હેં! માએ વારસાઈ બાબત પોતાને મનાવવા તેમને નિમંત્ર્યાં જાણીને વિજય પોરસાયો એમ સહેજ ભોંઠપ પણ અનુભવી : તુંય ખરી છો મા, તેમને તકલીફ અપાય?
ઇલસ્ટ્રેશન
‘રાજમાતા!’
રવિવારની સવારે હિંમતગઢનાં રાજમાતા મીનળદેવીના વિડિયો-કૉલે તર્જની ખીલી ઊઠી, ‘પ્રણામ!’
ADVERTISEMENT
જમીનના એક સોદા અંતર્ગત સામી પાર્ટીની ચકાસણી માટે રાજનગરનાં ઠકરાણાની ભલામણે રાજમાતાએ કેતુ-તર્જનીને તપાસનું કામ સોંપ્યું ત્યારથી બંધાયેલો સંબંધ આજે તો આત્મીય બની ચૂક્યો છે. કેતુ-તર્જની રાજમાતાને પંડનાં સંતાન જેવાં જ વહાલાં છે તો જાસૂસ જોડી માટે મીનળદેવી ઘરનાં વડીલતુલ્ય છે.
મીનળદેવી હિંમતગઢનું સૌથી આદરપાત્ર નામ છે. અકાળે આવેલું વૈધવ્ય, બે કુંવરોનો ઉછેર, ઉપરાંત સ્ટેટની જવાબદારી એમ રાજમાતા દરેક મોરચે યશસ્વી રહ્યાં. સિદ્ધાંતપ્રિય માતાનો સંસ્કારવારસો બન્ને પુત્રો – સમીરસિંહ અને અર્જુનસિંહે - સુપેરે જાળવ્યો. રાજમાતાને વહુઓ પણ એવી જ ગુણિયલ મળી. રાજપરિવારનાં સામાજિક સૂત્રો વહુઓને સોંપી રાજમાતા પૌત્ર-પૌત્રીઓને રમાડવાની નિવૃત્તિ માણે છે. લોકકલ્યાણનાં કાર્યોમાં વધુ વ્યસ્ત રહેતાં રાજમાતા પંચાવન વર્ષની વયે પણ એવાં જ મૂર્તિમંત લાગે છે. કેતુ-તર્જનીને હિંમતગઢ આવવાનું તેમનું કાયમનું નિમંત્રણ હોય છે. ખરેખર તો પૅલેસ કૉમ્પલેક્સમાં હરકોઈ કેતુ-તર્જનીનું હેવાયું છે.
આજે પણ તેમણે વાતચીતની શરૂઆત નિમંત્રણથી જ કરી,
‘આજથી દસમા દિવસે નાતાલ છે અને પછી ઈસુનું નવું વર્ષ... બેવડી ઉજવણી માટે હિંમતગઢ આવો. ખુલ્લા મેદાનમાં આતશબાજીનો પ્રોગ્રામ રાખ્યો છે, આનંદમેળો ભરાશે, મઝા આવશે.’
‘ચોક્કસ રાજમાતા, ઘણા સમયથી આપને મળાયું નથી એટલે બ્રેક તો લેવો જ છે.’
તર્જનીએ પ્રૉમિસ તો આપ્યું, પણ
ત્યારે ક્યાં ખબર હતી કે ક્રિસમસ પહેલાં જ હિંમતગઢ દોડી જવાના સંજોગો સર્જાવાના છે!
lll
મીનળદેવીએ તર્જનીનો ફોન મૂક્યો કે સામેથી રિંગ આવી.
આ તો હમીરગઢનાં મહારાણી મોહિનીદેવી!
સ્ક્રીન પર ઝબૂકતો નંબર જોઈ રાજમાતાને નવાઈ લાગી: સવાર-સવારમાં તેને મારું શું કામ પડ્યું!
‘કામ તાકીદનું છે, રાજમાતા.’
પ્રણામનો શિષ્ટાચાર પતાવી મોહિનીદેવી તરત જ મુદ્દે આવ્યાં, ‘તમે તો જાણો છો, આવતા મહિને મહારાજસાહેબ (ભવાનીસિંહ)ના દેહાંતને વર્ષ થવાનું એટલે રિવાજ મુજબ તેમના રાજવારસાની વહેંચણી કરવાની થાય છે.’
રાજમાતાએ ડોક ધુણાવી.
હમીરગઢની રિયાસત હિંમતગઢ જેટલી મોટી તો નહીં, તોય ખાસ્સી ખમતીધર ગણાય એવી. હમીરગઢનો રાજપરિવાર હંમેશાં હિંમતગઢનો હિતેચ્છુ રહ્યો છે. પ્રસંગોપાત્ત મળવાનું બને ત્યારે ભવાનીસિંહ-મોહિનીદેવીએ ભારોભાર આદર દાખવ્યો છે. એટલે તો ગયા વર્ષે ભવાનીસિંહ હૃદયરોગમાં અણધાર્યા ઊકલી ગયા ત્યારે નાદુરસ્ત તબિયત હોવા છતાં રાજમાતા પરિવારને દિલસોજી પાઠવવા પહોંચી ગયેલાં.
મહારાજના મોટા દીકરા વિજયસિંહે બહુ પીઢતાથી આઘાતવશ મા-ભાઈને સંભાળ્યા હતા.
‘વિજયની તો મને ચિંતા જ નથી, રાજમાતા...’
નીકળતાં પહેલાં મોહિની સાથે કલાકેક બેસવાનું બન્યું એ એકાંત મેળાપમાં તેમણે હૈયું ખોલેલું : તમારાથી અમારા સંજોગ ક્યાં છૂપા છે, રાજમાતા!
મીનળદેવીએ તેમનો પહોંચો પસવાર્યો.
ભવાનીસિંહનાં પહેલાં રાણી અનસૂયાદેવી દીકરાને જન્મ આપી ઝાઝું જીવ્યાં નહીં. વિજય દસ વર્ષનો થયો ત્યારે મહારાજે મોહિનીદેવી સાથે બીજાં લગ્ન કર્યાં. ખરેખર તો પહેલી વાર પૅલેસમાં પગ મૂકનારી મોહિનીએ સર્પડંખ જીરવી વિજયની ઘાત પોતે લઈ લીધી એમાં નમાયા દીકરા જોડે માતૃત્વની ગાંઠ બંધાઈ...
‘હું વિજયમાં એટલી ઓતપ્રોત હતી કે લગ્નના ત્રીજા વર્ષે મને દિવસો રહ્યા એય થોડું અડવું લાગેલું. મહારાજે મા બનવાની વધાઈ આપી ત્યારે મારાથી છણકો થઈ ગયેલો: મા તો હું છું જ મહારાજ, આ તો ખાલી સંતાનને જન્મ આપવાની એમ કહો! સાચું કહું તો વિજય પણ નવા મહેમાન વિશે જાણી થોડો સહેમી ગયેલો. તેર વર્ષનો કિશોર હવે નાદાન કે નાસમજ નહોતો. માને તેમનું પોતાનું સંતાન આવતાં મા મને ભૂલી તો નહીં જાયને! આની ધાસ્તી મને તેની આંખોમાં, તેના સ્પર્શમાં વર્તાતી ને હું તેને છાતીસરસો ચાંપી દેતી: મારો લાડકો તો તું જ રહેવાનો!’
‘જાણું છું, મોહિની,’ મહારાજસાહેબ હંમેશાં આનો ગર્વ ગાતા.
‘પૂરા મહિને મેં કુંવરને જન્મ આપ્યો ત્યારે મહારાજ બોલેલા કે મારા રામનો લક્ષ્મણ આવી ગયો, પણ...’ મોહિનીદેવીએ ધગધગતો નિસાસો નાખેલો, ‘દીકરાનું નામ પણ મેં વિજયને પૂછીને, તેનું ગમતું પાડ્યું : ઉદય! પણ ઉજાસને બદલે અંધકારનો શ્રાપ લઈને આવ્યો હોય એમ મોટો થતો ગયો એમ તેનાં કુલક્ષણ ઊઘડતાં ગયાં. શાળામાં તોફાન કરે, નોકરો સાથે તુમાખીથી વર્તે, પંદર વર્ષની ઉંમરે શરાબ પીવા લાગ્યો, જુગાર રમતાં મેં તેને ઝડપ્યો.’
એ ઘડીએ મોહિનીદેવીનો આપો તૂટ્યો. દર વખતે નાના ભાઈની ઢાલ બનતા, તેને છાવરતા વિજયને પણ ગાંઠ્યા નહીં, ધરાર તેને ગુરુકુળમાં મૂક્યો.
‘હમીરગઢનું ગુરુકુળ શિસ્ત અને શિક્ષણ માટે ખ્યાત છે. પણ નસીબના બળેલા ઉદયને તો ઘરથી દૂર જવામાં ફાવતું પડ્યું હોય એમ બાકી હતું તે ઐયાશીનો ચસકો લાગ્યો! વરસ દહાડામાં તેને પાછો તેડાવી લેવો પડ્યો. હું તો કહું છું મહારાજને તેની ચિંતામાં જ હાર્ટ-અટૅક આવી ગયો. પિતાના દેહાંતે તે ઢીલો પડી ગયો છે, પણ શોકની અસર કેટલીક ટકશે! તમે જ જુઓને, શરાબ-શબાબના વ્યસને તેની ઊઘડતી જુવાનીનું નૂર ચૂસી લીધું છે, સટ્ટા વિના તેનાથી જિવાય એમ નથી. વિજય તેનો ઢાંકપિછોડો કરતો રહે છે, પણ ક્યાં સુધી?’
‘ધીરજ રાખો, મોહિની, સૌ સારાવાના થશે.’ રાજમાતા બીજુ તો શું કહે?
બે ભાઈઓમાં દેખીતો ફરક હતો. લાંબો-પહોળો વિજયસિંહ ભારોભાર દેખાવડો, ટેક્નૉલૉજીનું ભણેલો, ઉષ્માસભર, જોતાં જ ગમી જાય એવો. જ્યારે અઢાર વર્ષની ઉંમરે ઉદય દૂબળોપાતળો, નિસ્તેજ.
‘વિજયસિંહ પણ એકત્રીસનો થયો. આવા હોનહાર જુવાન માટે માગાની કમી તો ન જ હોય.’ મીનળદેવીએ વિષયાંતર કરવાના ઇરાદે પૂછેલું.
‘કહેણ તો બહુ આવ્યાં... વિજયને વિરમગામના રાજકુટુંબની કન્યા ગમી પણ ખરી. બેએક વરસ અગાઉની આ વાત.’ મોહિનીદેવીએ વળી નિશ્વાસ નાખ્યો, ‘તમે તો જાણો છો રાજમાતા, રાજપુતાનામાં ક્યારેક જુનવાણીપણું હાવી થઈ જાય છે. રાજરાણી તરીકે સામાન્ય ઘરની કન્યા હોય એ ઘણાને ખૂંચતું હોય છે. હું રાજઘરાનાની નથી એ મતલબની ચર્ચા વિરમગામના રાજપરિવારમાં થઈ હશે, એના આધારે પેલી કન્યા વિજયને મારા માટે ઘસાતું બોલી ગઈ : તમારો નાનો ભાઈ વંઠેલ નીકળ્યો એની શી નવાઈ, આખરે તો તમારી સાવકી માતાનું ખોરડું હલકું જને!’
આગળનો વળાંક રાજમાતા વિના કહ્યે સમજી ગયાં. કોઈ મોહિનીને સાવકી કહે, તેના માટે ઘસાતું બોલે એ વિજયથી કેમ સહન થાય!
‘તેનો પિત્તો ગયો, એ કહેણ તો પાછું ઠેલ્યું જ, બીજેય છોકરી જોવા તૈયાર નથી થતો. ખેર, વિજયને તો હું લગ્ન માટે રાજી કરી જ લઈશ, પણ ઉદય મારી બરાબર કસોટી કરવાનો!’
ત્યારે તો પોતે તેમને આશ્વસ્ત કરી નીકળી આવેલાં, વચમાં એકાદ વાર વાત થઈ અને હવે આજે મહારાજની વારસાઈ માટે મોહિનીદેવીનો ફોન. ક્યાંક એવું તો નથીને કે નાના ભાઈનાં કુલક્ષણ આગળ ધરી ડાહ્યો ગણાતો મોટો દીકરો આખો વારસો પચાવી પાડવા માગતો હોય!
વિચારમેળો સમેટી રાજમાતા
એકાગ્ર બન્યાં.
‘વિજય માનતો જ નથી, કહે છે મોટા દીકરા તરીકે રાજા ભલે હું ગણાઉં, પણ મિલકતના તો બે સરખા ભાગ જ થશે.’
હેં!
‘તો આમાં વાંધો શું છે?’ રાજમાતાને સમજાયું નહીં.
‘રાજમાતા, ઉદયની લાયકાત તો જુઓ. શરાબી-જુગારી છોકરો બધું ઉડાવી દેવામાં ખાનદાનની આબરૂ બોળશે, મને એનો ફડકો છે.’
આ કેવું! વિજયસિંહ સાવકા ભાઈનો હક મારવા રાજી નથી અને બીજી બાજુ એક માતા સગા દીકરાને કોરાણે મૂકી રાજવારસો સાવકાની ઝોળીમાં નાખવા માગે છે! મમતાનું, હેતનું આનાથી ઉમદા ઉદાહરણ બીજું શું હોય?
‘શક્ય હોય રાજમાતા, તો આપ આવી વિજયને સમજાવો. તમારો બોલ તો તે પણ નહીં ઉથાપી શકે.’
મીનળદેવી પોતે રાજવી કુટુંબનાં નહોતાં, પણ અમરસિંહજીને પરણી સવાયાં રાજપુતાણી બનીને રહ્યાં. રાજપુતાનામાં તેમનો પડ્યો બોલ ઝીલાય છે. વિખવાદમાં તેમની મધ્યસ્થી હોય પછી કોઈએ બોલવાનું રહેતું નથી.
‘અર્જન્ટ હોય તો હું આજકાલમાં જ આવી જઈશ મોહિની, બીજું તો ઠીક, વિજયને પોંખવા પણ જરૂર આવીશ!’
lll
તૂને ઓ રંગીલે કૈસા જાદુ કિયા...
સોમવારની બપોરે દિવાકરની કૅબિનની રોલિંગ ચૅર પર ગોઠવાઈ મોબાઇલમાં બે વર્ષ અગાઉના સ્વિટ્ઝરલૅન્ડના પ્રવાસની રીલ જોતાં કામિનીની કીકીમાં ભીનાશ છવાઈ.
અમારાં લગ્નનું એ ચોથું વર્ષ. દર ચાર-છ મહિને દિવાકરને હરવાફરવાનો જોસ્સો ઊપડે ને ચાર-છ દિવસનો એ પ્રવાસ હનીમૂન જેવો જ બની રહે, ધગધગતો!
અત્યારે પણ એ યાદે હળવો સિસકારો થઈ ગયો. હોઠ કરડી કામિનીએ રીલમાં ધ્યાન પરોવ્યું. બરફમાં લસરતાં પતિ-પત્ની અને એની રિધમમાં બૅકગ્રાઉન્ડમાં ગુંજતું લતાનું ગીત...
તેં પણ મારા પર જાદુ જ કર્યો હતોને, દિવાકર!
કામિની સંભારી રહી:
સિવિલ એન્જિનિયર થઈ તારી ‘મલ્હોત્રા બિલ્ડર્સ’ની આ ઑફિસમાં ઇન્ટરવ્યુ આપવા આવી ત્યારે પહેલી વાર તને જોયો. બેશક, હું રૂપાળી હતી ને ઇન્ટરવ્યુ માટે સાડીનો પોશાક પરિધાન કર્યો હતો એનો અંદાજ કાતિલાના હોવાનો અંદેશો મારા પર ટકી રહેતી પુરુષ નજરોથી આવતો જ હતો ને એમાં તારી નજર પણ અપવાદ નહોતી. પણ એમ તો તને જોઈ મારાં ઉરજોમાં મચેલો ઉત્પાત હું જ જાણતી હતી!
