બૉમ્બે હાઈ કોર્ટે આવી ટિપ્પણી કરીને રેલવેની દલીલ રિજેક્ટ કરી દીધી
પ્રતીકાત્મક તસવીર
બૉમ્બે હાઈ કોર્ટે ગઈ કાલે કહ્યું હતું કે સખત ગિરદી હોય એવી લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતો પ્રવાસી ફુટબોર્ડ પર પ્રવાસ કરે અને તેની સાથે જો કોઈ અનિચ્છનીય ઘટના બને અને અકસ્માત થાય તો એમ ન કહી શકાય કે પ્રવાસીના બેદરકારીપૂર્વકના વર્તનને કારણે એ અકસ્માત થયો, તેનું એ વર્તન બેદરકારી ન ગણી શકાય. કોર્ટે આમ કહીને રેલવે-અકસ્માતમાં મૃત્યુ પામેલી વ્યક્તિના પરિવારને એ માટે વળતર મળવું જોઈએ એવા
રેલવે-ટ્રિબ્યુનલના ચુકાદાને માન્ય રાખ્યો હતો. રેલવે તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે એ અકસ્માત તે વ્યક્તિએ દરવાજા પાસે ઊભા રહીને પ્રવાસ કર્યો એટલે તેની પોતાની બેદરકારીને લીધો થયો હતો, જોકે કોર્ટે એ સ્વીકારી નહોતી.
ADVERTISEMENT
૨૦૦૫ની ૨૮ ઑક્ટોબરે ભાઈંદરથી મરીન લાઇન્સ જઈ રહેલી એક વ્યક્તિ ટ્રેનમાંથી નીચે પડી હતી અને એ પછી કેટલાક દિવસે તેને થયેલી ઈજાઓને કારણે સારવાર દરમ્યાન તેનું મૃત્યુ થયું હતું. આ કેસમાં કોર્ટે ઉપરોક્ત ટિપ્પણી કરી હતી.
રેલવે તરફથી કરાયેલી રજૂઆતને ફગાવી દેતાં જસ્ટિસ જિતેન્દ્ર જૈને કહ્યું હતું કે ‘વિરાર–ચર્ચગેટ ટ્રેન ખાસ કરીને પીક અવર્સમાં ઓવરક્રાઉડેડ હોય છે એટલે કોઈ પણ પ્રવાસીને ટ્રેનની અંદર જવામાં ભારે મુશ્કેલી પડે છે અને એમાં પણ ભાઈંદર સ્ટેશનથી તો ખાસ. વળી આવી પરિસ્થિતિ આજે પણ છે. એથી પ્રવાસીએ દરવાજા પાસે ઊભા રહીને પ્રવાસ કર્યો એ દલીલ ન સ્વીકારી શકાય. જો પ્રવાસી તેના કામધંધે જતો હોય અને જો ડબ્બામાં જવું બહુ જ મુશ્કેલ હોય એવા સમયે પ્રવાસી પાસે કોઈ વિકલ્પ નથી હોતો અને તેણે જીવના જોખમે દરવાજા પર ઊભા રહીને પ્રવાસ કરવો પડે છે એ હકીકતને નજરઅંદાજ ન કરી શકાય.’
જસ્ટિસ જિતેન્દ્ર જૈને વધુમાં કહ્યું હતું કે કાયદામાં એવું ક્યાંય કહેવાયું નથી કે ભારે ગિરદીને કારણે જો કોઈ વ્યક્તિ દરવાજા પર ઊભી રહી હોય અને પડી જાય તો એને અનિચ્છનીય ઘટના ન ગણી શકાય.


