સાચે જ! 
અનુરાગ શરમાતો હોય એમ આશુ-વિની પાસે ભાગી ગયો. 
‘દિવાળીમાં હિંમતનગર જઈશું, અનુરાગનાં માતા-પિતાના આશિષ મેળવીને સગપણ જાહેર કરીશું.’
‘તું સાચે જ વહેવારડાહ્યી છે લાવણ્યા. અનુરાગના પેરન્ટ્સ ભગવાનના માણસ છે, તેમની સેવામાં ચૂકીશ નહીં.’
‘અનુરાગ બહુ સરળ છે. તેમને કદાચ મેં કહેલા સત્યનું ઊંડાણ અનુભવાયું ન હોય એટલે તમને પણ કહી દેવા માગું છું.’ 
લાવણ્યાએ પર્સમાંથી ન્યુઝ-કટિંગ કાઢીને વસુધાને ધર્યું. આનંદે કુતૂહલવશ ડોકિયું કર્યું તો મથાળું ભોંકાયું:
ખૂનકેસમાં જનમટીપની સજા પામેલો કેદી પરોલ પર નીકળીને ફરાર.
ધક્કો લાગ્યો હોય એમ આનંદની ડોક ખેંચાઈ ગઈ. 
‘મને આ આદમીની તલાશ છે...’ લાવણ્યા આટલું બોલે છે કે અંદર કાચ તૂટવાનો અવાજ આવ્યો, વિનીતાની ચીસ સંભળાઈ, ‘મમ્મી, અનુરાગભાઈને વાગ્યું...’ 
દોડાદોડીમાં વાઝ તૂટતાં અનુરાગના પગે ખરોચ જેવી જ ચૂભી હતી, પણ એની ધમાલમાં લાવણ્યાએ માંડેલી વાત વીસરાઈ ગઈ.
જોકે આનંદના હૈયે તો લાવણ્યાનું વાક્ય પડઘાતું જ રહ્યું : મને એ આદમીની તલાશ છે... 
મારે લાવણ્યાને કહી દેવું જોઈએ ખરું કે તે આદમી હું જ છું?
ભીતર ઊઠતા સવાલનો જવાબ આનંદ પાસે નહોતો. 
(ક્રમશઃ)


Whatsapp-channel Whatsapp-channel

23 September, 2026 05:06 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK