જોકે જમીન પર પૅન્ટ ફેંકતી વખતે સોમચંદનું ધ્યાન નીચે પડેલા શર્ટ પર ગયું અને તેમની આંખોમાં ચમકારો આવી ગયો. શર્ટના છેલ્લા બટન પાસે લેબલ હતું જે પૅન્ટ નીચે ફેંક્યું ત્યારે નજરે ચડ્યું.
ઇલસ્ટ્રેશન
‘હવે એક જ આશા છે...’
ઘટનાસ્થળેથી બૅગમાંથી નીકળેલાં કપડાંમાંથી ડિટેક્ટિવ સોમચંદે શર્ટ હાથમાં લીધું, ‘કપડાં કોઈ એક જ જગ્યાએ તૈયાર થયાં હોય...’
ADVERTISEMENT
સોમચંદની નજર કૉલરની પાછળના ભાગ પર ગઈ. ત્યાં લેબલ નહોતું એટલે સોમચંદે શર્ટ ખોલી નાખ્યું. જોકે એ પછી પણ કોઈ લેબલ મળ્યું નહીં અને સોમચંદે અફસોસ સાથે એ શર્ટ ફેંકીને બીજું શર્ટ હાથમાં લીધું. એ શર્ટમાં પણ કૉલરની પાછળના ભાગમાં લેબલ નહોતું અને સોમચંદે શર્ટ જમીન પર ફેંકી પૅન્ટ હાથમાં લીધું.
‘...’
મગરના ‘મ’વાળી અને ચકલીના ‘ચ’વાળી ગાળ સાથે સોમચંદે પૅન્ટનો જમીન પર ઘા કર્યો. પૅન્ટની કમર પર પણ લેબલ નહોતું. જોકે જમીન પર પૅન્ટ ફેંકતી વખતે સોમચંદનું ધ્યાન નીચે પડેલા શર્ટ પર ગયું અને તેમની આંખોમાં ચમકારો આવી ગયો. શર્ટના છેલ્લા બટન પાસે લેબલ હતું જે પૅન્ટ નીચે ફેંક્યું ત્યારે નજરે ચડ્યું. જોકે આ લેબલ દેખાયાની ચમક થોડી જ ક્ષણોમાં ઓસરી પણ ગઈ.
lll
‘ગોહિલ ટેલર્સ...’ સોમચંદના હાથમાં હજી પણ બૅગમાંથી નીકળેલાં શર્ટ હતાં, ‘ખાંડેકર, શર્ટ પર લેબલ છે એમાં ગોહિલ ટેલર્સ લખ્યું છે પણ આ ગોહિલ ટેલર્સની સાથે ક્યાંય શહેરનું નામ નથી.’
‘એ જ તો મોટો પ્રશ્ન છે.’ ઇન્સ્પેક્ટર ખાંડેકરે તરત જ કહ્યું, ‘તમે વિચારો સોમચંદ, આપણા દેશમાં કેટલા ગોહિલ ટેલર્સ હશે. આ સિવાય કોઈ એવો રસ્તો જેનાથી આપણે આરોપી સુધી પહોંચી શકીએ?’
નકારમાં માથું ધુણાવી સોમચંદે જવાબ તો આપી દીધો પણ તેની આંખો હજી પણ પેલા લેબલ પર ખોડાયેલી હતી. લેબલ અંગ્રેજીમાં હતું. સોમચંદે બીજું શર્ટ હાથમાં લીધું, એમાં પણ ‘ગોહિલ ટેલર્સ’નું જ ક્લોધિંગ લેબલ હતું. બન્ને એકસરખાં લેબલ હતાં. કલરથી માંડીને ટાઇપોગ્રાફીમાં કોઈ ફરક નહોતો. ફરક હતો તો માત્ર એટલો કે એક શર્ટનું લેબલ જૂનું થઈ ગયું હોવાને લીધે એનો કલર ઊતરી ગયો હતો, જ્યારે બીજા લેબલની ચમક અને કલર અકબંધ હતાં.
‘આરોપી જો કોઈ પ્રૂફ ન મૂકે તો માનવું કે આરોપી રીઢો છે. અને આરોપી રીઢો હોય તો માનવું કે તેણે એવી કોઈ ભૂલ કરી છે જે સ્માર્ટનેસ સાથે પકડવી પડે.’ સોમચંદે અનુમાન લગાવીને વાત શરૂ કરી, ‘આપણી પાસે હાથમાં જે કંઈ છે એ આ જ પ્રૂફ છે. આપણે ગોહિલ ટેલર્સ સુધી પહોંચીએ તો માનો કે આરોપી સુધી પહોંચી ગયા.’
‘ગોહિલ ટેલર્સ સુધી કઈ
રીતે પહોંચવું?’
‘આપણે એક પછી એક રસ્તાઓ વિચારતા જઈએ.’ સોમચંદે પેપર પર એ રસ્તાઓ લખવાના શરૂ કર્યા, ‘જો લેબલ પર સિટીનું નામ હોત તો આપણી તપાસનો પરિઘ નાનો થઈ ગયો હોત પણ સિટીનું નામ નથી એટલે અનુમાન સાથે આગળ વધીએ. ધારી લે કે આ ગોહિલ ટેલર્સ ગુજરાતમાં ક્યાંક આવેલું છે.’
‘ગુજરાત કેમ?’
‘એક કે હજી પણ ગુજરાતમાં ટેલરિંગ કરતા જૂની પેઢીના લોકો અપગ્રેડ નથી થયા. આપણે ત્યાં મુંબઈમાં ટેલર્સવાળાઓએ પણ હવે નામ મૉડર્ન કરી નાખ્યાં છે પણ ગુજરાત અને ખાસ કરીને ગુજરાતનાં નાના શહેરમાં હજી પણ આવાં નામો ચાલે છે.’
‘ગુજરાતમાં ૩૩ ડિસ્ટ્રિક્ટ છે અને ૨૬૯ તાલુકા છે. એ બધામાંથી આપણે આ નાના ટેલરને કેવી રીતે પકડીશું?’ ઇન્સ્પેક્ટર ખાંડેકર સહેજ અકળાયા હતા, ‘સોમચંદ, એ પૉસિબલ જ નથી. એકેકની પાસે જવું અને આ પ્રકારની ઇન્ક્વાયરી કરવી.’
‘પૉસિબલ તો છે અને એના પણ બે રસ્તા છે. પહેલો રસ્તો, ગુજરાતનાં તમામ પોલીસ-સ્ટેશનને કેસની વિગત આપી ગોહિલ ટેલર્સની તપાસ કરવાનું કહી શકાય અને એમાં રિઝલ્ટ પણ આવે, પણ એ પ્રોસેસ પંચવર્ષીય યોજના જેવી છે. રાહ જોવી પડે.’
‘બીજો રસ્તો...’
‘છેને, બીજો રસ્તો પણ છે... પણ એ હજી સુધી તમે ચા નથી પીવડાવી એટલે સૂઝ્યો નથી. ચા અંદર જશે એટલે તરત એ બહાર આવશે.’
ગંભીર વાતોને હળવી દિશામાં ડાઇવર્ટ કરવાની સોમચંદની આ જે આવડત હતી એના તેમને અનેક
વખત ફાયદાઓ થયા હતા. આ વખતે પણ એવું જ બન્યું.
lll
ચાના કપ ટેબલ પર મૂકવા માટે કૉન્સ્ટેબલ જેવો ઝૂક્યો કે તેના ખાખી શર્ટની પાછળ રહેલા લેબલની આછી ઝલક સોમચંદની નજરે ચડી.
‘અરે ખાંડેકર, તમારી આ વર્દી કોણ સીવે છે?’
‘મુંબઈમાં ચાર જગ્યાએ કૉન્ટ્રૅક્ટ છે. એ લોકોના સબ-કૉન્ટ્રૅક્ટર પણ છે. ત્યાં જઈને માપ આપવાનું હોય અને એ લોકો ડ્રેસ તૈયાર કરીને આપી દે.’
‘આપણે કોઈ એકને મળી આવીએ. મેઇન હોય તો વધારે સારું. ત્યાંથી થોડી વધારે ડીટેલ મળશે.’ ગરમાગરમ ચાની સિંગલ ચૂસકી લઈ સોમચંદ ઊભા થઈ ગયા, ‘ચાલ, ફટાફટ જઈએ.’
lll
‘સીધી વાત, નો બકવાસ... તમે ડ્રેસ પાછળ તમારા જે આ બી.બી. ટેલર્સનાં લેબલ લગાડો છો એ ક્યાં તૈયાર કરાવો છો?’
‘ઉલ્હાસનગર. લેબલ બનાવતી મોટા ભાગની ફૅક્ટરી ઉલ્હાસનગરમાં જ છે.’
‘ઉલ્હાસનગરમાં કેટલી ફૅક્ટરી હશે?’
‘વીસથી પચીસ.’ ટેલરિંગ કૉન્ટ્રૅક્ટ ધરાવતા અર્જુન શેખાવતે કહ્યું, ‘હવે બીજી કંપનીઓ પણ આવી ગઈ હશે, પણ આ જે વીસ-પચીસ કંપનીઓ છે એ દસકાઓથી છે.’
‘તમારે તેમના સુધી જવાનું હોય કે પછી...’
‘ના સર, રેગ્યુલર કસ્ટમર પાસે એ લોકોના એજન્ટ આવી જતા હોય છે.’ શેખાવતની વાત સાંભળીને ડિટેક્ટિવ સોમચંદની આંખો પહોળી થઈ, ‘આ જે એજન્ટ છે એ બીજી કંપનીઓનું પણ કામ કરતા હોય...’
‘ઓહ.’
‘આ બધું પૂછવાનું કારણ...’ શેખાવતને ડર લાગ્યો હતો કે ક્યાંક તેના કૉન્ટ્રૅક્ટમાં તકલીફ આવી હશે, ‘અમારી સાઇડથી કંઈ એવું થયું છે સર...’
‘અરે ના, ના. એવું નથી.’ ડિટેક્ટિવ સોમચંદે પોતાના વૉલેટમાંથી ‘ગોહિલ ટેલર્સ’નું લેબલ કાઢ્યું, ‘મને આ લેબલ કોણે બનાવ્યું છે એ જાણવું છે. ખબર પડી શકે?’
‘એ તો કેવી રીતે ખબર...’
‘રસ્તો હું તમને દેખાડું.’ સોમચંદે તરત કહ્યું, ‘તમારે તમારા એજન્ટ સાથે મને ઉલ્હાસનગર મોકલવાનો છે. અફકોર્સ મારા ખર્ચે. ત્યાં અમે અમારું કામ કરી લેશું.’
‘હા, મને વાંધો નથી...’
‘તો બોલાવો તમારા એજન્ટને, અત્યારે જ અમે નીકળી જઈએ.’ સોમચંદે ખાંડેકર સામે જોયું, ‘સૉરી યાર, આપણો સાથ અહીં સુધીનો જ હતો. હવે મળશું તારો આરોપી મારા હાથમાં આવશે ત્યારે.’
lll
‘સર, આ લેબલ અમે જ બનાવ્યાં છે.’
ઉલ્હાસનગરની ક્રિષ્ના લેબલિંગની ફૅક્ટરીના માલિક સામે ડિટેક્ટિવ સોમચંદ અને રવિ ભગત બેઠા હતા. તેમની આ ચોથી ફૅક્ટરીની મુલાકાત હતી અને એમાં જ તેમને સફળતા મળતી દેખાઈ હતી.
‘તમે આટલા કૉન્ફિડન્સ સાથે
કેવી રીતે કહી શકો કે આ તમારી જ બનાવટ છે?’
‘તમે એટલા કૉન્ફિડન્સ સાથે કેવી રીતે કહી શકો કે હું ખોટું બોલું છું?’
‘તમારું શહેર કેવાં કામ માટે પૉપ્યુલર છે એ તમે જાણો છો મિસ્ટર...’
‘ડુપ્લિકેટ ચીજવસ્તુ માટેને...’ માલિકે પાસે પડેલી પાણીની બૉટલમાંથી એક સિપ લીધી, ‘અમે પણ એ કામ કરીએ જ છીએ. અત્યારે જ પેપે જીન્સનાં લેબલ અમારે ત્યાં છાપવામાં આવે છે પણ સાહેબ, તમે રવિભાઈ સાથે આવ્યા છો. મોટું કામ કરવા આવ્યા છો, સારું કામ કરવાના છો ત્યારે મારે ધંધો નહીં, ધર્મ જોવાનો હોય.’
માલિકે ફરી લેબલ હાથમાં લીધું અને ચેમ્બરની બેલ વગાડી કે તરત પ્યુન દોડતો અંદર આવ્યો.
‘આ લેબલનાં જૂનાં સૅમ્પલ
લેતો આવ...’
પાંચ જ મિનિટમાં સોમચંદના હાથમાં એક આલબમ આવ્યું જેમાં અગાઉ પ્રિન્ટ થયેલાં લેબલ રાખવામાં આવ્યાં હતાં. ‘ગોહિલ ટેલર્સ’નો લોગો છેલ્લે ૧૦ વર્ષ પહેલાં બદલ્યો હતો, એ પછી એ લોગોમાં કોઈ ફેરફાર કરવામાં નહોતો આવ્યો.
‘મને આ દુકાનનું ઍડ્રેસ, એના ઓનરનું નામ જોઈએ છે. કૉન્ટૅક્ટ-ડીટેલ પણ જોઈએ છે.’
‘આપી તો બધું દઉં, પણ એક શરતે...’ માલિકે શરત કહી દીધી, ‘અમારું નામ ક્યાંય આવવું ન જોઈએ. શું છે, ઉલ્હાસનગરમાં રોજ તમારી જેમ પચાસ પોલીસવાળા આવે, ઇન્ક્વાયરી કરે એટલે કસ્ટમર અમારી પાસે કામ કરાવતાં ડરે. પછી અમે યુનિયન બનાવ્યું ને એમાં નક્કી કર્યું કે આપણે ક્લાયન્ટની વિગત કોઈને આપવી નહીં.’
‘મને તમારે ત્યાં બીજી કોઈ પણ નકલી પ્રોડક્ટ બનાવનારામાં ઇન્ટરેસ્ટ નથી. હું માત્ર આ ગોહિલ ટેલર્સ માટે જ તમારો સપોર્ટ માગું છું.’
‘લખો.’ માલિકે મોબાઇલમાં જોતાં કહ્યું, ‘માલિકનું નામ છે રમેશ ગોહિલ ને તેની દુકાન છે, વસઈમાં. ઍડ્રેસ છે...’
સોમચંદે ફટાફટ નોંધ કરી લીધી.
હવે તેનું નેક્સ્ટ ડેસ્ટિનેશન
વસઈ હતું.
lll
બેઠા ઘાટની દુકાન એવી ગોહિલ ટેલર્સનો ફ્રન્ટ માંડ છ ફુટનો હતો અને દુકાનની ઊંડાઈ દસ ફુટની હતી. દુકાનના ફ્રન્ટ ભાગમાં ત્રણ ફુટ હાઇટનો શોકેસ હતો અને પાછળના ભાગમાં બે સિલાઇ મશીન હતાં. એક મશીન ખાલી હતું અને એક મશીન પર કામ ચાલતું હતું.
‘રમેશભાઈ ગોહિલ...’
દુકાને જઈને સોમચંદે પૂછ્યું કે મશીન પર કામ કરતા પચીસેક વર્ષના છોકરાએ જવાબ આપ્યો,
‘પપ્પા બહાર ગયા છે.’ ત્યાંથી બેઠાં-બેઠાં જ તેણે સવાલ કર્યો, ‘કામ હતું?’
‘હા, મારે મળવું છે. કેટલી વારમાં આવશે?’
‘એ તો લગનમાં છે. આજે
નહીં આવે.’
‘લગનમાં ક્યાં ગયા છે, વસઈમાં જ છે?’
‘એ બધી તો મને બહુ નથી ખબર પણ તેમના કોઈ ફ્રેન્ડના દીકરાનાં મૅરેજ હતાં તો એમાં ગયા છે.’ છોકરાએ હજી પણ ઊભા થવાની તસ્દી નહોતી લીધી, ‘મોબાઇલ રાખતા નથી, નહીં તો તમને વાત કરાવી દેત.’
‘હંમ...’ સોમચંદે ટાઇમપાસ શરૂ કર્યો, ‘તું તેનો દીકરો? શું નામ તારું?’
‘કલ્પેશ.’
‘કલ્પેશ, એકાદી સરસ ચા પીએ.’ સોમચંદ આત્મીયતા કેળવી રહ્યા હતા, ‘ચા પછી એકાદ ગુટકા પણ ચડાવીએ.’
‘કહી દઉંને ચાનું...’
ગુટકાનું નામ પડતાં કલ્પેશ ઊભો થઈ શોકેસ પાસે આવ્યો અને તેણે દુકાનની બહાર મોઢું કાઢીને જમણી તરફ જોરથી રાડ પાડી.
‘કાના, બે ટુકડા...’
‘તું શું કરે છે કલ્પેશ?.’ ખિસ્સામાંથી ગુટકાનું ઝિપ પાઉચ કાઢી કલ્પેશ સામે ધરતાં સોમચંદે પૂછ્યું, ‘ભણવાનું પતી ગયું?’
‘ભણવામાં રસ નહોતો એટલે
મૂકી દીધું.’
કલ્પેશ ફરી મશીન તરફ આગળ વધ્યો અને પહેલી વાર સોમચંદનું ધ્યાન પડ્યું કે પોલિયોને કારણે તેના પગમાં ખોડ છે.
‘તમારે એવું કંઈ કામ હોય તો મને કહી દો. મારાથી થાય તો હું હેલ્પ કરું.’
‘મને એક હેલ્પ જોઈએ છે કલ્પેશ...’ હાથમાં રહેલી લૅપટૉપની બૅગ શોકેસ પર મૂકી સોમચંદે એમાંથી એક શર્ટ કાઢ્યું, ‘જેનું આ શર્ટ છે તેની મને ડીટેલ જોઈએ છે.’
ડિટેક્ટિવ સોમચંદની આંખો શર્ટ પર હતી, જો તેમની નજર કલ્પેશ પર હોત તો સફેદ પડી ગયેલા એ ચહેરાને તે પારખી શક્યા હોત... પણ...
વધુ આવતી કાલે