ઑફિસમાં, મારા-તારા વર્તુળમાં બધાને એમ જ કે તું મારી પાછળ લટ્ટુ બન્યો ને છ માસમાં આપણે પરણી ગયાં, પણ હકીકતમાં હું પણ તારી પાછળ એટલી જ ઘેલી હતી. હૅન્ડસમ પુરુષો તો ઘણા હોય, પણ તારા સોહામણાપણામાં ટપકતી ચસોચસ મરદાનગીએ મને ઘેલી કરી હતી એની કબૂલાત મેં લંડનની હોટેલના મધુરજની સ્વીટમાં કરતાં તારી સીટી સરી ગયેલી: રિયલી! તમે ઓરતો ભેદ છુપાવવામાં આટલી ઉસ્તાદ હો છો!
ભેદ.
કામિનીનું હૈયું સહેજ થડકી ગયું.
ત્યારે તેના ઘરે નૈના CCTVની
નજર ચૂકવી કબાટની તિજોરી ખોલવામાં મગ્ન હતી!
હાઉસમેઇડ પ્રોવાઇડ કરતી
એજન્સી સાથે સેટિંગ કરી ચૈતાલીએ નૈનાને અહીં ગોઠવી હતી. એમાં હવે કંઈ કામનું મળી જાય એ માટે ફિંગર ક્રૉસ કરી નૈનાએ તિજોરીનો કોડ ક્રૅક કરવાની મથામણ આદરી.
lll
‘રંભા, દીવાનખંડની સફાઈ કરાવી દે. કિશોરી, મહેમાન કક્ષ તૈયાર થઈ ગયો?’
મંગળવારની સવાર-સવારમાં માએ આ શાની ધમાલ માંડી છે? આટલી સાફસફાઈ, બત્રીસ જાતનાં પકવાન...
‘મા, જરૂર કોઈ VIP આવી રહ્યું લાગે છે!’ વિજયસિંહે માનો હાથ પકડી સોફા પર બેસાડી, ‘મને કહ્યું હોત તો હું બધું કરાવી દેત, તું શું કામ તકલીફ લે છે!’
‘મારે હુકમો જ છોડવાના હોય છે, એમાં વળી તકલીફ શાની? અને આજે આવનારા મહેમાન જ એવા છે કે તકલીફ પણ વહાલી લાગે.’
એવા તે કોણ મહેમાન છે?
‘હિંમતગઢનાં રાજમાતા.’
હેં! માએ વારસાઈ બાબત પોતાને મનાવવા તેમને નિમંત્ર્યાં જાણીને વિજય પોરસાયો એમ સહેજ ભોંઠપ પણ અનુભવી : તુંય ખરી છો મા, તેમને તકલીફ અપાય?
‘મારો ડાહ્યો દીકરો માતાનું માનતો નથી પછી મારે રાજમાતાને જ તેડાવા પડેને.’
અને ત્રણ કલાક પછી હિંમતગઢનું રાજચિહ્ન ધરાવતી મર્સિડીઝ પૅલેસના પોર્ચમાં દાખલ થઈ ત્યારે મોહિનીદેવી બન્ને દીકરા સાથે રાજમાતાને આવકારવા ખડા પગે ઊભા હતા.
પોતાનું એક રાતનું રોકાણ કેવો વળાંક આણશે એની તો રાજમાતાને પણ ક્યાં ખબર હતી?
lll
રાત્રે, કિચનમાં સૂતી નૈનાએ મોબાઇલ ખોલ્યો. આજે બપોરે મહાપ્રયત્ને કબાટની સેફ ખૂલી હતી. એમાં ખાખી કવરમાં અમુક કાગળિયાં હતાં. ધ્યાનથી જોવાનો અવકાશ નહોતો એટલે પોતે ફોનમાં સ્કૅન કરી રાખેલાં...
લેટ્સ સ્ટડી ધેમ.
અને સ્કૅન કરેલાં કાગળિયાં જોતી ગઈ એમ તેની આંખોમાં અચરજ ઘુંટાતું ગયું: આ તો મેડિકલ ટેસ્ટ રિપોર્ટ્સ છે જે સૂચવે છે કે...
વેલ, વેલ, દિવાકરની હત્યા થઈ હોય તો ધિસ કુડ બી ધ મોટિવ!
(વધુ આવતી કાલે)


